ભ્રષ્ટાચારના ભરડામાંથી છટકી શકાતું નથી!

Tarak Mehta Article

Tarak Mehta

Jul 13, 2018, 05:34 PM IST

મારામાં અને ગાય-ભેંસોમાં એક સામ્ય છે. એ પશુઓ ચારો ચર્યા પછી છાંયડે બેસી ચારો વાગોળે છે. હું સાંજ પડ્યે બગીચાના બાંકડે બેસી સમાચારો, વિચારો અને આજકાલ ચાલતા ચૂંટણી પ્રચારોનો ચારો વાગોળું છું. હવેના ચારામાં મોટે ભાગે એંઠવાડ જ હોય,
છે. ટીવી કમર્શિયલમાં સામા માણસના વસ્ત્રની સફેદીથી અંજાયેલો માણસ
સવાલ પૂછે છે, ‘ભલા, આ માણસનું ખમીસ મારા ખમીસ કરતાં વધારે સફેદ કેમ છે?’ ચૂંટણી કમર્શિયલમાં સીધી જાહેરાત થાય છે : અજિત જોગી કરતાં જુવેદો વધારે ઊજળો છે. દિગ્ગીરાજા કરતાં ઉમા ભારતી વધારે સ્વચ્છ છે. ગેહલોત નબળો છે. શીલા દીક્ષિત નિષ્ફળ છે.

બધાં જ પ્રશ્નોનું એક જ ચૂંટણી પ્રતીક છે – ઉકરડો. પ્રજા માટે એક જ સૂત્ર છે : સૌથી ઓછા ભ્રષ્ટ ઉમેદવારને ચૂંટો. (ડેન્ગ્યૂના મચ્છરથી દૂર રહો.)

શિયાળાએ પણ સરકારી અમલદારોની પેઠે એના નહોર કાઢવા માંડ્યા છે. સ્વાસ્થ્ય ચિંતિતો સવાર-સાંજ ચાલવા અને દોડવા માંડ્યા છે. રિક્ષા અને ટ્રકોના ધુમાડા આપણને કોઠે પડી ગયા છે.

આજે બાંકડે હું એકલો બેઠો છું અને દેશના સ્વાથ્યનો વિચાર કરું છું. એ બિચારો આપણી જેમ ચાલી શકે તેમ નથી. આઝાદ થયા પછી એ વહેલો ઘરડો થયો છે. એનાં ઢીંચણથી માંડીને એક પણ અવયવને રિપેર કરે કે એના સ્થાને નવું બેસાડે એવા ડૉક્ટરો નથી – અમેરિકા કે યુરોપમાં પણ નહીં. એમને મદદે બોલાવો તો એ આ દેશનાં જે કંઈ સાજા અવયવ રહ્યાં છે તેની પણ તફડંચી કરી જાય.

તો જે વર્ષે તમે એ ડિક્લેર નહીં કરો એ વર્ષે તમારા ઉપર ઇન્ક્વાયરી આવશે કે આ વર્ષે તમે તમારી ઉપરની આવક કેમ છુપાવી છે? તમે ખુલાસા કરીને થાકી જશો

આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? બીજાની વાત શું કામ કરું? મારી જ વાત કરું. હું પોતે કેન્દ્ર સરકારનો સત્તાવીસ વરસ સુધી અમલદાર હતો. નોકરીમાં જોડાયો ત્યારે પ્રામાણિકતાની પૂંછડી. બાપાના ગાંધીવાદી સંસ્કારોનો વારસો મળ્યો હતો. એક પ્રસંગ હજી આંખ સામેથી હટતો નથી. બાપાએ સંજોગવશાત ટેકનિકલ સ્કૂલમાં શિક્ષણ લીધેલું અને એ જ સ્કૂલમાં શિક્ષણ આપવાનું શરૂ કરેલું. એ અમદાવાદની ટેક્સટાઇલ મિલોનો સુવર્ણકાળ હતો. મિલમાં સ્પિનિંગ માસ્ટરની પાયરીથી શરૂ કરી સ્પિનિંગ સુપરિન્ટેન્ડન્ટના હોદ્દે પહોંચેલા. સૌ પ્રથમ ટેરિકોટ કાપડ એમણે બનાવેલું. નોકરીમાં કટકી કાઢવાનો ઘણો અવકાશ હતો. કેટલીક વાર તો મિલના શેઠિયાઓ પોતે જ મિલ માટે ખરીદાતા કાચા માલમાં ઘાલમેલ કરતા. ત્યારે એરકંડિશનરોની સગવડ આવી નહોતી. ઘાલમેલની ઘટનાની જાણ થાય તેની સાથે જ બાપાનું બોઇલર ફાટતું. તત્કાળ નોકરી છોડીને ઘેર. પ્રતિષ્ઠાને કારણે ચઢિયાતી નોકરી મળી જ જતી. અરે હા, મારી નજર સામે રમતા કિસ્સાની વાત કરું.

એકવાર અમે છોકરાઓ ગપ્પાં મારતાં બેઠેલા ત્યાં એક માણસ કેરીનો મોટો કંડીઓ લઈ અમારું ઘર પૂછતો આવ્યો. અમે તો ખુશ ખુશ. કંડીઓ ઓટલા પર મુકાવી અમે ઉપર આરામ કરી રહેલા બાપાને ખબર આપી. એ નીચે આવ્યા. કંડીઆ સાથે આવેલું વેપારીના નામનું કાર્ડ વાંચ્યું. બીજી ક્ષણે બોઇલર ફાટ્યું. જવાબમાં એમણે કંડીઓને મારી લાત. અમારી ખડકીમાં ચારે તરફ કેરીઓ જ કેરીઓ. કેરીઓની એવી સ્થિતિ પાડોશીઓએ પણ પહેલી વાર જોઈ હતી.

સરકારી નોકરીમાં જોડાયો ત્યારે મારા આવા સંસ્કાર. હા, મગજમાં એમના જેવું બોઈલર નહીં. પહેલા જ દિવસે હું અમારા ‘
‘ફિલ્મ્સ ડિવિઝન'ના વડા પ્રશાસન અધિકારીની સલાહ લેવા ગયો.

‘સર, હું વાર્તાઓ, નાટકો, લેખો લખું છું. એની મને આવક થાય છે તે મારે ડિક્લેર કરવી છે.'
અધિકારી મારી સામે જોઈ રહ્યા.

‘કેટલી આવક થાય છે, મિસ્ટર મહેતા?’ એમણે અંગ્રેજીમાં પૂછ્યું.

‘આશરે પાંચસો.’

‘મહિને કે વર્ષે?'

‘વર્ષે.’
ત્યારે મારું નામ થયું નહોતું. આજના જેટલી નાટ્યપ્રવૃત્તિ નહોતી. હું નિયમિત લખતો પણ નહોતો અને પુરસ્કારનાં ધોરણ પાતળાં હતાં. લેખન તો ફક્ત શોખ પૂરતું હતું.

આંકડો સાંભળી અધિકારી હળવું હસ્યા.
‘મિસ્ટર મહેતા, આ તમારી નિયમિત આવક છે?'

‘ના, સર, વાર્તા છપાય તો કે નાટક ભજવાય તો જ પુરસ્કાર મળે.'

‘મિસ્ટર મહેતા, કોઈ વર્ષે બિલકુલ આવક ન થાય તેવું પણ બનેને?’

‘યસ, સર.’

‘તો જે વર્ષે તમે એ ડિક્લેર નહીં કરો એ વર્ષે તમારા ઉપર ઇન્ક્વાયરી આવશે કે આ વર્ષે તમે તમારી ઉપરની આવક કેમ છુપાવી છે? તમે ખુલાસા કરીને થાકી જશો.’

‘તો મારે કરવું શું, સર?'

‘તમારા વાઈફને નામે પૈસા લેવાના. બધા એમ જ કરે છે.’


આગળ ચર્ચા કરવાનો અર્થ નહોતો. મને એમની સલાહથી સંતોષ નહોતો, પણ પછી મેં જોયું, ઉપરથી નીચે સુધી – ચીફ પ્રોડ્યુસરથી ચપરાસી સુધી - બધા જ નોકરી ઉપરાંત બહાર કંઈ ને કંઈ કામમાં સંડોવાયેલા હતા. ભળતા નામે બહાર ડોક્યુમેન્ટરીઓ, ફિલ્મ લેબોરેટરી પાસેથી કમિશનો. મસાકરીઓનાં ખોટાં વાઉચરો, ઓવરટાઈમનાં ખોટાં વાઉચર, ઉપરાંત લંચ વગેરે. મારી સીધેસીધી આવક કંઈ વિસાતમાં નહોતી. અધિકારીની સલાહ સાચી હતી. પ્રમાણિક થવા જતાં પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું હતું. મારે તો એ રીતે મને મનાવવું પડ્યું કે મારી વધારાની કમાણી પણ હતી તો પરસેવાની, લાંચરુશ્વત કે કટકીની નહીં.

બાપાને પણ પાછલી ઉંમરે બ્લેકમાં રેલવેની ટિકિટ બુક કરાવવી જ પડી હતી.

લાંચ ન લો તો પણ તમે ભ્રષ્ટાચારના ભરડામાંથી છટકી શકતા નથી.

છેલ્લા સમાચાર છે, કર્ણાટકના એમ.એલ.એ. કૃષ્ણ યાદવને તેળગીના સ્ટેમ્પ પેપર તરકટની ખબર પડી ગઈ ત્યારે તેળગી પાસેથી મોં બંધ રાખવાના પૈસા પડાવવા માંડ્યા. તેળગી પાસેથી સત્તર કરોડ પડાવ્યા પછી પણ કૃષ્ણ યાદ અટક્યો નહીં ત્યારે કંટાળીને તળગીએ જ એને પકડાવી દીધો. .
હું મારી જાતને પ્રમાણિક સમજું છું. તમે
માનો, ન માનો, તમારી મરજી.
(મૂળ પ્રકાશન તારીખઃ 30 નવેમ્બર, 2003)

X
Tarak Mehta Article

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી