ટેક ઓફ- શિશિર રામાવત / લક્ષ્મી અને સરસ્વતી બંનેની કૃપા મેળવવાની કળા

article by shishir ramavat

Divyabhaskar.com

Aug 28, 2019, 04:59 PM IST

અમેરિકાના સુપરસ્ટાર નવલકથાકાર જોન ગ્રિશમ પાછા ન્યૂઝમાં છે. એમણે 2010માં લખેલી નવલકથા ‘કન્ફેશન્સ’ પરથી હવે ફિલ્મ બની રહી છે. જોન ગ્રિશમ માટે જોકે આ રૂટિન છે. દર વર્ષે તેઓ એક નવી નવલકથા લખીને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરે છે, જે ફટાક કરતું બેસ્ટસેલર પુરવાર થાય છે. થોડાં થોડાં વર્ષે એમની એકાદ નવલકથા પરથી હોલિવૂડમાં ફિલ્મ બને છે. ‘કન્ફેશન્સ’ નવમી ફિલ્મ હશે. અગાઉ આ વર્ષે તેમની 39મી નવલકથા બહાર પડી - ‘ધ ગાર્ડિઅન્સ’. જોન ગ્રિશમ લિગલ થ્રિલર્સના બાદશાહ છે. તેઓ સ્વયં વકીલ રહી ચૂક્યા છે એટલે એમની નવલકથાઓ મોટેભાગે કાયદાકાનૂન, કોર્ટ અને ક્રિમિનલ્સની આસપાસ ઘૂમરાતી હોય છે. દુનિયાભરની 42 ભાષાઓમાં તેમની નવલકથાઓના અનુવાદ થઈ ચૂક્યા છે. આ તમામ નકલોનો સરવાળો કરો તો અત્યાર સુધીમાં જોન ગ્રિશમનાં પુસ્તકોની 275 મિલિયન કોપી એટલે કે 27 કરોડ 50 લાખ નકલો વેચાઈ ચૂકી છે. એક અંદાજ પ્રમાણે આ 64 વર્ષીય લેખકસાહેબનું નેટવર્થ હાલ 350 મિલિયન ડોલર જેટલું છે. મતલબ કે તેઓ ચોપડીઓ લખી લખીને 25 અબજ 4 કરોડ 60 લાખ રૂપિયાના માલિક બન્યા છે. રાંક ગુજરાતી લેખકો બાપડા બેહોશ થઈને ઢળી પડે એવા તોતિંગ આ આંકડા છે.
જોન ગ્રિશમ પર સરસ્વતી અને લક્ષ્મી બંનેના ચચ્ચાર હાથ છે. આ કેવી રીતે શક્ય બન્યું? જોન ગ્રિશમે નાનપણમાં શું, કોલેજમાં આવી ગયા ત્યાં સુધી લેખક બનવાનો વિચાર નહોતો કર્યો. હા, નાનપણથી જ ચિક્કાર વાંચવાની એમને ટેવ. એમણે વકીલાત શરૂ કરી તે પછી એમની પાસે એક બળાત્કારનો કેસ આવ્યો. પીડિતા છોકરી માત્ર બાર વર્ષની હતી, એના પિતાજીને જોઈને વકીલ જોન ગ્રિશમના મનમાં વિચાર આવ્યો કે ધારો કે આ માણસ ક્રોધે ભરાઈને કાયદો પોતાના હાથમાં લઈ લે તો? પોતાની દીકરી સાથે રેપ કરનારનું એ ખૂન કરી નાખે તો? કોઈ વકીલ પાસે આ કેસ આવે તો એ કેવી રીતે કોર્ટમાં દીકરીના બળાત્કારીનું ખૂન કરનારનો કેસ લડે અને એને સજામાંથી ઉગારે?
28 વર્ષના જોન ગ્રિશમને લાગ્યું કે આ આઈડિયા પરથી તો હાઈક્લાસ નવલકથા લખી શકાય એમ છે. 1984ની એક સુંદર સવારે એમણે લખવાનું શરૂ કરી દીધું. આ નવલકથા પૂરી કરતાં એમને ત્રણ વર્ષ લાગ્યાં. આ ત્રણ વર્ષ શું રૂટિન હતું એમનું? સવારે લગભગ સાડાચાર વાગે ઊઠી જવાનું. ફટાફટ તૈયાર થઈને પાંચ વાગ્યે પોતાની ઓફિસ ખોલવાની, સ્ટ્રોંગ કોફી બનાવવાની અને પછી લખવા બેસી જવાનું. બે કલાક સુધી નીરવ શાંતિમાં લખ્યા કરવાનું. નવ વાગ્યે કોર્ટમાં હાજર થઈ જવાનું હોય એટલે સાતથી નવ કેસની તૈયારી કરવી પડે. ઊઘડતી કોર્ટે ગ્રિશમની હાલત કોથળા જેવી થઈ ગઈ હોય, કેમ કે લેખનકાર્ય માણસને નીચોવી નાખે છે. દિવસ દરમિયાન વચ્ચે ફક્ત અડધો કલાક ખાલી મળે તો પણ ગ્રિશમ એટલા સમયનો ઉપયોગ પોતાના વાર્તાલેખન માટે કરી લેતા. તે અરસામાં તેઓ મિસિસિપી સ્ટેટ લેજિસ્લેચરના સભ્ય પણ હતા એટલે એનુંય ઠીક ઠીક કામ રહેતું.
લખતાં લખતાં કેટલીય વાર અટકી જવાતું. આગળ કઈ રીતે વધવું તે સમજાય નહીં. પોતાને ખરેખર લખતા આવડે છે કે નહીં એવી શંકા જાગે, નાહિંમત થઈ જવાય. એમ થાય કે હું શું કામ આ કારણ વગરની મજૂરી કરું છું? કોના માટે? બસ, બહુ થયું, નથી લખવું મારે! સદ્્ભાગ્યે નિરાશાના આવા તબક્કા બહુ લાંબા ન ચાલતા.
ત્રણ વર્ષે પૂરી કરેલી પહેલી નવલકથાનું શીર્ષક હતું ‘અ ટાઇમ ટુ કિલ.’ નવલકથા તો લખાઈ ગઈ, પણ તેને છાપશે કોણ? ચાલીસથી પચાસ પ્રકાશકોએ ના પાડી દીધી. આખરે ન્યૂ યોર્કના એક નાના પ્રકાશકે માંડ પાંચ હજાર કોપી છાપી. છાપ્યા પછી વેચવાની સમસ્યા ઊભી થઈ. પ્રકાશકનું માર્કેટિંગ નબળું હતું એટલે હજાર નકલો જોન ગ્રિશમે પોતે જ ખરીદી લીધી અને પછી ગામેગામ ફરીને વેચવાની કોશિશ કરી. આ સઘળી કસરત દરમિયાન જોન ગ્રિશમે બીજી નવલકથા લખવાનું શરૂ કરી દીધું હતું. એનું ટાઇટલ હતું, ‘ધ ફર્મ’. બીજી નવલકથા પ્રમાણમાં ઝડપથી લખાઈ. આ નવલકથાનું પુસ્તક બહાર પડે તે પહેલાં એનો ફાઇનલ ડ્રાફ્ટ હોલિવૂડમાં સરક્યુલેટ થવા માંડ્યો હતો. પેરેમાઉન્ટ સ્ટુડિયોને વાર્તામાં રસ પડ્યો. એમણે જોન ગ્રિશમને પૂરા પાંચ લાખ ડોલર ચૂકવીને નવલકથા પરથી ફિલ્મ બનાવવાના હક ખરીદી લીધા. 1991માં પુસ્તક બહાર પડ્યું. સુપરહિટ! ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના બેસ્ટસેલર લિસ્ટમાં લાગલગાટ પચાસ વીક સુધી આ નવલકથાએ અડિંગો જમાવી રાખ્યો. 1993માં ‘ધ ફર્મ’ ફિલ્મ રિલીઝ થઈ તે પણ સુપરહિટ. ટોમ ક્રૂઝ જેવો હોલિવૂડનો સુપરસ્ટાર એનો મેઈન હીરો હતો. બીજી જ નવલકથાએ જોન ગ્રિશમને પુસ્તક પ્રકાશનની દુનિયાના સ્ટાર બનાવી દીધા.
જોન ગ્રિશમના કાને વાત પડી કે સ્ટાર રાઇટરો વર્ષે એક નોવેલ તો બહાર પાડે જ છે. આ વાત એમના મનમાં ચોંટી ગઈ. વકીલાત અને રાજકારણને અલવિદા કહી ચૂકેલા જોન ગ્રિશમ વર્ષે એક નવલકથા લખે છે, તેઓ કહે છે, ‘દર વર્ષે સમજોને કે ઓગસ્ટ-સપ્ટેમ્બર-ઓક્ટોબર-નવેમ્બર આ ચાર મહિના દરમિયાન હું નવી નવલકથા લખી નાખું છું. સવારે છથી બપોરના સાડાબાર સુધી, અઠવાડિયાના પાંચ દિવસ લખવાનું મારું રૂટિન છે. રોજ પુસ્તકનાં પાંચથી છ છપાયેલાં પાનાં જેટલું મેટર લખાય. રોજના પાંચ પાનાં ગણો તોય ચાર મહિનામાં 480 પાનાંની નવલકથા લખાઈ જાય. મને હવે આ રીતે લખવાની આદત પડી ગઈ છે. હું વર્ષોથી એ જ જગ્યાએ, એ જ ટેબલ-ખુરશી પર, એવી જ સ્ટ્રોંગ કોફી બનાવીને, એક જ ટાઈપનો મગ ભરીને લખવા બેસું છું. મારું કમ્પ્યૂટર પણ એનું એ જ છે.’
જોન ગ્રિશમ નવલકથા લખવાનું શરૂ કરતાં પહેલાં રૂપરેખા(આઉટલાઈન) તૈયાર કરવા પર બહુ ભાર આપે છે. ક્યારેક તો એક્ચ્યુઅલ નવલકથા કરતાં રૂપરેખા તૈયાર કરવામાં વધારે સમય ગાળે. રૂપરેખામાં શું હોય? પ્રત્યેક પ્રકરણનો ટૂંકસાર. ગ્રિશમ કહે છે, ‘નવલકથા લખી નાખ્યા પછી એને એડિટ કરવામાં પણ ઘણો સમય લાગી જાય છે, પણ રૂપરેખા તૈયાર કરવાનું કામ તો સૌથી વધારે કડાકૂટભર્યું છે. આઉટલાઈન લખવામાં હું જેટલો વધારે સમય આપું એટલી નવલકથા લખવાનું મારા માટે આસાન બનતું જાય. વિગતવાર રૂપરેખા તૈયાર કરો એટલે તરત સમજાઈ જાય કે આખી વાર્તામાં કયા સબ-પ્લોટ નકામા છે, ક્યાં કથાપ્રવાહ ઢીલો પડી શકે તેમ છે, કયાં નવાં પાત્રો ઉમેરવાની જરૂર છે વગેરે. નવલકથાની શરૂઆત વાચકને બાંધી દે તેવી હોવી જોઈએ. પહેલાં ચાલીસ પાનાં દરમિયાન વાચક જકડાઈ જાય એવો સ્ટ્રોંગ હૂકપોઈન્ટ ન આવ્યો તો વાચક આગળ વાંચવાનું છોડી દેશે. નવલકથાનો વચ્ચેનો પોર્શન સૌથી પડકારજનક છે, તે સહેજ પણ ઢીલો પડવો ન જોઈએ અને અંત વાચકે કલ્પ્યો ન હોય તેવો હોવો જોઈએ. આ હું મારી પહેલી નવલકથાના અનુભવ પરથી જ શીખી ગયો હતો. મેં નવસો પાનાં ઘસડી માર્યાં હતાં, પણ આખી વાર્તા વેરવિખેર લાગતી હતી. આથી નિર્દયપણે મારે ત્રણસો પાનાં જેટલું મેટર કાપી નાખવું પડેલું. મેં નક્કી કર્યું કે આવી ડબલ હજામત ભવિષ્યમાં તો નહીં જ થવા દઉં. આથી બીજી નવલકથા ‘ધ ફર્મ’ વખતે મેં પહેલેથી જ આઉટલાઈન બનાવી નાખી હતી. એનું પરિણામ સરસ આવ્યું. નવલકથાના પ્લાનિંગ-આઉટલાઈનિંગને હું સૌથી વધારે મહત્ત્વ આપું છું.’
નવલકથાકાર બનવા માગતા નવોદિતોને જોન ગ્રિશમ એક ઓર ઉત્તમ સલાહ આપે છે કે રોજનું એક આખું પાનું તો લખવાનું જ. તેઓ કહે છે, ‘વાચક અંત સુધી જકડાઈ રહે એવી ચારસો-પાંચસો પાનાંની નવલકથા લખી શકવી એ એક કુદરતી બક્ષિશ છે. લખવું એ ધોમધખતા તાપમાં ડામરની સડક બનાવવા માટે જે મજૂરી કરવી પડે તેના કરતાંય વધારે મહેનત માગી લેતું કામ છે. ફ્રસ્ટ્રેટિંગ પણ એટલું જ છે, પણ મને એનું ફળ સારું મળ્યું છે. લેખનપ્રવૃત્તિના કારણે જ હું કાયદાની પ્રેક્ટિસ તેમજ પોલિટિક્સ છોડી શક્યો. લખવાનું કામ મને આજની તારીખે પણ સૌથી કઠિન લાગે છે, બટ ઇટ્સ વર્થ ઈટ.’ જોન ગ્રિશમ પર મા લક્ષ્મી અને સરસ્વતીની ડબલ ધમાકા જેવી કૃપા ઊતરી છે એવી સૌ પર ઊતરજો!
[email protected]

X
article by shishir ramavat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી