રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

કૃષ્ણ આદર્શ પુરુષ, આરાધ્ય પુરુષ અને આનંદ પુરુષ છે

  • પ્રકાશન તારીખ02 Sep 2018
  •  

કૃષ્ણ તો બ્રહ્મ છે, પરમાત્મા છે, યોગેશ્વર છે, જગદ્્ગુરુ છે. મને કહેવા દો, મારો રામ વિશેષણમુક્ત ગુરુ છે.


મોરે તુમ ગુરુ પિતુ માતા.
જાઉં કહાં તજિ પદ જલ જાતા.


રામ વિશેષણમુક્ત ગુરુ છે. કૃષ્ણ જગદ્્ગુરુ છે. અને ભગવાન મહાદેવ ત્રિભુવન ગુરુ છે. ઉપનિષદનો ગુરુ વિશેષણમુક્ત જ ગુરુ છે ને? ‘માનસે’ ચાર વખત ‘સદ્્ગુરુ’ શબ્દનો પ્રયોગ કર્યો. તો બાપ! આ જગદ્્ગુરુ જે ‘ગીતા’ બોલ્યા; એના મુખમાંથી જે નીકળે, ‘ગીતા’ છે. શાસ્ત્રીબાપા, તમે એમ કહેતા હતા કે એ રોષે ભરાય અને ‘મહાભારત’ના યુદ્ધમાં એ પાંડવોને કહેતા હતા કે તમે જુગારી છો, દાસ થવા સર્જાણા છો. એ પણ ‘ગીતા’ જ છે. કોઇ પરમતત્ત્વ જ્યારે આપણને એમ કહી દે કે તમે દાસ થવા સર્જાયા છો ત્યારે મોરારિદાસ ધન્ય બની જાય! દાસ થવું એ બહુ જ મુશ્કેલ છે. અને એ પ્રમાણપત્ર આપે!

કૃષ્ણને તમે ભલે માનો નહીં, ઇષ્ટદેવ ન બનાવો પણ તમારે એને સાંભળવો તો પડે જ. તમારે એની વાત સાંભળવી તો પડે જ

કૃષ્ણ શું છે? એ પરમ પુરુષ તો છે જ. પરમ પુરુષોત્તમ છે. એના મોઢામાં જેટલો પુરુષોત્તમ યોગ શોભે એટલો બીજાના મોઢામાં શોભે છે? પરમ પુરુષોત્તમ છે. એ પરમપુરુષોત્તમ પદ પામવા માટે માણસમાં પાંચ વસ્તુ આવવી જોઇએ. મને સમજાયું તે આ છે. કૃષ્ણ સૌથી પહેલા આદર્શ પુરુષ છે. મારા ઘણા વિદ્વાનો એમ લખે છે કે અમારો આદર્શ પુરુષ ભગવાન કૃષ્ણ છે. કેમ કે આદર્શ છે. એને આદર્શ બનાવી શકાય. કહેવા દો, કૃષ્ણ આદર પુરુષ છે. કોની પહેલી પૂજા કરશું એ પ્રશ્ન આવ્યો ત્યારે સાહેબ, કેટલી મોટી સત્તાએ કહ્યું કે પહેલો આદર તો આનો જ થવો જોઇએ. એ અમર પુરુષ છે.

ઘણા આદર્શ પુરુષ હોય પણ આદર પુરુષ કદાચ ન પણ હોય. ઘણા શિષ્ટાચાર ખાતર પણ આપણને આદર આપતા હોય, પણ આપણો આદર્શ ન બની શકે. એવું પણ બને. ભગવાન કૃષ્ણ આદર્શ પુરુષ છે. ભગવાન કૃષ્ણ આદર પુરુષ છે. કૃષ્ણ આરાધ્ય પુરુષ છે. કોણ ના પાડી શકે? કેમ કે એના સિવાય ગતિ નથી. ‘કૃષ્ણ એવ ગતિર્મમ:’, એના સિવાય કોણ ગતિ છે? આપણને બહુ જ નજીક પડતો હોય એવો અવતાર કૃષ્ણ જ છે. ભગવાન બુદ્ધ છે પણ એને આપણે બહુ સમજી શક્યા નથી. એ બધા અવતારોમાં જ છે. વધારે આપણી સાથે નાચતો, ગાતો, વાતો કરતો, વિનોદ કરતો એવો કોણે છે? ‘સખેતિ મત્વા મદ્ ભક્તં પ્રસન્નમ્.’ હે કૃષ્ણ! હે યાદવ! હે સખેતિ! અર્જુનની આંખમાં આંસુડાં તગતગે છે, આંસુ પડેય નહીં! અંદરેય ન જાય! આમ તગતગે! જાણે પરમાત્માએ આપેલા લેન્સ લગાડ્યા હોય આંખ ઉપર! ઇશ્વરદત્ત લેન્સ હોય પછી એને કોઇ ચશ્માંની જરૂર ન પડે. તારો મહિમા ન જાણી શક્યા એ જ વાત આપણો નરસિંહ ઉતારે! ‘અમે અપરાધી કંઇ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને.’


‘ભાગવત’માં પણ ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે હવે દ્વારકા ડૂબવાની છે. દ્વારકાની સમૃદ્ધિ, યાદવકુળની જે સંપત્તિ, બહેન-બેટી છે એને લઇને તું હસ્તિનાપુર જા. એ જ્યાર નીકળે છે ને વચ્ચે લૂંટાય છે એ બધી વાત યુધિષ્ઠિરને કહે છે ત્યારે ત્યાં પણ આ દર્શન છે. આદર, આદર્શ, આરાધ્ય પુરુષ છે. તમારે એની પાસે જવંુ જ પડે. કૃષ્ણને તમે ભલે માનો નહીં, ઇષ્ટદેવ ન બનાવો પણ તમારે એને સાંભળવો તો પડે જ. તમારે એની વાત સાંભળવી તો પડે જ. સંધિનો પ્રસ્તાવ લઇને ગયા હતા ત્યારે કોણ કોણ સાંભળવા આવ્યા? આજ ગોવિંદ બોલવાનો છે, આજ પરમાત્મા બોલવાનો છે! એટલે હજારો વર્ષોની જેણે સમાધિઓ છોડી દીધી હશે એના મુખમાંથી જે કંઇ પ્રવચન નીકળ્યું હશે સાહેબ!


કૃષ્ણ પણ ઘણાને નાનો ગમે! ઘણાને આટલો ગમે! બધું બહુ ચાલ્યું! પણ હવે સારું થયું. સ્વચ્છતા અભિયાન વ્યાસપીઠોએ ઘણું કર્યું. વ્યાસપીઠ જેટલું સ્વચ્છતા અભિયાન કરી શકે એટલી બીજી કોઇ પીઠ ન કરી શકે. આ કંઇ અમે નવું નથી કરતા. આ શંકર અને શુકદેવથી ચાલી આવતી પરંપરા છે. આવું સ્વચ્છતા અભિયાન કોણ કરશે? માણસોના મનના મલિન દૂર કરે છે. ગાંધીબાપુના સ્મરણમાં જે યોજાય છે તે વ્યાસપીઠો ઉપરથી બોલતા જ રહ્યા છે. પણ વ્યાસોએ, વાલ્મીકિઓએ તુલસી અને શુકે જે કામ કર્યું છે! કૃષ્ણ આદ્યપુરુષ છે. કૃષ્ણ આરાધ્ય પુરુષ છે. વગર પરીક્ષા કર્યે પરણી જાઓ. એની સાથે છેડાછેડી બાંધી લ્યો. એની ચૂંદડી ઓઢી લ્યો. કોઇ પરીક્ષા કરવાની, મુલાકાત કરવાની, કુંડળી મેળવવાની જરૂર નથી. જન્માક્ષર મેળવવાની જરૂર નથી. પરણવું હોય તો એને પરણજો. એની સાથે સંબંધ રાખજો અને એ તૈયારી કે તારે કયો સંબંધ રાખવો છે? તારે મિત્રનો સંબંધ રાખવો છે? તારે મારો બાપ બનવું છે? તારો દીકરો હું. તારે મારો દીકરો બનવું છે? તારો બાપ હું. તારે મારી બહેન બનવું છે? સખા બનવું છે?

તુલસી તો કહે-

તોહે મોહે નાતે અનેક.
તું દયાલ દીન હોં, તું કામી હૌં ભિખારી.

ચોથું, કૃષ્ણ છે ઉદાર પુરુષ. આટલું ઔદાર્ય ક્યાં હશે? આના જેવો ઉદાર કોણ? અને છેલ્લું કૃષ્ણનું લક્ષણ એ કે આનંદ પુરુષ. તો આ પાંચ વસ્તુ જ્યાં જ્યાં હશે ત્યાં ધર્મક્ષેત્ર હશે, કુરુક્ષેત્ર હશે. આપણે બહુ ભાગ્યશાળી ભારતવાસીઓ, અહીં બે-બે ક્ષેત્ર એવાં, એક જનકનું અધ્યાત્મક્ષેત્ર જ્યાં સીતા નીકળી. એક ‘મહાભારત’નું ક્ષેત્ર, એ કૃષ્ણએ ખેડ્યું. ત્યાં હળ જોડીને, અહીં ઘોડા જોડીને. ત્યાં સીતા નીકળી, અહીં ‘ગીતા’ નીકળી. અહીં બંનેમાં શ્રેષ્ઠ શ્રોતા, ચરિત્રનો શ્રેષ્ઠ શ્રોતા હોય તો મારો હનુમાન છે. વાલ્મીકિ કહે કે રામચરિત્ર તો ગાઉં છું પણ સીતાચરિત્ર મહાન છે. નિત્ય શ્રવણ કરતો હોય તો હનુમાન છે. અને ‘ગીતા’નો પણ; ધજા ફફડતી હોય અને જેનું મન ન ફફડ્યું એ ‘ગીતા’નો શ્રોતા હનુમાન સિવાય બીજો કોણ હશે! એટલે આ શ્રી અને વિજય છે. ‘યત્ર યોગેશ્વર તત્ર પાર્થો ધનુર્ધર:.’ ત્યાં શ્રી એટલે સીતા હશે અને વિજય એટલે મારો હનુમાન હશે. જ્યાં આ બે તત્ત્વ હશે-


ઉભય બીચ શ્રી સોહઇ કૈસે.
બ્રહ્મ બીચ જીવ માયા જૈસે.
સીતા એટલે આહ્્લાદિની શક્તિ. ત્યાં રાધા હોય કૃષ્ણની વાતો સાંભળવામાં; અહીં સીતાજીની વાતો રસપૂર્વક હનુમાનજીએ સાંભળી વાલ્મીકિના ન્યાયે. હનુમાનજીએ ‘ગીતા’ બરાબર સાંભળી. અને હજી જ્યાં સુધી દુનિયાની કોઇપણ જગ્યાએ ‘ગીતા’ના પાઠ થતા હશે ત્યાં સુધી એની ધજામાં હનુમાન બેઠા હશે. એણે પૃથ્વી છોડવાનો સંકલ્પ કર્યો છે જે દિવસે આ ધરતી પર પરમતત્ત્વની કથા વિચરતી નહીં હોય; પછી હું આ જગત પર નહીં રહું. તો આ બંને ક્ષેત્રો ખેડાયાં ને બંને ધર્મમાં પણ એટલા નિપુણ અને કર્મમાં પણ એટલા નિપુણ. એક જગ્યાએ ‘ગીતા’, એક જગ્યાએ સીતા વાણીના રૂપમાં આપણને પ્રાપ્ત થઇ. તો જે કોઇ બોલશે, આ પાંચ વસ્તુ આપણામાં હશે તો લોકો એને ‘ગીતા’ વચનની જેમ સ્વીકારશે. એનું એક એક વાક્ય સૂત્રના રૂપમાં સ્વીકારાશે.

(સંકલન : નીતિન વડગામા)
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP