સૂક્ષ્મ કટાક્ષ-હ્યુમરના સરતાજ વિનોદ ભટ્ટ ગુજરાતી હાસ્યસાહિત્યમાં અમીટ નામ છે.

ફક્ત અઢી લાખમાં આખેઆખો એલિસબ્રિજ?

  • પ્રકાશન તારીખ06 Jul 2018
  •  

નાનપણમાં, અણસમજમાં એલિસબ્રિજને અમે એલિસબ્રિજનો પુલ કહેતા. 1892માં જન્મેલ આ પુલ જૂના અને નવા એમ બે અમદાવાદને જોડતો. વખત જતાં એ ઘરડો થતો ગયો, તોપણ ચાલ્યા વગર ઘણું ચાલ્યો. તેની આંકવામાં આવેલ આવરદા કરતાંય વધારે લાં...બું જીવ્યો. દોડવાને લીધે તે થાકી ગયો હશે, પણ જરાય હાંફતો નહોતો. એટલે પછી એ પુલની છાતી પર વિવેકાનંદ પુલ ઊભો થયો. આ નવો પુલ બાંધવાનો ખર્ચ 18 કરોડ રૂપિયા થયો ને એનું લોકાર્પણ થતાં પહેલાં તે તૂટી ન પડે એ માટે તેનો રૂપિયા પાંચ કરોડનો વીમો, અગમચેતી રૂપે ઉતરાવવામાં આવેલો. એનું કારણ કદાચ એ હશે કે આ નવા પુલનું નામ વિવેકાનંદ પુલ રાખેલું-સ્વામી વિવેકાનંદનું આયુષ્ય કેટલું ટૂંકું હતું!


થોડાંક વર્ષ પહેલાં તો આ અતિ મૂલ્યવાન એલિસપુલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભંગારમાં વેચવા કાઢેલો. પણ એની વેળાસર જાણ થતાં આ નગર અમદાવાદની સંવેદનશીલ પ્રજાએ કોર્પોરેશનનો ઊધડો લેતાં તેને પૂછ્યું હતું કે તમારી આર્થિક હાલત એટલી બધી નબળી થઈ ગઈ છે એટલા બધા ખરાબ દિવસો આવી ગયા છે કે આ પુલને ભંગારના ભાવે વેચવા કાઢો છો?- આપણા અશક્ત દાદા ખપના ન હોવાથી તેમને વેચવા કાઢીશું? ભંગારિયાને આપી દઇશું? જરા તો શરમાવ! શરમાઈ. કોર્પોરેશન જરા નહીં, વધારે શરમાઈ. દાદાને વેચવાનો વિચાર માંડી વાળ્યો. આજે એલિસદાદા, વિવેકાનંદ પુલ નીચે, એની નિશ્રામાં ટૂંટિયું વાળીને સૂતા છે.
અને કોર્પોરેશનને મોડા મોડા જાણ થઇ કે એલ્યા, આપણે જેને ભંગારમાં વેચવા જતા હતા એ પુલ તો નગરની એક ઐતિહાસિક જણસ છે, એન્ટિક પીસ છે, એની તો બહુ મોટી ‘હેરિટેજ વેલ્યુ’ છે. એ જ આ એલિસબ્રિજની સારસંભાળ રાખવા, તેને જાળવવા રૂપિયા પાંચ કરોડની જોગવાઇ કરવામાં આવી છે- જો આ બ્રિજને વેચવા કાઢ્યો હોત તો ભંગારવાળાએ એનાથી 20 ટકા જેટલી રકમ ચૂકવવામાંય બહુ કચ કચ કરી હોત - ભંગારવાળાઓને તો આપણે ક્યાં નથી ઓળખતા!

એવા વાચકમિત્રોના લાભાર્થે હવે આપણે એલિસબ્રિજના ભૂતકાળમાં ડોકિયું કરીશું.
બ્રિટિશ ઇજનેરોએ એલિસબ્રિજ બાંધવાનો અંદાજી ખર્ચ રૂપિયા સાડા ચાર લાખનો આંક્યો હતો

વાચકોની યાદદાસ્ત ટૂ઼ંકી હોવાને કારણે ભૂતકાળની વાતો યાદ રાખવામાં તેને માથું ખંજવાળવું પડે છે. અરે, ગઇ કાલે સવારે શું ખાધેલું એનીય મોટાભાગનાઓને ખબર નથી હોતી. એવા વાચકમિત્રોના લાભાર્થે હવે આપણે એલિસબ્રિજના ભૂતકાળમાં ડોકિયું કરીશું.
બ્રિટિશ ઇજનેરોએ એલિસબ્રિજ બાંધવાનો અંદાજી ખર્ચ રૂપિયા સાડા ચાર લાખનો આંક્યો હતો. (ત્રણ-ચાર લાખ આમ કે તેમ). આની સામે અમદાવાદની લાખા પટેલની પોળની દેવની શેરીમાં રહેતા એક આસિસ્ટન્ટ એન્જિનિયર નામે હિંમતલાલ ધીરજરામ એન્જિનિયરે (અસલ અટક ભચેચ) જણાવ્યું કે જાવ, જાવ, મારા ભૈ આટલો બધો ખર્ચ તે થતો હશે? અંદાજ વધારે પડતો છે. ‘એનાથી ઓછા પૈસે બાંધતા હોવ તો જાવ, તમે બાંધી આપો.’ એવો પડકાર ફેંકાતાં હિંમતલાલે હિંમતપૂર્વક એ પડકાર ઝીલી લીધો. નદીની રેતમાં જ ઝૂંપડી બાંધી, રહેવા-ખાવાનુંય ત્યાં જ રાખ્યું. ચોવીસે કલાક, સૂતા ને જાગતા પુલ પર જ નજર રાખે. પુલ સિવાય બીજું કશું દેખાય જ નહીં. પુલ બનાવવા માટે જોઇતા કાચા માલની અંદર તેમણે નિષ્ઠા અને પ્રામાણિકતા પણ ભેળવી દીધાં. બીજા કોઇ ભ્રષ્ટ ઇજનેર હોય તો આ પુલની સાથોસાથ પોળમાં જ પોતાનું મહેલ જેવું આલીશાન મકાન તાણી બાંધવાના કામે લાગી જાય, પણ હિંમતલાલ તો તેમના ભોજનમાંય સરકારી રેતી ન આવી જાય એની તકેદાર રાખતા. એકવાર તેમની જાણ બહાર તેમનાં પત્નીએ, દિવાળીમાં વાસણો સાફ કરવા માટે એક તગારું રેતી મગાવી. આ રેતીની વાત જાણીને તેમણે પત્નીની ધૂળ કાઢી નાખી-આ રેતી આપણી નથી, સરકારની છે કહી પાછી મેળવી લીધી. તે સંતાને ઘણા સમૃદ્ધ હતા, તેમને નવ દીકરીઓ ને એક દીકરો હતાં. (આ જ તો પ્રામાણિકતાની કસોટી છે).


હિંમતભાઇએ પુલ નક્કી કરેલ સમયમર્યાદમાં તૈયાર કરી આપ્યો. ફક્ત રૂપિયા અઢી લાખમાં પુલ ઊભો થઇ ગયો. આજે તો દસ લાખ રૂપિયામાં એક રૂમ અને રસોડાનો ફ્લેટ પણ નથી મળતો. વિદેશી ઇજનેરોએ રૂપિયા સાડા ચાર લાખનો અંદાજ આપેલો, જે હિંમતલાલે અઢી લાખમાં તૈયાર કરી આપ્યો. ઇજનેરોએ આપેલ અંદાજ કરતાં વધારે ખર્ચ થયો હોત તો તો ભ્રષ્ટાચારનો આરોપ આવત જ પણ આ તો લગભગ અડધા ખર્ચે પુલ તૈયાર થઇ ગયો તોપણ એની મજબૂતાઇમાં ચોક્કસ ગરબડ કરવામાં આવી હશે એવો આક્ષેપ હિંમતભાઇ પર મૂકવામાં આવ્યો. હિંમતભાઇ સામે એક તપાસપંચ બેસાડવામાં આવ્યું. (ઇમાનદારીનો આવો બદલો પણ ક્યારેક મળે છે). તપાસપંચે ખૂબ જ ઝીણવટથી પુલનો એકેએક થાંભલો, સાંધો, કમાનો વગેરે તપાસ્યાં. પછી રિપોર્ટ આપ્યો કે આમાં કોઇ ઘાલમેલ જણાતી નથી. પુલ ઘણો જ મજબૂત અને સુંદર છે. આથી સરકાર પ્રસન્ન થઇ ગઇ. રાજી થઇને બ્રિટિશ સરકારે તેમને હિંમતલાલમાંથી ‘રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ’ બનાવી દીધા. વાર્તા પૂરી.- આ ઇલકાબને છાતી પર લટકાવી ફરો તમતમારે.
આ પુલ બન્યો એ સમયે અમદાવાદના જે કલેક્ટર હતા એમનું નામ એલિસ હતું. આ હિંમતપુલનું નામ એલિસ સાથે જોડાઇને એલિસબ્રિજ બની ગયું. એલિસ મફતમાં નામે નાયક બની ગયા.
પણ આજે જો હિંમતલાલનું નામ શોધવું હોય તો એલિસબ્રિજને છેડે તપાસ કરવાથી તેમના નામની તખ્તી કદાચ જડી જશે. અને-
અને અંગ્રેજ સરકારના ગયા પછી આપણી સરકાર આવી, તે આવી ત્યારથી જ ગરીબ હતી. તેની પાસે કશું જ માગી શકાય એમ ન હતું. આ વાતની ખબર હિંમતલાલ ધીરજરામના વારસદારોને નહોતી, એટલે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર અરજ ગુજારી કે કૃપા કરી તમે ટાઉનહોલથી એલિસબ્રિજના પશ્ચિમ છેડા સુધીના રસ્તાને ‘એન્જિનિયર શ્રી હિંમતલાલ ધીરજરામ માર્ગ’- નામ આપો તો અમારું તેમજ અમદાવાદ શહેરનું તે પિતૃતર્પણ થયું ગણાશે. આવી ઢગલાબંધ વિનવણીઓ બાદ અમદાવાદની મ્યુનિ. કોર્પોરેશને દયાના ધોરણે 15-05-1979થી એ રસ્તાની મંજૂરી આપેલી. આવી નાની, મફતમાં અપાય એવી ચીજ માટેય હિંમતલાલ એન્જિનિયરના પરિવારને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ઘણો ટટળાવેલો.અંગ્રેજોને ભલે આપણે ભાંડીએ, પણ તેમને એવું લાગે કે આ આપવું જોઇએ, તો એ રગરગાવ્યા વગર પ્રેમથી, ઉદારતાથી આપતા. જેમ કે એલિસબ્રિજ બાંધવા જેવું પ્રશસ્ય કામ કરવા બદલ ‘રાવબહાદુર’નું સન્માન મેળવવા માટે હિંમતલાલને આજીજી કરવી નહોતી પડી કે મોટા માણસોના ભલામણપત્રો પણ રજૂ કરવા નહોતા પડ્યા. તારીખ 3જૂન, 1893ના રોજ તેમને વાઇસરોય (અને ગવર્નર જનરલ ઑફ ઇન્ડિયા-આમ તો બંને એક જ) તરફથી રાવ બહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ સનદની ઓરિજિનલ અમને હિંમતલાલના પૌત્રવધૂ શ્રીમતી વંદનાબહેન એન્જિનિયરની પાસે જોવા મળી હતી. બસ, સર્ટિફિકેટ જ. કોઇ વિદ્યાર્થી યુનિવર્સિટીમાંથી ડિસ્ટિંક્શન સાથે પાસ થયો હોય ત્યારે તેને જે પ્રમાણપત્ર આપવામાં આવે છે એવું જ, અંગ્રેજ સરકારના સિક્કા ને સીલ અને ગવર્નરની સહીવાળું ફોર્મલ પ્રમાણપત્ર જ જોઇ લો, આ પત્રની જોડે શુકનનો સવા રૂપિયો


પણ નહીં. સરકારની જગ્યાએ કોઇ નાના રજવાડાનોય રાજા હોત તો ખુશ થઇને હિંમતલાલને બે-ત્રણ ગામ લખી આપત. પણ હશે, જેવાં હિંમતલાલનાં નસીબ!
તેમના કામથી સરકાર અત્યંત પ્રસન્ન છે એવું હિંમતલાલને વારંવાર કહેવામાં આવતાં તેમણે સરકારને કહ્યું કે જો અંગ્રેજ સરકાર મારા પર સાચે જ ખુશ હોય તો મને મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપો. તેમની આ લાગણી ને માગણી સામે અનેક અધિકારીઓએ તેમના કામની કાગળ પર પ્રશંસા કરતાં જણાવ્યું કે, ‘માત્ર આ હિંમતલાલના કાબેલ સુપરવિઝન અને કરકસરિયા સ્વભાવને લીધે જ સરકારને એલિસબ્રિજના પેલા બે લાખ રૂપિયા ઉપરાંત એક લાખ સત્તર હજાર એકસો ચોપન રૂપિયાની બચત થઇ છે. અને પછી સરકારે પણ તેમને જણાવ્યું કે તમારા જેવો પ્રામાણિક માણસ આ ગામ અમદાવાદ મધ્યે થાવો નથી. તમારી સુદીર્ઘ, અમૂલ્ય સેવાની સરકાર કદર કરે છે, પણ એ સિવાય બીજું કશું આપી શકે તેમ નથી. તમને રૂપિયા પાંચ હજારનું પેન્શન આપી શકાય તેમ નથી.’


અંગ્રેજ સરકાર કરતાં આપણી અમદાવાદ મ્યુનિ. કોર્પો. ઉદાર નહીં? જે હિંમતલાલે બાંધેલ પુલની જાળવણી, દેખરેખ અને સમારકામ પાછળ રૂપિયા પાંચ કરોડ ખર્ચી રહી છે! એની વે, હિંમતલાલ જ્યાં હશે ત્યાં એ વાતે રાજી થશે કે મને નહીં તો મારા વહાલા પુલને જે કંઇ મળ્યું એનાથી હું અતિ પ્રસન્ન છું. {

x
રદ કરો

કલમ

TOP