સૂક્ષ્મ કટાક્ષ-હ્યુમરના સરતાજ વિનોદ ભટ્ટ ગુજરાતી હાસ્યસાહિત્યમાં અમીટ નામ છે.

તાલુકો મોટો કે જિલ્લો?

  • પ્રકાશન તારીખ09 Jul 2018
  •  

દીકરો ભવિષ્યમાં એવું મહેણું ન મારે કે તમે કેવી છોકરી મારા માથે મારી? એ માટે મા-બાપ છોકરીને ચકાસી લેતાં એ જમાનામાં. પશુમેળામાં પશુ ખરીદવા આવેલ માલધારી જે રીતે ઢોરના દાંત જોતાં ને તે પગે લંગડું નથી એ તપાસવા તેને થોડુંક ચલાવતા, દોડાવતા, એ રીતે છોકરાવાળા પણ છોકરીવાળાને ત્યાં જઇ તેનું બી.એ. કે બી.કોમ. પાસ કર્યાનું સર્ટિફિકેટ જોવા માગતા. છોકરીને ચાલવાનું કહેતા, જેથી તેનો પગ લંઘાતો હોય તો ખબર પડે. છોકરીના કપાળમાં કે તેની માતાના હાથ પર કંઇ ડાઘ જેવું દેખાય તો એ ડાઘ શેનો છે, કોઢનો તો નથી ને એની પાકી ખાતરી કરી લેવામાં આવતી. છોકરીના માથાના વાળ અસલી છે કે નકલી, કે પછી વિગ છે એ પણ વાળ સહેજ ખેંચીને ચકાસી લેવાતું. છોકરાવાળા તરફથી છોકરીના હાથમાં સોપારીનો કટકો આપી તેને તત્કાળ ચાવી જવાનું કહેવામાં આવતું-જેથી દાંત સાચકલા ન હોય, ચોકઠું હોય તો નીકળીને બહાર ધસી આવે. કેટલાક કિસ્સામાં તો છોકરીને રસોડામાં જઇને સગડી પર પાપડ શેકી લાવવાની ફરમાઇશ થતી. છોકરામાં ભલે શેક્યો પાપડ ભાંગવાની ત્રેવડ ન હોય, પણ છોકરી પાપડ બાળ્યા વગર શેકી શકે છે એ તેણે પુરવાર કરી આપવું પડતું. અને છોકરીનાં ગરજાઉ મા-બાપ આ બધો અપમાનજનક ખેલ લાચાર આંખે પણ પરાણે હસતા ચહેરે જોયા કરતાં... શું થાય, દીકરીને પરણાવવી હોય તો આ બધી પરીક્ષામાં દીકરીની સાથે મા-બાપેય સારી રીતે પાસ થવું પડે-એમાં સ્કૂલોના પ્રગતિ પત્રકમાં લખાય છે એવું ઉ.ચ. (ઉપર ચડાવ્યા છે) ન ચાલે. એમાંયે જોકે પોઝિટિવ થિંકિંગ જોતાં મા-બાપ એ વાતે
રાજી થતાં કે આપણી સહનશીલતા તો કેળવાય છે ને!...


પણ પછી વખત જતાં છોકરાઓએ મા-બાપ સામે બળવો કર્યો. જેની જોડે અમારે જિંદગી ખેંચવાની છે, દુ:ખના દહાડા કાઢવાના છે એ પાત્ર તમે શા માટે પસંદ કરો? અમને તો જોવા દો! અમારા દુ:ખની આડે તમે કેમ આવો છો? ફાંસીની સજાના કેદીને તેની અંતિમ ઇચ્છા પૂછવામાં આવે છે એમ અમને જનમટીપના કેદીને તેની પહેલી ઇચ્છા, તો પૂછો?... અને મા-બાપને થયું કે ભલે, તો હવે તારા લાગ્યાં તું જ ભોગવ, જોઇ આવ છોકરી, પછી એમ ના કહેતો કે અમારા કહેવાથી તેં પરાણે હા પાડી છે.


આમ વડીલો એક મોટી જવાબદારીમાંથી છટકી શક્યાં. છોકરી જોવાનો, પસંદ કરવાનો ભાર છોકરાના માથે આવી પડ્યો. છોકરાના માથે આ ભાર નવો નવો હતો ત્યારે એમાંથી ક્યારેક રમૂજ પણ ઊભી થતી. આજથી લગભગ 55-60 વર્ષ અગાઉ અમારા એક નજીકના સગાનો પુત્ર છોકરી જોવા ગયો હતો. જોઇ. ચા-પાણી પતાવ્યાં બાદ બહાર નીકળ્યા. પોળના નાકે પહોંચ્યા એટલે છોકરાને તેના કાકાએ પૂછ્યું કે, ‘લાલિયા છોકરી કેવી લાગી? ‘ફર્સ્ટ ક્લાસ...’ લાલભાઇએ પોતાનો મત જાહેર કર્યો. કાકાને થયું કે છોકરી કંઇ એટલી સારી નથી, તો પણ લાલુને ફર્સ્ટ ક્લાસ કેવી રીતે લાગી? એટલે પૂછ્યું: ‘ખરેખર?’ ‘હા, ખૂબ જ સુંદર છે...’ લાલભાઇએ ભારપૂર્વક જણાવ્યું. કાકાને વહેમ પડ્યો, કેમ કે એ છોકરી થોડી શ્યામવર્ણી હતી, એટલે પૂછ્યું: ‘કઇ છોકરી?’ ‘કઇ તે પેલી લીલી સાડીવાળી...’ લાલુ બોલ્યો એટલે પોતાનું કપાળ કૂટતાં કાકાએ કહ્યું, ‘બેવકૂફ એ તેની મા હતી, એ છોકરીએ તો ભૂરા રંગની સાડી પહેરેલી.’ આ સહેજ પણ અતિશયોક્તિ વગરનો તદ્દન સાચો કિસ્સો છે.


પરંતુ કોણ જાણે કેમ, આજે પણ મુરતિયાઓ કન્યાઓને જોવા ને તેમનો ઇન્ટરવ્યૂ કરવા પહોંચી જાય છે. અને કેટલીકવાર તો તે ટી.વી. ચેનલના પત્રકારો જેવા ફાલતુ ને દીકરીને મૂંઝવી નાખે એવા પ્રશ્નો પૂછી નાખતા હોય છે. એક જોડકણાબાજ કવિએ એક સુકન્યાને પૂછ્યંુ હતું કે તમે મીરાંબાઇનું નામ સાંભળ્યું છે? સંસાર માંડતાં પહેલાં જ રાણાએ મીરાંબાઇ સામે ઝેરનો કટોરો ધરી દીધો હતો. એ જ પ્રશ્નકારે આવો જ બીજો બાઉન્સ ફેંક્યો હતો કે રામરાજ્ય એટલે કેવું રાજ્ય? આ સવાલ સાંભળીને કન્યા બાપડી ગભરાઇ ગઇ હતી. પણ તેની જગ્યાએ જો કોઇ માથાફરેલ છોકરી હોત તો કહી દેત કે જેમાં (તારા જેવા) મૂર્ખ શિરોમણિ ન વસતા હોય એવું રાજ્ય એટલે રામરાજ્ય.

જે સવાલ કોઇ સ્મગલર, સટોડિયા કે સોનીભાઇને પૂછી શકાય એવો સવાલ એક મુરતિયાએ એક કન્યાને પૂછ્યો હતો: ‘સોનાનો એક તોલાનો આજનો ભાવ શો છે?’

કેટલાક લગ્નઇચ્છુકો તો કન્યાને પ્રભાવિત કરવા તેને માહિતી આપતા હોય છે કે મેં તો અઠ્યાસી છોકરીઓને રિજેક્ટ કરી છે. દીકરી બિચારી આવો બકવાસ ચૂપચાપ સાંભળી લે છે, કારણ કે તે વચનબદ્ધ છે. માએ તેને અગાઉથી ભણાવી રાખી છે કે લીલી બેટા, તું બિનજરૂરી હરફ પણ મોંમાંથી ઉચ્ચારતી નહીં, છોકરો પૂછે એના ટૂ઼ંકા ઉત્તરો આપવાના. આપણે તો બેટા, કુંવારી કન્યાને સો વર ને સો ઘર. આવી સૂચનાને લીધે જ દીકરી એ છોકરા સામે બનાવટી આશ્ચર્યભાવથી તાકી રહે છે. બાકી તેના હોઠ પર તો આવી ગયું હોય છે કે બજરબટ્ટુ, તેં અઠ્યાસી છોકરીઓને રિજેક્ટ કરી છે એમ મેં પણ એકસો ને બાવીસ લલ્લુઅોને ફુલ્લી ફેઇલ કર્યા છે, તારો નંબર એકસો ને ત્રેવીસમો છે. બોલ, તારે કંઇ કહેવું છે? પરંતુ દીકરી મેચ્યોર હોય છે એટલે તે જાણે છે કે આવો અકલ્પિત જવાબ સાંભળીને ડંફાસિયા છોકરામાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જશે ને નાપાસ થવાના ભયે પાણી પહેલાં પાળ બાંધી પાછો બબડશે કે છોકરી જરા વધારે પડતી ચીબાવલી છે, અને જાવ આ મારું નેવ્યાસીમું રિજેક્શન...


જે સવાલ કોઇ સ્મગલર, સટોડિયા કે સોનીભાઇને પૂછી શકાય એવો સવાલ એક મુરતિયાએ એક કન્યાને પૂછ્યો હતો: ‘સોનાનો એક તોલાનો આજનો ભાવ શો છે?’ એ છોકરાને બેધડકપણે છોકરીએ પૂછવું જોઇએ કે ધારો કે સોનાનો એક તોલાનો ભાવ રૂપિયા પાંચસો હોય તો તમે તમારી પરણેતરને સોને મઢી દેશો? અથવા તો સોનાનો ભાવ દસ રૂપિયે તોલો હતો ત્યારે તમારા વડવડ દાદાએ તમારી વડવડ દાદીને સોનાનું પાનેતર ઓઢાડેલું?
તો એક છોકરાએ માત્ર મજાક ખાતર, પોતાની સ્માર્ટનેસ બતાવવા જ એક કન્યાને પૂછ્યું હતંુ કે તમને કેળાની છાલની કટલેસ બનાવતાં આવડે છે? આવો પ્રશ્ન સાંભળીને દીકરી મૂંઝાઇ ગઇ. મૂંઝાવાને બદલે તે કહી શકી હોત કે અમારા ઘરમાં હજી સુધી એવા દિવસો આવ્યા નથી, પણ જો તમારા ઘરમાં એવી જરૂર ઊભી થશે તો હું એય શીખી લઇશ...


અને અમુક મુરતિયાઓ તો છોકરીઓને મૌખિક પરીક્ષામાં નાપાસ કરવાના નિર્ણય સાથે જ ઘરેથી નીકળ્યા હોય તેમ નાખી દેવા જેવા ફાલતુ સવાલો પૂછતા હોય છે. દા.ત. તાલુકો મોટો કે જિલ્લો? ગુજરાતી ત્રીજા-ચોથા ધોરણમાં ભણતું ટાબરિયું પણ આ સવાલનો જવાબ સરળતાથી આપી શકે, તોય આવો સવાલ કોઇ લગ્નનો ઉમેદવાર પૂછે ત્યારે તેને ગૂઢ પ્રશ્ન સમજી દીકરી ઊંડા વિચારમાં પડી જાય છે. આમ તો આવો પ્રશ્ન પૂછનાર, આ પ્રશ્ન દ્વારા તેની માનસિક ઉંમર છતી કરતો હોય છે એટલે આમાં ખાસ વિચારવા જેવું હોતું નથી. છતાં આવા સવાલના જવાબમાં કન્યા ચતુરાઇથી કહી શકે કે એ બધું હું ન સમજુ, મારો વર કહેતો હોય એ જ ઇલાકો મોટો, પછી એ તાલુકો હોય કે જિલ્લો, મને એથી કોઇ ફરક નથી પડતો... અપ્રસ્તુત અને નકામા પ્રશ્નોના ઉત્તર દીકરીઓએ આ જ ભાષામાં આપવા જોઇએ, કેમ કે આવા બેવકૂફ છોકરા સાથે વાત ન બને તો એમાં દીકરીએ ખાસ કંઇ ગુમાવવા જેવું હોતું નથી...

x
રદ કરો

કલમ

TOP