સૂક્ષ્મ કટાક્ષ-હ્યુમરના સરતાજ વિનોદ ભટ્ટ ગુજરાતી હાસ્યસાહિત્યમાં અમીટ નામ છે.

નિષ્ફળતાને વાગોળવાની મજા

  • પ્રકાશન તારીખ08 Jul 2018
  •  

કેલેન્ડરમાં બાર મહિના છે. આ બારેય મહિનામાં જાન્યુઆરી મને સૌથી વધારે ગમતો મહિનો છે. જાન્યુઆરી મહિનામાં આપણે ઇચ્છીએ પણ વસંત આપણું કહ્યું માનીને આવતી નથી. પણ મારા માટે તો બસ, આ જ વસંત છે. સમજણો થયો ત્યારથી આ મહિનાની હું કાગના ડોળે રાહ જોતો હોઉં છું. એનું કારણ છે, તે મને દર વર્ષે હું છું એ કરતાં એક વર્ષ વધારે મોટો કરી દે છે. મારો જન્મ આજથી 80 વર્ષ પૂર્વે, જાન્યુઆરી માસની 14મી તારીખે થયો. બસ, એ દિવસથી માંડીને તે આજ દિન સુધી મને પૂછ્યા વગર કે ભૂલ્યા વગર મારી ઉંમરમાં એક વર્ષ ઉમેરી દે છે. એ દિવસે ઉત્તરાયણ છે. પતંગ રસિયાઓની જબાનમાં કહીએ તો આપણે કટી પતંગ બની એ દિવસે પૃથ્વી પર પટકાયા હતા.


ઉત્તરાયણના આ વર્ષે મહાભારત ફેઇમ ભીષ્મ પિતામહ નિર્વાણ પામેલા. પોતાની જે બાણશૈયા ત્યજીને ભીષ્મદાદા ઉપર ગયા એ બાણશૈયા તો હજી ત્યાંની ત્યાં જ છે. એ શૈયા પર લગાડેલ તીર ભલે મારા શરીરમાં ભોંકાયા કરતા હોય તો પણ એ ખીલાને કાટ ન લાગી જાય એ જ મારી ચિંતાનો વિષય હોવો જોઈએ. આ પ્રકારના પોઝિટિવ વિચારને અંગ્રેજીમાં પોઝિટિવ થિંકિંગ કહેતા હશે!


કવિ ઉમાશંકર જોશીની આ કાવ્યપંક્તિમાં કહેવાયું છે, ‘મને મળી નિષ્ફળતા અનેક, તેથી સફળ થયો કૈંક હું જિંદગીમાં.’ જોકે, સફળતા અને નિષ્ફળતા બંને સાપેક્ષ હોવા છતાં આઈ.આઈ.એમ. જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં તો નિષ્ફળતા કોને કહેવાય એના પર પ્રકાશ પાડવા માટે વક્તા તરીકે તો વેપાર-વણજમાં કાઠું કાઢનાર, સફળતાને વરેલ કોઈ સફળ જનને જ બોલાવાય છે, શેર-સટ્ટામાં પાયમાલ થયેલ રોડપતિને કોઈ સ્ટેજ આપતું નથી. કહે છે કે નિષ્ફળતા એક ચાહવા જેવી ચીજ છે, પણ એ તો નિષ્ફળતાના પ્રેમમાં પડી ગયો હોય એને માટે છે.


આમ જોવા જઈએ તો સફળતા અને નિષ્ફળતા બંને સગી બહેનો છે, સહોદર છે, જેમાંની એક જે સફળતાના નામે જાણીતી છે અે ખુશનસીબ છે. જ્યારે પેલી બીજી છે એ બદનસીબ છે- જેને યશ ક્યારેય મળતો નથી. જોકે, એ વાત એટલી જ સાચી છે કે આપણી નજીક આવતી નિષ્ફળતા એ નિષ્ફળતા જ છે એની ખબર છેક નિષ્ફળ ગયા સુધી પડતી નથી. અને સફળતા-નિષ્ફળતા વચ્ચેની રેખા એટલી બધી બારીક હોય છે કે જે નરી આંખે દેખાતી નથી. તેની ઉપર ઊભા હોઈએ ત્યારે પણ ખબર નથી પડતી કે સફળતાની છે કે નિષ્ફળતાની! કેટલીક વાર તો આ બંને રેખાઓ સમાન્તર ચાલતી હોય છે.

બોલચાલની ભાષામાં કહીએ તો ઉંદરને તો તેનું મરણ બચાવવા પોતાનો જીવ મુઠ્ઠીમાં રાખીને નાસવું પડ્યું હશે

એક જ કાર્યમાં એકની સફળતા બીજાની ઘોર નિષ્ફળતા સાબિત થતી હોય છે. દા.ત. બિલાડી તરાપ મારી ઉંદરને પકડે એટલે એનો અર્થ આપણે એવો કરીએ છીએ કે બિલાડી એનો બ્રેકફાસ્ટ-નાસ્તો મેળવવામાં સફળ થઈ છે, અને ઉંદર જીવવામાં નિષ્ફળ ગયો છે. જુદા જુદા હેતુસર બંને સાથે દોડ્યાં હશે. - ઉંદર જીવ બચાવવા માટે ને બિલ્લી બ્રેકફાસ્ટ કાજે- કોઈ દોડવીર કરતાંય વધુ ઝડપે દોટ મૂકી હશે. બંને માટે સ્પર્ધામાં જીવન હશે. એકને જીવન ટકાવી રાખવા માટે ભોજન જરૂરી હશે. બોલચાલની ભાષામાં કહીએ તો ઉંદરને તો તેનું મરણ બચાવવા પોતાનો જીવ મુઠ્ઠીમાં રાખીને નાસવું પડ્યું હશે. જ્યારે બિલ્લી માટે ફક્ત એક ટંકનો નાસ્તો ગુમાવ્યાનો જ અફસોસ હશે. ધેટ્સ ઑલ. બાકી બિલાડીએ સફળતા-નિષ્ફળતા વિશે જરા પણ નહીં વિચાર્યું હોય. તેની જેમ આપણે પણ સફળતા-નિષ્ફળતા અંગેના ખ્યાલો મગજમાંથી કાઢી નાખવા જોઈએ એવું ઉપદેશકો કહે છે.

મને એ નથી સમજાતું કે કોઈ વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં 35 માર્ક્સ સાથે પાસ થયો હોય તેને ઉત્તીર્ણ ગણી ઉપલા ધોરણમાં મોકલી આપવામાં આવે છે, પણ આમ જોવા જઈએ તે વિદ્યાર્થી પરીક્ષામાં ફક્ત પાંત્રીસ ટકા માર્ક્સ જ લાવ્યો છે. અર્થાત્ એ વિષયમાં તે 65 ટકા અજ્ઞાનધરો છે જે અજ્ઞાન અંગે આંખ આડા કાન કરવામાં આવે છે, અને અમારા જેવા 34 ટકા માર્ક્સ લાવનાર તરફ તુચ્છકારથી તેના પ્રગતિપત્રકમાં ઉ.ચ. (ઉપર ચડાવ્યા છે) લખી, એક માર્ક કૃપાગુણનો ઉમેર્યો છે એવું લાલ કે ભૂરી સહીથી લખવામાં આવે છે. બસ, આ સહીની વચ્ચે ઝાંખા-પાંખા દેખાતા ચહેરાનું નામ વિનોદ ભટ્ટ છે.


આ છોકરાની તેના પિતાશ્રી આગળ છાપ પહેલેથી જ ગુડ ફોર નથિંગની. આ ગુડ ફોર નથિંગને હિન્દીમાં નિકમ્મા અને ગુજરાતીમાં ભલીવાર વગરનામાં થતી. લઘુતાગ્રંથિને કારણે જીભ બહુ અટકે, તે એટલે સુધી કે તે સ્કૂલમાં હતો ત્યારે સાહેબ આખા ક્લાસને કોઈ સવાલ પૂછે ને એ સવાલનો જવાબ તેને આવડતો હોય તો પણ એ બોલવા આંગળી ઊંચી કરતાંય તેની હિંમત ન ચાલે, જવાબ આપવા જતાં જીભ અચકાયને ક્લાસનાં છોકરાં હસી પડશે તો!- એ ભયે તો પોતાનો સાચો જવાબ પણ ગળી જાય. પોળમાં બધાં વિનિયો તત્ તત્ કહીને બોલાવે એમને અટકાવવાનુંય તેનું ગજું નહોતું. ભણવાનું પહેલેથી જ ગમે નહીં એટલે નાપાસ થાય. ફુલ્લી ફેલ. અમુક પેપરમાં તો સ્વચ્છતાના પાંચ ગુણ પણ મળતા નહીં. માને ડર એવો હતો કે છોકરો ભણશે નહીં તો એને નોકરીએ કોણ રાખશે, ને પિતાને ચિંતા એ હતી કે છોકરો ભણશે નહીં તો એને છોકરી કોણ ધીરશે?- મારા માટે (મારાથી વધારે ભણેલી) ગ્રેજ્યુએટ કન્યા શોધવાનો તો પ્રશ્ન જ ન હતો. સાતમા-આઠમા ધોરણ સુધી ભણેલી છોકરીય ચાલશે એવું પિતાજીએ મન વાળેલું, પણ એ સમયે ન્યાતમાં ઓછું ભણેલી છોકરી શોધવી મુશ્કેલી હતી. એવી એકાદ-બે હતી, પણ એ છોકરીઓને ગ્રેજ્યુએટ છોકરા જ ખપતા હતા. આપણો ગજ ત્યાં ન વાગ્યો. એટલામાં એક સારા ઘરની કન્યા જડી ગઈ. લગ્ન કરી નાખ્યાં.

એ વખતે મારી ઉંમર વીસ વર્ષ ને છ માસ, સાડાવીસ વર્ષની હતી. નોકરી-ધંધો તો હતો નહીં, દાઢી કરાવવાના ચાર આના પણ બાપાની પાસે માગવા પડે એવી હાલત હતી. ઇન્ટરકોમર્સમાં બબ્બે વાર હું નાપાસ થયેલો એટલે ફાધરે મને વીમા એજન્ટ બનાવી દીધો, એ વિચારે કે એમાં મોટામાં મોટું જોખમ વીમો લેનારે (વીમો લીધા પછી લાંબું જીવવાનું જોખમ) લેવાનું ને પૈસા ચૂકવવાનું કે એમાં અખાડા કરવાની જવાબદારી વીમા કંપનીના માથે રહેવાની. ફાધરના એક કટલરીના વેપારી સાથે સારો પરિચય. હું તો સાવ નવરો હતો ને દિવાળી આવતી હતી. એમને ત્યાં મદદ કરવા એક મહિનો કામ કર્યું. સવારે આઠ વાગ્યે દુકાન ખૂલે ત્યારથી રાતે નવ વાગ્યે દુકાન બંધ થાય ત્યાં સુધી દિલ દઈને કામ કર્યું. જેની કદર રૂપે શાંતિકાકાએ મને રૂપિયા બસો ને બે આપ્યા. એમાં બે રૂપિયા રોકડા ને બસો રૂપિયાનો અનુભવ. (હિસાબ ચૂકતે- ભૂલચૂક લેવીદેવી). મારી મા એ વાતે નારાજ થઈ કે એક મહિના કરતાંય વધારે સમય ગધ્ધાવૈતરું કર્યું એની આ કદર! ફક્ત બે જ રૂપિયા! મારા પપ્પાએ આ જાણ્યું એટલે તે બોલ્યા: ‘એમાં શાંતિ કટલરીનો વાંક નથી, એ તો લાયકાત જોઈને પૈસા આપે ને!’


એમ તો એક મુરબ્બીની ઓળખાણથી બેન્કમાં નોકરી લેવા ગયો હતો. ઠેઠ ઇન્ટરવ્યૂ સુધી તો પહોંચી ગયો, પણ ઇન્ટરવ્યૂ વખતે જ ફાંફે ચડી ગયો. ઇન્ટરવ્યૂમાં નોકરી મળે એવું ખાસ કશું ઉકાળી શક્યો નહીં. ઉપરથી જે મુરબ્બીની ઓળખાણથી ગયેલો તેમને સંભળાવવામાં આવ્યું કે તમે મોકલ્યો હતો એ છોકરો અમારી બેન્કમાં જરાય ચાલે તેમ નથી અને જો એ ચાલશે તો અમારી બેન્ક નહીં ચાલે. આપણું સાંભળીને જ શરમથી મારા મુરબ્બીએ ફોન કટ કરી નાખેલો.


પછી પિતાશ્રીને લાગ્યું કે છોકરો લગ્નને લાયક નહોતો તો પણ પરણાવી દીધો ને નોકરી કરવાને લાયક નથી એટલે મારે જ એને ઠેકાણે પાડવો પડશે પછી ભલે મારું જે થવાનું હોય તે થાય, આ કારણે પોતાની જવાબદારી નિભાવવા મને તેમણે તેમની ઇન્કમટેક્સ, સેલ્સટેક્સના સલાહકારના વ્યવસાયમાં જોતરી દીધો. તે શેઠને હું કર્મચારી નોકરીના પહેલા જ દિવસે તેમણે મને સામેના ઘોડામાં ગોઠવાયેલી ફાઇલો તરફ આંગળી ચીંધતાં જણાવ્યું. ‘જો વિનુ, આપણી પાસે આટલી ફાઇલો છે. (ફાઇલોનો આંકડો ફાધરે કહેલો જે અત્યારે મને યાદ નથી આવતો.) આ ફાઇલોમાં તું વધારો કરીશ એ તો બનવાનું જ નથી, પણ તારા વર્તનથી એકાદ ફાઇલ પણ ઓછી ન થાય એનું જોજે- આ ફાઇલો તો આપણો રોટલો છે. મારા સંયમની એ કસોટી હતી, પણ એક દિવસ મારા સંયમની પાળ તૂટી ગઈ. મારી કૉલમમાં હું આ રમૂજ લખી બેઠો: એક શેઠે તેના નોકરને કહ્યું કે આપણે ત્યાં આજે સાંજે એક નાનકડી પાર્ટી રાખી છે, એટલે તું બજારમાં જઈ બકરાનું ડોકું લઈ આવ. નોકર બકરાનું ડોકું ખરીદીને આવતો હતો ત્યાં બકરાના શરીરમાંના સારા સારા ભાગો જોઈને નોકરના મોંમાં પાણી છૂટી ગયું એટલે તે બકરાની આંખ ને જીભ વગેરે ભાગ રસ્તામાં જ ખાઈ ગયો. બાકી વધેલા ભાગ સાથે તે શેઠ પાસે ગયો. શેઠે એ ડોકું જોયું ત્યારબાદ સંવાદો: ‘અરે અબ્દુલ, બકરાની આંખ કેમ દેખાતી નથી?’


‘શેઠ બકરો આંધળો હતો.’
‘એના કાન પણ દેખાતા નથી.’
‘શેઠજી, એ બહેરો હતો.’
‘એની જીભ ક્યાં ગઈ?’
‘એ મૂંગો હતો.’
‘એનું મગજ કેમ નથી?’
‘શેઠ, એ સેલ્સટેક્સ ઑફિસર હતો.’


બસ, અહીં જ ગરબડ થઈ ગઈ. ‘સેલ્સટેક્સ ઑફિસરોની’ એક ટી ક્લબ ચાલે. બધા ભેગા થયા. મારી આ રમૂજ મોટાભાગના અધિકારીઓને વાગી ગઈ. તે મારા પર ખિજાઈ ગયા. આપણે વિનોદ ભટ્ટ સામે ડેફેમેશનનો કેસ માંડવો જોઈએ. તેણે આપણને મગજ વગરના કહ્યા ખૂબ ગરમા-ગરમ ચર્ચા થઈ. એક સમજુ-શાણા અધિકારીએ કહ્યું કે આપણે તેની સામે દાવો માંડીશું તો એ દાવો ટકશે નહીં. ‘કેમ આપણને મગજ વગરના કહ્યા છે, તો પણ?’ એક અધિકારીએ દલીલ કરી. ‘આપણા માટે એ સાબિત કરવું અઘરું પડશે કે આપણી પાસે મગજ છે.’ ‘એટલે?’ બીજા એક અધિકારીએ પ્રશ્ન કર્યો: ‘જો મગજ હોત તો આવી રમૂજને હસી નાખત. આ કંઈ માનહાનિનો દાવો કરવા જેવો મુદ્દો છે? ઊલટાની લોકોને ખબર પડશે તો આપણે હાસ્યાસ્પદ ઠરીશું.’ આ ઠાવકા અધિકારીએ બધાને ઠંડા પાડતાં કહ્યું અને મેં પણ મનમાં ગાંઠ વાળી કે સેલ્સટેક્સ ઑફિસમાં પગ મૂક્યો એ જ ઘડીએ ભૂલી જવાનું.

અને સાહિત્ય. એમાંય હાળું પાછું બહુ આવે છે. લેખો છપાય એ કરતાં સાભારપરત બહુ આવે. સાસરે વળાવેલી દીકરી ઘેર પાછી આવે ત્યારે દીકરીના બાપને લાગે એવો આઘાત લાગતો. મારા વા’લા બધા જ પત્ર-મેગેઝિનના તંત્રી-સંપાદકો એક વાતે સંપી ગયેલા કે વિનોદ ભટ્ટની કૃતિ છાપવાનું આપણું ગજું નહીં. હું ઈશ્વરને કાયમ પ્રાર્થના કરતો કે બુદ્ધિવિહીનોને સદ્્બુદ્ધિ આપો. આપી. મારું કહેવું માનીને ઈશ્વરે તેમને મારા હાસ્ય સમજવાની યથાયોગ્ય શક્તિ આપી. પછી તો મારાં પુસ્તકો છપાવા માંડ્યાં. લાગતાં વળગતાઓએ નાના-મોટા, તેમની શક્તિ પ્રમાણેનાં ઇનામો આપ્યાં છે. કશું મેળવવાનું બાકી રહી જતું નથી. હા, એક નોબેલ પ્રાઇઝ હજી બાકી છે, પણ મારે એ જોઈતું નથી. નોબેલ પ્રાઇઝ કમિટીને મેં જણાવી દીધું છે કે નોબેલ પ્રાઇઝ માટે કોઈ મારું નામ મૂકે તો રદ કરજો. આપણે આ પ્રાઇઝ લઈને કોઈની ઇર્ષ્યાને પાત્ર નથી બનવું. બાગમાં બેઠેલ ગુલાબ રાતરાણીનાં ફૂલની અદેખાઈ કરે છે? હું પણ ઉમાશંકરની પેઠે મારી નિષ્ફળતાઓને વગોળું છું ત્યારે મને થાય છે કે મારા જીવનમાં જો આટલી બધી નિષ્ફળતા ન આવી હોત તો હું એક ટુચકાબાજ મટી હાસ્યલેખક ન બની શક્યો હોત.

x
રદ કરો

કલમ

TOP