સૂક્ષ્મ કટાક્ષ-હ્યુમરના સરતાજ વિનોદ ભટ્ટ ગુજરાતી હાસ્યસાહિત્યમાં અમીટ નામ છે.

તો ચારેય દિશામાંથી ‘મોદી મોદી’ થઈ ગયું હોત

  • પ્રકાશન તારીખ08 Jul 2018
  •  

આ વખતની ચૂંટણીઓમાં ભાજપ અને કૉંગ્રેસ બંને જીતી ગયાનો દાવો કરે છે. ઉપરાંત બંને પક્ષો આત્મખોજ કરે છે ને આપણે ક્યાં અને કેટલો માર ખાધો, કેટલી બેઠકો ક્યાં ખોઈ એનું આત્મચિંતન કરે છે એ જોઈને હાળી ખબર નથી પડતી કે કોણ હાર્યું ને કોણ જીત્યું છે! અલબત્ત જે થયું છે એ જોઈને ભાજપને એવું ચોક્કસ થતું હશે કે આના કરતાં તો સત્તાવાર રીતે હારી ગયા હોત તો વધારે સારું થાત. આ વખતે કદાચ પહેલી વાર ગુજરાતની સેવા કરવા ઇચ્છુકોની બરાબરની ઓળખ થઈ ગઈ. સાંસદોમાં પડેલી સેવાવૃત્તિ સોળે કળાએ છતી થઈ. ગુજરાતની સેવા કરવાની તીવ્ર ઇચ્છાવાળા કેટલાક સાંસદોએ એવી માગણી કરી કે તમે સમજતા કેમ નથી કે અમારા જેવા કદાવર નેતાઓને કારણે જ ભાજપને માંડ મોઢું ઊંચું કરી બતાવવાની તક મળી છે. છેલ્લી પાંચ ટર્મ્સથી અમે બીજા કરતાં વધારે મતોથી ચૂંટાતા આવ્યા છીએ એ ભૂલીને આજે મંત્રીઓનાં ખાતાંઓની વહેંચણીની ઘડી આવી ત્યારે, પોતે દૂધાળાં ખાતાં લઈને બેસી ગયા ને અમને સાવ માલ વગરનું ખાતું આપો છો! તમને કદાચ ખબર નથી, પણ હું ચડ્ડી પહેરવા શીખ્યો ત્યારનો RSSની, પણ એના લેબલ વગરની ચડ્ડી પહેરીને, હાથમાં લાઠી રાખીને હું પણ શાખામાં જતો, તમેય ક્યારેક શાખામાં દેખા દેતા, એ પણ ભૂલી ગયા! તમારી જેમ અમનેય સેવા કરવાના ઓરતા છે.

એમાંના એક સાંસદે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મીડિયા દ્વારા સંભળાવી દીધું કે તમારી પાસે તો બાર બાર ખાતાં છે અને અમને તો એક જ ને તેય ભલીવાર વગરનું ખાતું આપવાનું! તો થોડાક મતોથી માંડ જીતેલા નાયબ મુખ્યમંત્રીને ફાળવવામાં આવેલ ખાતું નાનું પડતાં તેમણે રીતસરનો બળવો કરી દીધો. કહી દીધું કે હાઇકમાન્ડને મારી કોઈ કદર જ નથી ને તે રિસાઈને કોપભવનમાં ચાલ્યા ગયા. અગાઉના જમાનામાં રાજાની રાણી કોપભવનમાં જતી એ રીતે નાયબ-મુખ્યમંત્રી ‘કોપભવન’માં જતા રહ્યા, ને પક્ષમાં ધરતીકંપ આવી ગયો. આ પૂર્વ નાયબ- મુખ્યમંત્રીએ તો જરાય નમ્ર થયા વગર કે ન.મો.ની બે આંખની શરમ ભર્યા વગર હાઇકમાન્ડને પાછું અલ્ટિમેટમ પણ આપી દીધું કે મને ત્રણ દિવસમાં સારું ખાતું જોઈએ. મને મળેલ ખાતું તો મારા માટે સ્વમાનભંગ જેવું છે. હાઇકમાન્ડને ગુજરાત નહોતું ગુમાવવું. તેને બળવાની ગંભીરતા સમજાઈ ગઈ. નાયબ સી.એમ.નું કહ્યું માની, માગેલું ખાતું આપીને મંત્રીને મનાવી લીધા. સરકાર બચી ગઈ. ગુજરાતીમાં કહીએ તો ઘીના ઠામમાં ઘી પડી ગયું. અંગ્રેજીમાં આને કોમ્પ્રોમાઇઝ કહે છે. બીજું બધું તો ઠીક, પણ કહેવતમાં કહ્યું છે એ પ્રમાણે જમ ઘર ભાળી ગયા.


પૂર્વ સી.એમ. નરેન્દ્ર મોદી ગુજરાતના સી.એમ. હતા ત્યારે સાંસદો અને મંત્રીઓ પર પણ તેમનો કડપ ભારે હતો. કેબિનેટનો એક પણ મંત્રી તેમની આગળ ચૂં કે ચા કરી શકતો નહોતો. હવે આપણે એ ઓરિજિનલ ન.મો. ગુમાવી બેઠા છીએ. ન.મો.એ જો ધાર્યું હોત તો જે તે સાંસદ કે મંત્રીને ખૂણામાં લઈ જઈને તેને સખ્ત શબ્દોમાં કહી શક્યા હોત કે તમને જે ખાતું આપ્યું છે તે અમે સમજી વિચારને આપ્યું છે. તેમાં કોઈ ફેરફારને અવકાશ નથી. તમને આ ખાતું ફાવતું ન હોય તો રાજીનામું આપી શકો છો. જો ન.મો. આટલું જ બોલ્યા હોત તો ‘મોદી...મોદી’ એવો શોર ચારેય દિશામાં ગંૂજ્યો હોત, અને બધા મોંમાં આંગળાં ઘાલી દેત. ભાજપની શિસ્તની વાહ વાહ થઈ જાત. મારા ગીધુકાકા કહે છે કે, કાલે ઊઠીને કદાચ સચિવાલયનો કોઈ પટાવાળો પણ સરકાર પર દાદાગીરી કરીને કહેશે કે મેં પણ સરકારમાં મન દઈને 40 વર્ષથી નોકરી કરી છે. મને ગમે તે ખાતાનો છેવટે રાજ્યકક્ષાનો મંત્રી બનાવી દો, ત્યાં પણ કેવી સેવાઓ આપું છું એ પણ જોજો તમે.

એક પી.એમ. તરીકે તે સત્તા પર હતાં ત્યારે પત્રકારો કહેતા કે તેમની કેબિનેટમાં ફક્ત એક જ પુરુષ સત્તા સંભાળે છે- પાછો આ વ્યંગ તેમના પર નહીં તેમના ‘મંત્રીમંડળ’ પર હતો એવું કહેવાની અત્રે જરૂર છે?

અને એટલે તો આ ક્ષણે ભૂતપૂર્વ જ નહીં, અભૂતપૂર્વ એવાં ભારતનાં પ્રધાનમંત્રી શ્રીમતિ ઇન્દિરા ગાંધી સહજ ભાવે યાદ આવી ગયાં. મારી ભાણી ઉષ્માએ મને ઇન્દિરાજીના જીવન પર લખાયેલ પુસ્તક ‘ઇન્દિરા’ આપ્યું. આ પુસ્તકની માલિકી ઉષ્માની છે, પણ ઇન્દીરાજી પર અમારી માલિકી છે. ઇન્દિરાજી અમારા પ્રધાનમંત્રી હતાં. જોકે તે અમારા પર રાજ્ય કરતાં હતાં ત્યારે અમને બહુ નહોતાં ગમતાં, અમે ઇન્ફિરિઓરિટી કોપ્લેક્સથી પીડાતા. આજે તે નથી ત્યારે એ ભાવ સદંતર નીકળી ગયો છે, પણ એટલું યાદ છે કે તે અનન્યા હતાં. લેખિકા SAGRIKA GHOSE (સાગરિકા ઘોષ)ના મતે તે INDIA’S MOST POWERFUL MINISTER હતાં. તે નાનાં હતાં ત્યારે પંડિત જવાહરલાલ નેહરુની એક ઓર્ડિનરી- ‘ઠીક મારા ભૈ’ જેવી દીકરી તરીકે ઓળખાતાં, પણ તે મોટાં થયાં બાદ, પંડિત જવાહરલાલને લોકો એક તેજસ્વી દીકરી ઇન્દિરાજીના પિતા લેખે ઇતિહાસમાં ઓળખે છે. લેખિકા સાગરિકના મતે હવે ગાંધીજી, ત્યાર બાદ શ્રીમતિ ઇન્દિરા ગાંધી અને છેલ્લે જવાહરલાલ નેહરુ એવો ક્રમ થઈ ગયો છે.


એક પી.એમ. તરીકે તે સત્તા પર હતાં ત્યારે પત્રકારો કહેતા કે તેમની કેબિનેટમાં ફક્ત એક જ પુરુષ સત્તા સંભાળે છે- પાછો આ વ્યંગ તેમના પર નહીં તેમના ‘મંત્રીમંડળ’ પર હતો એવું કહેવાની અત્રે જરૂર છે? તેમના પડછાયાનો પ્રભાવ આજે પણ અકબંધ છે. જો તેમ ન હોત તો રાહુલભાઈ કૉંગ્રેસ પ્રમુખની ખુરસી પર આજે હોત! હૃદય પર હાથ મૂકીને કહેજો, મારું કહેવું ખોટું છે?
{{{
આ પૃથ્વી મધ્યે અમુક જણ રાજા થવા જ જન્મ્યા હોય છે. ઇન્દિરાજી એમાંનાં એક હતાં. શક્ય છે કે ભારતના પી.એમ થવાનું સ્વપ્ન તેમના પિતા જવાહરલાલ નેહરુએ તેમની આંખમાં આજ્યું હોય. તે એવું પણ માનતાં કે તેમની અંદર એક રાજા બેઠો છે. લાલબહાદુર શાસ્ત્રીના મંત્રીમંડળમાં તે એક જુનિયર મંત્રી હતાં, પણ મનોમન તે શાસ્ત્રીને પોતાનાં જુનિયર માનતાં. શાસ્ત્રીજીને તે ગાંઠતા નહીં. જાહેરમાં તે એવું બોલતાં કે હું કોઈ રેંજીપેંજી મંત્રી નથી. હું તો દેશના મોટા નેતાઓમાંની એક છું. અને તે બીજાઓને નાના ગણી મોટા નેતાની માફક વર્તતાં પણ ખરાં. એ દિવસોમાં તે લંડન હતાં. આ વાતની જાણ હોવા છતાં શાસ્ત્રીજીએ વિદેશ મંત્રીના પ્રતિનિધિ લેખે સ્વર્ણ સિંહને લંડન મોકલ્યા. આ અંગે પોતાની નારાજગી બતાવતાં ઇન્દિરાજીએ સખ્ત અવાજમાં કહેલું કે વડાપ્રધાને આવો અગત્યનો નિર્ણય લેવા અગાઉ મને કેમ ન પૂછ્યું? ઇન્દિરાજીના આવાં વર્તન સબબે શાસ્ત્રીજીએ એક વાર મિત્રો આગળ બળાપો ઠાલવ્યો હતો કે ઇન્દિરા તેની હેસિયતની બહાર જાય છે ને પ્રધાનમંત્રીના માથા પર જ કુદ્યા કરે છે. આ ફરિયાદની જાણ થતાં ઇન્દિરાજીએ પણ જાહેરમાં કહ્યું હતું કે હા, હું પી.એમ.ના માથા પર કૂદકા મારું છું. જરૂર પડે તો ફરી વાર પણ મારીશ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હું જો રાજીનામું આપું તો આ સરકાર પડતી એક દિવસ પણ બચી શકે? હું છું એટલે તો આ સરકાર છે. પંડિત નેહરુના અગણિત ઉપકારો શાસ્ત્રીજી પર હોવાને કારણે તે ગમ ખાઈ ગયા. નેહરુના તેમના પર અનહદ ઉપકારો હતા, એમાંય છેલ્લે છેલ્લે તો નહેરુજીએ મરીને તેમના પર સૌથી મોટો ઉપકાર કર્યો હતો. તેમની આખેઆખી ખુરશી શાસ્ત્રીજીને આપતા ગયા હતા. આવું બધું શેં ભુલાય?

ઇન્દિરાજી નાનાં હતાં ત્યારે બહુ જીદ્દી નહોતાં, પણ ઉંમર મોટી થવા માંડી એની સાથે તેમની જીદ પણ મોટી થવા માંડી. પં. જવાહરલાલ નેહરુને પોંખવા માટે તો પ્રધાનમંત્રીની ખુરસી રાહ જોઈને બેઠી હતી, પણ ઇન્દિરાજી અને પ્રધાનમંત્રીની ખુરસી વચ્ચે ઘણા બુઢિયાઓ, હિન્ડ્સ બનીને રોડાંની માફક આડાં આવી ગયાં.
પણ તેમને તોડફોડ કરતાં આવડતું હતું. તોડફોડ કરી પણ ખરી. તેમને પ્રધાનમંત્રી જ બનવું હતું. જે તે બનીને રહ્યાં. કપરાં ચઢાણ પણ તે ચડીને જ રહ્યાં. એ વખતે જોકે પ્રધાનમંત્રીની ખુરસીના ચારેક દાવેદાર હતા. એક તો સદાબહાર મોરારજીભાઈ દેસાઈ, ચૌધરી ચરણસિંહ, જગજીવનરામ અને (ઇન્દિરાજીના મતે) કામરાજ પણ ખરા. પ્રધાનમંત્રીની ખુરશી પામવા કૉંગ્રેસના બેને બદલે બાર કટકા કરવાની નોબત આવી હોત તો તેમણે એ પણ કર્યું હોત, એમનામાં એ શક્તિ હતી. બધાને ચીત કરીને તેમણે બે ટુકડે 16 વર્ષ રાજ્ય કર્યું. પોતાના મિજાજથી રાજ્ય કર્યું.

કોઈની દાદાગીરી તે સાંખી શકતાં નહીં. 1974ની પહેલી એપ્રિલે રેલવે કર્મચારીઓના પગાર-બોનસ વગેરેમાં વધારો કરવાના સંદર્ભે જ્યોર્જ ફર્નાન્ડિઝે ઇન્દિરાજીને ધમકી આપી કે અમારી માંગણીઓ મંજૂર કરવામાં નહીં આવે તો ટ્રેનો પાટા પર જ અટકી જશે. ‘સ્ટેચ્યુ’ થઈ જશે. બોલો શું કરવું છે? ફર્નાન્ડિઝની ભાષામાં ટપોરીનો છલકાતો મિજાજ જોઈને મેડમનું માથું ઠનક્યું. રેલવે હડતાળને તેમણે ગેરકાયદે ઠરાવી હડતાળિયાઓને પકડી પકડીને જે ઝૂડ્યા છે! ને જેલમાં નાખી દીધા. તે ગભરાઈને પગમાં પડી ગયા. હડતાળ જ નહીં, ફર્નાન્ડિઝની યુનિયનની લીડરી પણ લટકી પડી. ફર્નાન્ડિઝ આજ ક્યાં ખોવાઈ ગયા છે, ખબર નથી.


એ જ રીતે મોરારજીભાઈ દેસાઈને પણ, મોરારજીભાઈની જ ભાષામાં, ‘રીંગણા-બટાકાની પેઠે કેબિનેટમાંથી ફેંકી દીધા.’ ચીન પર તેમને વિશ્વાસ પણ નહોતો કે એનો જરા પણ ડરેય નહોતો. ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’ એ સૂત્ર તેમના પિતાજીની માફક તેમણે ક્યારેય ઉચ્ચાર્યું નહોતું ને એથી પણ આગળ જઈને કહું તો ઇન્દિરાજીએ પોતાના બંને પુત્રો રાજીવ અને સંજીવને પાસે બેસાડીને એવું પણ નહોતું કહ્યું કે બોલો, ‘રાજીવ-સંજય ભાઈ ભાઈ’. આનું કારણ એ છે કે આમ પણ ભાઈની પાછળ ભય પણ છુપાઈને બેઠેલો હોય છે. બહેન આ ભય પામી ગયાં હશે.


રહી વાત પાકિસ્તાનની. બહુ ડબડબ કરતું હતું તે એનાય બે ટુકડા કરી નાખ્યાં. બાંગ્લાદેશ પાકિસ્તાનથી છૂટો પડવાથી તેના શાસક ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જાહેરમાં, શબ્દાર્થમાં રડી પડેલા. એક સ્ત્રીના હાથે હારી જવાનો ભુટ્ટોને પ્રચંડ આઘાત લાગ્યો હતો.
અને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં જોરદાર વિજય મળવાને કારણે દેશમાં તેમજ દેશ બહાર ઇન્દિરાજીના નામનો ડંકો વાગી ગયો. એમાંય વિરોધપક્ષના નેતા અટલ બિહારી બાજપાઈએ તેમને મા દુર્ગા કહ્યાં ત્યારથી તો તેમનો આત્મવિશ્વાસ ઓર વધી ગયો. (અટલજીની વાત કરીએ તો તેમને જે ઇન્દિરાજી પાક. યુદ્ધ વિજેતા બન્યા એ વખતે મા દુર્ગા સ્વરૂપ લાગેલાં એ જ ઇન્દિરાજીએ કટોકટી વખતે તેમને જેલમાં નાખ્યા ત્યારે મા કાલિકા જેવાં લાગ્યા હશે!)
દરેક યુદ્ધમાં જીતતું તો લશ્કર હોય છે, પણ યશ તો એના શાસકને જ મળતો હોય છે. અહીં જ મેડમની ગેરસમજ થઈ ગઈ. આ વિજયને તે પોતાનો અંગત વિજય ગણી એના કેફમાં રહેલા લાગ્યાં. લશ્કર-બશ્કર તો ઠીક, આ તો મારી જીત છે એવી ગેરસમજને કારણે તે ઘમંડી પણ બની ગયાં. આમ પણ જવાહરલાલની બેટી હોવાના ઘમંડનો હુમલો તેમના દિમાગ પર છવાઈ જતો.

ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ લખેલા તેમ મેડમે પણ પુસ્તક લખ્યું હતું, ‘માય ટ્રુથ’ મારું સત્ય, તેમનું સત્ય આગવું હતું. કદાચ આ જ કારણે ગાંધીબાપુની પેઠે તેમને એવું લખવાની જરૂર નહોતી પડી કે સત્યનો ગજ મારા માટે ક્યારેય ટૂંકો ન પડજો. ઇન્દિરાજીને આવા કોઈ ગજને વચ્ચે લાવવાની જરૂર ચોક્કસ નહીં પડી હોય. સત્યને વળી ગજ કેવો!
પણ પછી એક દિવસ તેમનો પગ કટોકટી નામના કુંડાળામાં પડી ગયો. તેમને પણ કદાચ ક્યારેક એવું લાગ્યું પણ હશે કે કટોકટીનું તેમનું પગલું ખોટું હતું. જે કૃષ્ણમૂર્તિ આગળ તેમણે કબૂલ કર્યું હતું કે, ‘હું વાઘની પીઠ પર બેસી ગઈ છું. વાઘ મને ફાડી ખાય એની મને ચિંતા નથી, પણ તેની પીઠ પરથી ઊતરતાં મને આવડતું નથી.’ આવી નિખાલસ પ્રામાણિકતા તેમને છતી કરી દીધી. આવી નિખાલસ પ્રામાણિકતા તેમણે પ્રજા આગળ બતાવી હોત તો આ દેશની પ્રજાએ તમને માફી આપી હોત.


યાદ આવ્યું : આદરણીય સી.એમ. શ્રી વિજયભાઈ, જી.એલ.એફ.ના ઉદ્્ઘાટન પ્રસંગે આપશ્રીએ આપણી દૂધભાષા ગુજરાતીને સ્કૂલ તેમજ કૉલેજ લેવલે ફરજિયાત કરવાની જાહેરાત કરી એ બદલ અમે આપના ઋણી છીએ. આપના આ ઐતિહાસિક નિર્ણય બદલ સમગ્ર ગુજરાત આપનું સદાય ઓશિંગણ રહેશે.

x
રદ કરો

કલમ

TOP