‘દુનિયાને ઊંધાં ચશ્માં’થી પ્રખ્યાત તારક મહેતા દિગ્ગજ હાસ્યલેખક અને નાટ્યકાર હતા.

કાગડી પૂછે કાગડાને...

  • પ્રકાશન તારીખ13 Jul 2018
  •  

ઝાડ ઉપર એક કાગડી માળાને ફાઇનલ ટચીઝ આપી રહી છે. એક વાર ઇંડાં મૂક્યાં પછી માળામાં ફેરફાર કરવાનું બનશે નહીં, અત્યારે ફેરફાર કર્યા તે કર્યા. એટલામાં એનો પતિ પાંખો પહોળી કરી પોતે પોતાને મોટું હેલિકૉપ્ટર સમજતો હોય તેમ ચકરાવો મારી માળાનું અવલોકન કરી નજીકની ડાળી ઉપર
આવી બેઠો.

કાગડો : કેમ એ ફુવડ, હજી માળો તૈયાર નથી? આટલા દિવસથી મચી છે તે તું કરે છે શું?

કાગડી : ફૂવડ કોને કહે છે, રખડેલ! થોડા કટાયેલા તારના ટુકડા ને સૂકાં ડાખળાં ઊંચકી લાવ્યો તેમાં તો જાણે શું મોટો માળો બાંધવાનો સરંજામ ઉપાડી લાવ્યો હોય તેમ ચાંચ ફાડીને આખો બગીચો ગજવી મૂકે છે. માળો બાંધવો એ એક કળા છે. તેમાં બેસવાનું મારે છે ને બચ્ચાં ઉછેરવાના મારે છે. કેટલા વીસે સો થાય છે તેની તને શું ખબર પડે?

કાગડો : કકળાટ બંધ કર. હું તને પૂછું છું કે માળો આટલો નાનો કેમ બાંધ્યો?

કાગડી : તને આ માળો નાનો દેખાય છે?
કાગડોઃ તારા પૂરતો ઠીક છે. બચ્ચાંઓ પણ સમાઈ જાય, પણ પેલીનો વિચાર કરવાનો કે નહીં?

કાગડીઃ પેલી? પેલી કોયલડી?

કાગડો : કોયલડી નહીં. કોયલરાણી...

કાગડી : શરમા.... શરમા... મુવા વંઠેલ.


મને ખબર છે તું એના પર દાણા નાખે છે તે. તારું ચાલે તો મને કાઢીને ચુડેલને મારા માળામાં બેસાડી દે. પણ એ નખરાળી ગાવામાંથી ઊંચી આવે તો ને! એનો વેવલો ધણી પણ એને કંઈ કહેતો નથી. બંને જણ લપાતા છુપાતા બધે રખડ્યા કરે છે. મારી નજર ચૂકવીને મૂઈ આપણા માળામાં ઇંડાં મૂકી જાય છે. મારી ઝપટમાં આવે એટલી વાર છે, એનું એક એક પીંછું ખેંચી કાઢીશ. ભોંય ભેગી કરી દઈશ. તમારી એ રાણીના એવા હાલ કરીશને...

કાગડો : બસ બસ હવે, અદેખાઈ ન કર.
કાગડી: અદેખાઈ કરે મારી બલા રાત. એમ તો મોર પણ મીઠું ગહેકે છે, કૂકડો સવારે સવારે કેવો કૂકડે કૂઉ ઉંઉની ટહેલ નાખે છે. એ તમારી બલા કરતાં બુલબુલ કેવું મજાનું ગાય છે પણ એમાંનું કોઈ પણ આપણાં માળામાં ઇંડાં મૂકવા આવે છે? એ જ બધી વંતરીઓ અમને કાગડીઓને પજવે છે.

કાગડો: એમ જીવ ટૂંકો ન કરીએ.

કાગડી: શું જીવ ટૂંકો કર્યો?

કાગડોઃ તને શો ફરક પડે છે તે આટલી ધૂંઆપૂંઆ ધૂંઆપૂંઆ થાય છે? તારે તો બે ભેગાં ચાર ઇંડાં સેવવાના છે, એમાં કંઈ વધારાની મહેનત કરવાની તો નથી. અને ચાર બચ્ચાંને ખવરાવવા હું બાર વરસનો બેઠો છું. ગમે તેમ તોય પક્ષીની જાત છે. મન મોટું રાખતાં શીખ. આવી નજીવી બાબતમાં જીવ ટૂંકો કરીએ તો આપણામાં અને માણસોમાં ફેર શો?

કાગડી : બંગલામાં રહેતાં શેઠ-શેઠાણીઓ એમનાં બચ્ચાંઓને ઉછેરવા આયાઓ રાખે છે તો એને પગાર આપે છે જ્યારે આ તમારી ચોરટી કોયલરાણી પૂછ્યાગાછ્યા વગર ઇંડાં મૂકી જાય છે ને એને સેવવાનું મહેનતાણું આપવું તો બાજુ ઉપર રહ્યું, એનું કાળિયું ડાચું છુપાવતી ફરે છે.

કાગડોઃ આપણા બાપદાદાના જમાનાથી આ રિવાજ ચાલ્યો આવે છે.

કાગડી : ત્યારની વાત જુદી હતી. એ જમાનામાં તો, કહે છે, માણસો સામે ચાલીને આપણને જમાડતા અને આજે તો જોને, કેટલા બધા માણસો આપણા માળા જેવડી ખોલકીઓમાં રહે છે. એમને જ પૂરતું ખાવા મળતું નથી ત્યાં આપણને શું ખવડાવે? પણ પેલી ચુડેલને ક્યાં એવી ચિંતા છે!

કાગડોઃ હું તો તને કહેતો હતો, આપણે ગાંધીનગર જઈને રહીએ.

કાગડી : બોલતા જ નહીં, ત્યાં તો મોટા મોટા સાહેબો પણ રાત-દિવસ ફફડ્યા કરે છે. રહેવાનું મોટા મોટા બંગલાઓમાં પણ રાત-દિવસ સિક્યોરિટીઓવાળા બંદૂકડી લઈને ફર્યા કરે. આપણા માળામાં બચ્ચાં અધરાતે મધરાતે પાંખ ફફડાવે તો સિક્યોરિટીવાળો સમજે, ઝાડમાં આતંકવાદી છુપાયો છે. બીકનો માર્યો એ ભડાકો કરી નાખે તો આપણે જીવથી જઇએ. બધાં અધ્ધર જીવે જીવતા હોય છે. એવી અંજપાવાળી શાંતિમાં મને ગોઠે નહીં. ત્યાં તો તને બોલાવવા કાઆઆ.....કાઆઆ.... કરવાની મારી હિમ્મત ન ચાલે. આપણે તો અહીં કોઈની બીક તો નહીં, એ ય ને જ્યાં ને ત્યાં ઉકરડા, જાતભાતનું ભોજન. અને હવે તો વરસાદ થયો એટલે ઉકરડામાં જીવડાં જ જીવડાં.

કાગડોઃ હવે મને પજવ નહીં. જા જઇને મારે માટે કંઈક ખાવાનું લઈ આવ.

કાગડીઃ મારાથી તો હવે નહીં નીકળાય. મારો
સમય થઈ ગયો છે, ગમે તે ઘડીએ ઇંડાં મૂકવાં પડશે. અંધારું થાય તે પહેલાં આઈ જજે. પેલી કોયલડી પાછળ રઝળવા ન જતો. એ કોઈ કામમાં આવવાની નથી. તારા લમણે હું જ લખાયેલી છું, સમજ્યો.

કાગડોઃ હા ભાઈ હા, એનો છાલ છોડને.

માથા પર લોખંડના તારનો ટુકડો આતંકવાદીની બુલેટ વાગી હોય તેવો વાગ્યો અને હું સફાળો જાગી ગયો. લમણે હાથ ફેરવતાં જોયું તો હું (બાવાના) બગીચાના બાંકડે ઝોકે ચડી ગયો હતો. બાંકડાના બીજા
બાંકડે એક યુગલ બેઠું હતું.

યુવતીઃ મેં તને ચોખ્ખું કહ્યું હતું, તું કોઈ સારા ઈન્ટિરિયર ડેકોરેટરને બોલાવી લાવ. હવે ચોમાસું બેસી ગયું, પણ કડિયાકામનો પાર આવ્યો નથી અને હવે એ લોકો દિવાળી પણ આપણા બંગલામાં જ કરશે.

યુવકઃ જો સારું કામ કરાવવું હોય તો વાર લાગે અને અગવડો પણ ભોગવવી પડે, પણ તને ફ્લેટમાં ક્યાં તકલીફ છે. આપણે તો બંગલો તૈયાર થઈ જાય પછી જ રહેવા જવું છે.

યુવતીઃ મૂળ શું છે કે ડેકોરેશન તો બહાનું છે. પેલી કપાળે ગોગલ્સ ચઢાવી રાતાં-પીળાં કુર્તા-ચુડીદાર ચઢાવી, વાળ ઓળ્યા વગર, મેક-અપ વગર આવી પહોંચે છે. તેનાથી તું ઇમ્પ્રેસ થઈ ગયો છે. એનામાં તને જીનિયસ દેખાય છે. બંગલો બંધાવતી વખતે તને વાસ્તુશાસ્ત્ર કે પેલું શું - મોંમાંથી હવા નીકળી જાય તેવું કુંગ ફઉઉઉઉં, કે ચેમચુંગ...

યુવકઃ રહેવા દે, રહેવા દે, તને એ છોકરી માટે પ્રેજ્યુડીસ થઈ ગયો. તને એ દિઠ્ઠી ગમતી નથી.

યુવતીઃ તે ન જ ગમે ને! ખરીદી કરવા એ મને સાથે કેમ લઈ જતી નથી?

હજારમાં લઈ આવત, પણ તારે તો પાછી એ રંગબેરંગી ઉલ્કાને ઈમ્પ્રેસ કરવાની હોયને!

યુવક : કારણ કે, અમુક ચીજોની ખરીદીમાં ભાવતાલ-રકઝક તો મારે કરવાની હોય.

યુવતી : લો બોલો, એ ચબાવલીએ તને ઠસાવ્યું એટલે તેં માની લીધું. ભાવતાલ-રકઝક તો અમારે રોજનું થયું. ઊલટું તમને પુરુષોને એની શરમ આવતી હોય છે. મારી સાથે શોપિંગ પર આવવાનું તને કહું છું ત્યારે તને ઑફિસમાં પુષ્કળ કામ હોય છે અને કોઈક વાર સાથે આવે છે તો આઘોપાછો થઈ જાય છે.

યુવક : કારણ કે મને તારા ઉપર વિશ્વાસ હોય છે. આમાં તો મારે જાતે નજર રાખવી પડે. પેલો એન્ટિક હીંચકો પચાસ હજારનો હતો. ઉલ્કા કહે, વ્યાજબી છે. મેં કહ્યું હોય કંઈ! મેં માથાકૂટ કરી પીસ્તાળીસ કરાવ્યા.

યુવતી : હું ગઈ હોત તો પાંત્રીસ
હજારમાં લઈ આવત, પણ તારે તો પાછી એ રંગબેરંગી ઉલ્કાને ઈમ્પ્રેસ કરવાની હોયને!
યુવક : તેં કકળાટ કરવાનું નક્કી જ
કર્યું છે?

યુવતી : આ સાચી વાત છે પણ તને કકળાટ લાગે છે. ખરી રીતે, કડિયા-મજૂરો પર દેખરેખ રાખવાનું કામ પુરુષો કરે અને ખરીદી કરવા સ્ત્રી જાય, પણ પેલીએ તારા પર કંઈ ભૂરકી છાંટી છે. ગોગલ્સ કપાળે ચઢાવી રાખતી ઈન્ટિરિયર ડેકોરેટર એના કપાળ જેવું ડેકોરેશન ભલે કરે. પણ તું યાદ રાખ હું પ્રેગ્નન્ટ છું અને મારી ડિલિવરી પહેલાં બંગલાની ડિલિવરી થવી જોઈએ. હું કડિયા-સુથાર વચ્ચે વીંટળાઈને મારા બાળકને ધૂળ ખવડાવવા માગતી નથી.
તું તો બિઝી હતો ત્યારે લોહીનું પાણી કરી મેં ખડે પગે બંગલો બંધાવ્યો છે અને એ રીતે જ ડેકોરેશન થઈ જવું જોઇએ, લખી રાખ.....

ત્યાં માથા પર ટીપું પડ્યું. અને મેં છત્રી ખોલી ચાલવા માંડ્યું. એ બંને વરસાદમાં બેસી રહ્યાં. મારા મગજમાં બધા સંવાદો મિક્સ-અપ થતા હતા. આજ-કાલ મારા મગજમાં બધું રિમિક્સ થઈ જાય છે.
(મૂળ પ્રકાશન તારીખઃ 6 જુલાઇ 2003)

x
રદ કરો

કલમ

TOP