‘દુનિયાને ઊંધાં ચશ્માં’થી પ્રખ્યાત તારક મહેતા દિગ્ગજ હાસ્યલેખક અને નાટ્યકાર હતા.

ઈશ્વર આ બધું જોતા જ હશે

  • પ્રકાશન તારીખ13 Jul 2018
  •  

બગીચામાં નિયમિત આવનારમાં એક માધુકાકા છે. સાંભળ્યું છે કે એમને જેમ બગીચાના રાઉન્ડ મારવાની ટેવ છે તેમ મંદિરોમાં જવાનું વ્યસન છે. વ્યસનો સાત્ત્વિક પણ હોઈ શકે છે. મારાં એક સગ્ગા ફોઈ સવારથી સાંજ કથાઓ સાંભળવામાં જ વીતાવતાં. સમજાય કે ન સમજાય પણ પોળને ઓટલે બેસીને ગામ આખાની પંચાત કરવા કરતાં સારું. (જોકે કથાનાં સ્થળોએ પણ પંચાતપ્રવૃત્તિ થતી તો હોય છે જ.)

માધુકાકાનો એક જ કાયમી ડ્રેસ - અડધી બાંયનો ટૂંકો સફેદ ઝભ્ભો અને ટૂંકો લેંઘો. પગમાં બે પટ્ટીની રબરની સ્લીપર. રિસાયેલા બાળકની જેમ નીચી મૂંડીએ, મધ્યમ ગતિએ ચાલે છે. વેપારી બ્રાન્ડનું પેટ આગળ નીકળીને લટક્યું છે. પહેરે છે લેંઘો પણ એમની ચાલ ધોતિયાછાપ છે. એ ચાલતાં ચાલતાં વિચારે છે કે વિચાર કરતાં કરતાં ચાલે છે એ હું કળી શક્યો નથી. આખી મિશ્ર ક્રિયા છે. મને પોતાને પણ જમતી વખતે ખ્યાલ નથી હોતો કે થાળીમાં કયું શાક છે. જમતી વખતે હું ખોવાઈ જાઉં છું તે પત્નીને ગમતું નથી. મારા એક મિત્ર સ્ત્રીઓને રાજી રાખવામાં ઉસ્તાદ છે. જમવા આવે ત્યારે અચૂક બોલવાના ‘આ શાક મારું ફેવરિટ છે’, ‘વાહ, શું હાંડવો થયો છે’ કે ‘શું ઢોકળી થઈ છે’, ત્યાં સુધી કે ભાતના પણ વખાણ કરે. એમની પત્ની નારાજ થઈને મારા કાનમાં બબડે છે, ‘તમારો ભઈબંધ સાવ જુઠ્ઠો છે. બધાં બૈરાંઓને આવું કહેતો ફરે છે.’

બગીચામાં યંત્રવત્ ચાલી રહેલા એકાદ જણને અટકાવીને જ અચાનક પૂછો, ‘શું વિચાર કરો છો?’ તો એ બાઘો બની જાય. એણે યાદ કરવું પડે કે એ શું વિચાર કરતો હતો. નક્કી કર્યું હોય બગીચાના ચાર ચક્કર મારવા છે એટલે ચાર જ ચક્કર. ઓછું પણ નહિ, વધારે પણ નહીં. ત્યાં સુધીમાં એમનું મગજ દસ-પંદર રાઉન્ડ મારી ચૂક્યું હોય. વાંદરાને તમે કેળવી શકો છો પણ મન-મર્કટ ઉર્ફ માંકડાને કેળવવું દુષ્કર છે.

માધુકાકા સાથે મારે સાહેબજી - સલામનો વહેવાર છે. રોજ સાંજે એક જ સ્થળે ટીચાતા માણસો વચ્ચે ઘણી વાર ઘરવટ પણ થઈ જતી હોય છે, પણ હું સ્વભાવે ઘરવટીઓ નથી. આ તે વખતે માધુકાકા એમના નક્કી રાઉન્ડ પતાવી મારા બાંકડે આવીને બેઠા. ગજવામાંથી મોટા નેપકિનની સાઇઝનો ખાદીનો હાથરૂમાલ કાઢી ચહેરા પર ઘસવા લાગ્યા. ‘ઉકળાટ...ઉકળાટ.ઉકળાટ.' કપાળ છોલતાં એ સ્પષ્ટ બબડ્યા, ‘વરસાદ પડે તોય ઉકળાટ, ન પડે તોય ઉકળાટ.’ મેં એમને સમર્થન આપતાં કહ્યું, ‘પાપ વધે છે તેમ તેમ તાપ વધે છે.’

‘એની તો મને ખબર નથી.’

‘પાપની બાબતમાં મારી જાણકારી ઓછી છે, પણ જાણકારો કહે છે, આડેધડ જેમ જેમ વૃક્ષોનું નિકંદન થાય છે તેમ તેમ પૃથ્વી છંછેડાતી જાય છે. આપણને પાઠ શીખવવા માટે એ વરસાદ ઓછો કરતી જાય છે.’ મેં કહેવા ખાતર કહ્યું. ખાદીના રૂમાલથી એમણે કપાળ છોલીને ઓછું કરી નાખ્યું. પક્ષીઓ એમના માળાભેગાં થવાં માંડ્યાં હતાં અને ઘેર મોકલી આપવા ઇચ્છતા હોય તેમ - શેરબજાર જેટલો શોરબકોર મચાવી રહ્યાં હતાં. ‘ચાલો આવવું છે?’ અચાનક માધુકાકાએ મને પૂછયું. હું ગભરાયો. ક્યાંક એમને ઘેર મને તાણી જશે તો મારે ભવિષ્યમાં એમને મારે ઘેર બોલાવવા પડશે. પાણી પહેલાં પાળ બાંધવા મેં કહી જ દીધું, ‘ના.’

‘ચાલો, મજા આવશે.’

‘ક્યાં?’ મારે પૂછવું પડ્યું.

‘મંદિરે. સરસ વાતાવરણ હોય છે. એક વાર આવશો પછી આવ્યા જ કરશો.’

‘એટલે જ નથી આવવું. અહીં મને ફાવી ગયું છે.’ મેં પતાવવાનો પ્રયત્ન કર્યો.

‘ભગવાનમાં નથી માનતા? એમને વિશે મેં વિચાર કર્યો નથી.’

‘એમાં વિચાર વળી શા કરવાના?’ કાકા અકળાયા.

‘જુઓ કાકા, અમે કદી મળ્યા નથી. અરસપરસ ઓળખાણ થઈ નથી. પછી એમની સામે જઈને ઊભા રહીએ તે સારું ન લાગે.’

‘તમે કોની વાત કરો છો?'

‘ભગવાનની.’

‘તમે એમ કહો છો કે ભગવાને સામે ચાલીને તમને મળવા આવવું જોઈએ?'

‘ના, હોં. એવું તો હું કોઈ પણ અજાણ્યા માણસને કહેતો નથી.'

‘કોઈ દિવસ મંદિરે ગયા જ નથી?’ વિસ્મયથી એ મારી સામે તાકી રહ્યા.

‘ગયો છું, કાકા, ઘણી વાર ગયો છું. મારા ફાધર-મધરને મેં બદરી-કેદારની જાત્રા કરાવી છે, મારા એક મિત્રે મને નેપાળમાં પશુપતિનાથની જાત્રા કરાવી છે. દ્વારકા, સોમનાથ ગયો છું, રામેશ્વર, મદુરાઈ ગયો છું, દેલવાડા, પાલિતાણા, મહુડી પણ ગયો છું, કલકત્તાનું કાલી મંદિર પણ જોયું છે.’

‘ઓહો હો હો!’

‘એવુ જ થયું છે.’

‘એટલે?’

‘બધું ઓ હો હો હો જ છે. જોયા કરો મંદિરો ને ઓ હો હો હો કર્યા કરો.’

‘તમે નાસ્તિક તો નથીને?’

હરદ્વારના કુંભમેળામાં હું ગયેલો ત્યારે એક રિક્ષાવાળાને મેં સાધેલો. એણે જે વાતો કરી ઓ હો હો હો - જાણે અંધારી આલમની માફિયા પ્રવૃત્તિની કથાઓ

‘મને જ ખબર નથી પડતી કે હું શું છું. આપણે એમને મળવા કલાકો લાઈનમાં ઊભા રહીએ તો એમણે આપણી લાગણી સમજવી જોઈએને! અમદાવાદથી છેક ઉદેપુર સુધી લાંબા થાવ. નાથદ્વારા પહોંચો ત્યારે મંદિરનાં કમાડ બંધ હોય. પ્રભુના શણગાર થાય ત્યાં સુધીમાં બહાર ભીડ જામે. કમાડ ખૂલે ને એયને ધક્કામુક્કી, પડાપડી, કોલાહલ. હજી તો આપણે હાથ જોડીએ છીએ ત્યાં તો ઝાપટીઆઓ ઝાપટ મારે, જલદી કરો, જલદી કરો. પ્રભુ સામે ઊભા રહો તો પડે ઝાપટ. બીજે બારણેથી નીકળો બહાર. ઝાપટ ખાઈને સૌ ધન્ય ધન્ય થઈ જાય છે. કેદારનાથના મંદિરની બહાર સૂચના લખેલી છે, દાન કરવું હોય તો મંદિરના ટ્રસ્ટની પેટીમાં નાખો. અમે એમ કર્યું. અંદર ખડક આકારના લિંગ પર પૈસા ન ચઢાવ્યા તો એક કાણીઓ પૂજારી અમારા પર વીફર્યો. ત્યાં પણ એ જ રટણ – જલદી કરો, જલદી કરો. કાણીઆને કોડી મળી નહીં એટલે એણે મારાં મામીને ધક્કો માર્યો. મારા બાપા ને મામા સામે વીફર્યા. પૂજારીઓ અમને પરાણે બહાર ધકેલે તે પહેલાં અમે ઘાંટાઘાંટ કરી મૂકી. અમારી પાછળ આવી રહેલા યાત્રાળુઓને કહેવા માંડ્યું, અહીં પૈસા ન મૂકતા, આ બધા ચોર છે. ગભરાયેલા પૂજારીઓએ કાણીઆને મારીને પગમાં સુવાડ્યો અને માફી મંગાવી. માધુકાકા, ઈશ્વર આ બધું જોતા તો હશે જ ને?'

‘એમની લીલા અપરંપાર છે.’

‘એમના એજન્ટોની લીલા અવારનવાર છાપે ચઢે છે. હરદ્વારના કુંભમેળામાં હું ગયેલો ત્યારે એક રિક્ષાવાળાને મેં સાધેલો. એણે જે વાતો કરી ઓ હો હો હો - જાણે અંધારી આલમની માફિયા પ્રવૃત્તિની કથાઓ.'

‘મારે એ સાંભળવું નથી.'

‘તો મારે સાંભળવું છે. જગતમાં આપણે સૌથી વધારે આસ્થાળુ, ધર્મપરાયણ છીએ છતાં આપણે સેંકડો વર્ષો ગુલામી ભોગવી. ઈશ્વરે આપણને તો મુક્ત ન કર્યા પણ એમનાં મંદિરોનું પણ રક્ષણ ન કર્યું. ટ્રેનમાં રામસેવકોનું રક્ષણ ન કર્યું, અક્ષરધામમાં ભક્તોનું રક્ષણ ન કર્યું.’

હું સવાલો પૂછું એ પહેલાં શર્ટ-ચડ્ડી પહેરેલા એક કિશોર સાથે એક દુંદાળા પોલીસ ઈન્સ્પેક્ટર અને બે કાર્ટુનછાપ જમાદારો અમારી તરફ આવ્યા.

‘પપ્પા, આ સાહેબ તમને મળવા માગે છે.’ માધુકાકા ફફડીને ઊભા થઈ ગયા. ‘તમે માધુભાઈ વ્યાસ?’

‘જી.’

‘તમારે અમારી સાથે આવવાનું છે. તમારું સ્ટેટમેન્ટ લેવાનું છે.’

‘કકકકકઈ બાબતમાં?’

‘તમે ફલાણા મંદિરમાં રોજ સવાર-સાંજ જાવ છો?’

‘હા.’

‘ત્યાંના હેડપૂજારીને ઓળખો?'

‘સારી રીતે.’

‘એ મહારાજનું મર્ડર થઈ ગયું છે. ડૉન્ટ વરી. તમારે ફક્ત એમને વિશે સ્ટેટમેન્ટ આપવાનું છે.’ ઈશ્વર સ્મરણ કરતો હું બેસી રહ્યો.
(મૂળ પ્રકાશન તારીખઃ 29 જૂન 2003)

x
રદ કરો

કલમ

TOP