‘દુનિયાને ઊંધાં ચશ્માં’થી પ્રખ્યાત તારક મહેતા દિગ્ગજ હાસ્યલેખક અને નાટ્યકાર હતા.

તાજો જ પ્લોટ

  • પ્રકાશન તારીખ13 Jul 2018
  •  

શેઠ શ્રી બાલુભાઈ વાડીભાઈ સ્મૃતિ ઉદ્યાન એવું લાંબુંલચક નામ કોણ બોલે! રિક્ષાવાળાને કહો તો એ પણ ભૂલો પડી જાય. ગુજરાતીઓ તો સહેલું નામ શોધી જ કાઢે. માટે એમણે બાલુભાઈ વાડીભાઈનું નામ ટુંકાવી “બાવા” કર્યું અને બાવાનો બગીચો નામ ચોંટી ગયું. નામ ફિટ થઈ ગયું એનું બીજું પણ કારણ છે. બગીચાની કોઈ ગ્લેમર નથી. અનધિકૃત ઝુંપડાંની પેઠે ઝાડ એમની મેળે ઊગ્યાં છે. લીલું ઘાસ છે અને ઠેરઠેર બાંકડાઓ છે, જે પક્ષીઓની ચરકને લીધે મૉડર્ન આર્ટની કલાકૃતિઓ જેવાં વધારે લાગે છે. બગીચાને ફરતી સોસાયટીઓના સિનિયર સિટિઝનોને એ વધારે આકર્ષે છે. પ્રેમી પંખીડાં અહીં ફરકતાં નથી. રાત્રે ઘુસી જતાં હોય તો ખબર નથી. ભૂલચૂકે જો કોઈ જ આવી ચઢે તો સિનિયર સિટિઝનોની કે સેન્સરશિપ હેઠળ એમણે સખણાં બેસવું પડે છે. બગીચામાં આવતા વરિષ્ઠ નાગરિકોના બે વર્ગ છે. સ્વછાએ ફરવા આવતો સ્વાથ્યપ્રેમી વર્ગ અને ડૉક્ટરોના ડરાવવાથી ફરજિયાત ચાલવા અને દોડવા આવતો દર્દીવર્ગ. હા, એક વર્ગ એવો છે જે વહેલી સવારે આવી સામૂહિક અટ્ટહાસ્ય કરી પક્ષીઓને ભગાડી મૂકે છે. પક્ષીઓ લાફિંગ ક્લબવાળાઓને માફીઆઓ સમજે છે.

હું સવારે બગીચામાં આવતો નથી એટલે મને એમના હાસ્યનાદ સાંભળવાનો લહાવો મળ્યો નથી પણ મને એમની ઈર્ષા તો આવે જ છે. વહેલી સવારે માણસ બગીચામાં જઈ કશા કારણ વગર જોરજોરથી હસે એ મોટી સિદ્ધિ છે. સવારે તો મારી આંખો ખૂલતી નથી, ગળામાંથી સાદો અવાજ નીકળતો નથી ત્યાં બગીચામાં જઈને અટ્ટહાસ્યના કોરસમાં જોડાવાથી સ્વાસ્થ સુધરવાને બદલે કથળે એવી શક્યતાઓ વધી જાય. સાંજે બગીચામાં એકલા જ એકલા અટ્ટહાસ્ય કરું તો બીજા સહેલાણીઓના પ્રત્યાઘાત કેવા આવે તે કલ્પી નથી શકતો, પણ માબાપો સાથે આવેલાં બાળકો મારા પર કાંકરા ફેંકી "ગાંડો...ગાંડો” પોકારો કરે એ હું કલ્પી શકું છું. હું પણ એવું જ કરું.) - રોજ સાંજે હં બગીચામાં આંટા મારવા આવું છું. સ્વાસ્થ્ય ખાતર નહીં, સગવડ ખાતર. મેં સાહિત્યસેવા ખાતર નોકરીમાંથી નિવૃત્તિ લીધી છે. પત્ની એક શાળામાં પ્રિન્સિપાલ છે. સાંજે નોકરી પરથી ઘેર આવી મને અઘરા અઘરા સવાલો પૂછે છે એ ટાળવા માટે બગીચાનું હું શરણ લઉં છું. સાહિત્યસેવા એ નોકરી ન કરવાનું એક બહાનું છે એમ પત્નીને મજબૂત રીતે ઠસી ગયું છે, જેનો હું વિરોધ કરતો નથી એટલે અમારી વચ્ચે કંકાસ થતા નથી. મારી સાહિત્યસેવાઓની જોઈએ તેવી નોંધ લેવાઈ નથી તેથી એની ગેરસમજ થાય તે સ્વાભાવિક છે. જ્યાં સુધી સાહિત્યના ક્ષેત્રે મને માન્યતા ન મળે ત્યાં સુધી પત્નીની અડફેટમાં આવવું નહીં એવું મેં નક્કી કર્યું છે. - બગીચામાં હું ફક્ત ટાઈમપાસ માટે નથી જતો, એક પ્રેક્ષક તરીકે જાઉં છું. ઘણાં સેમ્પલ જોવા મળે છે.

હજી ગઈ કાલે જ એક પીઢ દંપતી મારા બાંકડે આવીને બેઠું. ઊંઘતો હોઉં એમ મેં આંખ મીંચી દીધી. ‘બધો વાંક તારો છે,’ પુરુષે બળાપો શરૂ કર્યો. ‘રોજ સાંજે એ ‘ક્લાસમાં જઉં છું’ કહીને નીકળતી'તી

પાછળ ઈન્કમટેક્ષવાળો પડ્યો હોય, ખુલ્લા ઈજેક્શન સાથે ડૉક્ટર પાછળ દોડતો હોય, હડકાયું કૂતરું કે વોટ માટે પાછળ પડેલો ચૂંટણીનો ઉમેદવાર હોય, વીમાની પોલિસી વળગાડવા પાછળ પડેલો એજન્ટ - આવા બધામાંથી બચવા મથતા હોય. આમાં પાછા ઝડપથી ચાલવાવાળા અને તો વળી મારા જેવા મંદ ગતિએ લટાર મારનારાઓ પણ ખરા. એક જ સોસાયટીમાંથી આવતા બગીચાપ્રેમીઓ મંડળી જમાવીને બેસી જાય છે. તેમાં જાતજાતની ચોવટ, પંચાત, કૂથલીઓ કોઈ કોઈ નિવૃત્ત નવરાઓ શાયરીઓ લખી લાવી મુશાયરાનો માહોલ ઊભા કરવાનાં વલખાં મારે છે. દરેક મંડળીનો એક બની બેઠેલા આગેવાન હોય છે જેને બગીચાની બહાર કોઈ પૂછતું નથી. ફક્ત પ્રેક્ષક જ નહીં, શ્રોતા પણ છું. જુદી જુદી મંડળીના વાર્તાલાપ સાંભળવા ટીવીની ચેનલોની જેમ હું બાંકડા બદલતો રહું છું. હું કોઈની સાથે વધારે મિક્સ થતો નથી. મિક્સ થઈએ તો એકાદ મંડળીમાં ફિક્સ થઈ જઈએ. બગીચાનાં બીજાં પાત્રોને જોવા સાંભળવાની મજા ગુમાવવી પડે. મને. ચેનલો બદલવાનું ગમે છે. કકળાટીઆ સિરીયલો તો ગમે જ નહીં. બાંકડો બદલી જ નાખવાનો.

હજી ગઈ કાલે જ એક પીઢ દંપતી મારા બાંકડે આવીને બેઠું. ઊંઘતો હોઉં એમ મેં આંખ મીંચી દીધી. ‘બધો વાંક તારો છે,’ પુરુષે બળાપો શરૂ કર્યો. ‘રોજ સાંજે એ ‘ક્લાસમાં જઉં છું’ કહીને નીકળતી'તી. બહાર પેલા છોકરાને મળતી'તી એની મને ઘેર બેઠે કેમ ખબર પડે!’ પત્ની રડું રડું અવાજે બોલી. એણે ફેશન ડિઝાઈનનો ક્લાસ જોઈન કર્યો ત્યારે જ મેં ચોખ્ખી ના પાડેલી. આ બધા ક્લાસ-બાસ બધું ડીંડવાણું છે, ઘરમાંથી બહાર નીકળવાના બહાના. ફેશન રાખીને શું કરવાનું! ડિઝાઈન કરાવવા કઈ નવરી આપણે ત્યાં લાઈન લગાવવાની અને છોકરીઓ તો ટીવી જોઈને ફેશનો કરે છે. નખરાં – ચેનચાળા શીખે છે. એ તો સારું થયું બાજુવાળા ધર્મિષ્ઠાબહેન એને પેલા , છોકરાના સ્કૂટર પાછળ બેઠેલી જોઈ ગયાં ને , આપણને વાત કરી, નહીં તો આપણે ઊંઘતાં તે ઝડપાત. કહ્યા વગર પેલા જોડે ભાગી ગઈ હોત તો આપણે ઝેર ખાવાનો વારો આવત દબાવેલા અવાજે પુરુષે કકળાટ ચાલું રાખ્યો,

‘જક લઈને બેઠી છે, બસ પિન્ટુને પરણીશ.’

‘કોણ જાણે ક્યાંથી એણે આ જંતુ ખોળી કાઢ્યું? એને બરોબર પૂરી દીધી છે ને રૂમમાં છે?' જવાબમાં સ્ત્રી રડવા લાગી.

‘હવે પોક મૂકીને શું કરવાનું? છાની રહે. આ બાજુમાં બેઠેલો જાગી જશે.’

મને થયું, હું આંખ ખોલીને કહું, ‘ભાઈ, ઘોડો ભાગી ગયો, હવે તબેલા પર તાળાં મારવાથી કંઈ નહીં વળે.'

‘સાંભળી લે, પુરુષે અવાજ કડક કર્યો, અત્યારે ઘેર જઈને મુંબઈ જટુભાઈને ફોન કરું છું અને કાલે માલુને લઈને હું મુંબઈ પહોંચું છું. જટુને ભત્રીજી બહુ વહાલી છે. બરોબર સાચવશે- સમજાવશે. હું પણ થોડા દિવસ રહીશ. પછી તું જઈને રહેજે.'

‘ક્યાં સુધી?’

‘જ્યાં સુધી આપણી પસંદગીના છોકરા સાથે એ પરણવાની હા ન પાડે ત્યાં સુધી. ઊભી થા અને ઘેર જઈને રોકકળ કરતી નહીં. નાતજાતમાં ધજાગરા થશે તો નાની માટે છોકરો ખોળવામાં ઉપાધિ થશે. એની પર અત્યારથી જ નજર રાખજે. ટીવી-બીવી બધું બંધ. બધો વાંક તારો છે. ઊઠ.’

પતિ-પત્ની ગયાં. હું એમની માલુના પિન્ટુની કલ્પના કરતો બાંકડા પર આડો પડ્યો રહ્યો.
‘તમે અહીં પણ ઊંઘો છો?’ અવાજ સાંભળી હું બાંકડા પરથી ભોંય પર પડતાં પડતાં રહી ગયો.

‘તું?!’

‘હા, હું, ચાલો ઘેર.’

‘કેમ કંઈ થયું છે?’

‘હા, મુંબઈથી મનુભાઈ એમની ડૉટર ડિમ્પલને લઈને આવ્યા છે.’

‘ઓ!’

‘ડિમ્પલ મોડલિંગ કરતાં કરતાં એક પંજાબી છોકરાના પ્રેમમાં પડી છે. મનુભાઈ અને ભાભીને એ પસંદ નથી. આપણે ડિમ્પલને આપણે ત્યાં રાખીને સમજાવવાની છે.’

‘સમજી ગયો. તાજો જ પ્લોટ છે.’

‘એટલે?’

‘કંઈ નહીં. આપણે દીકરીને એની પસંદગીના કોર્સ કરવા દીધા તો બાવાના બગીચામાં કેટલું શાંતિથી સૂવા મળે છે!’

(મૂળ પ્રકાશન તારીખઃ 22 જૂન 2003)

x
રદ કરો

કલમ

TOP