ચંદ્રની અસર તળે

Suresh Dalal article

Suresh Dalal

Jul 13, 2018, 06:04 PM IST

મેરો ચાંદ

મેરો ચાંદ ગગનમેં આયો,
મટકી ભર અમરત લાયો.
મેરો ચાંદ.

જમુનાજી કે શ્યામ નીર તટ,
શ્યામ કદંબ કી છાયા,
શ્યામ સુજનસે પ્રીત ભઈ વહાં - રૂપ અનુપ દિખાયો. મેરો.
જહઁ જહઁ દેખૂં: વહાં શ્યામ અબ:
શ્યામમેં સભી સમાયો,
મૈં અપને કો ઢૂંઢન ગઈ તબ
શ્યામ નજર ઈક આયો. મેરો.
- સુન્દરમ્

ગુજરાતી કવિતા નસીબદાર છે કે એને સુંદરમ્, ઉમાશંકર જેવા કવિઓ મળ્યા. બંને 'સારસ્વત સહોદર'. બંને માત્ર કવિ નહીં, પણ ઊંડા અભ્યાસી. કવિતા અને વાર્તા, નિબંધો અને પ્રવાસવર્ણનો લખ્યાં, અનુવાદો પણ કર્યા. એક 'સંસ્કૃતિ'ના તંત્રી થયા અને બીજા 'દક્ષિણા'ના. બંને પર પ્રારંભમાં ગાંધીજીનો પ્રભાવ, સુન્દરમ્ પોંડીચેરી ગયા અને ઉમાશંકરને જાણ કે પિંડ એજ પોંડિચેરી.

નાનાલાલ પછી રાજેન્દ્ર-નિરંજન પહેલાં સુન્દરમનાં ગીતની મોહિની અનોખી. કેટલાંક ગીતો સુન્દરમે્ એવાં લખ્યાં કે આપણને લાગે કે આ ગીતો લખ્યાં નથી, પણ લખાઈ ગયાં છે. સુન્દરમ્ ક્યારેક વ્રજ-હિંદીમાં પણ લખતા. આ ગીતોનો જાદુ જરા જુદો જ છે.

દાખલા તરીકે :
મેરે પિયા મૈં કછુ નહીં જાનું
મેં તો ચૂપચાપ ચાહ રહી
*
કાહે કો રતિયા બનાવી
નહીં આતે, નહીં જાતે મનસે
ઐસે કયોં શ્યામ કન્હાઈ
*
ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયા
રો રો કર મોરી થક ગઈ મતિયા
જાણે કે મીરાં લખતી હોય એવું ક્યારેક લાગે. એ પછીની પેઢીમાં મીરાંનો સ્પર્શ હોય એવાં ગીતો રમેશ પારેખે પણ લખ્યાં.

અહીં મારે 'સુન્દરમ્’ના એક ગીત વિશે વાત કરવી છે. રાધાકૃષ્ણની પ્રીતિનું ગીત છે. મટકીમાં મહી વેચતી અહીં મહિયારણ નથી. ગીતની પ્રથમ પંક્તિ હંમેશાં
મહત્ત્વની હોય છે. વાંચતાંની સાથે એ વસી જવી જોઈએ. હોઠ પર શબ્દલયના અને ભાવલયના ધ્વનિઓ ચિત્રિત થઈ જાય છે.

આકાશમાં ચાંદ ઊગે એ બની શકે એવી ઘટના છે, પણ બનતી આ ઘટનાને કવિ એક અવસર તરીકે ઊજવે છે. ચાંદ તો બધાની આંખ માટે હોય છે, પણ અહીં ગોપી જે ચંદ્રની વાત કરે છે એ ચંદ્ર સર્વનો નહીં પણ માત્ર પોતાનો છે. એટલે જ 'ચાંદ ગગન મેં આયો' એમ નથી ગવાયું, પણ અહીં 'મેરો ચાંદ' એનું મહત્ત્વ છે. આ ચાદ ખાલી હાથે નથી આવ્યો. કવિ કહે છે 'મટકી ભર અમૃત લાયો.' સુન્દરમ્ આકાશના અમૃતની વાત કરે છે તો ઉમાશંકર સોનેટમાં 'અમૃત લઈ આવ્યો અવનિનું.'
કવિ નીરજની એક પંક્તિ યાદ આવે છે: 'તુમ ચાંદ મુઝે દો પૂનમકા, ફિર સારા ગગન યે લે જાઓ.' ગીતની પ્રથમ પંક્તિ
ગમે તેટલી મહત્ત્વની હોય, પણ ગીત અંતરામાં આપોઆપ વિકસતું હોવું જોઈએ. આખું વિશ્વ શ્યામથી સભર છે. વાત તો ઈશાવાસ્યમ જેવી છે. કલાપીની પંક્તિ પણ અહીં હકદાવે યાદ આવે.

'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની'

જમુનાનાં જળ પણ શ્યામ. કદંબની છાયા પણ શ્યામ. અત્ર તત્ર સર્વત્ર શ્યામ શ્યામ ને શ્યામ. બધે જ એની પ્રીતિનો અણસાર અને ભણકાર. શ્યામના અનુપ રૂપનું દર્શન. આંતર-વિશ્વ દર્શન.

એકેય સ્થળ કે એકેય પળ એવી નથી કે જે શ્યામવિહોણી હોય. શ્યામમાંથી જ બધું પ્રગટયું અને બધું જ શ્યામમાં સમાઈ ગયું. પોતાની તલાશ કરવા નીકળી અને હાશ નજરમાં તો માત્ર શ્યામ.
આપણે ત્યાં રાધાકૃષ્ણની પ્રીતિનાં કાવ્યો પ્રિયકાંત મણિયાર અને હરીન્દ્ર દવેએ પણ લખ્યાં છે. નરસિંહ, મીરાં, દયારામની પરંપરા જુદી રીતે વહેતી થઈ છે. આ કે અને ભક્તિનો સમન્વય છે. ઉદાહરણ તે પાર વિનાનાં આપી શકાય, પણ છે ઉદાહરણથી આપણે વાતને સમેટીએ
હરીન્દ્રનું ગીત છે :
ફૂલ કહે ભમર ને
ભમરો વાત વહે
ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં અહીં માધવ નથી કહીને પણ માધવ જાણે કે સર્વત્ર હોય એવી વાત કરે છે. દેખાય છે નકાર, પણ સંભળાય છે હકાર

પ્રિયકાંત મણિયારના આ ગીતનાં જેટલા. ઓવારણાં લઈએ એટલાં ઓછાં:
આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તો રાધા રે
આ લોચન મારા કહાનજી
ને નજરું જુવે તે રાધા રે રે

(મૂળ પ્રકાશન તારીખ: 3 ઓગસ્ટ 2003)

X
Suresh Dalal article

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી