‘બક્ષીબાબુ’એ લેખ, નવલકથા, ટૂંકી વાર્તા, પ્રવાસ વર્ણન સહિત અનેક સાહિત્ય પ્રકારોમાં ખેડાણ કર્યું હતું.

ધર્મના માણસથી વિજ્ઞાનના માણસ સુધી

  • પ્રકાશન તારીખ13 Jul 2018
  •  

ધર્મ પાસે ઉત્તરો છે, વિજ્ઞાન પાસે પ્રશ્નો છે. અને બંનેનું ફોકસ મનુષ્ય પર છે. મનુષ્ય માટે અંગ્રેજીમાં વપરાતો ‘હોમો' શબ્દ દુવિધા ઊભી કરે છે. સેક્સવિશારદ ડૉ. કીનસેએ સ્પષ્ટતા કરી છે કે લેટિનમાં ‘હોમો' એટલે મનુષ્ય થાય છે, પણ ગ્રીકમાં એનો અર્થ થાય છે સમાનતા, બે વ્યક્તિઓની લૈંગિક નિકટતા. મનુષ્ય વિષે વિજ્ઞાન ઘણી બાબતોમાં હજી અનુત્તર છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે મનુષ્ય વનમાનુષ અથવા એપમાંથી આવ્યો છે. હવે ઉત્ક્રાંતિની નવી થિયરી એવી છે કે મૂળ વનમાનુષના વંશમાં એક તબક્કે બે ફાંટા - પડી ગયા. એક ફાંટામાંથી - લેમુર, બબુન, ગિબન, ઉરાંગ ઉટાંગ, ચિમ્પાન્ઝી, ગોરીલા આદિ - વાનરવંશો આવ્યા. બીજા
ફાંટામાંથી જાવા, આફ્રિકા, ચીન આદિ પ્રદેશોમાં મનુષ્યજાતિ ઊતરતી ગઈ. અંતે હોમો ઈરેક્ટસ અને હોમો સેપીઅન્સ આવ્યા. જે મનુષ્ય થયા એ ટટ્ટાર ઊભા રહ્યા, એમની પૂંછડીઓ પડી ગઈ, નાનું મગજ વિકસતું ગયું. અંતે હોમો સેપીઅન્સ આવ્યા. ધર્મમાં આદમ અથવા એડમ એ પ્રથમ પુરુષ હતો. હિબ્રુ ભાષામાં પુરુષ માટે - ‘આદમ' શબ્દ વપરાય છે.

૧૮૮રમાં ડાર્વિનના દેહાંત પછી વિજ્ઞાને ડાર્વિનનાં ગૃહિતોને ચેલેન્જ કરવાની શરૂઆત કરી

જનેટિક્સનું વિજ્ઞાન જન્મ્યું એ પહેલાં ચાર્લ્સ ડાર્વિને એક સનાતન પ્રશ્નનો ઉત્તર આપી દીધો હતો. પ્રથમ કોણ આવ્યું. મરઘી કે ઈંડું? ડાર્વિનનું મંતવ્ય હતું કે ન મરઘી આવી, જેને માટે એણે ચિકન શબ્દ વાપર્યો હતો. ઉત્ક્રાંતિની ગતિ ઊર્ધ્વ થતી હતી અને દરેક પેઢી એમાં કંઈક ઉમેરતી જતી હતી, એટલે જૂના અને નવાનું એક બ્લેન્ડિંગ કે મિશ્રણ થતું રહેતું હતું. આજનો ‘મ્યુટેશન’ શબ્દ એ વખતે વિજ્ઞાનમાં આવ્યો ન હતો. પ્રાણીજગતમાં આ પ્રક્રિયાનો અભ્યાસ થતો ગયો અને નવાં નવાં ગૃહિતો સામે આવતાં ગયાં. જિરાફને લાંબી ગરદન કેવી રીતે મળી? વૃક્ષોનાં ઉપરનાં કુમળાં ખાવા માટે એ ગરદન ઉપર તરફ ખેંચતું ગયું અને દરેક જિરાફ પેઢીની ગરદન લંબાતી ગઈ. વાંદરાઓ બીજા વાંદરાઓ સાથે સ્પર્ધાત્મક અદેખાઈ કરતા રહ્યા માટે એમના મગજનો વિકાસ થતો ગયો, એવું વિજ્ઞાનનું માનવું છે. બીજી તરફ એવો તર્ક થાય છે કે જે અંગોનો ઉપયોગ બંધ થઈ જાય છે એ અંગો નાશ પામે છે. સમુદ્રતલની અંધારી ગુફાઓમાં જે માછલીઓ ઘૂસી ગઈ એમની પેઢીઓ એ ગુફાઓના અંધારામાં જ રહેતી ગઈ, પરિણામે આંધળી માછલીઓની એક જાતિ પેદા થઈ જે આજે પણ સમુદ્રતલના અંધકારમાં જીવે છે.

૧૮૮રમાં ડાર્વિનના દેહાંત પછી વિજ્ઞાને ડાર્વિનનાં ગૃહિતોને ચેલેન્જ કરવાની શરૂઆત કરી. ચીની સ્ત્રીઓના પગ બંધાતા ગયા, યહૂદીઓ સુન્નત કરાવતા ગયા, આફ્રિકાની બર્બર જાતિઓ શરીર પર છૂંદણાં ટંકાવતી ગઈ. પેઢીઓ પસાર થઈ ગઈ, પણ એમનાં શરીરો પર કેમ કોઈ ફેરફારો દેખાયા નહીં? પૂર્વજોની અસરો વંશજો પર કેમ આવી નહીં? વૈજ્ઞાનિકોએ સાહસિક પ્રયોગો કરવા માંડ્યા. સન ૧૮૮૦માં ઑગસ્ટ વાઇસમાને ઉંદરોની વીસ પેઢીઓની જન્મ સાથે જ પૂંછડીઓ કાપી નાખવાનો પ્રયોગ કર્યો, પણ ઉંદરોની છેલ્લી પેઢીની પૂંછડીઓમાં કોઈ ફર્ક પડ્યો ન હતો! આંધળી માછલીઓની થિયરી ચકાસવા માટે માખીઓની ૬૦ પેઢીઓને સંપૂર્ણ અંધકારમાં રાખવામાં આવી હતી, પણ છેલ્લી પેઢીની માખીઓની આંખોમાં કોઈ જ ફર્ક પડ્યો ન હતો!

પ્રકૃતિમાં અકસ્માતો થતા રહ્યા છે અને બુદ્ધિમાન મનુષ્યો એ અકસ્માતોના લાભ ઉઠાવતા રહ્યા છે. સન ૧૭૯૧માં અમેરિકાના એક ખેડૂતનાં ઘેટાંઓમાં બહુ જ ટૂંકા પગવાળું એક ઘેટું જળ્યું. આ ઘેટાનો એક ફાયદો એ હતો કે વાડ કૂદીને ભાગી શકવા માટે અસમર્થ હતું. આ એક ઘેટામાંથી એનકોન પ્રકારનાં ઘેટાંની આખી જાતિ પેદા કરવામાં આવી. એ જ રીતે સન ૧૮૮૯માં હરફોર્ડ જાતિનાં ઢોરમાં શિંગડાં ન ઊગી શકે
એવું એક વાછરડું જન્મ્યું. આ વાછરડામાંથી આજે શિંગડાં વિનાનાં હરફોર્ડ જાતિનાં ઢોર આવ્યાં છે અને વિશ્વભરમાં ફેલાઈ ગયાં છે. શિંગડાંવાળાં ઢોર એકબીજા સાથે મારામારીમાં જખમી થઈ જતાં હતાં. શિંગડાં ન હોવાને કારણે આ ઢોરની ઉપયોગિતા વધી ગઈ. સન ૧૯૨૭માં પ્રોફેસર મ્યુલરે એક યુગપ્રવર્તક શોધ કરી કે માખીઓ પર જો એક્સ-રેનો મારો કરવામાં આવે તો એમનાં મ્યુટેશન્સ કે આંતરિક રાસાયણિક પરિવર્તનની માત્રામાં ૧૫૦ ગણી ગતિ આવે છે. આ શોધ પછી એક્સ-રે દ્વારા મ્યુટેશન્સ કરવાનું વિજ્ઞાન ખૂબ વધી ગયું અને પ્રોફેસર યુલરને એમની આ શોધ માટે ૧૯૪૬નું વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. આજે રેડીએશન કે કિરણોત્સર્ગ દ્વારા પાંચ ફીટ ઊંચાં ટ્યુલિપ ફૂલો પણ ઉગાડી શકાય છે.

એસ્કિમો દૂધ પીતા નથી કારણ કે ત્યાં દૂધ આપે એવાં પશુઓ નથી. આટલી ભયાનક ઠંડી હોવા છતાં એમણે સ્થળાંતર કેમ કર્યું નહીં?

શાકાહારી અને માંસાહારી પ્રજાઓમાં ખાસ વિશેષતાઓ હોય છે? માંસાહારીઓ વધારે ઝઘડાળુ હોય છે અને શાકાહારીઓ વધારે શાંતિપ્રિય હોય છે. વિજ્ઞાન પાસે પ્રજાઓની આ પ્રકૃતિ વિશે ચોક્કસ ઉત્તરો નથી. ઉત્તરતમના બર્ફિલા પ્રદેશોમાં રહેતી એસ્કિમો પ્રજા માંસ સિવાય કંઈ જ ખાતી નથી, કારણ કે એ પ્રદેશોમાં કંઈ જ ઊગતું નથી અને એસ્કિમો વિશ્વના સૌથી શાંતિપ્રિય લોકોમાં છે. દક્ષિણ પેસિફિકના આદિમ લોકો સંપૂર્ણતઃ માંસાહારી છે અને એમના ઇતિહાસમાં ક્યારેય યુદ્ધો થયાં નથી. આફ્રિકાની કેટલીક બર્બર જાતિઓમાં માંસ એ જ પ્રમુખ ખોરાક છે, પણ એ જાતિઓ તદ્દન શાંત હોય છે. વન્ય બંદરોની બે ટોળીઓ વચ્ચે ક્યારેય લોહીલુહાણ યુદ્ધ થઈ ગયું હોય એવું રેકર્ડ પર નથી, અને કોઈએ જંગલમાં બંદરોની આ રીતે પડેલી લાશો જોઈ નથી. મનુષ્યના ઇતિહાસમાં પણ પુરૂષોની બે જાતિઓ વચ્ચે જ યુદ્ધો થયાં છે, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ખૂનખાર યુદ્ધો થયાં હોય એવું કોઈ પ્રમાણ નથી. આપણો અનુભવ છે કે વોરાઓ અને પારસીઓ માંસાહારી છે અને ગુજરાતી પ્રજાની સૌથી શાંતિપ્રિય અને શિસ્તબદ્ધ પ્રજાશાખાઓ છે. જાટ શાકાહારી છે અને અત્યંત લડાયક પ્રજા છે. માંસાહારી સિંધીઓ હિંદુસ્તાનના ઈતિહાસમાં ક્યારેય લડ્યા હોય એવાં પ્રમાણ નથી અને આ તર્કને અંતિમ પર લઈ જઈએ તો એવો વિચાર પણ આવી શકે કે સુરતમાં અમદાવાદ કરતાં વધારે માંસાહારી પ્રજા વસે છે, પણ સુરત શાંતિપ્રિય છે અમદાવાદ પ્રમાણમાં જરા વધારે અશાંતિપ્રિય છે!

એસ્કિમો દૂધ પીતા નથી કારણ કે ત્યાં દૂધ આપે એવાં પશુઓ નથી. આટલી ભયાનક ઠંડી હોવા છતાં એમણે સ્થળાંતર કેમ કર્યું નહીં? એ પ્રશ્નનો વિજ્ઞાન પાસે ઉત્તર નથી. પ્રજાઓનાં ઉત્થાનમાં સામાજિક અસરો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. અમેરિકા કરતાં વધારે આફ્રિકન નિગ્રોને બ્રાઝિલ મોકલવામાં આવ્યા હતા, પણ બ્રાઝિલમાં અમેરિકા જેવી જુલમી ગુલામી આવી જ નહીં કારણ કે કેથલિક ચર્ચ આવા રંગદ્વેષમાં માનતું ન હતું. જે જુદાઈ આવી એ ‘રંગ’ને કારણે નહીં પણ ‘વર્ગ’ને કારણે હતી. બ્રાઝિલમાં કહેવત હતી : પૈસાદાર કાળો માણસ ગોરો છે, ગરીબ ગોરો એ કાળો માણસ છે! ચાર્લ્સ ડાર્વિન પછી મનુષ્યના ઉત્થાન વિશે ઘણી થિયરીઓ આવી ગઈ અને માન્ય ગૃહિતો બદલાતાં ગયાં. મનુષ્ય હજી સમજાતો નથી અને એને સમજવાનાં બે સાધનો, ધર્મ અને વિજ્ઞાન, હજી અનુમાનો પર આધાર રાખે છે...!

ક્લોઝ અપ :
લોકો બૂઢા થતા નથી. જ્યારે એ સંવૃદ્ધ થવાનું બંધ કરે છે ત્યારે બૂઢા થઈ જાય છે. - અજ્ઞાત
(મૂળ પ્રકાશન તારીખઃ 27 જુલાઇ 2003)

x
રદ કરો

કલમ

TOP