‘બક્ષીબાબુ’એ લેખ, નવલકથા, ટૂંકી વાર્તા, પ્રવાસ વર્ણન સહિત અનેક સાહિત્ય પ્રકારોમાં ખેડાણ કર્યું હતું.

એકલતાના કિનારા અને કિનારાની એકલતા

  • પ્રકાશન તારીખ13 Jul 2018
  •  

સ્ત્રી નિષ્કંપ લખી શકે છે : નવજાત શિશુ માતાના સ્તનમાંથી જીવન ચૂસી રહ્યું છે, હૃદયના ધબકારના તાલમાં, દૂધનું વહેવું અને બે હૃદયોનું ધબકવું, એક જ બની જાય છે. કવયિત્રી અમૃતા પ્રીતમ ગાઈ શકે છે: યહ મિટ્ટી કા રિશ્તા, યહ પાની કા રિશ્તા યહ આદમ કી લંબી કહાની કા રિશ્તા! આ વાર્તા, આદમની વાર્તાને, મુહૂર્તની જરૂર નથી. મૂહર્ત એ એક ગમનની ક્ષણ અને બીજી આગમનની ક્ષણની વચ્ચેનો અત્યંત સૂક્ષ્મતમ અંતરાલ છે. મુહૂર્ત ક્ષણના ગર્ભમાં ઝબકતું રહે છે. સ્ત્રીની અને પુરુષની એકલતાઓનો સેપીઆ રંગ જુદો જુદો છે. એકલતામાં સ્ત્રી વ્યસ્ત રહી શકે છે, પુરુષ ત્રસ્ત થઈ જાય છે, ફિલસૂફી અને મોત વિષે વિચારતો થઈ જાય છે. જેણે ‘સ્થળને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં પહેલી વાર બાંધી દીધું અને જેણે ‘કાલને ઘડિયાળના ૧થી ૧૨ સુધીના આંકડાઓમાં કેદ કરી લીધો, એ પ્રથમ પુરુષ હોવો જોઇએ..!

તદ્દન એકલા જીવવાનો આશીર્વાદ અને અભિશાપ, થોડા કલાકો કે થોડા દિવસો માટે, દરેકના કિસ્મતમાં હોતા નથી. વાણી બંધ થઈ જાય છે. વાણી એટલે? અગ્નિર્વાગ્ભૂત્વા મુખં પ્રવિશત! અગ્નિએ વાણીના માધ્યમથી મુખમાં મુખમાં પ્રવેશ કર્યો! એકલતા એ મૌનની સ્થિતિ છે અને મૌન વાણીના અગ્નિને હોલવી નાખે છે. ઘૂટનના જેવો બૂઝન શબ્દ આપણી ભાષામાં સ્વીકારી લેવો જોઇએ. વાણી બુઝાઈ જાય છે ત્યારે મૌનમાંથી વિચારોના વિસ્ફોટો, ધરતીકંપ પછીના આફ્ટરશોક્સની જેમ, આવતા રહે છે. દર્શન, ફિલસૂફી, સુફિયાના કલામ, સર્ગશક્તિ બધું જ કદાચ આ કાન ફાડી નાખે એવા મૌનમાંથી પ્રકટતું રહેતું હોય છે. એક ફરેબ, એક ભરમ, એક ઢોંગ હોય છે કે આપણે ક્યારેય મરવાના નથી અને જીવનની જેમ મૃત્યુનું આયોજન કરવામાં આવતું નથી. જીવનમાં કંઈ જ ચોક્કસ નથી, મૃત્યુ સિવાય! આપણને ચોવીસે કલાક શુદ્ધતા, સ્વચ્છતા, પવિત્રતાના ઉપદેશો આપનારા ધર્મગુરુઓને પણ ઇશ્વર મારી નાખે છે, એ સત્યથી મન પ્રસન્ન થઈ જાય છે. સાચી સમાનતા મૃત્યુ લાવે છે, સુલતાન અને ગુલામ બંનેએ અંતે તો મરવું પડે જ છે. સિકંદર અને ગાંધી અને હિટલર અને જીઝસ. બધાને મરવું પડ્યું હતું એ વાત બહુસંતોષ આપે છે અને આપણા નિશ્ચિત મૃત્યુની સંભાવનાને સહ્ય બનાવે છે. અસ્તિત્વને ઊલટાવી શકાતું નથી. ૭૧મે વર્ષે આપણે ઓછા માણસ બન્યા છીએ કે વધારે માણસ બન્યા છીએ, એ હજી સમજાતું નથી. કવિ ફિલિપ લારકીન લખે છે :

સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ બિગેન
ઇન નાઇન્ટિન સિક્સ્ટીથ્રી
(વિચ વૉઝ રાધર લેટ ફોર મી !)...

અ લિટલ વ્હાઇલ, અ મોમેન્ટ ઓફ રેસ્ટ અપોન ધ વિન્ડ એન્ડ અનધર વુમન શેલ બેર મિ! થોડા સમય પછી, હવામાં ઝૂલતા રહેવાની એક ક્ષણ, અને હું અન્ય સ્ત્રીનો ગર્ભ બની જઈશ...!

પ્રથમ સંભોગ શરૂ થયો ૧૯૬૩માં, જે મારે માટે મોડો કહેવાય...! જિંદગી આગળ વધે છે એમ ઉત્તરો ઓછા થતા જાય છે, પ્રશ્નો વધતા જાય છે. સર્પનું સર્પત્વ ઝેર છે, મનુષ્યનું મનુષ્યત્વ શું છે? બુદ્ધિ? ઝેર સાપનું જીવન છે, પણ બુદ્ધિ... મનુષ્યનું જીવન છે? કે નથી? મનુષ્ય પોતાના ઝેરથી જ આત્મહત્યા કરી લેવાની? હદ હદ જાયે હર કોઈ, અનહદ જાયે ન કોઈ હદ અનહદ કે બીચમેં, રહા કબીરા સોય..! અને બે શબ્દો હવે પ્રતિદ્વન્દ્વી થતા જાય છે. રિલિજિયન અને સ્પિરિચ્યુએલિટી અથવા ધર્મ અને અધ્યાત્મ! ધર્મ શબ્દને ધર્મના દલાલોએ ગંદો કરી નાખ્યો છે. અધ્યાત્મ શબ્દ હજી પવિત્ર રહ્યો છે. ધર્મની પાછળ પ્રતિષ્ઠાન છે, પરિધાન છે, વિધાન છે. અધ્યાત્મનો સંબંધ સીધો છે, સર્જનહાર અને સર્જન વચ્ચેનો, જેને વચેટિયાઓની જરૂર નથી. હું જો મારી નાની હથેળીઓથી કંઇક આપી શકું છું, તો મારી એ યોગ્યતાને હું આશીર્વાદ સમજું છું. વેદમાં પણ એ જ કહ્યું છે :

આયુષ ક્ષણ એકાડપિ ન લભ્ય સ્વર્ણકોટિભિઃ

સ ચેન્નિરર્થકં નીતઃ કા નુ હાનિ તતોડધિકઃ

આયુષ્યની એક પણ ક્ષણ નકામી ન જવા દો. કરોડો સોનાના સિક્કાઓ આ વીતેલી ક્ષણ ખરીદવા સમર્થ નથી અને અધ્યાત્મનું આરંભબિંદુ છે : મન લાગો યાર ફકીરી મેં. હમણાં અધ્યાત્મમાં સુફિયાના કલામનો રંગ ઉમેરાયો છે. એકલતાનો કેફ ચડે છે, એકલતાનો નશો ચડે છે ત્યારે એકલો માણસ ગાવા માંડે છે. એ 1 નથી, બે-કેફ થવા માગતો નથી, કારણ કે કૈફ જ એની તબિયતને રાસ આવે છે. સંગીત એકલતાના તરફડાટમાંથી છટકવા માટે છે, એકલતાના ટોર્ચરમાંથી ભાગવા માટે છે. ગાવું એ આત્માનું રુદન છે. શરીર એ જનમટીપ છે. શરીરની કેદની અંદરથી આત્માનું ક્રંદન સંભળાય છે અને મૃત્યુ શરીરની કેદમાંથી આત્માની મુક્તિની ક્ષણ છે. ફરીથી જન્મવાની એક આસ્થા હોય છે?

પુનરપિ જનનં, પુનરપિ મરણં
પુનરપિ જનની જઠરે શયનમ્...

આદિ શંકરાચાર્યે ફિલસૂફીનો અર્ક આપી દીધો હતો. ગર્ભાશયની અંદર પાણીનું ઘર અને લાલ અંધારું અને ઊંધે માથે હું ફરીથી પૃથ્વી પર અવતરીશ અને ખલિલ જિબ્રાને એમની અમર કૃતિ “ધ પ્રોફેટ”ને અંતે લખેલું છેલ્લું વાક્ય : અ લિટલ વ્હાઇલ, અ મોમેન્ટ ઓફ રેસ્ટ અપોન ધ વિન્ડ એન્ડ અનધર વુમન શેલ બેર મિ! થોડા સમય પછી, હવામાં ઝૂલતા રહેવાની એક ક્ષણ, અને હું અન્ય સ્ત્રીનો ગર્ભ બની જઈશ...! કબીરથી ટાગોર, અને બુલ્લે શાહથી ગાલિબ, સત્યને ઉપનિષદી કે સૂફી કોઈ લેબલની જરૂર રહેતી નથી. જ્યાં સુધી હિન્દુ માણસ જીવશે ત્યાં સુધી ત્રણ ચિરંતન મૂલ્યો જીવશે. સત્યમ્, શિવમ્ અને સુન્દરમ્! કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ જેવા શબ્દો ભગવદગીતાના પાયામાં છે અને શ્રીકૃષ્ણ પણ યોગેશ્વર કહેવાયા છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધવ... ગીતાને અંતે કહેવાયું છે, ત્યાં શ્રીવિજય છે, નીતિ છે. સુફી ગીત છે: સૂરજ ડૂબી ગયો છે, પણ લાલી રહી ગઈ છે! એકલા પડો છો, અથવા એવા વિદેશમાં હો છો જ્યાં અવાજ સંભળાય છે, અક્ષરો વંચાય છે, પણ કંઈ જ સમજ પડતી નથી, તમે બધિર કે અંધ નથી અને તમારી ઇંદ્રિયો એકાએક ફેઈલ થઈ ગઈ છે એવી બેબસી ફિલ થાય છે, ત્યારે ભીડમાં એકલા પડી જવાની લાચારી મહેસૂસ થાય છે, પ્રતિક્ષણ થતી રહે છે.

રશિયાના ઉત્તર-પશ્ચિમમાં, વાયવ્ય દિશામાં એસ્તોનીઆના તાલીન નગરમાં અને લાતવિયાના રીગા નગરમાં મને એકલતાની ક્રૂરતા સમજાઈ હતી. એ વોટરકલરનું આકાશ મારું ન હતું, લેનિનગ્રાદની નેવા નદીની સામે બેઠો હતો અને વહેતાં પાણીની સ્વરલિપિ સાંભળતો હતો, જે અપરિચિત હતી. આ પૃથ્વી પર આ જન્મ ફરી આવવાનો ન હતો, પણ આવતા જન્મે ? ગુજરાતી અવાજો મનમાં પડઘાતા હતા, જૂના અવાજો જે અંતરિક્ષમાં ખોવાઈ ગયા હતા. જંગલની કાળી રાત્રિઓ યાદ આવી, આગિયા ઝબકતા હતા અને કોઈકની લપકતી જીભ કે ઝપટતી ચાંચમાં હોલવાઈ જતા હતા. રાત્રે આગિયા ગળી ગયેલું પક્ષી વહેલી સવારે કેટલું મધુર ગાઈ શકતું હતું? ચિતાની સામે બેસીને વિચાર્યું હતું કે સળગતું શરીર બુઝાવી નાખવા માટે પણ કેટલા રંગીન ભડકાઓ પેદા કરવા પડે છે? કબીરે કહી દીધું છે : સુમિરન મન કી પ્રીત હૈ...! સુમિરન... સ્મરણનું શું રહસ્ય છે?

ક્લોઝ અપ:
યહ કિતની હી નદિયાં, યહ કિતને હી દરિયા
યહ પાની તો સાગર મેં મિલતા રહેગા
- અમૃતા પ્રીતમ
(મૂળ પ્રકાશન તારીખઃ 20 જુલાઇ 2003)

x
રદ કરો

કલમ

TOP