‘બક્ષીબાબુ’એ લેખ, નવલકથા, ટૂંકી વાર્તા, પ્રવાસ વર્ણન સહિત અનેક સાહિત્ય પ્રકારોમાં ખેડાણ કર્યું હતું.

રૉયલ્ટીની આરપાર

  • પ્રકાશન તારીખ13 Jul 2018
  •  

ગાંધીજીના અવસાનનું વર્ષ ૧૯૪૮નું હતું એ વર્ષે ગાંધીજીની આત્મકથા પહેલીવાર અમેરિકામાં પ્રગટ થઈ અને બેસ્ટસેલર બની ગઈ. અમેરિકન કાળાઓના નેતા માર્ટિન લ્યુથર કિંગપર કૉલેજ દિવસોથી ગાંધીજીની અસર હતી. ‘ઇન સ્ટ્રાઈડ ટોવર્ડઝ ફ્રીડમ’ પુસ્તકમાં કિંગે મોન્ટ ગોમરી બસ બૉયકોટનું વર્ણન કર્યું છે અને ગાંધીજીની અહિંસાની પ્રશંસા કરી છે. નીગ્રો માટે એના સમાનતાયુદ્ધનું અહિંસા શ્રેષ્ઠ શસ્ત્ર હતું. લેખક કોઈ ફોર્મ્યુલામાં જકડાઈ જનારું પ્રાણી નથી. માણસ શબ્દસર્જક શા માટે બને છે અને સર્જકો કઈ રીતે જીવતા હોય છે?

લેખક જ્યોર્જ ઓરવેલના જન્મની શતાબ્દી ઊજવાઈ રહી છે. ૧૯૩૮માં સ્પેનના યુદ્ધના એના અનુભવોનું પુસ્તક 'હોમેજ ટુ કેટેલોનીઆ' પ્રકટ થયું ત્યારે એની માત્ર ૭૭૦ કોપીઓ વેચાઈ હતી. ઉર્દૂ શાયર મીરઝા અસદુલ્લો ખાં ગાલિબ પાસે ઉત્તરાવસ્થામાં પીવા માટે શરાબ ન હતો, અને ખાવા માટે રોટી ન હતી. મહાન હિન્દી કવિ નિરાલાને ચક્કી ખોલવી પડી હતી, અને ઉપેન્દ્રનાથ ‘અશ્ક'ની કરિયાણાની દુકાન હતી. પ્રેમચંદે ‘ગોદાન'ના કોપીરાઇટ માત્ર ૫ હજાર રૂપિયામાં વેચી દીધા હતા. જોકે બીજી વાર પ્રકાશકને ખરીદતી વખતે એક લાખ રૂપિયા આપવા પડ્યા હતા, લેખકનું શોષણ ક્યારે શરૂ થાય છે અને ક્યારે અટકે છે એનો કોઈ નિયમ નથી. રાહી માસૂમ રઝાના પ્રખ્યાત પુસ્તક ‘આધા ગાંવ' માટે પાંચ હજાર રૂપિયા પણ મળ્યા ન હતા. બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનની કૃતિ ‘લજ્જા’ યુરોપમાં છપાઇ ગયા પછી ૧૯૯૫માં હિન્દીમાં આવી ત્યારે પ્રકાશકે એક લાખ પચ્ચીસ હજારની રૉયલ્ટી આપી હતી.

લેખકો અને કલાકારોનાં સર્જનોની કથા રોચક અને રોમાંચક તો હોય જ છે, પણ સતહની નીચે ટ્રેજેડીનો એક પ્રવાહ પણ વહેતો હોય છે

લેખક અને એને મળતી રૉયલ્ટીની દુનિયા બહુ વિચિત્ર છે. અમેરિકામાં હિલેરી ક્લિન્ટનની આત્મકથાની પ્રથમ દિવસે બે લાખ પ્રતો વેચાઈ ગઈ અને એને ૧૧ લાખ ડોલરનું પૂર્વ-પેમેન્ટ થયું હતું. આ પુસ્તક માટે હિલેરી ક્લિન્ટનને લગભગ ૮૦ લાખ ડૉલર રોયલ્ટી મળશે, પણ જે એના પતિ પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની વાર્ષિક કમાણી કરતાં ઓછી હશે. હિલેરી ક્લિન્ટન અમેરિકાની સેનેટની સેનેટર છે અને એનો પગાર ૨૦૦૨ના વર્ષમાં દોઢ લાખ ડૉલર હતો. બિલ ક્લિન્ટને અમેરિકાના એક ટીવી ગ્રુપ સામે એક પ્રવચન આપવાના એક દિવસના દોઢ લાખ ડૉલર ચાર્જ કર્યા હતા. જાપાનમાં ક્લિન્ટને એક પ્રવચન આપવાના ૪ લાખ ડૉલર લીધા હતા. જોકે, સામાન્ય રીતે ક્લિન્ટન એક પ્રવચન આપવાના સવા લાખ ડૉલર ચાર્જ કરે છે. ગયે વર્ષે ક્લિન્ટને જગતભરમાં ૬૧ પ્રવચનો એવાં આપ્યાં હતાં જેની એમણે પ્રવચન-ફી લીધી હતી.

લેખકો અને કલાકારોનાં સર્જનોની કથા રોચક અને રોમાંચક તો હોય જ છે, પણ સતહની નીચે ટ્રેજેડીનો એક પ્રવાહ પણ વહેતો હોય છે. રવીન્દ્રનાથ ટાગોરે બે દેશો, - હિંદુસ્તાન અને બાંગ્લાદેશ, નાં રાષ્ટ્રગીતો આપ્યાં, જ્યારે ત્યારે આ રાષ્ટ્રગીત ગવાય કે એનો ઉપયોગ થાય ત્યારે કવિને રૉયલ્ટી મળવી જોઇએ, પણ કોઈ આપતું નથી. જો વ્યવસ્થિત, કાયદેસર રયલ્ટી અપાઈ હોત અને અપાતી રહે તો એ આંકડો કદાચ અબજો સુધી પહોચે! પણ રાષ્ટ્રગીતો જુદી મિટ્ટીમાંથી સર્જાય છે, અને ઘણા દેશોમાં ઘણીવાર અનામ સર્જકો-શહીદોએ લખેલાં ગીતો રાષ્ટ્રગીત બની ગયાં છે. રવીન્દ્રનાથ ટાગોરનાં લખેલાં કુલ ગીતોની સંખ્યા ૨૨૩૨ છે, અને રેકોર્ડ થયેલાં ગીતોની સંખ્યા ૧,૭૪૭ છે! લેખકને માટે પૈસાનું આકર્ષણ સમય પ્રમાણે વધતું જાય છે. રશિયન કે બંગાળી સાહિત્યમાં નવલકથાઓ એમની ગુણવત્તા માટે પ્રસિદ્ધ છે. આજે રશિયામાં નવલકથાકાર બોરિસ આકુનીનની નવલકથાઓ સૌથી વિશેષ વંચાય છે. જેમાં ગુન્ડાઓ, ક્રાઈમ, દવાઓ, સેક્સની ભરમાર હોય છે. આ લેખકનું મૂળનામ પણ બીજું છે : ગ્રીગોરી ચક્રાતીશ્વીલી! એ સ્પષ્ટ કહે છેઃ એવું કહેવાય છે કે લેખક એ વ્યક્તિ છે જે પોતાના હૃદયમાંથી અને લોહી કાઢીને લખે છે. હું મારા માથામાંથી અને શાહીથી લખું છું!


કલકત્તામાં ૨૮મા કોલકાતા બુક ફેરમાં જે લેખકની સૌથી વધુ નવલકથાઓ વેચાઈ છે એ લેખકનું નામ છેઃ પૃથ્વીરાજ સેન. આ લેખકનું માથું એક કારખાનું હોવું જોઈએ. સેક્સ એમનો મુખ્ય વિષય છે, એમણે ૬૦૦થી વધારે નવલો લખી છે, અને ગયે વર્ષે લખેલી એમની ૧૦૬ નવી ચોપડીઓ આ વખતે વેચાણમાં હતી! એમની કેટલીક નવલકથાઓનાં શીર્ષકો : સોહાગબતી રૂપજુબતી (સોહાગવતી રૂપયુવતી), નિર્લજ્જ નિશીથે, કામનાર અગ્નિશીખા! પરપુરુષ કે પરસ્ત્રી યૌનસંબંધો પૃથ્વીરાજ સેનની વિશેષતાઓ છે. રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર મળ્યો પછી કલકત્તામાં એમનું બહુમાન કરવામાં આવ્યું અને એ સમારોહમાં ટાગોરે વિષાદથી કહ્યું કે મારે માટે આ પ્રકારનું અભિનંદન નિરર્થક છે! અને બંગાળમાં મેટ્રિકની પરીક્ષામાં ટાગોરના સર્જનમાં વ્યાકરણની કેવી ભૂલો છે એ વિષે પ્રશ્ન પૂછાતા હતા! લેખકને અન્યાય એ નવી વાત નથી. રશિયન લેખક બોરિસ પાસ્તરનાકની અમર કૃતિ ‘ડૉ. ઝિવાગો' જો રશિયન ભાષામાં પ્રથમ પ્રગટ થઈ હોત તો કદાચ નિષેધ મુકાઈ ગયો હોત અને દુનિયા આ મહાન નવલકથાથી વંચિત રહી જાત. પણ એ ફ્રેંચમાં પ્રગટ થઈ હતી અને દુનિયાને આ મહાસર્જનની પ્રતીતિ થઈ ચૂકી હતી.

લેખક મનુષ્યજાતિનાં સૌથી ભાવુક પ્રાણીઓમાં છે. સિમોન દ’ બુવ્વાર ફેંચ સાહિત્યની સમ્રાજ્ઞી હતી

મહાન સર્જકને ઘણીવાર ‘મહાન' યંત્રણાઓમાંથી ગુજરવું પડે છે. ઇંગ્લિશ સાહિત્યમાં ‘રોબિન્સન ક્રૂઝો’ એક સર્વકાલીન મહાન નવલકથા ગણાય છે. એના લેખક ડેનિયલ ડીફોને વિશ્વના સમર્થ નવલકથાકારોની સૂચિમાં સ્થાન મળ્યું છે. આ ડેનિયલ ડીફોએ તત્કાલીન સરકાર વિરુદ્ધ એક નાની પુસ્તિકા લખી હતી : શોર્ટેસ્ટ વે વિથ ડિસેન્ટર્સ! અને આ રાજનીતિક પુસ્તિકા લખવા માટે ડેનિયલ ડીફોને પકડવામાં આવ્યો અને લંડનના એક જાહેર ચોકમાં ‘પિલોરી’ કરવામાં આવ્યો. પિલોરી એ લાકડાંનું એક યંત્ર હતું જેમાંથી માણસનું માથું માત્ર બહાર રહેતું અને એના બે હાથ લાકડાની ફ્રેમમાં ફસાવી દેવાતા અને એને લોક કરીને લટકાવી દેવાતો! ‘રોબિન્સન ક્રૂઝો' જેવી મહાનવલ વિશ્વને આપનાર નવલકથાકારને આ દુઃસ્થિતિમાં મૂકવામાં આવ્યો હતો.

લેખક મનુષ્યજાતિનાં સૌથી ભાવુક પ્રાણીઓમાં છે. સિમોન દ’ બુવ્વાર ફેંચ સાહિત્યની સમ્રાજ્ઞી હતી. અદભુત લેખિકા હતી અને વિશ્વની યુવાપેઢીના દેવતા ઝ્યોં પોલ સાર્ત્રની સાથે વર્ષો સુધી, સાર્ત્રના મૃત્યુ પર્યંત રહી હતી.

સાર્ત્ર એનાં છેલ્લાં વર્ષોમાં સંપૂર્ણ અંધ થઈ ગયો હતો પણ સિમોન દ' બુવ્વાર પરણ્યા વિના, સાર્ત્રની સાથે જ રહી હતી. એનો પ્રેમી અમેરિકન નવલકથાકાર નેલ્સન એલ્જરન શિકાગોમાં રહેતો હતો અને સિમોન સાર્ત્ર સાથે પેરિસમાં રહેતી હતી. નેલ્સન એન્જરન સિમોનને એની જિંદગી પાછી આપી દેવા માટે લખતો રહેતો હતો! કદાચ એક પ્રેયસ હતો, બીજો પ્રેમી હતો. પણ સિમોન એને ભૂલી નહીં. મૃત્યુ સમયે એની ઇચ્છા હતી કે તેને આપેલી વીંટી એની લાશને પહેરાવીને દફન કરવામાં આવે! અને એની ઈચ્છા પ્રમાણે એને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લેખકોની દુનિયા બડી અજીબ હોય છે, જેમને વ્યવહાર અને પરંપરાના નિયમો હંમેશાં લાગુ પડતા નથી. યાતના લેખકનો શિરપાવ છે. શિરપાવ એટલે શિર-ઓ-પા, એટલે માથું અને પગ...

ક્લોઝ અપઃ
'ઈશ્ક સદા અંબર વિચ્ચ રખદા
ઇસ ધરતી દીઆ નીહાં
-અમૃતા પ્રીતમ

(અર્થ : ઇશ્ક હંમેશાં પોતાની જમીનની બુનિયાદ આકાશમાં રાખે છે.)
(મૂળ પ્રકાશન તારીખઃ 13 જુલાઇ 2003)

x
રદ કરો

કલમ

TOP