આ મન જેને દેશી ભાષામાં ‘માંકડું’ કહે છે તે માનવનું મન શું ચીજ છે?

article by kanti bhatt

કાંતિ ભટ્ટ

Sep 16, 2018, 12:05 AM IST

Franklin D. Roosevelt
Ex. Us President said
`Men & women are not prisoners
Of fate but PRISONERS of their
Own mind.’
(સ્ત્રી અને પુરુષ નસીબ કે વિધાતાથી બંધાયેલો નથી. પણ પોતાના મનથી બંધાયેલો કેદી છે)
- ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ

જગતના રચનારા કિરતારે માનવને મન (The Mind) આપીને કમાલ કરી છે. આ મન વિશે વિદ્વાનોએ અલગ અલગ મત બાંધ્યા છે. માનવીના મનથી ડરવા જેવું છે અને એ જ માઈન્ડમાં જો ક્રિએટિવ- રચનાત્મક થાય તો કમાલ કરે છે. ચીનના લોકો જૂના જમાનામાં મન કરતાં હૃદયને વધુ મહત્ત્વ આપતા પણ હવે 21મી સદીમાં ચીનાઓ શું કે ભારતીય લોકો શું હૃદયને કોઈ ગાંઠતું નથી. મનને જ સૌ માને છે. પણ હવે આપણે ચીનાઓની જૂની વાતને માનવી પડશે. હવે હૃદયની વાત માનવી પડશે. મન તમને ભેખડે ભરાવશે. કહેવત હતી કે માનવીના હૃદય કરતાં મનનું ક્ષેત્ર વિશાળ છે. એક સેકન્ડમા ક્યાંનું ક્યાં પહોંચે છે. પણ હૃદયની હરીફાઈ મન ન કરી શકે.


હૃદય જ્યાં પહોંચે છે ત્યાં મન પહોંચતું નથી. છતાં પણ આજે 21મી સદીમાં માનવીના મનને વધુ મહત્ત્વ મળે છે! ‘મન ચંગા તો કથરોટ મેં ગંગા’ એવી હિન્દીમાં કહેવત છે. માણસ બીજી બધી જંજાળ ભૂલીને આનંદમાં રહે તેવી કિરતારની વણલખી શીખ છે પણ માનવ દુ:ખ વગર રહી શકતો નથી. આ દુનિયામાં આપણે પ્રવેશીએ છીએ ત્યારે પીડા સાથે જન્મીએ છીએ.

મન તો અદ્્ભુત ચીજ છે. તેને મગજ જેવું ભૌતિક સ્વરૂપ નથી. તેનું સ્વરૂપ અલૌકિક છે. તમે ધારો તેટલું વિરાટ અને વિશાળ તમારા મનને બનાવી શકો છો

મનનો અભ્યાસ કરનારા મનોવિજ્ઞાની ડો. એચ. કરસ્તેન (H. Karstein). આપણને ખાતરી આપે છે કે ભલે વિદ્વાનો અગર ફિલોસોફરો કહે કે જીનવમાં આનંદ સાથે પીડા જડાયેલી છે. પણ ખરેખર તેમ નથી. પીડાને તમે વારંવાર યાદ કરો તો પીડા બમણી થાય છે. તમે કોઈ કથા સાંભળવા જાઓ કે કોઈ ફિલ્મ જોવા જાઓ ત્યારે તમારા શરીરમાં કોઈ ઘા હોય કે બીજાં માનસિક દુ:ખો હોય તે ભૂલી જાઓ છો. આ વાત આપણને શિખામણ આપે છે કે દુ:ખને જાણે સગું હોય તેમ બાંધી ન રાખો. દુ:ખ તો ભૂલવા જેવી ચીજ છે- યાદ રાખવા જેવી ચીજ નથી. દુ:ખને યાદ ર્ક્યા કરો તો બમણું થાય છે. માનવીના વલણ ઉપર બધો આધાર છે.


અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝિને 13-6-1969ના એક લેખ લખેલો. લેખક હતા ડો. રિચાર્ડ સ્ટેનબેક (Steinbach). તમે કોઈ આનંદિત મૂડમાં હો ત્યારે પીડા અનુભવાતી નથી. એ જ પીડા તમને નેગેટિવ મૂડમાં હો ત્યારે વધુ પીડે છે. એટલે જ અમારું અખબાર અને બીજાં કેટલાંક અખબારો પોઝિટિવ સમાચારો આપવાના લક્ષ્યવાળાં હોય છે. અખબાર ખોલો અને તમને કોઈ અાનંદિત સમાચાર છપાયા હોય તો તે સમાચાર છાપનારું અખબાર એક ડોક્ટર-વૈદ્ય જેવું કામ કરે છે.


યુદ્ધની વાત કરીએ તો યુદ્ધમાં કોઈ સેવાભાવી સોલ્જરને પગે જોરદાર ગોળી વાગે છે. પણ જ્યારે આ બીજા ઘવાયેલ સોલ્જરને દુ:ખી જોઈ પોતે દુ:ખી થનાર સોલ્જર તેના ઘવાયેલા મિત્રને ઊંચકે છે અને એક માઈલ સુધી તેને પોતાના ઘવાયેલા પગ સાથે ઊંચકીને હોસ્પિટલમાં પહોંચાડે છે. ડોક્ટરો નિદાન કરી નાખે છે કે ફલાણા ભાઈ ઘવાયેલા છે તે એક ડગલું ચાલી શકે તેમ નથી. પણ એ ઘવાયેલા ભાઈને જ્યારે ખબર પડે છે કે નજીકમાં હોસ્પિટલ છે ત્યારે 200 વાર (Yards) સુધીને ચાલીને હોસ્પિટલે પહોંચે છે. એ મદદગાર ઘવાયેલા માણસને આવું બળ કેમ મળે છે? એક આશા બંધાય છે કે તે હોસ્પિટલ જશે ત્યારે તેની પીડાનો ઈલાજ થશે.


પણ માનવ સ્વભાવ એવો છે કે બીજાની સહાનુભૂતિ મેળવવા તે બીજા પાસે પોતાના દુ:ખની કથા આદરે છે. સ્ત્રીઓમાં આ ખાસ ટેવ છે. અગર કહો કે કુટેવ છે. સ્ત્રીઓ એકબીજા પાસે પોતાનાં દુ:ખડાં રડીને પરસ્પર મળી દુ:ખના ખોટા ડુંગરા ખડકે છે.


એક અમેરિકન ડોક્ટરે તેના દવાખાનાનું નામ ‘સિટી ઓફ હોપ’ રાખેલું છે. દરદી દવાખાને પહોંચતા જ તેનું અડધું દર્દ ગાયબ થઈ જાય છે. ભાવનગર પાસે મહુવા શહેર. 74 વર્ષ પહેલાં ત્યાં ડો. ભરૂચા નામના લોકસેવાના સ્પિરિટવાળા પારસી ડોક્ટર હતા. તે મોટે ભાગે દરદીઓને દવા આપ્યા વગર જ કહેતા કે ‘જા તને દવાની જરૂર નથી.’ એમ કહે એટલે ખરેખર ઘણાનું દર્દ અદૃશ્ય થઈ જતું.


કવિ મિલ્ટને કહેલું કે માઈન્ડ કેન મેઈક એ હેવન ઓર હેલ (Hell) એન્ડ એ હેલ ઓફ હેવન. માણસનું મન પોતે જ જાણે કિરતારનો રોલ ભજવે છે. નરકને સ્વર્ગ બનાવી શકે છે. તમે ગુજરાતીમાં ભગવદ્્ગોમંડળનો 7મો ભાગ અને 6940 નંબરની આઈટમ જુઓ તો તેમાં ‘મન’ વિશે વિસ્તારથી લખ્યું છે. મન: એટલે કલ્પના કરવી, વિચારવું, ધારી લેવું, મન એટલે ‘મતિ,’ ‘મનસ્વિતા’ અને ‘મનોબળ’ જેવા શબ્દો- (Other Word) ઉપસ્યા છે. મનની એકાગ્રતમાં વિલક્ષણ શક્તિ હોય છે. એકલવ્ય નામનું ધર્મગ્રંથનું ઐતિહાસિક પાત્ર ધનુર્વિદ્યા શીખ્યો તે મનની એકાગ્રતાને કારણે શીખ્યો હતો. મન એવી ઈન્દ્રિય છે જે શરીરની બીજી બીજી ઈન્દ્રિયોને તેમના કાર્ય, તેમની ફરજો કરવાની પ્રેરણા આપે છે. ‘મન હોય તો માળવે જવાય’ એવી એક બહુ જ જૂની કહેવત છે. યોગશાસ્ત્રમાં મનને ચિત્ત કહેલ છે અને બૌદ્ધ ધર્મ તેને છઠ્ઠી ઈન્દ્રિય કહે છે. માણસ પાસે આજે એક અમૂલ્ય અવસર અને યોગ છે કે તે છઠ્ઠી ઈન્દ્રિયને જગાડે.

- મનનાં ત્રણ મૂળભૂત કાર્યો કે ફરજો હોય છે. વિચારવું (Thinking), અનુભવવું (Feeling)ે, ઈચ્છા કરવી, અભિલાષા કરવી.
- આજે પણ (2018 સુધી) માનવ તેના મનને પૂરો સમજ્યો નથી. હજી પણ મનની ઘણી વાતો અને વ્યાખ્યાઓ વિવાદાસ્પદ છે.
- વેબસ્ટર ડિક્શનરી કહે છે કે મન એ માનવીની બુદ્ધિશક્તિ અને માનવની વિચારવાની શક્તિ આપતું અંગ છે.
- ગ્રીક ભાષામાં મનને Dianoia- ડાયનોઈઆ કહે છે.
X
article by kanti bhatt

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી