ચેતનાની ક્ષણે / ક્રાંતિકારી વિચારો ધરાવતી મોજીલી ચિત્રકાર અમૃતા શેરગીલ

article by kanti bhatt

કાંતિ ભટ્ટ

Jan 20, 2019, 12:05 AM IST

પ્રેમ-પ્રેમિકા અને પ્રેમી
કોઈ ધન કા મીત હૈ કોઈ તન કા મીત,
જગ જીતે જિસકો મિલે મન કા મીત.
ઉંચી મહિમા પ્રેમ કી ઉંચા ઇસકા ફેર,
ઇસકે કારણ રામને ખાયે જૂઠે બેર (બોર).
બોધ બડા સૌંદર્ય કા સભ્ય હુઆ ઇન્સાન,
ફૂલોં કી ખાતિર ચુને પથ્થર કે ગુલદાન.
હવા ચલી, પંદે હિલે હંસી એક તસવીર,
પલક ઝેંપી ઔર ધ્યાન મેં ઉડન લગા અબીર ગુલાબ.
- કવિ સૂર્યભાનુ ગુપ્ત
(કાવ્યસંગ્રહ ‘એક હાથ કી તાલી’)


આજે આપણે એક ઐતિહાસિક પાત્ર નામે કવયિત્રી અમૃતા શેરગીલની વાત કરવી છે. ‘કલ્ચરલ ઇન્ડિયા’ નામના પુસ્તકમાં અમૃતા શેરગીલ માટે લખ્યું છે કે, ‘અમૃતા શેરગીલ મુક્ત પંખી જેવી પ્રેમાળ હતી. તેને અનેક પ્રેમસંબંધો થયા હતા. તે પોતે અત્યંત સ્વરૂપવાન હતી. વાચકને પ્રશ્ન થાય કે આ અમૃતા શેરગીલ કોણ હતી?

  • અમૃતા શેરગીલ ઇટાલિયન શિલ્પીના પરિચયમાં આવી પણ અંતે તેને સમજાયું કે ખરા પ્રાણ અને જીવંતતા તો ભારતીય ચિત્રકામમાં જ છે! એટલે અમૃતા શેરગીલ ભારત પાછી ફરી

- અંગ્રેજીમાં તેને માટે લખાયેલ છે- અમૃતા શેરગીલ ખૂબ જ મૌજવાળું, રસીલું જીવન જીવી. અમૃતા શેરગીલ માત્ર કવયિત્રી જ નહોતી, મૂળભૂત રીતે તે પેઇન્ટર પણ હતી-ચિત્રકાર હતી. તે તેના બોયફ્રેન્ડ કે સ્ત્રીમિત્રોનાં ચિત્રો ટીનએજર હતી ત્યારે દોરતી. અમૃતા શેરગીલના જીવનનું પુસ્તક પણ યશોધરા દાલમિયાએ લખ્યું છે. ઇતિહાસકાર યશોધરા દાલમિયાના પુસ્તકનું નામ છે- અમૃતા શેરગીલ:

ઇન ટુ હર લાઇફ એન્ડ વર્ક. આ પુસ્તક તેમજ બીજાં સોર્સ-સાધનોના આધારે મેં બધી હકીકત લખી છે. અમૃતા શેરગીલનો જન્મ 30 જાન્યુઆરી, 1913ના થયો હતો. તે હંગેરી દેશની રાજધાની બુડાપેસ્ટમા જન્મી હતી. તેની મુખ્ય કારકિર્દી પેઇન્ટર તરીકે છે. તેનું શિક્ષણ પણ ચિત્રકામને લગતું યુરોપમાં થયેલું. તેના પિતાનું નામ ઉમરાવસિંહ મજીઠિયા હતું. તેની માતા યુરોપની હતી. તેનું નામ મેરી એન્ટોનેટી ગોટ્સમેન હતું. અમૃતાને પેઇન્ટર તરીકે વર્ણવવામાં આવે છે ત્યારે તેને યુરોપના શ્રેષ્ઠ ચિત્રકારો સાથે સરખાવવામાં આવે છે.

ભારતમાં મોડર્ન આર્ટનાં પગલાં તેણે પાડેલાં. શરૂઆતમાં તેનાં ચિત્રોમાં પશ્ચિમની છાંટ હતી, પણ તેનું હૈયું તો ભારતીય સંસ્કૃતિનાં ‘ચિત્રો’થી ભરેલું હતું. એક કલાકાર તરીકે અમૃતા શેરગીલ સંગીતકાર પણ હતી અને પિયાનો સુંદર રીતે વગાડતી. બચપણથી જ અમૃતા શેરગીલ એક સારી વાચક પણ હતી. એના વાચકે તેને સારી કવયિત્રી પણ બનાવી. આખા વિશ્વમાં તેણે રઝળપાટ કર્યો તેમાં તેણે ઘણા મિત્રો કે ‘પ્રેમી’ બનાવ્યા અને તેણે પ્રેમીનાં ચિત્રો પણ દોર્યાં (નેહરુ સિવાય). ફ્રાન્સ અને તુર્કીમાં અમૃતા લાંબો વખત રહી. ઘણી વખત અમૃતા શેરગીલ તેનાં પોતાનાં પણ ચિત્રો દોરતી! એટલે અંગ્રેજીમાં તેને ‘નાર્સિસ્ટિક’ વ્યક્તિ ગણાતી.

તેના પિતા પર્શિયાના હતા. તેમજ સંસ્કૃત અને પર્શિયન ભાષાના સ્કોલર હતા. માતા હંગેરીની પ્રસિદ્ધ ગાયિકા હતી. અમૃતા શેરગીલની નાની બહેનનું નામ ઇન્દિરા સુંદરમ્ હતું. અમૃતા તેની નાની બહેન સાથે ઊછરી અને બહેનને ખૂબ ચાહતી. બચપણનું જીવન હંગેરીના શહેર નામે ડુના હરસઝ્ટીમાં વીત્યું. આ હંગેરિયન શહેરમાં જ અમૃતા શેરગીલને બચપણથી જ પેઇન્ટિંગનો નાદ લાગ્યો. તે આખી દુનિયામાં ફરી હતી, પણ તેને હિન્દુસ્તાનમાં શિમલાની ટેકરીઓ, પર્વતો અને નદીઓ ખૂબ ગમતી.

બચપણથી તેના વિચારો ક્રાંતિકારી હતા. તે ધર્મ અને ખોટી માન્યતાના બંધનમાં પડવા નહોતી માગતી. તેણે આઠ વર્ષની ઉંમરથી 1923 સુધી જુદા-જુદા યુરોપિયન ચિત્રકારો પાસેથી પ્રેરણા લઈ ચિત્રકામની કળાને વધુ વિકસાવી. એ જ્યારે 10 વર્ષની હતી ત્યારે તેની માતા મેરી સાથે શિમલામાં રહેતી. ત્યાં તે ઇટાલિયન શિલ્પીના પરિચયમા આવી અને ઇટાલીના ચિત્રકારોના પરિચયમાં પણ આવી અને અંતે તેને જણાયું કે ખરા પ્રાણ અને જીવંતતા તો ભારતીય ચિત્રકામમાં જ છે! એટલે અમૃતા શેરગીલ ભારત પાછી ફરી, પણ ઇટાલીમાં રહી તે દરમિયાન ટીનએજર તરીકે તે ઘણા ઇટાલિયન કલાકારોની દોસ્ત બની. આખરે તેને ખાતરી થઈ કે મારો ભારત દેશ મહાન છે, પણ ઇટાલીમાં તેણે યુરોપિયન કોટીનું કલાકામ વિકસાવ્યું.

પેરિસમાં શેરગીલ જેટલો વખત રહી તેટલો વખત પેરિસમાં જે જીવન જીવતી તેનાં ચિત્રો પણ દોરતી. પેરિસમાં તેની આર્ટ સ્કૂલના એક પ્રોફેસરે ભવિષ્યવાણી ભાખેલી કે અમૃતા શેરગીલનાં ચિત્રોનું હાર્દ અને કલાની કિંમત પશ્ચિમમાં નહીં, પણ પૂર્વમાં જ (ભારતમાં) થશે. 1934માં અમૃતા ભારત આવી. ભારતમાં તે મોગલ જમાનાની કલા, પેઇન્ટિંગ અને અજંતા ઇલોરાની ગુફાના પેઇન્ટિંગની અસર હેઠળ આવી. ઉપરાંત હિન્દુસ્તાનમાં ચૌરેચૌટે ફરી. તેમાં ગામડામાં જોયું કે ત્યાંની ગરીબીમાં જે ‘અમીરી’ છે તે ચિત્રિત કરવી જોઈએ. ભારતીય આર્ટથી પ્રભાવિત થયા પછી તેણે યુરોપના એક મિત્રને લખ્યું કે, ‘યુરોપ તો પિકાસોનું ચાહક છે જ્યારે હું ભારતને વરેલી છું.’

અમૃતા શેરગીલે લગ્ન કર્યાં તે પણ એક આર્ટિસ્ટ સાથે. તેણે તેનાં લગ્ન કર્યાં તે પહેલાં બે વખત ગર્ભપાત પણ કરાવેલો. તે ગર્ભપાત કરનારા તેના કઝિન ડો. વિક્ટર એગાન હતા અને પછી વિક્ટર એગાન શેરગીલને પરણી ગયાં! અગર કહો કે અમૃતા શેરગીલ તેના આ ફર્સ્ટ કઝિનને પરણી ગઈ છે! અમૃતા શેરગીલની ફ્રી લાઇફનો પોતે અદ્્ભુત નમૂનો હતી. તેના એક ચિત્ર જેનું નામ તેણે ‘યંગ ગર્લ્સ’ રાખેલું તેમાં ભારતીય કુમારિકાઓના ચિત્ર માટે પેરિસમાં ગોલ્ડ મેડલ મળેલો. ભારત સરકારે અમૃતા શેરગીલનાં ચિત્રોને નેશનલ આર્ટટ્રેઝર ગણ્યાં છે. નવી દિલ્હીમાં આર્ટ ગેલેરી છે તેમાં તેનાં ચિત્રો છે. તેમાંથી તેને અઢળક નાણાં મળવા માંડ્યાં હતાં. 2006ની સાલમાં ‘વિલેજ સીન’ (Village Scene) નામનું ચિત્ર રૂ. 6.9 કરોડમાં (લગભગ રૂપિયા સાત કરોડ) દિલ્હીમાં વેચાયું! ભારતમાં હાથે દોરેલા ચિત્રની આ કિંમત એ ઊંચામાં ઊંચી કિંમત ગણાઈ હતી. તેના પતિ સાથે પછી અમૃતા શેરગીલ ગોરખપુરમાં રહી. (ઉત્તરપ્રદેશ).


અને હવે તેની જીવનકથાનો અંત આવે છે તે રહસ્યમય છે. 28ની નાની ઉંમરે તે એક ગંભીર બીમારીમાં સપડાઈ. ત્યારે તે કોમામાં આવી ગઈ. જોકે, તેના મરણનું સાચું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. તેણે બે ગર્ભપાત કરાવ્યા તેમાં એક ગર્ભપાત વખતે મોત થયું. અમૃતા શેરગીલની માતા કહે છે કે અમૃતાના પતિ ડો. વિક્ટર એગાને તેનું ખૂન કરી નાખ્યું!


આખરે લાહોરમાં 7 ડિસેમ્બર, 1941ના રોજ તેનાં અંતિમ સંસ્કાર થયા. ભારતીય ટપાલખાતાએ તેની તસવીરવાળી સ્ટેમ્પ પ્રગટ કરી. 2013ના વર્ષને યુનોસ્કોએ ‘અમૃતા શેરગીલનું વર્ષ’ જાહેર કર્યું. તેના જીવનને આધારે ઘણાં નાટકો લખાયાં અને વાર્તાઓ-નવલકથા લખાઈ (સલમાન રશદીની એક નવલકથા તેના જીવન ઉપરથી લખાઈ છે). અમૃતા શેરગીલને દિલ્હીમાં ખાસ યાદ કરાય છે. તેના નામનો રસ્તો અમૃતા શેરગીલ પણ છે.

X
article by kanti bhatt

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી