ગુરુદત્ત નામના કલાકારના કાળજા અને કલેવરને જાણીએ

article by kanti bhatt

કાંતિ ભટ્ટ

Sep 02, 2018, 12:05 AM IST

ડૉ. એલેક્ઝાન્ડર ચેઝ નામના પશ્ચિમના ધુરંધર લેખકે ફિલ્મસ્ટારોનું બહુમાન કરેલું. તેણે ફિલ્મોના એક્ટર વિશે રત્ન જેવું વાક્ય લખેલું કે સામાન્યજન માટે કોઈ ફિલ્મનો એક્ટર એક દેવતા સમાન છે. તેની ઘણા લોકો તો પૂજા કરે છે. આજે જમાનો બદલાયો છે, પણ એક જમાનામાં મહેબૂબ ખાન, રાજ કપૂર અને ગુરુદત્તનાં મંદિરો પણ હતાં! મારે આજે નવી પેઢીના જુવાન પ્રેક્ષકોને જૂની પેઢીના ડાર્લિંગ હીરો ગુરુદત્ત વિશે જણાવવું છે. તમે દીપિકા પદુકોણનું નામ જાણો છો. ગુરુદત્ત એ નામ બંગાળી સુગંધવાળું છે પણ ગુરુદત્ત બંગાળી નથી. દીપિકા પદુકોણ ભારતમાં કોંકણ કે રત્નાગિરિ સાઈડમાં જન્મેલી દક્ષિણ ભારતીય છે. બંગાળી નથી.

ગુરુદત્ત ઉર્ફે ગુરુદત્ત પદુકોણ બેંગલોરમાં 9 જુલાઈ, 1925માં આજથી 93 વર્ષ પહેલાં જન્મેલો. ગુરુદત્ત જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે તેનાં માતા-પિતા કલકત્તામાં હિજરત કરી ગયાં. ગુરુદત્ત ટીનેજર હતો ત્યારે તેને ફિલ્મસ્ટાર થવાના કોઈ અરમાન નહોતા. ગુરુદત્તને નૃત્યકળામાં વધુ પ્રવીણ થવામાં રસ હતો. ગુરુદત્તના મામા બેનેગલે તેને માટે સ્કોલરશિપ મેળવી. પ્રખ્યાત નૃત્યકાર ઉદય શંકર સાથે પરિચય થયો અને ત્યારે ગુરુદત્તને નૃત્યનું ઘેલું લાગ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉદય શંકરની નૃત્યશાળા બંધ થઈ અને ગુરુદત્તે મુંબઈ આવવું પડ્યું.

ગુરુદત્ત ટીનેજર હતો ત્યારે તેને ફિલ્મસ્ટાર થવાના કોઈ અરમાન નહોતા. તેને નૃત્યકળામાં પ્રવીણ થવામાં રસ હતો. તે કોંકણી-મરાઠી હતો છતાં સરસ બંગાળી બોલતો

ગુરુદત્તના મામાએ તેનું અસલ નામ પાડેલું. તે નામ પ્રમાણે આપણો હીરો- (કરુણ રોલ ભજવતો- ગમગીનીનાં ગીત ગાતો) ગુરુદત્તનું અસલી નામ વસંતકુમાર શિવશંકર પદુકોણ હતું. ગુરુદત્ત માત્ર 39 વર્ષ જીવ્યા હતા. ગુરુદત્ત પહેલા તો ગીતા દત્તના પ્રેમમાં પડ્યા. તેની સાથે ગુરુદત્તના લગ્ન પણ થયા. ગીતા અને ગુરુ દત્તની મુલાકાત ‘બાજી'ના શૂટિંગ વખતે થઇ હતી. 1953માં બંનેએ લગ્ન કર્યાં હતાં. ગુરુના જીવનમાં વહીદાની એન્ટ્રી થઇ. બંને બહુ નજીક આવ્યાં હતાં. આ સંબંધોને લઇને ગીતા દત્ત નારાજ હતી, પણ ગુરુ દત્ત, ગીતા અને વહીદા બન્નેને છોડવા નહોતા માંગતા.


ગુરુદત્ત હંમેશાં તમારા મન ઉપર પ્રભાવ પાડનારી ફિલ્મો જ બનાવતો. ‘કાગઝ કે ફૂલ,’ ‘પ્યાસા,’ ‘સાહેબ બીબી ઔર ગુલામ’ અને ‘ચૌદવી કા ચાંદ’ એ બધી તેની વિખ્યાત ફિલ્મો છે. આજે પણ જર્મની અને ફ્રાંસમાં ગુરુદત્તની ફિલ્મો હાઉસફુલ થિયેટરમાં જોવાય છે અને ત્યાં જર્મન થિયેટરોમાં તેની ફિલ્મ વખતે હાઉસફુલના બોર્ડ લાગે છે. TIME મેગેઝિને 100 ફિલ્મોમાં આ ગુરુદત્તની ફિલ્મ ‘પ્યાસા’ને ઊંચો નંબર આપ્યો છે. 2002માં ‘સાઈટ એન્ડ સાઉન્ડ’ મેગેઝિને ગુરુદત્તની ફિલ્મો ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ને જગતની 160 ગ્રેટ ફિલ્મોમાં સ્થાન આપ્યું છે. ગુરુદત્તનાં માતા-પિતા ચિત્રપુરનાં સારસ્વત બ્રાહ્મણ હતાં. દક્ષિણ કનારા જિલ્લામાં તેનું બચપણ ગયું. આજે તે કર્ણાટક કે મૈસુર તરીકે ઓળખાય છે. ગુરુદત્તના પિતા શરૂમાં સ્કૂલના હેડમાસ્ટર હતા અને પછી બેન્કમાં નોકરી કરતા. માતા વાસંતીબાઈ શરૂમાં એક ગૃહિણી તરીકે રહેતાં. અને પછી સ્થિતિ ગરીબ આવતાં તેણે સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરવું પડ્યું.

ગુરુદત્તની માતા ટ્યૂશનો ભણાવીને માંડ કુટુંબનું પૂરું કરતાં. તેનાં માતા-પિતા રોજ આ ગરીબીને કારણે ઝઘડતાં. એ જમાનામાં બાળકના નામ સાથે અનેક વહેમો હતા. એટલે ગુરુદત્તનું અસલ નામ બદલીને વસંતકુમાર પદુકોણને બદલે માત્ર ગુરુદત્ત રખાયું. ગુરુદત્ત નામ ત્યારે શરૂમાં શુકનિયાળ નીવડયું પણ ફિલ્મ કારકિર્દીમાં ‘અપશુકનિયાળ’ ઠર્યું! તેણે આપઘાત કરીને દુ:ખી અને એકલતાભર્યા જીવનનો 39ની વયે અંત આણ્યો. ગુરુદત્તને ત્રણ ભાઈઓ હતા. તેમાં આત્મારામ, દેવીદાસ અને વિજયને તમે જાણો છો. તેની એક બહેનનું નામ લલિતા હતું. કદાચ તમે કલ્પના લાજમી નામની ફિલ્મ ડિરેક્ટરને જાણતા હો તો તે ગુરુદત્તની ભાણેજ થાય છે. કલકત્તામાં ભવાનીપુર વિસ્તારની સ્કૂલમાં ગુરુદત્ત ભણતો અને માંડ માંડ સ્કૂલની ફી ભરતો. ગુરુદત્તને બંગાળી ભાષા પ્રત્યે પ્રેમ હતો અને તે કોંકણી-મરાઠી હતો છતાં સરસ બંગાળી બોલતો.


ગુરુદત્તને એક્ટિગ કરતાં નૃત્યુમાં વધુ દિલચશ્પી હતી. ગુરુદત્તને કોલેજમાં જવું હતું પણ ખાટલે મોટી ખોટ કે ફી ભરવાના પૈસા નહોતા એટલે કોલેજનું શિક્ષણ લીધું નહીં. ઉદયશંકરની નૃત્ય મંડળીની સાથે ગુરુદત્ત જોડાયો. ઉદયશંકરનું અલમોડા ખાતેનું સેન્ટર નૃત્ય, ડ્રામા અને સંગીત શીખવતું. પંદર વર્ષની ઉંમરે ગુરુદત્ત આ નૃત્ય શાળામાં જોડાયો. બીજા વિશ્વયુદ્ધમાં આ સેન્ટર બંધ થયું એટલે ગુરુદત્તને ટેલિફોન ઓપરેટરની નોકરી સ્વીકારવી પડી! તેણે કલકત્તાની લીવર બ્રહ્મર્ષિની ફેક્ટરીમાં પણ મજૂર તરીકે કામ કરેલું. પણ આ કામ નહીં ગમતા તે 1944માં સ્વેચ્છાથી બેકાર રહ્યા અને મુંબઈ આવ્યા.


ફિલ્મી દુનિયામાં કેમ આવ્યા? નોકરીની શોધ કરતા હતા ત્યારે તેના મામાએ ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટથી તેને પ્રભાત ફિલ્મ કંપનીમાં નોકરી અપાવી. (પુણેમાં). તે વખતે જ વ્હી.શાંતારામે તેનું કલા મંદિર શરૂ કર્યું. અહીં કલા મંદિરમાં ગુરુદત્તને રહેમાન અને દેવ આનંદ સાથે ઓળખાણ થઈ. 1944માં તેને ‘ચાંદ’ ફિલ્મમાં શ્રીકૃષ્ણનો રોલ મળેલો. ત્યારે તેનું ફેમિલી માટુંગા રહેતું. ગુરુદત્ત ચાલીને સ્ટુડિયોમાં જતો પણ પ્રભાત સ્ટુડિયોમાંથી રજા મળતા 19 મહિના બેકાર રહ્યો. એ સમયે જ દેવ આનંદની કંપની નવકેતન ધમધોકાર હતી તેમાં ગુરુદત્તને સારી કામગીરી મળી. તે નવકેતનમાં ગુરુદત્ત ડિરેક્ટર બન્યો તેમાં ગુરુદત્તની પ્રથમ ફિલ્મ ‘બાઝી’ બની અને તે હિટ ગઈ!


ગુરુદત્તની આ નવી ડિરેક્ટર તરીકેની નોકરીમાં દેવ આનંદ સાથે એક ઘોંચ પડી. બન્ને વચ્ચે મતભેદ થયો. પણ ગુરુદત્તની આર્થિક સ્થિતિ કંગાળ હતી. ગુરુદત્ત ઘણી વખત દેવ આનંદનું શર્ટ ચોરીને તે પહેરીને સ્ટુડિયોમાં આવતો! 39 વર્ષની વયે ગુરુદત્તે દુનિયાને અલવિદા કહ્યું હતું.
ગુરુદત્ત વિશે ગાડાં ભરી ભરીને લખી શકાય. છાપનાર જોઈએ. ચાલો તેના ગાયેલા ગીતની પંક્તિઓથી લેખ પૂરો કરીએ.


(1) યે મહલો, યે તખ્તો, યે તાજો કી દુનિયા
યે ઈન્સાન કે દુશ્મન- સમાજો કી દુનિયા
યું દુનિયા અગર મિલ ભી જાએ તો ક્યા હૈ
યે દુનિયા જહાં આદમી કુછ નહીં હૈ
યહાં પ્યાર કી કદ્ર હી કુછ નહીં હૈ
જલા દો, ઈસે ફૂંક ડાલો યે દુનિયા
તુમ્હારી હૈ તુમ હી સંભાલો યે દુનિયા


(2) ... દેખી જમાને કી યારી, બિછડે સભી બારી બારી
ક્યા લે કે મિલે અબ દુનિયાસે
આંસુ કે સિવા કુછ પાસ હી નહીં
મતલબ કી દુનિયા હૈ સારી
બિછડે સભી બારી બારી
‘કાગઝ કે ફૂલ’ જહાં ખિલતે હૈ
એક હાથ સે દેતી હૈ દુનિયા
સો હાથોં સે લે લેતી હૈ
યહ ખેલ હૈ કબ સેજારી
બિછડે સભી બારી બારી

X
article by kanti bhatt

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી