‘બક્ષીબાબુ’એ લેખ, નવલકથા, ટૂંકી વાર્તા, પ્રવાસ વર્ણન સહિત અનેક સાહિત્ય પ્રકારોમાં ખેડાણ કર્યું હતું.

સહભોગઃ આપણું લગ્ન, એમનું લિવ-ઈન!

  • પ્રકાશન તારીખ01 Jun 2018
  •  

લોકો કેવું જીવે છે એ સમજવા માટે સમાજશાસ્ત્રીઓના રિપોર્ટ કરતાં છાપાંઓની લગ્નવિષયક કૉલમોથી વધારે સમજાય છે. ઇતિહાસના ગ્રંથો કરતાં ઐતિહાસિક નવલકથાઓ તત્કાલીન સમયનું વધારે પ્રામાણિક ચિત્ર આપે છે. નેપોલિયનના રશિયા પરના આક્રમણ માટે ઇતિહાસનાં પુસ્તકો કરતાં મહાન લિયો તોલ્સતોયની
મહાનવલ ‘વૉર એન્ડ પિસ’ વધારે પ્રમાણભૂત ગણાય છે. પશ્ચિમનો સમાજ આપણાથી તદન ભિન્ન છે. ઇંગ્લેન્ડ કે અમેરિકામાં ત્રણ પેઢી રહ્યા પછી પણ આપણે એમની સાથે એકરૂપ નહીં થઈ શકીએ, કારણ કે એમનાં મૂલ્યો જુદાં છે, આપણાં જુદાં છે. અને આ વિરૂપતા એમની અને આપણી લગ્નવિષયક જાહેરખબરોમાં વધારે સ્પષ્ટ થઈ જાય છે!

આપણી લગ્નની દુનિયામાં જન્મકુંડળી છે, મંગળ છે, જ્ઞાતિ છે, સ્ટેટસ છે, મેરેજ છે, દરેક છોકરાના ડિવોર્સ સાથે ‘ઇનોસન્ટ' (નિર્દોષ) શબ્દ વપરાય છે, કન્યા ઘરેલુ જોઇએ છે પણ અંગ્રેજી બોલી શકે એવી હોવી જોઇએ, ૩૭ કે ૪૧ વર્ષના પુરુષો માટે પણ ‘બૉય’ શબ્દ વપરાય છે, અને બધા જ છોકરાઓ હેન્ડસમ છે અને એમને ગોરીગોરી ગોરીગોરી છોકરીઓને પરણી નાખવાની અદમ્ય તલબ છે! લંડનના “ટાઈમ્સ'માં એન્કાઉન્ટર્સ કૉલમ આવે છે અને
‘ઓબ્ઝર્વર”માં સોલમેટ્સ આવે છે અને એમાંની જાહેરખબરોમાં મેરેજ કે લગ્ન શબ્દ પણ જોવા મળતો નથી! એક અતિમુક્ત સમાજમાં વ્યક્તિએ બીજી વ્યક્તિને પસંદ કરવાની છે અને
એમાં સ્ત્રી-પુરુષ જ એકબીજાને પસંદ કરે એવું નથી, સ્ત્રી બીજી સ્ત્રીને અને પુરુષ બીજા પુરુષને પસંદ કરવાની ઇચ્છા પણ ધરાવે છે. વિદેશસ્થિત દેશીઓના આત્માઓના ઉદ્ધાર માટે ઊડાઊડ કરી મૂકતા આપણા બાવાઓ જો આ વાંચે તો આવતા ભવમાં વિદેશમાં જ જન્મ લેવાની એમને ઈચ્છા થઈ જાય. અનીતિ અને સ્વચ્છંદના ઊંડા કૂવાઓમાં ડૂબી રહેલા વિદેશીઓને બચાવી લેવાની પણ એક જવાબદારી હોય છે...!

વિદેશસ્થિત દેશીઓના આત્માઓના ઉદ્ધાર માટે ઊડાઊડ કરી મૂકતા આપણા બાવાઓ જો આ વાંચે તો આવતા ભવમાં વિદેશમાં જ જન્મ લેવાની એમને ઈચ્છા થઈ જાય. અનીતિ અને સ્વચ્છંદના ઊંડા કૂવાઓમાં ડૂબી રહેલા વિદેશીઓને બચાવી લેવાની પણ એક જવાબદારી હોય છે...!

પશ્ચિમી સમાજમાં લોકોની રસરુચિ કેવી હોય છે એનો ખ્યાલ આ ટચૂકડી જાહેરખબરોમાંથી સ્પષ્ટ ઊભરે છે. થોડા નમૂનાઓ: ઊંચી, પહોળી, મોટી ઉંમરની સ્ત્રી જોઈએ છે એક જવાન કાળા પુરુષને, મજામસ્તી કરવા માટે, લંડન ૩૧પ૭૩... ૨૩ વર્ષની કાળી પ્રોફેશનલ સ્ત્રીને ૨૫થી ૩પની વચ્ચેનો હસતો રમતો ખુશમિજાજ પુરુષ જોઈએ છે, રોમાંસ માટે, ચકમકી વાતો કરવા માટે, અને વહેલી પરોઢ સુધી શરાબ પીવા માટે... ૪૩ વર્ષીય પાતળા પુરુષને ઉનાળામાં મજા કરવા માટે તમારી જરૂર છે... રોમાંટિક, કલારસિક, ૪૭ વર્ષીય મૂછવાળા પુરુષને કલા, સાહિત્ય, લેખન, સરસ ખોરાકનો શોખ છે. એ પાતળા પુરુષને સજાતીય સંબંધ માટે ડબલ્યુ-એલ-ટી-એમ (વુડ લાઈક ટુ મીટ) છે... ૪૬ વર્ષીય સ્ત્રીને બીજી આજ વયની સ્ત્રીની જરૂર છે, આ આશ્ચર્યજનક દુનિયા એન્જોય કરવા માટે... પપ વર્ષીય સ્ત્રીને ઘણા વિષયોમાં રસ છે, એને રોમાંટિક, બુદ્ધિમાન, ચાર્મિંગ પુરુષની જરૂર છે, સાથે હસવા માટે, અને બીજું કંઈક વધારે કરવા માટે...

આ ટચૂકડી જાહેરખબરો સામાન્ય છે, અને પ્રમાણમાં નિર્દોષ છે. દરેક સ્ત્રી અને દરેક પુરુષને બીજી વ્યક્તિ કેવી જોઈએ છે એ વિષે તદ્દન સ્પષ્ટ ખ્યાલ છે. ક્યાંય દોષભાવ કે ખોટી શરમ નથી. આ પ્રજાને આવતા ભવની ચિંતા કરતાં આ ભવની વધારે દૃઢ ચિંતા છે, અને આ ભવ કરતાં આજના દિવસની સૌથી વિશેષ ચિંતા છે.

શરીર દ્વારા મળતા સુખ વિષે કોઈ લજ્જાભાવ કે દોષભાવના કે ઉંમરની મર્યાદા નથી. પચાસ કે બાસઠ કે પંચોતેર વર્ષની વ્યક્તિ પોતાની વય સંતાડતી નથી, અને સૂચક વાત એ છે કે દરેક વ્યક્તિને અન્ય કયા વયકૌસની વ્યક્તિની જરૂર છે એ શરૂમાં જ બતાવી દે છે.

દાખલા તરીકે ૨૮ વર્ષનો પુરુષ લખે છે કે, એને ૨૪થી ૩૨ વર્ષની સ્ત્રીની જરૂર છે અથવા પ૩ વર્ષની સ્ત્રી ૪૫થી પ૫ સુધીના પુરુષની ઇચ્છા રાખે છે. લગ્ન શબ્દ પશ્ચિમના અત્યાધુનિક સમાજમાં હવે ઓછો વપરાતો થયો છે, જે શબ્દ વપરાય છે એ છે કમ્પેનિયનશિપ અથવા સૌહાર્દ, સહજીવન, અને જો કોઈ નવો ગુજરાતી શબ્દ બનાવવો હોય તો એ શબ્દ છે : સહભોગ! પતિ કે પત્નીને સ્થાને કાનૂની કાગળોમાં પણ સ્પાઉઝ કે કમ્પેનિઅન શબ્દો વપરાવા લાગ્યા છે. પુરુષ અને સ્ત્રી લગ્નથી જોડાવા માગતાં નથી, લગ્નની વિભાવના જ જૂની થઈ ચૂકી છે. લગ્નથી નિકટતમ આવતો શબ્દ એંગ્લો-અમેરિકન જીવનમાં ‘લિવઈન’ છે, જ્યાં એક પુરુષ અને એક સ્ત્રી સ્વેચ્છાએ સાથે રહે છે અને બંનેમાંથી ગમે તે એકની ઇચ્છા થાય ત્યારે આ સહજીવનમાંથી મુક્ત થઈને પોતાને માર્ગે જઈ શકે છે. આમાં નિયત સમયમર્યાદા કે બંધન નથી. લગ્ન શબ્દ લગ્ ધાતુ પરથી આવે છે, લાગી જવું, ચોંટવું, દૃઢ થવું એવો ભાવાર્થ છે.

લગ્ન શબ્દ પશ્ચિમના અત્યાધુનિક સમાજમાં હવે ઓછો વપરાતો થયો છે, જે શબ્દ વપરાય છે એ છે કમ્પેનિયનશિપ અથવા સૌહાર્દ, સહજીવન, અને જો કોઈ નવો ગુજરાતી શબ્દ બનાવવો હોય તો એ શબ્દ છે : સહભોગ!


હિંદીમાં સાથે જોડેલા પત્ર, એટલે કે ‘એટેચ્ડ’ માટે સંલગ્ન શબ્દનો વ્યવહાર થાય છે, જે શાબ્દિક દૃષ્ટિએ બરાબર છે. લગ્ન શબ્દને ચરિતાર્થ કરવા માટે, કરારબદ્ધ કરવા માટે, સાથે સાથે અગ્નિની સાક્ષીએ આપણે ધાર્મિક વિધિઓ ગોઠવી છે. જોકે પશ્ચિમમાં પણ લગ્નવિધિ વખતે પાદરી ‘ટિલ ડેથ ડુ અસ આ પાર્ટ’ અથવા મૃત્યુ આપણને છૂટાં પાડે ત્યાં સુધી... જેવું વિધાન કરે છે અને બંને વ્યક્તિઓએ ‘આઈ ડૂ’ કહીને સ્વીકાર કરવો પડે છે.

લગ્નની જેમ મૃત્યુ બીજી એક વિધિ છે જ્યાં એમના રીતવાજો અને આપણા રીત-રિવાજોનો ફર્ક સપાટી પર આવી જાય છે. કેનિયાના નાઈરોબીથી નીકળતા દૈનિક ‘ડેઈલી નેશન'ના મે ૧૯, ૨૦૦૩ના અંકમાં મૃત્યુનોંધો આપેલી છે અને સાથે મૃતકોની તસવીરો છાપવામાં આવી છે. આફ્રિકાની કાળી પ્રજાની વિધિઓ પણ યુરોપ-અમેરિકાની ગોરી પ્રજાની જેમ આપણાથી જુદી પડી જાય છે. દરેક જાહેરાતની ઉપર આપણી જેમ ‘અવસાનનોંધ’ કે ‘જૈનમરણ’ કે ‘હિન્દુ કે ‘ઉઠમણું' જેવા શબ્દો વપરાતા નથી, પણ ‘ડેથ એન્ડ ફ્યુનરલ એનાઉન્સમેન્ટ' લખ્યું હોય છે. આપણાં પ્રમુખ સમાચારપત્રોમાં મૃતકોના ફોટાઓની સાઇઝ ટપાલની ટિકિટથી પોસ્ટકાર્ડ સુધીની હોઈ શકે છે, અને મૃત્યુનોંધ પણ નાની-મોટી હોય છે (મૃતકનાં સગાઓ જાહેરખબરો પર કેટલા રૂપિયા ખર્ચી શકે છે એના પર આ નિર્ભર છે!) નાઇરોબીના દૈનિકમાં લગભગ દરેકના ફોટાની અને મૃત્યુનોંધની માહિતીની સાઇઝ સરખી જ હોય છે, એ પાનું નિયત હોય છે, અને સરખાં ખાનાં પાડેલાં હોય છે. ઘણીવાર નીચે એક લીટી લખેલી હોય છે, વી લવ યુ, બટ ગૉડ લવ્સ યુ ધ મોસ્ટ! (અમે તને પ્યાર કરીએ છીએ, પણ ઈશ્વર સૌથી વધારે પ્યાર કરે છે!)

આ જાહેરખબરોમાં સગાંઓનાં સંબંધો અને નામો તો હોય જ છે, પણ કેટલાં પૌત્ર-પૌત્રીઓ કે પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે એની સંખ્યા પણ લખેલી હોય છે. કેટલાકને બે પત્નીઓ હોય છે, કોઈ સ્ત્રી માટે ‘કો-વાઈફ’ અથવા દ્વિતીય જીવિત પત્ની જેવો શબ્દ પણ વપરાયો હોય છે. આફ્રિકન કાળી દુનિયામાં આ તદ્દન સ્વાભાવિક છે. લગભગ દરેક જાહેરખબરમાં એક સૂચક વાત હોય છે : સગાઓ અને મિત્રો અમુક સ્થળે મળશે અને ત્યાં ફ્યુનરલનો ખર્ચ એકત્ર કરવા માટે વિચાર કરશે! આફ્રિકન કાળી દુનિયામાં અંત્યેષ્ટિ ક્રિયા માટે ગયેલા માણસો ફંડફાળામાં પૈસા આપે છે....

ક્લોઝ અપ: લઘુમતીનો જુલ્મ એ વિશ્વનો સૌથી જઘન્ય જુલ્મ છે. - સ્વામી વિવેકાનંદ (“રિબિલ્ડ ઈન્ડિયા” : પૃષ્ઠ ૨૭)

(મૂળ પ્રકાશન તારીખ:29 જૂન 2003)

x
રદ કરો

કલમ

TOP