વહાલી વસમી જિંદગી

Article By Bhupat Vadodariya

Bhupat Vadodariya

Jun 03, 2018, 03:15 PM IST

ખરેખર તો મનોબળ જેવી કોઈ વસ્તુ છે ખરી? એક માણસને તલવારના ઘા પડે અને છતાં તે ચૂં કે ચાં ન કરે ત્યારે બીજો માણસ જરા સોય વાગે ત્યારે બૂમબરાડા કરી મૂકે તેવું બને છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જીવનપ્રસંગ જાણીતો છે, માણસને તમે ડામ દો અને છતાં તેની વેદના તે વેઠી લે. કેટલાક માણસોમાં આવું મનોબળ હોય છે, આવા મનોબળવાળા માણસ આપત્તિમાં ડરી જતા નથી, અંતરની સ્વસ્થતા અને શાંતિ ગુમાવી બેસતા નથી.

માણસનું મન એ જ એની ખરી તાકાતની પાતાળગંગા છે. હવે વિજ્ઞાન આ સત્ય સુધી પહોંચ્યું છે. આજથી બે વર્ષ પહેલાં એવી શોધ થઈ કે મગજ પોતે જ મોર્ફીન જેવાં દર્દશામક રસાયણ બનાવી દે છે. માણસનું મગજ આવું દ્રવ્ય બનાવી લે છે તેથી તો માણસ પોતાના મનના જોરે કેટલીક વેદનાને નષ્ટ કરી શકે છે, વૈજ્ઞાનિક સંશોધને બતાવ્યું છે કે માણસનું મગજ મોર્ફન જેવાં પીડાનાશક દ્રવ્યો બનાવે છે. એન્કેફેલાઇન્સ અને એન્ડોર્ફીન્સ - માણસનું મગજ આવાં રસાયણો બનાવે છે તે હકીકતની શોધથી આવાં ઔષધો દ્વારા મનોચિકિત્સાનું એક નવીન ક્ષેત્ર ખુલ્લું થયું છે. વૈજ્ઞાનિકો કહે છે કે અત્યારે આ વાતની કલ્પના કરતાં આપણને તાજુબી થાય કે હસવું આવે પણ જે પ્રયોગો અને કર્યા છે તેના આધારે અમે એટલું ચોક્કસ માનીએ છીએ કે એવો દિવસ દૂર નથી કે જ્યારે દિમાગજન્ય રસાયણો જેવાં રસાયણોથી માણસ પોતાનો મિજાજ અને વર્તણૂક બદલી નાખી શકશે. એક વિદ્યાર્થી એક ટીકડી ખાશે અને એક જ વર્ષમાં સ્નાતકની ડિગ્રી લઈ શકશે. ન્યૂ યોર્કમાં માનસિક ઉન્માદથી પીડાતા દર્દીઓને બીટા એન્ડોર્ફીન આપ્યું અને તેને કલ્પિત અવાજો સંભળાતા બંધ થઈ ગયા, આવાં દ્રવ્યનો એક ડોઝ અને માણસ ગ્લાનિના રોગ (મેલેન્કોલિયા)માંથી મુક્ત થઈ જશે.

માણસનું મન એ જ એની ખરી તાકાતની પાતાળગંગા છે. હવે વિજ્ઞાન આ સત્ય સુધી પહોંચ્યું છે.

નવી શોધ છે અને ગહન વિષય છે, પણ આપણને ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં કે અન્ય અખબારમાં આવા ખરેખર સનસનાટીભર્યા સંશોધનના અહેવાલો વાંચીને એવો વિચાર જરૂર આવે કે આપણા ધર્મગ્રંથો-સંત સાંઈઓ મનને જીતવાની વાત આટલી અગત્યની ગણાવતા રહ્યા છે, તેનું રહસ્ય કદાચ આ જ નહીં હોય? સુખ અને દુ:ખ મનનાં જ કારણ છે તેવા વિધાનમાં ઊંડે ઊંડે વૈજ્ઞાનિક સત્ય જ પડેલું હોય તેમ ના બને? મનની પારાવાર શક્તિની ક્ષિતિજો નવાં નવાં સંશોધન સાથે વિસ્તરતી જ જાય છે.

માણસનું મગજ જો આવાં દ્રવ્યો જાતે જ પેદા કરતું હોય - જો આવાં દ્રવ્યથી માણસનો મિજાજ બદલી શકાતો હોય, તેને રડવાને બદલે હસતો કરી શકાતો હોય તો માણસના સુખની-મુક્તિની ચાવી માણસની પોતાની પાસે જ પડી નથી? આપણને એવો પણ વિચાર આવે કે ભગવાન શંકર ભાંગ પીતા હતા, તેને માત્ર વ્યસનની મસ્તીરૂપે પણ જોવાની જરૂર નથી. અલબત્ત, આપણે કદી નશાકારક દ્રવ્યોની હિમાયત ન જ કરી શકીએ. આવો વિકૃત અર્થ આમાંથી તારવવાની જરૂર નથી, પણ એટલું સમજી શકીએ કે આ બધા નશાકારક દ્રવ્યોના ઔષધીય ગુણો છે અને પ્રાચીન ઋષિમુનિઓતેનાથી વાકેફ હશે. આધુનિક વિજ્ઞાન તો હવે આશ્ચર્ય સાથે આ બધું શોધી રહ્યું છે.

માણસ કોઈક દ્રવ્યનું સેવન કરે અને તેની યાદદાસ્ત અસાધારણપણે તીવ્ર બની જાય, તેની સ્કૂર્તિ યુવાન જેવી બની જાય, તેની કાંતિ વધી જાય તેવી વાતો આજ સુધી આપણને પુરાણકથાઓ અને દંતકથાઓની કલ્પનાના ઉડ્ડયન જેવી લાગી છે. તાજેતરના સંશોધન પરથી એમ કહી શકાય કે આવી શક્યતા હવે ખુદ વિજ્ઞાન ચોક્કસપણે નિહાળી રહ્યું છે.

માણસનું મન અદભુત છે તે વિશે તો બેમત નથી જ. આપણે શરીરને કેળવવાની વાત ઉપર ભાર મૂક્યો છે, બુદ્ધિને કેળવવાની વાત પર પણ ભાર મૂક્યો છે, પણ મનને કેળવવાની વાત આપણને અગત્યની લાગી નથી. ધર્મગ્રંથોના આધારે સંતોમહંતો આપણને ધાર્મિક સંદર્ભમાં આ વાત કહે છે પણ આપણને તેની ગંભીરતા સમજાતી નથી.

આપણા એકલાનો જ દોષ નથી. પશ્ચિમમાં યંત્રવિજ્ઞાન અને સુખસગવડની નવી સંસ્કૃતિમાં જેમ આગળ વધ્યા તેમ આપણે માનતા થઈ ગયા કે મનને વળી અંકુશમાં રાખવાનું હોય ખરું? મન તો આપણું લાડકું બાળક - એ જ્યાં દોડે ત્યાં તેની પાછળ આપણે દોડવાનું. મજા એમાં જ છે. મનને તો બધું સારું સારું જ ગમે છે, તેની પાછળ પાછળ દોડો. આપણે મનને આવો છૂટો દોર આપ્યો છે, તેમાંથી અપરંપાર ઉપાધિઓનો જન્મ થયો છે. બીજી બધી વાતો બાજુએ રાખો - મનને આ રીતે નિરકુંશ કરવાથી માનસિક રોગો કેટલા વધ્યા છે તેનો ખ્યાલ કરવા જેવો છે.

એક માણસ ડબલ ગ્રેજ્યુએટ છે. કવિતા પણ લખતો હતો. એનું કાવ્ય-પુસ્તક પણ છપાયું હતું. બીજી બધી જ રીતે એ સરસ માણસ છે, પણ તેને એમ છે કે કોઇક તેની કીર્તિની ઈર્ષા કરી તેને ખતમ કરી નાખવા માંગે છે. એ માને છે કે બધા જ લોકો તેની વિરુદ્ધના આ કાવતરામાં સામેલ છે. આ માણસમાં ઘણી બધી સર્જકશક્તિ હોવા છતાં તેની આ માનસિક નિર્બળતા, આ રોગ તેને ખતમ કરી દે તો નવાઈ નહીં. એ સતત ભય અને શંકામાં જીવે છે.

મનોબળના અભાવને કારણે આપણા કેટલા બધા સંકલ્પો હાસ્યાસ્પદ બની જાય છે. ‘આવતીકાલથી હું શરાબ નહીં જ પીઉં’, ‘હું સિગારેટ નહીં જ પીઉં’ કે ‘જુગાર નહીં જ રમું’ - આવા સંકલ્પ કરનારની સચ્ચાઈમાં શંકા લાવવાની જરૂર નથી. તે જ્યારે આવો સંકલ્પ કરે છે ત્યારે તેને વળગી રહેવા તે આતુર હોય છે. પોતાના સંકલ્પ વિશે તે પ્રામાણિક, સાચદિલ હોય છે, પણ તે સંકલ્પને વળગી શકતો નથી. આનું કારણ મન છે. માણસ મનને મક્કમ કરે, ધારી દિશામાં દોરી શકે તો એ ઘણું જીતી લઈ શકે છે.

મહાત્મા ગાંધીના દુર્બળ દેહનું વજન કેટલું હતું? તેમનું શારીરિક કૌવત કેટલું હશે? પણ આવો માણસ પ્રચંડ મનોબળને કારણે દુનિયાની એક અવલ નંબરની સત્તા સામે લડી શક્યો અને હંફાવી પણ શક્યો. આવું મનોબળ કાંઈ બદામ-કાજુ કે ઘી-ગોળ ખાવાથી પેદા થતું નથી. આવું મનોબળ ઈશ્વરમાં - કુદરતમાં અપાર શ્રદ્ધાથી, પોતાની જાતમાંની શ્રદ્ધાથી અને કોઈ ઉદાત્ત ધ્યેયથી પેદા થાય છે. આવું મનોબળ સાત્ત્વિક હોઈ શકે, અને રાક્ષસી પણ હોઈ શકે. હિટલર, મુસોલિની એ આવાં રાક્ષસી મનોબળનાં પ્રતીકો છે.


બુદ્ધ, મહાવીર, ઈસુ, ગાંધી એ બધા સાત્ત્વિક મનોબળનાં પ્રતીકો છે.

કામ, ક્રોધ, લોભ, મોહ બધાંનું મૂળ મનમાં પડ્યું છે. આ બધામાંથી આપણે મુક્ત થઈ જવાની કક્ષાએ પહોંચી ન શકીએ પણ તેને સંયમિત જરૂર કરી શકીએ, તેને સંહારક બળ ન બનવા દેતાં તેને સર્જનાત્મક મોડ આપી શકીએ. કોઇએ હજુ માપ કાર્યું નથી કે માનવીના મનમાં કેટલા અશ્વોની શક્તિ છે.

મહાત્માઓ, દૃષ્ટાઓ, વિજ્ઞાનીઓ, ઇજનેરી. મહાન શિલ્પીઓ, ચિત્રકારો અને સર્જકોનો વિચાર કરીએ તો પણ લાગે કે માનવીના મનમાં હજારો અશ્વોની શક્તિ છે. આ અશ્વશક્તિ ઉપર તમે સવાર થાઓ તો તમે વિજય મેળવો, તમે આ અશ્વને બેકાબૂ બનવા દો તો તોફાની અશ્વની પાસે નિર્બળ સવારની જે દશા થાય તે જ દશા તમારી પણ થાય.

પણ મનને અંકુશમાં લેવું, તેને બળવાન બનાવવું, તેને સાચી દિશામાં દોરવું એ કામ કંઈ સહેલું નથી, પણ એ સહેલું ન હોય તોપણ અશક્ય પણ નથી. તેનો પુરાવો આપણે સગી આંખે જોઇએ છીએ.

આપણા ઘેર ગંભીર બીમારીમાં પડેલું બાળક કે વૃદ્ધ ઝડપથી સાજા થઈને એક ચમત્કાર કરે છે ત્યારે ડૉક્ટર કહે છે દવા તો બરાબર છે, પણ આ દર્દીના મનોબળે ઘણો ભાગ ભજવ્યો છે. આવા ઘણા કેસો મેં જોયા છે. આટલી ઝડપે કોઇને સાજા થતા જોયા નથી.

કામ, ક્રોધ, લોભ, મોહ બધાંનું મૂળ મનમાં પડ્યું છે. આ બધામાંથી આપણે મુક્ત થઈ જવાની કક્ષાએ પહોંચી ન શકીએ પણ તેને સંયમિત જરૂર કરી શકીએ.

તમે મનમાં કાંઈક નક્કી કરો, કાંઇક ગાંઠ વાળો એટલે તમારા મગજમાં કાંઇક એવાં દ્રવ્યો જરૂર પેદા થતાં હોવાં જોઇએ, જે તમને ઘા ઝીલવામાં કે ઘા રુઝવવામાં મદદરૂપ થાય.

તમે હાર કબૂલ ના કરો, તમે અમુક ધ્યેયની પાછળ પડો ત્યારે દૂર-દૂરની મંજિલ સુધી પહોંચવાની તાકાત તમારામાં પેદા થાય છે અને કોઈ ઈશ્વરી સંકેત તમને ત્યાં સુધી પહોંચતા પણ કરી દે છે.

મનને બળવાન બનાવવાના ઘણા માર્ગો છે, પણ તે આપણા જેવા સામાન્ય માણસોને સરળ કે અનુકૂળ ના લાગે, પણ સરળ અને અનુકૂળ માર્ગ પણ છે. પરમ પિતા કે માતાના સ્વરૂપે કોઇક દૈવી શક્તિ આપણા સૌનું રક્ષણ કરે છે અને મારનારા કરતાં તારનાર મોટો છે તેવી ઊંડી શ્રદ્ધા કેળવવી.

એ શ્રદ્ધા અધ્ધર ને અધ્ધર રહે અને આપણે તેની સામે મીટ માંડીને આકાશવૃત્તિના ભિક્ષુક બની જઇએ તેમ ના બનવું જોઈએ, પણ એ શ્રદ્ધા આપણા આત્મામાં સિંચાવી જોઇએ અને નક્કર આત્મવિશ્વાસરૂપે પ્રગટ થવી જોઇએ. આપણી આ આત્મશ્રદ્ધાનો સંબંધ ઈશ્વરશ્રદ્ધા સાથે સતત, સજીવ અને સળંગ રહેવો જોઇએ. કેમ કે આપણે જાણીએ છીએ કે ઈશ્વરશ્રદ્ધાની ગંગોત્રી સાથેનો સંબંધ કપાઈ જાય છે કે ઓછો થઈ જાય છે ત્યારે એકલી આત્મશ્રદ્ધા એક બંધિયાર ખાબોચિયા જેવી બની જાય છે. અને તેમાં આપણા અભિમાનનાં દેડકાં જ ઉછરે છે અને માત્ર ઊછળકૂદ કર્યા કરે છે.

આત્મશ્રદ્ધાની સરવાણી આથી જીવતી રહેવી જોઇએ અને તે માત્ર અભિમાનનું સિંહાસન બની જવી નહીં જોઇએ. સામ્યવાદના પિતા કાર્લ માર્ક્સે ધર્મને ગરીબ અને અજ્ઞાન પ્રજાના અફીણ સાથે સરખાવ્યું હતું. અલબત્ત, આ રીતે તેઓ ધર્મને નિરર્થક અને અનિષ્ટ વસ્તુ તરીકે ઓળખાવવા માગતા હતા. માણસ ઈશ્વરમાં આસ્થાની ધાર્મિક માન્યતાથી સાંસારિક પરિતાપો હસતા મુખે વેઠી રોકે છે. માર્ક્સને આથી તે એક પ્રકારનું અફીણ લાગ્યું હશે, પણ તે માત્ર અંધશ્રદ્ધાનો નશો મટીને મનને અંદરનાં રસાયણો ઉત્પન્ન કરનારી ચેતનવંતી શ્રદ્ધા બને તે જોવાનું કામ આપણું છે.

રશિયાના પ્રથમ સામ્યવાદી માંધાતા લેનિનના અવસાન પછી તેમના ગજવામાંથી નાનકડું બાઇબલ નીકળ્યું હતું તેમ બે-ત્રણ ચરિત્રકારોએ નોંધ્યું છે. પ્રચલિત અર્થમાં આસ્તિક નહીં એવા જવાહરલાલ નેહરુ ગીતાના શ્લોકો સવારે વાંચતા હતા. ગાંધીજીની તો વાત જ અનોખી છે. માણસ પોતાના મનને પરમ શક્તિના ૨ કર્મ કે સાથે ઘસીને પ્રકાશ પેદા કરી શકે છે તેમાં શંકા નથી.

X
Article By Bhupat Vadodariya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી