સુખભર્યો દિવસ

Article By Bholabhai Patel

Bholabhai Patel

Jun 29, 2018, 08:25 PM IST

સીમાવર્તી મોટેલના પ્રાંગણમાં સ્વિમિંગપુલની નજીક એક મેપલવૃક્ષની છાયામાં લીલાછમ ઘાસ પર ખુરશી નાખીને બેઠો છું. ઈ.સ. ૧૯૮૦માં તેમની કવિતાઓ માટે જેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું, એવા પોલેન્ડના કવિ ચેસ્લો મિલોસનો ન્યૂયોર્કથી અંગ્રેજીમાં પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ હાથમાં છે. મોટેલની પછીતેથી એકદમ ખીણ શરૂ થઈ જાય છે, જે ગાઢ વનરાજીથી શોભે છે. થોડે દૂર રહેલી નોર્થ જ્યોર્જિયા યુનિવર્સિટીનું સોનેરી ટાવર દેખાઈ જાય છે. સોનેરી ટાવર આ નગર દલાનેગામાં સૌપ્રથમ આ પ્રદેશમાં સોનાની ખાણ મળેલી તેનો જાણે નિર્દેશ કરે છે. આજે હવે એ ખાણમાંથી સોનું કાઢવામાં નથી આવતું, પણ નગરપાલિકાએ ગોલ્ડ મ્યુઝિયમ બનાવી નગરનો એ ઇતિહાસ જાળવી રાખ્યો છે.

આ નાનકડા નગરમાં અમસ્તા અમસ્તાય જવું ગમે એવું છે. એક નગરહૉલ છે, જેમાં નાટકો પણ ભજવાય. ક્યારેક આસપાસના વિસ્તારનાં ફૂલોનું પ્રદર્શન પણ યોજાય, એક છેડે ગ્રંથાલય છે, જેમાં ભીડ નથી હોતી, ત્યાં બેસીને વાંચવાનું ગમે. એ ગ્રંથાલયમાંથી અન્ય પુસ્તકો સાથે મિલોસની કવિતાનો આ ગ્રંથ લઈ આવ્યો છું. આ મોટાં પાંદડાંવાળા મેપલની છાયામાં વચ્ચે વચ્ચે મિલોસની કવિતા વાંચું છું ને વળી ઝાડીમાંથી આવતા પંખીઓના અવાજો સાંભળું છું. ક્યારેક થોડી પળો નિસ્તબ્ધ શાંતિ છવાઈ જાય છે.


ખૂલેલાં પુસ્તકનાં પાનાં પરની કવિતાની પંક્તિ પર નજર પડે છે: ‘બહુ સુખભર્યો દિવસ છે.'

એ પંક્તિ વાંચી હું અટકી જાઉં છું. “સુખ' શબ્દ મનમાં ગૂંજરિત થાય છે. સુખનો દિવસ - કવિ કેવી રીતે કહી શક્યા હશે?
વિચારતાં ઉપર આકાશભણી નજર જાય છે તો એકદમ ભૂરા આકાશમાં જેટ વિમાનનાં પદચિહ્ન શી ધૂમ્રસેર જાણે આ દિગન્તમાં ખેંચાઈ છે. ત્યાં પવનની લહેરખીઓથી મેપલનાં પાન ઝમવા લાગ્યાં. વસંતે અંગ્રેજીમાં કહ્યું – “આજે સારો દિવસ છે.”


સારો દિવસ, સુખભર્યો દિવસ! વસંતના ચાલ્યા ગયા પછી મેં મિલોસની પેલી કવિતા પર નજર કરી :
આજે સુખભર્યો દિવસ છે.

ધુમ્મસ આજ વહેલું વિખરાઈ ગયું. મેં બગીચામાં કામ કર્યું. હમિંગબર્ડ વાડ પરનાં પીળાં ફૂલો પર અટકતું હતું.
એવી કોઈ ચીજ નહોતી જે મેળવવાની ઇચ્છા હોય.
એવી કોઈ વ્યક્તિને પણ નથી જાણતો જેની મને અદેખાઈ થાય. દુનિયાને હાથે સહેલી દુષ્ટતાઓ બધી ભૂલી ગયો છું.
હું જ એ વ્યક્તિ હતો એવું વિચારવામાં મને ભોંઠપ લાગતી નથી. મારા દેહમાં પીડાનો અનુભવ ન રહ્યો.
જ્યાં જરા ઊંચા થઈ નીલસાગર અને તેમાં તરતી હોડીઓ જોઈ.

સુખ એટલે શું- એની વાત કવિતા જુદી રીતે કહે, ફિલોસોફી જુદી રીતે. તેમાં વળી મિલોસ મને ટાગોરના કુળના કવિ લાગ્યા.
મિલોસની કેટલીક કવિતાઓ વાંચતાં એવું થાય કે ટાગોરને તો નથી વાંચતાને? ટાગોર જીવનના અંતિમ દિવસોમાં પણ કહે છે


કે જ્યારે સંસારની રંગભૂમિને છોડીને જઇશ ત્યારે પુષ્પવન ઋતુએ ઋતુએ સાક્ષી પૂરશે કે આ વિશ્વ પર મેં પ્રેમ કર્યો છે અને એ પ્રેમ જ સત્ય છે. આ જન્મનું દાન છે, વળી ટાગોર કહે છે કે હું પૃથ્વીનો કવિ છું, એના જે કંઈ ધ્વનિ જ્યાં પણ જાગે છે તેનો પ્રતિધ્વનિ મારી બંસરીના સૂરમાં તરત જ પડે છે. અન્યત્ર કહે છે “આ ધરતી પર જે મેં જોયું છે, તેની કશે તુલના થાય એમ નથી.”

મિલોસ એક કવિતામાં આ ભાવ આપણને એવો પ્રશ્ન પૂછીને કરે છે, એ પૂછે છે : તમે ખરેખર એવું માનો છો કે આ દુનિયા એ તમારું ઘર છે?

હું એ વાત દઢતાપૂર્વક સ્થાપિત કરવા માગું છું કે આ જગત અદભુતોથી ભરેલું છે અર્થાત્ આ જગત અદભુતોનું બનેલું છે...

કવિ જ્યારે આ અદભુતોની વાત કરે છે ત્યારે એ રેખાંકિત કરવા માગે છે કે આ ધરતી તીવ્રતાથી ચાહવાને પાત્ર છે. ધરતી પર જે જીવન મળ્યું છે તેની ક્ષણેક્ષણ માણવાને પાત્ર છે. આમ જોઇએ તો માણસને યુવાવસ્થા પછી વૃદ્ધાવસ્થા આવે, પણ મિલોસ તો કહે છે – “આ ધરતી આપણને સનાતન યૌવનની બક્ષિસ આપે છે.”

એનો સાદો અર્થ એટલો કે ધરતી આપણને સતત જીવનનો ઉલ્લાસ માણવા પ્રેરે છે અને ઉલ્લચિત ચેતનાને વૃદ્ધત્વ ક્યાંથી હોય? મિલોસની કવિતા વાંચતાં આ ધરતી દ્વિગુણ રમણીય લાગે છે. મેપલની છાયામાં બેસીને આ કવિની સંગે હું પણ જાણે અનુભવું છું કે – આજે સુખભર્યો દિવસ છે. મિલોસની કવિતા વાંચીને જેમ આપણે, તેમ સ્વંય મિલોસ પણ પોતાના એક સગોત્ર એવા જાપાની કવિ ઇસ્સાનાં હાઈકુ વાંચતાં સુખાનુભૂતિ કરે છે, અને એ પોતે કવિ હોવાથી પોતાની અનુભૂતિને હાઈકુ રીતિની કવિતામાં વ્યક્ત કરે છે:

સુંદર પૃથ્વી
ઝાકળ બિન્દુ પડે
એક - બે કરતાં
બીજી એક એવી રચનામાં કહે છે :
કોયલ ટ્હૌકા કરે છે
મારે માટે, પર્વત માટે
મારે માટે, પર્વત માટે

પહેલા હાઈકુમાં પૃથ્વીની પ્રશસ્તિ છે, એ પ્રશસ્તિ ધરતી પર અનુભવાતી એવી શાન્તિમાં છે, જેમાં ઝાકળનું એક બિન્દુ પડે, પછી બીજું પડે – એ જોઈ – સાંભળી શકાય. બીજી રચનામાં વાત કેટલી સાદી રીતે કરી પણ ઉલ્લાસ ભરપૂર. કોયલના ટ્હૌકા - મારે માટે/ પર્વત માટે. એક મારે માટે અને બીજો પર્વત માટે, વળી એક મારે માટે - જાણે વારાફરતી. કદાચ એમ હોય કે ટ્હૌકા જે કવિને કાને પડે છે, તેનો જ પહાડમાંથી પ્રતિઘોષ ઊઠે છે.

મિલોસ ધરતીને ચાહવાની પ્રેરણા આપે છે, અને એની રીત પણ. એટલે દિવસ સુખભર્યો બની શકે છે.

X
Article By Bholabhai Patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી