થોડા સમય પહેલાં હિન્દીમાં એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજી

Article By Bholabhai Patel

Bholabhai Patel

Jun 03, 2018, 02:25 PM IST

થોડા સમય પહેલાં હિન્દીમાં એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજી​ પુસ્તક પ્રગટ થયું છે : ‘આપાત્ કાલ – એક ડાયરી’. આપાત્ કાલ એટલે કટોકટીકાળ. અંગ્રેજીમાં કહીશું - ઇમર્જન્સી. ઇન્દિરા ગાંધીએ ૨૫મી જૂન ૧૯૭૫ના રોજ લાદેલી કટોકટી કાળી ટીલી રૂપ છે. એ દિવસોની આસપાસના ગાળામાં લખાયેલી આ ડાયરી જાણે સીધી પ્રધાનમંત્રીના કાર્યાલયમાંથી જ આવે છે, કેમ કે એના લેખક બિશન ટંડન એ વખતે વડાપ્રધાનના કાર્યાલયમાં સંયુક્ત સચિવનો મહત્ત્વનો હોદો સંભાળતા હતા.

આ પહેલા ભાગની ડાયરીનો પહેલો દિવસ છે. ૧લી નવેમ્બર ૧૯૭૪ અને છેલ્લો દિવસ છે ૧પમી ઓગસ્ટ ૧૯૭૫. આ ગાળામાં આખા દેશમાં ભારે ઊથલપાથલ મચી ગઈ હતી.

એ વખતે જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહાર અને પછી ગુજરાત, દિલ્હી વગેરે સ્થળોએ વડાપ્રધાનની શાસનવ્યવસ્થાના વિરોધમાં આંદોલનો ચાલતાં હતાં. ઇન્દિરા શાસન પદ્ધતિ આ ડાયરીના કેન્દ્રમાં હોય તે સ્વાભાવિક છે. ૧લી નવેમ્બર અર્થાત્ ડાયરીના પહેલા દિવસની નોંધમાં છે : “પ્રધાનમંત્રી ઔર જયપ્રકાશજી કી ભેંટ આજ કી પ્રમુખ ઘટના હૈ, પરંતુ ભેંટ મેં કુછ નિકલા નહીં.” રજી નવેમ્બરની ડાયરી વાંચતાં તો આપણે એકદમ અંદરના રાજકારણની વિરૂપતાનાં દર્શન કરી ચોંકી ઊઠીએ છીએ. જયપ્રકાશ નારાયણનાં આંદોલનોથી વિચલિત થયેલાં વડાંપ્રધાન ઇન્દિરાજીએ કહ્યું હતું : “જયપ્રકાશજી રાષ્ટ્રપતિનું પદ મેળવવા આ બધું કરે છે, તેમનો હેતુ મને સત્તાસ્થાનેથી હટાવવાનો છે.'

૮ નવેમ્બરની ડાયરીનું પહેલું વાક્ય છે: “પ્રધાનમંત્રી આજ ગુજરાત ગયી થી.” આપણને નવનિર્માણ આંદોલનના દિવસો યાદ આવશે. બિશનજીએ એ પછીની ડાયરીમાં સંસદનું સત્ર શરૂ થતાં ત્યાંની ગતિવિધિ અને ઇન્દિરા સરકારના કાર્યકલાપો અને કુટિલનીતિનાં દર્શન કરાવતી નોંધો નિઃસંકોચ પોતાની આ અંગત ડાયરીમાં લખી છે. ટંડનજી લખે છે : “પ્રધાનમંત્રી કે કાર્યકલાપોં કા કુછ રૂપ ઐસા હી હૈ, પૂરી બાત વહ કિસીકો નહીં બતાતી.”

ઈન્દિરા ગાંધી વિશે બિશન ટંડન લખે છે : “પ્રધાનમંત્રી કે કાર્યકલાપોં કા કુછ રૂપ ઐસા હી હૈ, પૂરી બાત વહ કિસીકો નહીં બતાતી.”

ડાયરીનાં પૃષ્ઠો વચ્ચેથી પસાર થતાં એવું લાગે છે કે આ બધા રાજકીય પ્રસંગો ૨૫-૩૦ વર્ષ પહેલાંના છે, પણ જાણે આપણી નજર સામે હમણાં બની રહેલા ન હોય! ૧૯૭૪ના વર્ષના છેલ્લા દિવસે ડાયરીલેખકની નોંધ છે - “આજ યહ વર્ષ સમાપ્ત હો રહા હૈ, લેકિન મુઝે કુછ ઐસા લગ રહા હૈ કિ અગલા વર્ષ ઔર ભી ભયાનક હોગા. ધીરે ધીરે એક ક્રાઈસિસ કા ઘેરા બઢતા જા રહા હૈ, જિસકા મુખ્ય કારણ હૈ પ્રધાન મંત્રી કા વ્યક્તિત્વ ઔર ચરિત્ર.”

આપણે જોઈ શકીએ છીએ કે ઇન્દિરાજીના કાર્યાલયના એક પ્રબુદ્ધ સચિવની ટીકા કેટલી સાચી હતી. તેમ છતાં વિધિની વક્રતા એ છે કે સચિવે જ પ્રધાનમંત્રી પ્રત્યે વફાદારી પણ નિભાવવાની છે અને વહીવટી દિશાદર્શનનો નિર્દેશ પણ કરવાનો છે. ૩ એપ્રિલ ૧૯૭૫ની ડાયરીમાં મોરારજીભાઈના ઉપવાસની વાત છે. ગુજરાત વિધાનસભાના ભંગ અને નવેસરથી ચૂંટણીઓ કરાવવા તેઓ આજીવન ઉપવાસ પર ઊતર્યા હતા. ૧૨મી જૂનની ડાયરીમાં તો અલાહાબાદ હાઈકોર્ટના એ ચુકાદાની વાત છે જેમાં વડાપ્રધાન ઇન્દિરાજીની ચૂંટણીને રદબાતલ જાહેર કરવામાં આવી હતી. એટલું જ નહીં ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થતાં તેઓ આગામી છ વર્ષ ચૂંટણી નહીં લડી શકે, એવો ફેંસલો પણ આવ્યો. એ પછીની ડાયરીમાં સત્તા પર ટકી રહેવાના ઇન્દિરાજીના પ્રયત્નોની વાત છે.

કટોકટીની આગલી રાત્રિએ ૧૦૦ જેટલા વિરોધપક્ષના મોટા નેતાઓને એકાએક જેલભેગા કરી દેવામાં આવ્યા. ૩૦મી જૂનના દિવસે બિશનજી લખે છે, ‘‘કલ રાત મુઝે બહુત દેર તક નિંદ નહીં આયી. એક સત્તાલોભી પદલોલુપ વ્યક્તિને હર વ્યક્તિ કી સ્વતંત્રતા કા ઈતની નિર્દયતા સે અંત કિયા.’’

ડાયરીનાં પૃષ્ઠો વચ્ચેથી પસાર થતાં એવું લાગે છે કે આ બધા રાજકીય પ્રસંગો ૨૫-૩૦ વર્ષ પહેલાંના છે, પણ જાણે આપણી નજર સામે હમણાં બની રહેલા ન હોય!

કટોકટી લદાયા પછી કવિ ઉમાશંકર જોશીએ ૨૬મી જૂન ૧૯૭૫ના રોજ એક કવિતામાં લખેલું કે ‘કાલે હતો તે તડકો ક્યાં છે?’

બિશન ટંડને ૧૯૭૪-૭૫ની ડાયરી એ કટોકટી કાળની ઘટનાઓ ઈન્દિરાશાસનને ૨૫ વર્ષ વીત્યા પછી હવે પ્રગટ કરી છે. આ ડાયરી દેશના બધા પ્રબુદ્ધ નાગરિકોએ, પ્રશાસનિક અધિકારીના નેતાઓએ પણ વાંચવી રહી.

(મૂળ પ્રકાશન તારીખ: 29 જૂન 2003)

X
Article By Bholabhai Patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી