શેક્સપિયરના ધામમાં ટાગોર

Article By: Bholabhai Patel

શેક્સપિયરના ધામમાં ટાગોર.

Bholabhai Patel

Jun 01, 2018, 10:27 PM IST

શેક્સપિયરે રાણી એલિઝાબેથના સમયના ઇગ્લેન્ડને પોતાનાં બેનમૂન નાટકો દ્વારા સદા માટે આખા વિશ્વમાં મૂર્તિમંત કર્યું છે, ટાગોરે એક ભવ્ય ભૂતકાળ ધરાવતા દેશ ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની પરંપરાને જીવંત કરી વૈશ્વિક ચેતના સાથે તેનું અનુસંધાન કર્યું. શેક્સપિયર અને ટાગોર, એમની વચ્ચે સદીઓનો અંતરાલ છતાં સમાનધર્મી વિશ્વકવિઓ છે.

શેક્સપિયરે ભલે લંડનના ગ્લોબ થિયેટર સાથે પોતાના જીવનની કારકિર્દી ઘડી, પણ એનું ગામ તો હતું ઍવોન નદીને કિનારે આવેલું નાનકડું સ્ટેટફર્ડ. કોઈ પણ સાહિત્યપ્રેમી માટે સ્ટેટફર્ડની યાત્રા, કાશીની યાત્રાથી ઓછી પુણ્યવતી ન હોય. એટલે જ્યારે ઈંગ્લેન્ડ જવાનો અવસર મળ્યો ત્યારે સ્ટેટફર્ડ જવાનો સંકલ્પ સિદ્ધ થયો. જેમ સ્ટેટફર્ડની યાત્રા તેમ ટાગોરના જન્મસ્થળ કલકત્તા અને તેમાં તેમના પૈતૃક આવાસ જોડાસાંકોની યાત્રા પણ એવો જ પવિત્ર ભાવ જન્માવે છે. ટાગોરનો જન્મ કલકત્તામાં જોડાસાંકોના ભવનમાં અને નિર્વાણ પણ ત્યાં. સ્ટેટફર્ડની બીજી વારની મુલાકાત વખતે ઈ.સ. ૨૦૦૦ના વર્ષમાં સ્ટેટફર્ડમાં આવેલા શેક્સપિયરના જૂના ઘરના પ્રાંગણમાં રવીન્દ્રનાથ ટાગોરની ઉપસ્થિતિથી મનમાં જાગેલી પ્રતિક્રિયા આલેખવાની છે. પણ તે પહેલાં મનોરમ સ્ટેટફર્ડની પહેલી યાત્રા વિષે કંઈક વાત કરીશ.

શેક્સપિયરના સ્ટેટફર્ડ ઍવોન ખાતે આવેલા ઘરના આંગણામાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

જૂન માસ હતો. લંડનથી ઠીકઠીક દૂર આવ્યા પછી અમે સ્ટેટફર્ડની દિશામાં આગળ વધ્યા. અમે સ્ટેટફર્ડની ભાગોળે આવી પહોંચ્યા હતા. કેટલા બધા પ્રવાસીઓ. ગંગાના મણિકર્ણિકા ઘાટ પર યાત્રાળુઓનાં ટોળાં હોય, તેમ અહીં વિપિંગ વિલૉ વૃક્ષોની છાયા વચ્ચે વહી જતી ઍવોન નદીને ઘાટે યાત્રીઓ હતા. ઘણા બધા તો ઍવોનના પ્રવાહમાં હોડી હંકારવાનો આનંદ લઈ રહ્યા હતા. બપોર થઈ ગયો હતો.

પાર્કમાં શેક્સપિયરનું સ્મારક હતું. શેક્સપિયરનું સ્મારક એટલે એનાં પ્રસિદ્ધ પાત્રો અહીં શિલ્પરૂપે આકૃત હતાં – હેમ્લેટના હાથમાં ખોપડી હતી. લેડી મૅકબેથે પોતાના એક હાથને બીજા હાથથી પકડ્યો છે, કદાચ પેલા ખૂની લોહિયાળ હાથને સંબોધીને કહેતી ન હોય કે – આખી અટલભૂમિનાં તમામ અત્તર પણ આ નાનકડા હાથને સુગંધિત નહીં કરી શકે.' અને હેમ્લેટને જોતાં તો બધાને - ટુ બી ઑર નોટ ટુબી ઈઝ એ ક્વેશ્ચન - “જીવવું કે ન જીવવું એ તો સવાલ છે.'

ઍવોન નદી મનમાં વસી ગઈ. ચારસો વર્ષ પહેલાં આ નદીને કાંઠે એની આસપાસની વનરાજીમાં કિશોર શેક્સપિયરે રખડપાટ કર્યો હશે. અમે હવે ચારસો - પાંચસો વર્ષ જૂના ગામની પથ્થરડી શેરીઓમાં ચાલી રહ્યાં હતાં. હનલી સ્ટ્રીટમાં આવ્યું એ મકાન જ્યાં વિશ્વના મહાન નાટકકાર શેક્સપિયરનો જન્મ થયો હતો. એ આખા વિશ્વનું સંસ્કૃતિસ્મારક ગણાય.

આ ઘર શેક્સપિયરના અવસાન પછી બીજા માલિકો પાસે ગયું હતું. તે ઇ.સ. ૧૮૪૭માં રાષ્ટ્રીય સ્મારક તરીકે મેળવવામાં આવ્યું. તે પહેલાં પબ – બની હતી. જેનું નામ હતું ‘સ્વાન એન્ડ મેઈડન હેડ.' ૧૮૪૭માં એનું લિલામ થયું ત્યારે એવી જાહેરખબર છપાઈ હતી - ‘ધ મોસ્ટ ઑનર્ડ મોન્યુમેન્ટ ઑફ ધ ગ્રેટેસ્ટ જીનિયસ ધેટ એવર લિવ્ડ’. આ પ્રજાની ઇતિહાસચેતના એવી છે કે આ બધું જ સચવાયું છે. જે ગ્રામર સ્કૂલમાં શેક્સપિયર ભણ્યો હશે, તે નિશાળનું સોળમી સદીનું એક ડેસ્ક પણ લાવીને અહીં મૂકવામાં આવ્યું છે!

શેકસપિયર જ્યાં અનંત નિદ્રામાં પોઢી ગયો છે તે જગ્યા જોઇ, પછી સ્ટેટફર્ડની શેરીઓમાં થોડું ફરી, શેક્સપિયરના ઘરને ફરીથી બહાર શેરીમાંથી જોઈ આંખમાં ભરી વિદાય લીધી.

એ પછી લગભગ એક દાયકા પછી ફરી સ્ટેટફર્ડની આ તીર્થયાત્રાના અવસર મળ્યો. એ દાયકા દરમ્યાન એક ઘટના એવી ઘટી હતી કે, શેક્સપિયરના ઘરના આંગણામાં કવિવર
રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ઈગ્લેન્ડમાં ભારતના રાજદૂત લક્ષ્મીમલ સિંઘવીએ એ માટે ત્યાંના સત્તાવાળાઓ સાથે વાતચીત ચલાવી હતી. રવીન્દ્રનાથે પોતાના શૈશવમાં અને પછી યુવાવસ્થામાં શેક્સપિયરનું પરિશીલન કર્યું છે. તેમના અમદાવાદના નિવાસ દરમ્યાન એના
એક નાટકનો અનુવાદ કરવાનો પણ પ્રયાસ એમણે કર્યો હતો. રવીન્દ્રનાથે શેક્સપિયરના ટેમ્પસ્ટ અને કાલિદાસના શાકુન્તલની મર્મસ્પર્શી સરખામણી કરતો લેખ લખ્યો છે, જેની શરૂઆતમાં તેમણે જર્મન કવિ ગેટેની પંક્તિઓ ઉદ્ધૃત કરી છે.

રવીન્દ્રનાથના સમયમાં બંગાળમાં જ નહીં, સમગ્ર ભારતમાં શેક્સપિયરનાં નાટકોની બોલબાલા હતી. ભારતની બધી ભાષામાં એનાં નાટકોનાં રૂપાંતરો ભજવાતાં. તેમાં આપણે અંગ્રેજોની ગુલામ પ્રજા હતા, એ ભાવ સાથે વિશેષ તો શેક્સપિયરનાં નાટકોની સાહિત્યિક ગુણવત્તાનું કારણ પણ હતું.

રવીન્દ્રનાથ પર એનો પ્રભાવ હતો અને તેમણે શેક્સપિયર પર એક સૉનેટ પણ લખ્યું છે. શેક્સપિયર અને ટાગોર આપણે મતે તો સમાનધર્મી કવિઓ છે. તેમ છતાં જ્યારે બીજી વારની સ્ટેટફર્ડની મુલાકાત વખતે શેક્સપિયરના આંગણે રવીન્દ્રનાથની પ્રતિમા સ્થાપિત થયેલી જઈ ત્યારે એવું લાગ્યું કે આપણે જાતે થઈને રવીન્દ્રનાથને અપમાનિત કર્યા છે.

પ્રતિમા સમગ્ર ઈમારતના એક ખૂણે રાખવામાં આવી છે. ટાગોરનું આ એક ખૂણે સ્થાન આપવાથી એમના મહિમાનું ખંડન થયું છે, સ્થાપના નહીં.

શેક્સપિયરનાં ઘર-ગામની મુલાકાતે આવતા વિશ્વભરના પ્રવાસીઓમાંથી ઘણા એ તરફ જતા પણ નથી અને કુતૂહલપ્રેર્યા કોઈ જાય, તો એ નજર કરી ત્યાંથી પસાર થઈ જાય છે. કલકત્તાના જોડાસાંકોના વિશાળ પ્રાંગણમાં શેક્સપિયરની પ્રતિમા સ્થાપવામાં આવે, તો તેથી શેક્સપિયરનો મહિમા વધશે નહીં. પરંતુ શેક્સપિયરને ઓળખનાર તો ભારતમાં ઘણા હશે, સ્ટેટફર્ડના યાત્રીઓમાં ટાગોરને ઓળખનાર ભાગ્યે જ કોઈ હશે.

(મૂળ પ્રકાશન તારીખ: 22 જૂન 2003)

X
Article By: Bholabhai Patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી