એન્કાઉન્ટર / સાચું સુખ ભૌતિક વિલાસમાં છે કે ત્યાગમાં?

article by ashok dave

અશોક દવે

Jan 20, 2019, 12:05 AM IST

⬛ અશોકભાઈ, ગુજરાતમાં દારૂબંધી હટાવવી જોઈએ કે નહીં?- કૌશલ પંચાલ, છોટા ઉદેપુર
- મારો એક દોસ્ત ટૂથબ્રશ દારૂની વાડકીમાં બોળીને સ્વચ્છ રહેતો હતો. વાડકીમાં હતું એટલુંય ગયું!


⬛ સાચું બોલી જઉં છું, તોય વાઇફ શક કરે છે. શું કરું? ખોટું બોલવાનું ચાલુ રાખું?
- ડો. ભાર્ગવ વાજા, ભાવનગર
- એ તમારા ઉપર વહેમાતી રહે, ત્યાં સુધી જ શહેનશાહી છે, ગુરુ! ‘આનામાં વહેમાવા જેવું છેય શું બળ્યું?’ એ નોબત આવી જાય, પછી વહેમાવાનું તમારે શરૂ કરવું પડે, એ ધંધો ના પોસાય, ભઈ!


⬛ ‘કરો તમે ત્યારે... મારે ‘આઉટગોઇંગ ફ્રી’ છે,’ એવા ફાંકા મારનારાઓ માટે કોઈ ઉપાય?
- જતીન ઉપાધ્યાય, રાજકોટ
- ફોન બીજે દહાડે પાછો આપવો.


⬛ બીજા બ્રાહ્મણોની જેમ તમે પણ કોઈના ઘરે લોટ માગવા જાઓ છો ખરા?
- માધવ જે. ધ્રૂવ, જામનગર
- તમે રોજ વધેલો-ઘટેલો એંઠવાડ માગી લાવો છો, એવું મારો ડ્રાઇવર કહેતો હતો.


⬛ ‘મોદીભક્ત’ લાગો છો...
- વિનોદગીરી ગોસ્વામી, નખત્રાણા
- મોદી સિવાય પૂરા ભારતમાં ફક્ત એક વ્યક્તિ બતાવો, જેના ભક્ત થવાની શરમ ન આવે!


⬛ મોબાઇલ વિનાનું જીવન શક્ય છે?
- કમલેશ પ્રજાપતિ, લોદ્રાણી-બનાસકાંઠા
- આમાં તો જે મરવાના થયા છે, એ બધા સાંભળનારાઓ જ ને?


⬛ 31 ડિસેમ્બરનો તમારો પ્લાન કેવો રહ્યો?
- હાર્દિક સોલંકી
- બસ, ‘બ્લેક લેબલ’ના શીશામાં ઘરે બનાવીને ખારી લસ્સી પીધેલી.


⬛ પત્ની કે પ્રેમિકાનું નામ ‘મિતા’ હોય, તો લાડમાં ‘મીટુ’ કહેવાય ખરું?
- ફાલ્ગુન વૈદ્ય, ઇલિનોય, અમેરિકા
- શરત એટલી કે એ આપણી પત્ની કે પ્રેમિકા ન હોવી જોઈએ.


⬛ ‘જિયો ઔર જીને દો’ કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ?’ સાચું શું?
- હરેશ બી. લાલવાણી, વણાકબોરી
- આ બંને સ્લોગનો પ્રાણીસંગ્રહાલયોમાં સારાં લાગે.


⬛ આવી ઠંડીમાંય ઘરમાં મોઢાં તપેલાં હોય છે. શું કરવાનું?- ધવલ જે. સોની, ગોધરા
- બાજુવાળાનો ટુવાલ માગી લાવવાનો!


⬛ ઈ.સ. 2019માં વડાપ્રધાન તમે બનો તો?
- ભાર્ગવ ઉપાધ્યાય, સુરેન્દ્રનગર
- મારે તે બીજા કોઈ કામધંધા હોય કે નહીં?


⬛ ભ્રમરવૃત્તિ પુરુષોની જ કેમ છાપે ચઢે છે?
- જયેશ અંતાણી, ભાવનગર
- હવે બધે એવું નહીં થાય. પુરુષો માટે પુરુષોની ભ્રમરવૃત્તિય છાપે ચઢવા માંડી છે. કેવળ ગાળ બદલાઈ છે, ‘જાને સાલા... તારા ઘરમાં ભઈ-બાપ નથી?’


⬛ મારે ‘એનકાઉન્ટર’માં કોઈ બેવકૂફ સવાલ પૂછવો છે.
- શ્રીકાંત જયસુખ સોનવણે, વડોદરા
- દરેક વ્યક્તિને સ્ટુપિડ બનવાનો હક્ક છે. તમે ઉતાવળ કરો છો!


⬛ રામમંદિરને બદલે બગીચો બનાવીએ તો?
- ચેતન વાળા, ગીરસોમનાથ
- તમે ત્યારે ગીરસોમનાથમાં બનાવજો ને!


⬛ તમે આટલા મસ્ત જવાબો ક્યાંથી શીખ્યા?
- મનુ ભરવાડ, ભાવનગર
- પરણેલો છું.


⬛ નસીરૂદ્દીન શાહની કોમેન્ટ વિશે શું માનો છો?
- રાજેશ એમ. ભટ્ટ, મુંબઈ
- વાંક મીડિયાનો છે. આવાઓ તો પબ્લિસિટી માટે દર બે-ત્રણ મહિને આવું ફાટતા રહેવાના. મીડિયા જ આવાઓની પબ્લિસિટી ભૂખ
ભાંગે છે.


⬛ છોકરા-છોકરીઓની દોસ્તી વચ્ચે શું તફાવત હોય છે?
- સુબોધ શ્રેયસભાઈ દોશી, વઢવાણ સિટી
- છોકરાઓ એકબીજાની ટિલ્લી ઉડાવે છે, પણ મનમાં કાંઈ ન હોય, છોકરીઓ એકબીજાનાં વખાણો કરે... પણ મનમાં કાંઈ નહીં!


⬛ તમે ઓછામાં ઓછા શબ્દોમાં કેટલું સાચું બોલી શકો?- સલૌની જિયાભાઈ પટેલ, મહેસાણા
- એક સોફામાં બેઠેલી બે છોકરીઓ વોટ્સએપથી વાતો કરતી હતી.


⬛ મેં એક જગ્યાએ વાંચ્યું હતું, ‘જૈન ગાર્લિક બ્રેડ’ મળશે. એટલે શું?- કેયા પટેલ, આણંદ
- એ લસણમાંથી ગાર્લિક કાઢી નાખ્યું હોય!


⬛ અેક અંધારા રૂમમાં અજવાળું કરવું હોય તો શું કરવું?- મુહમ્મદ શરાફ, મુંબઈ
- તમે એમાંથી બહાર નીકળી જાઓ.


⬛ મારે મારા ગોરધન સાથે જરાય બનતું નથી. શું કરવું?- પૂજા કૃષ્ણકાંત ગોકુલિયા, નડિયાદ
- સાલો કેટલો નસીબદાર કહેવાય?


⬛ તમારે વાઇફ સાથે ઝઘડો થાય, ત્યારે વિજય કોનો થાય?- રૂપલ મોદી, કાંદીવલી-મુંબઈ
- સત્યનો.


⬛ ચોંટડુ મહેમાનોને ભગાડવાનો કોઈ ઉપાય?
- યોગેન્દ્રભાઈ શિ. વ્યાસ, સુરેન્દ્રનગર
- ડ્રોઇંગરૂમમાં એક સ્ટિકર લગાવી રાખો, ‘મારા દરવાજા આપના માટે હંમેશાં ખુલ્લા છે. જવા માટે!’


⬛ રિસેપ્શનમાં ઘણા લોકો બહુ સ્ટાઇલો મારતા હોય છે!
- ચિરંતન જોગેશભાઈ પટેલ, ઉત્તરસંડા
- બેવકૂફોને પોતાની ઇમેજ ગુમાવવાની હોતી નથી. એ બધું સ્માર્ટ લોકો ગોઠવી આપે છે.


⬛ તમે ડ્રિંક્સ લો છો?
- મહેશ ચંદ્રકાંત શિવાવાલા, માઉન્ટ આબુ
- જાહેરમાં ચાના કપ-રકાબીમાં... ખાનગીમાં કદી નહીં!


⬛ માથામાં તેલ નાખેલી સ્ત્રીઓ પ્રત્યે તમને આટલી નફરત કેમ છે?
- જયદેવીબહેન કે. સોલંકી, વડોદરા
- ‘G-Mail’ પર તમારો આ સવાલેય તેલના ડાઘાવાળો આવ્યો છે.

એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇમેલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું:
‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: [email protected]

X
article by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી