અજવાળાનું સરનામું...

article by ankit trivedi

અંકિત ત્રિવેદી

Sep 16, 2018, 12:05 AM IST

‘ભીડ’
એકાંતમાં પણ ભીડ જામી કેટલી!

કો’ક મીઠી છોકરી જેવી હવા
મુજને ઘસાતી જાય.
કાંઠા બેઉ છલકાતાં.
વધી અંધારની હેલી.
ડગલું ભરાતું માંડ
ત્યાં,
રોમ પણ ઊંચું જરી ના થાય એવો તો
હવાનો પાશ!
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ.
રે
એક જણની ભીડનો આવો મને ન્હોતો જરીયે ખ્યાલ!
- રાવજી પટેલ

એકલા પડતા નહીં પરંતુ એકલા રહેતા શીખવું જોઈએ! એકલા રહેવું એટલે એકાંત સાથે ગુફ્તેગુ કરવી. જાતને જગતથી અળગી કરીને ધબકારાને મળવાનો સમય આપવો!
આપણે મોબાઇલમાં રિમાઇન્ડર રાખીએ છીએ, એલાર્મ આપણને જગાડે છે, યાદ રાખવાના નંબરો ‘save’ થઈ જાય છે. સ્મૃતિની પરીક્ષા કે કસોટી થતી જ નથી! ‘search’ કરીએ અને આંખો સામે બધું જ હાજર થઈ જાય છે. આમાં વેણીભાઈની ભાષામાં કહું તો ... ‘તડપનનો તહેવાર’-કેવી રીતે ઊજવવો?


સ્મરણ... યાદ...- આ બધું હવે અગરબત્તીની રાખ જેવું લાગે છે. અત્તરની સુગંધની જેમ ઊડી ગયું છે... પણ, યાદ રાખજો કે અત્તરના દીવા કરવાથી અજવાળામાંથી સુગંધ આવે ખરી? યાદનો મહિમા અનેરો છે. એકાંતમાં ગમતી વ્યક્તિ સાંભરે અને ધબકારાની માટી પર પાંપણનો પહેલો વરસાદ હૃદયને ભીની માટીની સોડમથી તરબતર કરે! આસપાસની હવા આપણને જ ચસોચસ રાખે એવો એનો પાશ! બેઉ કાંઠા છલકાય અને કિનારો ઘસાતો જાય એમ સ્મરણોનું પૂર આખાય અસ્તિત્વને ભરપૂર બનાવી દેતું હોય છે, વ્યક્તિ યાદ આવે છે ત્યારે...!
રૂંવાડું પણ ઊંચું ના થાય એટલા અંદરથી જકડીને કો’ક આપણને રાખે છે. સ્મરણ બે વ્યક્તિ વચ્ચે પુલ બાંધે છે. પુલની પેલી તરફ જવાની ઈચ્છા થાય છે પણ જ્યાં છીએ ત્યાં જ પુલની પેલી બાજુની વ્યક્તિએ આપણને જકડી રાખ્યા હોય છે...!


હતાશા અને નિરાશામાંથી મુક્ત થવા માટે ક્યારેક ભૂતકાળમાં જિવાયેલી પળોને વર્તમાનમાં સ્મરણો સાથે જીવવી જોઈએ! એકાંતમાં જામેલી ભીડ એક જણમાં બીજાનો ઉમેરો કરીને મેળાના માહોલમાં સમયને સહજતાથી સરકાવે છે!


રાવજી પટેલ ગુજરાતી કવિતાનો રાજવીર પટેલ છે. ઓછા સમયમાં શબ્દો પાસેથી પૂરેપૂરું કામ લઈને સમયનાં લયમાં કવિતાનાં લયને નિચોવીને જીવ્યા છે તેઓ! જીવનના હકારની આ કવિતા યાદ આવતી વ્યક્તિને તાત્કાલિક ફોન કરીને જિવાયેલા સંબંધને સલામ કરવાની કવિતા છે.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી