દાસ્તાનગોઈ / એક ભૂરી રેખા…

article by ankit desai

અંકિત દેસાઈ

Jan 20, 2019, 12:05 AM IST

દક્ષિણ અમેરિકાના તટ પરથી કોનટિકિ નીકળ્યો પછી તેના અસવારોએ પેસિફિક મહાસાગરમાં ત્રણ પૂનમો જોઈ હતી. એ ત્રણ મહિનાના સમય દરમિયાન મધદરિયે એ અસવારોએ એક વધારાનો માણસ નહોતો જોયો. આ તો ઠીક ઘૂઘવતા મહાસાગર, નિરંતર વાતા પવન, અમુક દરિયાઈ પક્ષીઓ અને તરાપાને બાંધેલી દોરીઓના કિચૂડાટ સિવાયનો તેમણે બીજો કોઈ અવાજ સુધ્ધાં નહોતો સાંભળ્યો.

  • એ સમયમાં દરિયાઈ પક્ષીઓ, તરાપાને બાંધેલી દોરીઓના કિચૂડાટ સિવાયનો તેમણે બીજો અવાજ નહોતો સાંભળ્યો

એવામાં એક વાર થોર હાયરડાલ અને તેના સાથીઓએ નવ હાથ જેટલી લાંબી શાર્કનો શિકાર કર્યો, જેના પેટમાંથી તેમને કોઈ જુદા જ પ્રકારની માછલી જડી! એ માછલી પરથી તેમણે અંદાજ લગાવ્યો કે આ માછલી મધદરિયાની નથી, આવી માછલીઓ કિનારાથી થોડે દૂરના વિસ્તારમાં જ રહેતી હોય છે. જોકે, ત્યારે એમણે એમ માન્યું કે આ કદાચ ભ્રમ હોઈ શકે છે, કિનારો કંઈ એવો ઢૂકડો ન હોય, પરંતુ બીજા દિવસે કોનટિકિ આગળ વધી રહ્યો હતો ત્યારે માછલાંનો શિકાર કરવા દરિયે આવતાં પંખીઓનાં ઝૂંડે તેમનું સ્વાગત કર્યું. આ એ પક્ષીઓ હતાં, જે પેસિફિકના બીજાં સાગરપંખીઓની જેમ દરિયાની સપાટી પર નહોતાં રહેતાં. એ જમીન પર રહેનારાં પક્ષીઓ હતાં! જેમણે કોનટિકિની મુલાકાત લઈને સૌપ્રથમવાર સાબિતી આપી હતી કે, ‘ઓ ધરતીનાં સંતાનો ધરા હવે ઝાઝી દૂર નથી.’

'
થોર હાયરડાલ લખે છે કે આ ત્રણ મહિનાના પ્રવાસ દરમિયાન તેમને અનેક અગવડો પડી હતી અને કેટલીય વાર જીવનમરણનો ખેલ રચાયો હતો, પરંતુ એવું ક્યારેય નથી બન્યું કે કોનટિકિ ફરી અમેરિકા તરફ ધકેલાયો હોય. પવન અને પ્રવાહ હંમેશાં પેલા ટાપુસમૂહો તરફના જ રહ્યા અને એ પવનોની મદદથી કોનટિકિ ટાપુસમૂહો તરફ ધકેલાતો રહ્યો.


જોકે, કિનારો નજીક હોવા છતાં કિનારો ન દેખાતો હોય ત્યારે માણસની ધીરજની પરીક્ષા તો થાય જ. કોનટિકિના અસવારો પણ આ સમયે ઘણી ઉત્સુકતા, રોમાંચ અને ઘણી અવઢવો અનુભવી રહ્યા હતા. કારણ કે કિનારો નજીક છે

એની પરોક્ષ સાબિતી વારંવાર મળી રહી હતી, પરંતુ કિનારો દેખાતો નહોતો. હજુય સ્થિતિ તો એવી જ હતી કે તેઓ મધદરિયે ક્યાંક અટવાયા છે અને હજુ દિવસો સુધી તેમની સફર આ રીતે જ જારી રહેશે!


કિનારો વહેલો દેખાય એ માટે તેમણે એક રસ્તો એમ પણ શોધ્યો કે પેલાં પક્ષીઓનાં ટોળાં સાંજે જે દિશામાં વળતાં એ દિશામાં તેમણે કોનટિકિને હંકાર્યો. સૂર્યાસ્ત થઈ ગયા પછી ગાઢ અંધકારમાંય તેઓ પંખીઓના અવાજની દિશાને અનુસરતા રહ્યા. બન્યું પણ એવું જ. 31મી જુલાઈ, 1947ની સવારે હજુ અજવાળું થયું જ ને કોનટિકિની હાંકનારે થોર હાયરડાલને ઢંઢોળ્યા અને કહ્યું, ‘ઊઠ અને જો, ક્ષિતિજમાં તારો કિનારો દેખાય છે.’


અને થોર હાયરડાલ ઝાટકાભેર ઊભા થઈ ગયા. કુવાથંભે ચડીને તેમણે જોયું તો દૂર એક તરફ ભૂરી રેખાઓ જોઈ શકાતી હતી. એ રેખાઓ એટલે જ કિનારો. એ રેખાઓ એટલે જ ધરતી અને એ રેખાઓ એટલે જ એ વાતનો પુરાવો કે પંદરસો વર્ષ પહેલાં દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ માત્ર તરાપાના સહારે મધ્ય પેસિફિકના અટૂલા ટાપુઓ સુધી પહોંચ્યા હતા.
[email protected]

X
article by ankit desai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી