સાહિત્યના સરોવરના સગડ

article by ankit desai

અંકિત દેસાઈ

Sep 09, 2018, 12:05 AM IST

કવિ અને સંપાદક હર્ષદ ત્રિવેદીએ પદ્ય અને સંપાદનમાં ભલે વધુ યોગદાન આપ્યું હોય, પરંતુ સાહિત્યનાં તમામ સ્વરૂપોમાં તેમણે ખેડાણ કર્યું છે. જોકે નિબંધો અથવા રેખાચિત્રોના ક્ષેત્રમાં આ સર્જકને નામે કશું નહોતું બોલાતું, પરંતુ તાજેતરમાં તેમણે એ ખોટ પણ પૂરી પાડી અને એક સ-ર-સ પુસ્તકની આપણને ભેટ ધરી છે. એ પુસ્તક એટલે ‘સરોવરના સગડ’, જેમાં હર્ષદ ત્રિવેદીએ દિવંગત ગુજરાતી સાહિત્યકારોનાં રેખાચિત્રો આલેખ્યાં છે.


પુસ્તકમાં લેખકે કુલ ઓગણીસ ગુજરાતી સર્જકોનાં રેખાચિત્રો આલેખ્યાં છે, જેમાં ‘મીનપિયાસી’થી લઈ ‘દર્શક’ કે ઉમાશંકર જોશીથી લઈને હજુ હમણાં જ આપણને આવજો કહી ગયેલા ચિનુ મોદી, નિરંજન ભગત અને વિનોદ ભટ્ટ સુધીના સર્જકોને આવરી લેવાયા છે. આ તમામ રેખાચિત્રો ‘કુમાર’ સામયિકમાં પ્રકાશિત થયાં હતાં. જે-તે સમયે વિદગ્ધ વાચકોને આ રેખાચિત્રો સર્જકોને અપાયેલી અંજલિ લાગ્યાં હતાં, પરંતુ હર્ષદભાઈ કબૂલે છે કે આ રેખાચિત્રો દ્વારા તેમનો ઈરાદો શ્રદ્ધાંજલિનો નહોતો જ.

સાહિત્યનું ભણનારાઓ કે રસિયાઓ માટે પુસ્તક ઈન્ફરમેટિવ પણ ઘણું છે. જે-તે સર્જકોના કિસ્સા અહીં પહેલી વાર વાંચવા મળે છે

લેખક બીજી પણ એક મહત્ત્વની વાત તેમના કથનમાં કહે છે કે ‘કોઈને ઉતારી પાડવા કે ચડાવી મારવા માટે આ લખાયું નથી. મારી અંગત નિસ્બતથી, પંચેન્દ્રિયથી જેમને જેવા અનુભવ્યા એવા જ આલેખ્યા છે. શક્ય છે બીજાનો અનુભવ જુદો હોય!’ …અને પુસ્તકમાંથી પસાર થઈએ તો લેખકના આ કથનનો અહેસાસ થયા વિના ન રહે. લેખકે અહીં નથી તો કોઈને ઉતારી પાડ્યા કે નથી કોઈને મહાન ચીતરી કાઢ્યા. એવું હોત તો ભોળાભાઈ પટેલ વિશેના રેખાચિત્રમાં સપ્રમાણતા જડી જ ન હોત!


પુસ્તકની બીજી ખાસિયત છે લખાણની શૈલી. આહાહા… શું શૈલી છે! ભાષાની થોડી પણ જાણકારી હોય તો હર્ષદભાઈના ભાષાપ્રયોગો તમને ખૂબ આનંદ કરાવે. અમને તો ઈન્દિરા ગાંધી વિશે ‘વડાંપ્રધાન’ શબ્દ લખાયો એમાં પણ જલસો જલસો થઈ ગયો. ભાષાની કેવી કરામત! તો બીજું મહત્ત્વનું પાસું એ કે સાહિત્યનું ભણનારાઓ કે રસિયાઓ માટે પુસ્તક ઈન્ફરમેટિવ પણ ઘણું છે. જે-તે સર્જકોના કેટલાક કિસ્સા અને જે-તે સમયની કેટલીક વાતો અહીં વાચકને પહેલી વાર વાંચવા-જાણવા મળે છે.


‘ડિવાઈન પબ્લિકેશન’ દ્વારા તૈયાર થયેલું આ પુસ્તક માટે અમે મસ્ટ રીડ કહીશું. માત્ર વાંચવા નહીં પણ વસાવી લેવા જેવું પુસ્તક, જેથી સમય આવ્યે સંદર્ભ ટાંકવા પણ કામ આવે. {
[email protected]

X
article by ankit desai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી