આ કામ આજે જ કરવા જેવું છે

article by ankit desai

અંકિત દેસાઈ

Sep 02, 2018, 12:05 AM IST

કલ્પના દેસાઈએ લખવાનું ઘણું મોડું શરૂ કર્યું, પરંતુ પોતાના લેખનની શરૂઆતથી જ તેમણે પરિપક્વ આપ્યું. અત્યાર સુધીમાં તેમણે ‘લપ્પન છપ્પન’, ‘ચાલતાં ચાલતાં સિંગાપોર’, ‘Punch ત્યાં પરમેશ્વર’, ‘પંદરમું રતન’ અને ‘હાસ્યાત્ સદા મંગલમ્’ જેવા પાંચ હાસ્ય સંગ્રહો આપ્યાં છે, જેમાંના કેટલાક પુરસ્કૃત પણ થયા છે. તાજેતરમાં તેઓ ‘આજનું કામ કાલે’ નામનું નવું પુસ્તક લઈને આવ્યાં છે, જેમાં કુલ 51 હાસ્યલેખોનો સમાવેશ કરાયો છે.

કલ્પના દેસાઈને હાસ્ય હાથવગું છે. હાસ્ય ઉત્પન્ન કરવા માટે તેમણે છીછરી વાતો, કોઈકને ઉતારી પાડીને હસાવવાની કળાનો ઉપયોગ નથી કરવો પડતો

કલ્પના દેસાઈને હાસ્ય હાથવગું છે. સાવ નાની, નજીવી કે રોજિંદી બાબતે તેઓ વાચકને હસાવી શકે છે. હાસ્ય ઉત્પન્ન કરવા માટે તેમણે છીછરી વાતો, કોઈકને નાનો ચીતરી કે ઉતારી પાડીને લખીને હસાવવું કે ગલગલિયાં કરીને પરાણે વાચકોને હસાવવાની કળાનો ઉપયોગ નથી કરવો પડતો. ‘આજનું કામ કાલે’માં તેમણે ‘બેસી રહેવાની કળા’, ‘આપણે પણ કંઈ કમ નથી હોં!’, ‘સખી તને કયા નામે બોલાવું’, ‘બૂફેની પંચાત’, ‘પહેલી એપ્રિલથી માચીસ સળગાવું’, કે ‘એક ડોસી ડોસાને હજીય સવાલ કરે છે’ જેવા લેખોમાં કમાલ કરી દીધી છે. તો ‘હાસ્ય લેખકે પાળવાના નિયમો’, ‘હું સંપાદક બની!’, ‘ગધ્ધામજૂરી’ કે ‘લેખ ક્યાંથી આવે છે’ ઉત્તમ હાસ્ય રચનાનું ઉદાહરણ બને છે.


લેખિકાએ પુસ્તકની પ્રસ્તાવનામાં એક મજાની વાત કરી છે. તેઓ કહે છે, ‘હાસ્યલેખો લખવાની શરૂઆત કરેલી ત્યારથી નક્કી કરેલું કે લેખને બહાને કોઈને કશી સલાહ ન આપવી.’ લેખિકાએ તેમની આ પ્રતિજ્ઞા આ છઠ્ઠા પુસ્તક સુધી જાળવી રાખી છે. પુસ્તક હર્ષ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું છે તો ગુર્જર વિતરક છે.


ક્વોટ કોર્નર
ખરું પૂછો તો આપણા આખા જીવન દરમિયાન આપણે વધારેમાં વધારે જો કંઈ મેળવતા હોઈએ તો તે છે સલાહ! સલાહ વિશે વધારે તો શું કહેવાય? બધાં બધું જાણતાં હોય છે. ને છતાંય? સલાહ શબ્દ જ એવો લલચામણો છે ને કે કોઈને જોતાં જ મગજમાં આસાનીથી પ્રવેશી જાય ને પછી જે ખળભળાટ મચાવે તે એને આપી દીધા વગર રહેવાય નહીં.
(‘ચાલતાં શીખોમાંથી’)
[email protected]

X
article by ankit desai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી