લેખિકા સ્ત્રીવિષયક મુદ્દાઓ પર કલમ ચલાવે છે.

અંગત જીવનને અપલોડ કરતાં પહેલાં વિચારો

  • પ્રકાશન તારીખ15 Oct 2019
  •  
વુમનોલોજી- મેઘા જોશી
તમે ગયા વિકએન્ડમાં કઈ હોટલમાં જમવા ગયાં હતાં? તમારા પતિએ તમને લગ્નતિથિ નિમિત્તે કઈ ગિફ્ટ આપી? તમને ડાબા પગે ફ્રેક્ચર થયું, ત્યારે કયા રંગની નેલપોલિશ લગાવી હતી? તમે સેકન્ડ હનિમૂન પર ગયાં, ત્યારે દરિયાકિનારે મેચિંગ સ્વિમસૂટમાં હાથ પકડીને ફરતાં હતાં, ત્યારે તમે ઓરેન્જ જ્યુસ પીધો હતો? તમે પ્રેમથી તમારા પતિને ‘રાજા ડાર્લિંગ’ કહીને સંબોધો છો? તમારા પતિ તમને ‘હની’ કહે છે? હા, તમે જ્યારે કિચનમાં કામ કરતાં હો, ત્યારે તમને કંપની આપવા તમારા પતિ પ્લેટફોર્મ પર બેસે છે? તમે દરેક તહેવાર, બર્થ-ડે કે કોઈ પણ વિશિષ્ટ દિવસના સેલિબ્રેશન અર્ધી રાત્રે શરૂ કરો છો? પણ તમારા બેડરૂમના પડદાનો રંગ દીવાલના રંગ સાથે નથી જામતો હોં. તમારી દીકરી પણ હવે તમારી દીકરી આવશે તો તમારી જેમ જ રૂપાળી લાગશે નહીં? તમારે કેટલા ચારેક મહિના થયા હશે ને પ્રેગ્નન્સીના? જેમની સાથે તમારે સ્નાનસૂતકનો પણ સંબંધ ન હોય એવા કોઈ વર્ચ્યુલ મિત્ર હજારો કિલોમીટર દૂર બેસીને ચેટ વિન્ડોમાં તમારી પ્રેગ્નન્સીથી માંડીને નેલપોલિશના રંગ અંગે પૃચ્છા કરે ત્યારે તમે શું કરો? સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં અતિ પ્રવૃત્ત મહિલાઓ ચેટના સ્ક્રીનશોટ મૂકે, પૂછનારને માથે માછલાં ધૂએ કે પછી બ્લોકાય નમ:. અલબત્ત, એ તમારો અંગત નિર્ણય છે કે તમે જે-તે વ્યક્તિ સાથે શું અને કેવી વાત કરો છો? પરંતુ એક મહત્વનો મુદ્દો વિચારવા જેવો છે. તમે જાહેર માધ્યમમાં જઈને તમારાં અંગત જીવનની મોટા ભાગની દરેક તસવીર અને સમાચાર અપલોડ કરો, ત્યારે આવા અતિ અંગત કહી શકાય તેવા પ્રશ્નો, પંચાત અને ઘોંચપરોણા માટે તૈયાર રહેવું પડે.
સોશિયલ મીડિયામાં તો માણસો-મિત્રો, કદરદાનોની કોઈ ખોટ નથી. દરેક પાસે પોતાનું ટોળું, પોતાનું વર્તુળ હોય છે. જે આપણી વાત સાંભળવા અને કાલીઘેલી દરેક વાતે ‘વાહ’ કહેવા તૈયાર હોય છે. જીવનની દરેક ઘટના અને ખાસ કરીને વૈવાહિક કે પારિવારિક જીવનની દરેક તસવીર જનતા જનાર્દન સામે મૂકવામાં આવે ત્યારે તેમાં મળતાં લાઈક-કોમેન્ટના પ્રતિસાદ સાથે તમારી આપેલી માહિતીના દુરુપયોગ માટેની તૈયારી રાખવી પડે. એમાં પણ જો તમે જે-તે ક્ષેત્રમાં સફળ વ્યક્તિમાં સમાવિષ્ટ હો, તો પછી ‘આ મારી જિંદગી છે, આ મારી વોલ છે.’ કરીને બૂમરાણ મચાવવાનો કોઈ અર્થ નથી. લગ્નજીવન રોજ પ્રદર્શિત કરતાં યુગલો જો આપસી સમજણ સાથે અને સંપૂર્ણ સભાનતા સાથે કરતાં હોય તો ઠીક છે, બાકી માત્ર બીજાને જાણ કરવાની ઘેલછા વધતી જાય ત્યારે એ પાછળના કારણો સમજવા જરૂરી હોય છે.
‘સોશિયલ સાયકોલોજી એન્ડ પર્સનાલિટી’ના બુલેટિનમાં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીનો સંશોધનાત્મક લેખ છપાયો. જે વાંચીને ફોટા મૂકતા કપલ પર કરુણા ઉપજે. જે સંબંધમાં રોમાન્સ ઘટતો જાય છે. બેમાંથી એક વ્યક્તિને અસલામતી લાગે છે અથવા પોતાના પાર્ટનર પાસે પોતાનો પ્રેમ સતત પુરવાર કરવો પડે છે. તેઓ ઓવર શેરિંગ દ્વારા સમુસૂતરું પાર ઉતારવાનો પ્રયત્ન કરે છે. એક જ ઘરમાં એકધારા વ્યાખ્યિત સંબંધમાં રહેતાં બે વ્યક્તિ વચ્ચે કલેશ પણ થાય, વાંધા પણ પડે અને વ્હાલ પણ થાય. એ દરેકનું શો-કેસિંગ કરવાથી આપના ઘરની કે બેડરૂમની વાસ્તવિકતા ભાગ્યે જ બદલાય છે, પણ એ જોઇને મનોરંજન મેળવનારાને ગોસિપના પાત્રો મળી રહે છે. સોશિયલ મીડિયા, ખાસ કરીને ફેસબુક પર મુકતી દિલફેંક અંગત પળો અને રંગીન ફોટાની યથાર્થતાનો ટેસ્ટ થાય તો? તો જીવનની વાસ્તવિકતા સમજાઈ જાય! ફોટા મૂકવા સારા કે ખરાબ એવા કોઈ હાયપોથેસિસ સાબિત કરવાની વાત નથી. આ સોશિયલ મીડિયાની જમાતને ભેગી કરીને પોતાનાં ઘર સુધી લાવતાં પહેલાં વિચારજો. એક અજાણ્યા વ્યક્તિને અંગત જીવન કે બેડરૂમમાં ડોકિયાં કરવાની તક આપવાને બદલે આપણે જ અંગત જીવનને અને તસવીરમાં દેખાતા સુંદર સંબંધને વધુ સારો બનાવીએ.
x
રદ કરો
TOP