એકબીજાને ગમતાં રહીએ-કાજલ ઓઝા વૈદ્ય / કળાનું મૌન: મુખર અભિવ્યક્તિ

article by kajalozavaidya

Divyabhaskar.com

Oct 15, 2019, 03:54 PM IST
એકબીજાને ગમતાં રહીએ-કાજલ ઓઝા વૈદ્ય
‘વ્યક્તિ અને સમાજ વચ્ચેના અદૃશ્ય તંતુને ફરીથી જોડવા માટે અને એ યુગ્મને સમગ્રરૂપેણ અસ્તિત્વમાં પુન:સ્થાપિત કરવા માટે જરૂરી એવા ત્રણ આયામ છે - વિજ્ઞાન, કલા અને ધર્મ. આમ અસ્તિત્વને તેના પૂર્ણ સ્વરૂપે ઓળખવાના ત્રિવિધ આયાસોમાં, બુદ્ધનાં ‘મઝ્ઝિમ નિકાય’ની રીતે જોવા જઈએ તો, કલા યાને ‘આર્ટ’ને વચ્ચેનો માર્ગ ગણી શકાય. એટલે કે બંને અંત્યબિંદુઓ તરફ લઈ જતો રસ્તો કલા છે અને દરેક સામાન્ય મનુષ્ય માટે વિજ્ઞાન કે ધર્મના રસ્તે સાવ એક જ અનાયાસ જવું લગભગ દુષ્કર છે. માત્ર કલા જ એક એવું તત્ત્વ છે જ્યાંથી સત્ય તરફની યાત્રાનાં પગરણ માંડી શકાય અને એ પણ સહજરૂપે!’
‘કલ’ ધાતુમાંથી ઊતરેલ ‘કલા’ શબ્દનો ભાવાર્થ થાય ‘કળવું’, ‘જાણવું’, ‘સમજવું’ં. એક અર્થ પ્રમાણે ‘ગર્ભાધાન થયા પછીની ગર્ભની શરૂઆતની સ્થિતિ’ પણ કહેવાય છે. આ જોતાં સામાન્યથી સૂક્ષ્મના અર્થવિસ્તારમાં ‘કલા’નાં અનંત રૂપો ગણવાં જોઈએ, પરંતુ એ સૌમાં વિશેષરૂપ હોય તો ‘કલા એટલે અસ્તિત્વને જાણવાનું, જોવાનું અને ઓળખીને આત્મસાત્ કરવાનું માધ્યમ’ એમ કહેવાય. જાણીતા ચિત્રકાર કનુ પટેલના પુસ્તક ‘કળાનું મૌન’માંથી લેવાયેલી આ વ્યાખ્યા કળાને આપણી સામે જુદી રીતે મૂકી આપે છે. ગુજરાત કલા પ્રતિષ્ઠાન સાચા અર્થમાં કલાને જુદી રીતે આપણી સામે લઈ આવ્યું છે. એમના પુસ્તકો કલા અને ભારતીય સંસ્કૃતિને ફરી ઉજાગર કરવાનું કામ કરે છે. સૂરતનું આ ગુજરાત કલા પ્રતિષ્ઠાન અને એના પ્રણેતા રમણિક ઝાપડિયા આવાં સુંદર પુસ્તકો પ્રકાશિત કરે છે. એટલું જ નહીં, ‘મૂલ્ય-અમૂલ્ય’ લખીને એમણે કલાને સાચે જ અમૂલ્ય બનાવવાનું કામ કર્યું છે. આ કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ છગનભાઈ પટેલ કલા પ્રતિષ્ઠાનને જનસામાન્ય સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.
સામાન્ય રીતે આપણે એમ.એફ. હુસેન કે રઝા જેવા ચિત્રકારો વિશે આપણે ક્યાંક વાંચ્યું હોય તો જાહેરમાં એ વિશેનું જ્ઞાન પ્રદર્શિત કરવાની આપણને મજા પડે છે. ચિત્રોની કિંમત આટલી બધી કેમ છે અથવા એ ‘ક્લેક્ટર્સ આઇટમ’ કેમ કહેવાય છે એ વિશે આપણે કંઈ જાણતા નથી! કરોડોમાં વેચાતા ચિત્રો કે મોંઘી ઓરિજિનલ્સની તસ્કરી વિશે આપણે સનસનીખેજ ફિલ્મો જોઈએ છીએ, પરંતુ ‘દા વિન્ચી કોડ’ વિશ્વભરમાં બેસ્ટ સેલર થઈને વેચાઈ રહી છે ત્યારે લિયોનાર્ડો દ વિન્ચી કોણ હતો અને મોનાલીસાનું આ ચિત્ર શા માટે આટલું બધું વખણાયું છે એ જાણવું જરૂરી નથી લાગતું? વિન્ચીના સમયમાં એવા ઘણા ચિત્રકારો હતા જેમણે અવિસ્મરણીય ચિત્રો અને શિલ્પો બનાવ્યાં. ફ્રાન્સ બીજા વિશ્વયુદ્ધ પહેલાં રેનેસાંના સમયમાં અદ્્ભુત પ્રકારની કલાયાત્રામાંથી પસાર થયું. આ વિશ્વ ઉપર ફ્રાન્સના કલાજગતની ઊંડી અસર થઈ. વિશ્વના કલાજગતના ઇતિહાસમાં ફ્રાન્સનું નામ આગળ પડતું છે. લુવ્રનું મ્યુઝિયમ માઇકલ એન્જેલો, વિન્સેન્ટ વાનગોગ, ટિટિયાન, રેમ્બ્રાં જેવાં કલાકારોનાં ચિત્રોને પોતાનામાં સંઘરીને બેઠું છે.
આપણી પાસે રવીન્દ્રનાથ ટાગોર, નંદલાલ ઘોષથી લઇને સોમાલાલ શાહ અને કનુ પટેલ પછીની પેઢીના સર્જકો પડ્યા છે. ભારતીય ચિત્રકલા પાસે પણ ખૂબ આદરથી લઈ શકાય એવા નામો છે જ. કલાની સાધનામાં સૌથી વધુ કોઈ એક સ્વરૂપ જો આપણા સુધી પહોંચ્યું હોય તો એ સાહિત્ય છે. એ પછી સંગીત, નૃત્ય અને છેલ્લે ચિત્રકલાને સમજવાની પ્રક્રિયા આપણો સમાજ શીખે છે. ભારતીય ચિત્રકલામાં પિછવાઈ, વાર્લી, મધુબની, તાંજોર જેવી અનેક ચિત્રકલાઓના સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આ ચિત્રકલાઓને એકમેકથી ભિન્ન કરીને ઓળખવાનું શાળાઓમાં કે બીજી કોઈ જગ્યાએ શીખવાતું નથી.
કનુ પટેલ ‘કળાનું મૌન’માં લખે છે, ‘સામાન્ય રીતે ત્રણ પ્રકારનાં ચિત્રો જોવાં મળે છે-અનુકરણાત્મક ચિત્રો અથવા અનુકારક ચિત્રો, વ્યંજક ચિત્રો અને છંદમય ચિત્રો. જે ચિત્રોમાં સંકેત કે ઇંગિત દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવે છે. તેને વ્યંજક કે વ્યંજનાપ્રધાન ચિત્ર કહેવામાં આવે છે. આ ચિત્રોમાં કેવળ આંખો દ્વારા જ નહીં, મન દ્વારા જોયેલું પણ હોય છે. આપણે પ્રકૃતિની બધી જ વસ્તુઓને આંખ ખોલીને જોવા છતાં સઘળું જોઈ શકતા નથી. સાથેસાથે મનના યોગથી કોઈ વસ્તુને જોઈને તેનું ચિત્ર બનાવવાથી કળાકારના મન અને તેની માનસિક સ્થિતિની છાપ એ ચિત્ર પર પડે જ છે. મન કોઈ વસ્તુને આંશિકરૂપે યા ઘટાડીને અથવા વધારીને જુએ છે. એટલે જ વ્યંજક ચિત્રો આબેહૂબ નકલ દેતાં નથી. વસ્તુના વાસ્તવિક રૂપમાં અને દોરાયેલા રૂપમાં ફેર પડશે જ. મનથી પરિકલ્પિત વ્યંજનાપ્રધાન ચિત્રની સાથે શિખાઉ ચિત્રકાર દ્વારા બનાવેલું મૂળ ચિત્રોમાં આકાશ-પાતાળનું અંતર હશે, કેમ કે કુશળ ચિત્રકાર કળા-સર્જનના કૌશલ્ય અને શિલ્પના સંબંધે બધું જાણતાં-દેખતાં રૂપમાં અને અંકિત રૂપમાં ભેદ લાવી શકે છે. છંદમય ચિત્રનું તાત્પર્ય એવા ચિત્રથી જેમાં લય પર વધુ ભાર મૂકવામાં આવ્યો હોય. લયને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ-અંતર્નિહિત લય, શ્રેણીગત લય અને સામાન્ય લય.’
આ ટેક્નિકલ વિગતો છે, છતાં સમજવા જેવી છે. ચાર ચિત્રકારોના નામ બોલવાને બદલે જો આપણે એની ચિત્રકલામાં રહેલી સૂક્ષ્મતા અને ઇમોશન્સને સમજી શકીએ તો કદાચ ચિત્રને સમજવામાં વધુ રસ પડે. લગભગ દરેક કલાકારની કલા, એ સાહિત્ય હોય, સંગીત હોય કે ચિત્રકલા એના વ્યક્તિત્વનું એક્સ્ટેન્શન હોય છે. માણસ જે વિચારતો હોય, જોતો અને અનુભવતો હોય એ જ એની કળામાં પ્રતિબિંબિત થાય છે. જે તે સમયની કળા ઉપર એના સમયનો પ્રભાવ પણ નકારી શકાતો નથી. એ સમયનો ધર્મ, ઇકોનોમી અને સમાજની માનસિકતા પણ એ સમયની કળાને પ્રભાવિત કરે છે. ઈ.સ. 1400થી 1500નો સમય તપાસીએ તો સમજાય કે એ પશ્ચિમી રેનેસાં (નવજાગૃતિ)નો સમય હતો. એ ગાળામાં શ્રેષ્ઠ કલાકારો, લેખકો અને ચિત્રકારો યુરોપમાં જન્મ્યા અને જીવ્યા.
જેમ યુરોપમાં આ રેનેસાંનો કે નવજાગૃતિનો સમય મહત્ત્વનો માનવામાં આવે છે એમ ભારતીય સાહિત્ય અને ચિત્રકલામાં પાર્ટિશનનો સમય અગત્યનો છે. બદલાતો સમય અને એની સાથે જોડાયેલી પીડા કલાને વેગ આપે છે. અમૃતા શેરગીલ, રવીન્દ્રનાથ ટાગોર જેવાં કલાકારો ભારતીય ચિત્રકલાને નવા આયામ આપતા ગયા છે, પરંતુ એમના અંગત જીવન પ્રમાણમાં દુ:ખી અને એકલવાયા રહ્યા છે. પોતે લેસ્બિયન હોવાનો કે પોતાના કઝિન સાથે શારીરિક સંબંધોનો અમૃતા શેરગીલે પોતાની ડાયરીઓ અને આત્મકથામાં સ્વીકાર કર્યો છે. વિક્ટોરિયા ઓકેમ્પોને લખાયેલા એમના પત્રોમાં રવીન્દ્રનાથે પોતાની એકલતા અને ખાલીપાની વાત લખ્યા કરી છે. રવીન્દ્રનાથે વિક્ટોરિયાને લખાયેલા પ્રણયપ્રચુર પત્રોમાં એમણે શારીરિક આકર્ષણયુક્ત પ્રેમ હતો એવો સ્વીકાર કર્યો છે. 63 વર્ષની ઉંમરે 34 વર્ષની વિક્ટોરિયાને લખાયેલા એમના પત્રોમાં રવીન્દ્રનાથની પીડા પણ વ્યક્ત થાય છે. માણસને માણસ પાસેથી નહીં મળી શકેલી લાગણી કે પ્રેમ એને પીંછી, છીણી, હથોડી કે કલમ પાસેથી મળતી હશે?
માણસનો કલા સાથેનો આ કેવો સંબંધ છે કે જે આંસુમાંથી સર્જન કરાવે છે! કનુ પટેલ લખે છે, ‘વૃક્ષ પર જેમ સહજભાવે પુષ્પ ખીલે છે, તેમ વાસ્તવિક કલાસર્જન પણ સાહજિક રીતે જ સ્ફૂરણ ઇચ્છે છે. બહારનાં અવરોધ તો હોય જ છે. મનનો અવરોધ પણ ઓછો નથી હોતો. તેને હડસેલવાનું ખૂબ જ મુશ્કેલ હોય છે. મનમાં સ્થિરતા હોવાથી, મન શાંત હોવાથી જ કલાકારની પ્રેરણા તીવ્ર ગતિથી કામ કરી શકે છે. સ્થિર નિર્મલ મન પર પ્રેરણાની છાપ પણ વધારે સ્પષ્ટ ઊપસે છે. વેદનાથી પ્રેરણા જન્મ લે છે અને વેદના જેટલી ગંભીર હોય છે, પ્રેરણા તેટલી ગતિશીલ હોય છે. પ્રેરણા સ્થિર અને ગહન થવાથી રસનો જન્મ થાય છે અને રસના જન્મની સાથે આનંદની પ્રાપ્તિ થાય છે. એ આનંદને પ્રગટ કરવામાં જ કલાત્મક સર્જનની સાર્થકતા છે.’
[email protected]
X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી