લઘુકથા- હેમલ વૈષ્ણવ / કૃતાર્થતા

article by hemalvaishnav

Divyabhaskar.com

Aug 28, 2019, 05:32 PM IST

લઘુકથા- હેમલ વૈષ્ણવ
‘આજે તો જન્માષ્ટમી, રાત્રે હિંડોળાનાં દર્શન.’ બાને બોલતાં સાંભળીને સુધીરભાઈએ કટાણા મોઢે મૃદુલા તરફ જોયું. રાત્રે મિત્રને ત્યાં પાર્ટી પર જવાનું નક્કી કર્યું હતું અને ખરા સમયે જ બાએ હિંડોળાનું ડીંડવાણું ઊભું કર્યું. મૃદુલાએ સુધીરભાઈને ઇશારાથી કિચન તરફ બોલાવ્યા ને કહ્યું, ‘બાને ક્યાં ઝાઝો સમય યાદ રહે છે, સાંજ સુધીમાં તો જન્માષ્ટમી છે એ વાત ભૂલીય ગયાં હશે.’
મૃદુલાબહેનની વાત સાચી પડી. સાંજ સુધીમાં તો બા જન્માષ્ટમીની વાતને ભૂલી પણ ગયાં હતાં. તો પણ સાવચેતી રૂપે મૃદુલાબહેન ટીવીને અનપ્લગ કરતાં ગયાં, જેથી બાની નજરે કૃષ્ણજન્મનાં કોઈ દૃશ્ય નજરે ન પડે. પત્નીની ચાલાકી પર સુધીરભાઈ વારી ગયા. રાતના અગિયારેક વાગ્યે ઘરમાં નીરવ શાંતિ હતી. જન્માષ્ટમી... કાનુડો... હિંડોળા... અંદરના રૂમમાં ભણી રહેલા આશુતોષના કાને તૂટકતૂટક શબ્દો સંભળાવા લાગ્યા. હજી ત્રણ કલાકનું કામ બાકી હતું. થોડી વારે આશુતોષ ઊભો થયો. ‘ચાલો દાદીબા, હિંડોળાનાં દર્શન કરવા.’ દાદીબાનો હાથ પકડીને એણે ટેક્સીમાં બેસાડ્યાં. મંદિરની ભીડમાં માર્ગ કરીને દાદીબાના હાથે હિંડોળાની દોરી ખેંચાવી. પાછા ફરતા આશુતોષના ચહેરા પર દાદીબા પ્રેમથી હાથ ફેરવતાં બોલ્યાં, ‘બિલકુલ સુધીર જેવો જ દેખાય છે હોં હવે તો.’ ઘરે આવ્યા પછી આશુતોષ મળસ્કા સુધી ભણતો રહ્યો.
પાર્ટીના થાકને કારણે બીજા દિવસે સવારે સુધીરભાઈ મોડા ઊઠ્યા. સ્મૃતિભંશ થયેલાં બા એકની એક વાત બોલે રાખતાં હતાં. ‘સુધીરે બહુ રૂડાં દર્શન કરાવ્યાં.’ મૃદુલાબહેનની આંખો કહી રહી હતી, ‘જોયું, બાને હવે તો જરાય ભાન નથી રહ્યું.’ પોતે કાંઈ ન કર્યું હોવા છતાં બાને દર્શન કરાવ્યાંની કૃતાર્થતા સુધીરભાઈ અનુભવી રહ્યા.
‘પેલા તારા નઘરોળને ઉઠાડ, વાંચવાના નામે મોડી રાત સુધી લાઇટ બાળતો રહે છે, જવાબદારીનું તો કાંઈ ભાન જ નથી.’ દીકરાની ફરજ તરીકેની મિથ્યા કૃતાર્થતા અનુભવ્યા પછી એક બાપ તરીકેની જવાબદારી પણ સુધીરભાઈમાં સફાળી જાગી ઊઠી હતી.
[email protected]

X
article by hemalvaishnav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી