‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓ થકી આગવો વાચકવર્ગ ઊભો કર્યો છે.

હજારોં સાલ નરગિસ અપની બે-નૂરી પે રોતી હૈ, બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા

  • પ્રકાશન તારીખ16 Oct 2019
  •  
ડૉક્ટરની ડાયરી- ડૉ. શરદ ઠાકર
લગભગ 1996નું વર્ષ હતું. ઉનાળાની મોસમ. સવારના દસેક વાગ્યે ફોન કોલ આ‌વ્યો, ‘ડો. શરદભાઇ? હું નલિની પટેલ. ડો. ત્રિવેદીસાહેબ તમારી સાથે વાત કરવા માગે છે.’ નલિનીબહેન એટલે તાજેતરમાં જેમનું અવસાન થયું તે ઋષિરાજ ડો. એચ. એલ. ત્રિવેદીસાહેબનાં પર્સનલ સેક્રેટરી. એ પહેલાં મેં ત્રિવેદીસાહેબને એકાદ-બે વાર દૂરથી જોયા હતા, પણ ક્યારેય રૂબરૂ મળ્યો ન હતો. જ્ઞાન, વય અને હોદ્દાની રૂએ મારાથી ક્યાંય મોટા એવા ત્રિવેદીસાહેબને મારું શું કામ પડ્યું હશે? મારા મનમાં જન્મેલી આ પ્રથમ પ્રતિક્રિયા.
હું ધડકતા હૃદયે પ્રતીક્ષા કરી રહ્યો અને નલિનીબહેને ફોનની લાઇન ત્રિવેદીસાહેબના રૂમમાં આપી. મારો અકારણ ફફડાટ પળવારમાં જ શમાવી દેતો હૂંફાળો અવાજ સંભળાયો, ‘ડો. શરદભાઇ, કેન યુ કમ ડાઉન ટુ માય ઓફિસ એટ યોર કન્વિનિયન્સ? આઇ વોન્ટ ટુ ટોક ટુ યુ.’
હું નર્વસ, ‘સર, કામ શું છે એ તો જણાવો.’
‘તમે આવોને. હું તમને બ્લેક કોફી પીવડાવીશ. આપણે વાતો કરીશું.’
એ પછી ત્રિવેદીસાહેબે મને સાડા ત્રણ વાગ્યાનો સમય આપ્યો. એ જ દિવસનો. મેં પણ હા પાડી દીધી. એવું વિચારીને કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. મારી કોલમ શરૂ થયાને ત્રણેક વર્ષ થયાં હતાં. હું લખવા કરતાં મારી મેડિકલ પ્રેક્ટિસમાં વધારે વ્યસ્ત હતો. યુવાની, ઊર્જા, ઉત્સાહ અને થનગનાટ આ બધું શિખર ઉપર હતું. એ દિવસોમાં હું ક્લિનિકમાં ટાઇ પહેરીને બેસતો હતો. સમયપાલનની બાબતમાં હું અંગ્રેજ જેવો છું. આપેલા સમયે પહોંચી ગયો. નલિનીબહેન મને જોઇને બોલી ઊઠ્યાં, ‘ઓહ! તમે આવી ગયા! સાહેબ તો એમનું કામ પતાવીને હજી બે મિનિટ પહેલાં જ ઘરે ગયા છે. હવે છેક પાંચ વાગ્યે પાછા આવશે.’ આ સાંભળીને મને આંચકો લાગ્યો. અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં દાયકાઓ વિતાવીને આવેલા અને કિડની ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરના પદ ઉપર બિરાજમાન આટલા મોટા ડોક્ટર સમયપાલનની બાબતમાં આટલા બધા શિથિલ! ત્યાં જ ફોનની ઘંટડી રણકી. ડો. ત્રિવેદીસાહેબે ઘરે પહોંચીને ફોન કર્યો હતો, ‘નલિની, હું ભૂલી ગયો. મેં સાડા ત્રણ વાગ્યાનો સમય આપ્યો હતો. ડો. શરદભાઇ...’
‘મારી સામે જ ઊભા છે.’
‘સરસ. એમને મારી ઓફિસમાં બેસાડજે. હું ભોજન પતાવીને તરત જ પાછો આવું છું. એમને મારા તરફથી દિલગીરી વ્યક્ત કરજે.’
આ જાણ્યા પછી મને સમજાયું કે ડો. ત્રિવેદીસાહેબ પાસે પશ્ચિમનું સમયપાલન પણ હતું અને પૂર્વનો વિવેક પણ હતો.
વીસેક મિનિટમાં જ સાહેબ આવી ગયા. હું કંઇ બોલું તે પહેલાં જ એમણે સહેજ હસીને કહ્યું, ‘ગુડ ડ્રેસિંગસેન્સ! લુકિંગ હેન્ડસમ! સામાન્ય રીતે ગુજરાતમાં ડોક્ટરો પ્રેઝન્ટેબલ નથી હોતા.’ મને આજે પણ યાદ છે કે મેં એ દિવસે બ્લેક કલરનું પેન્ટ, પિંક શર્ટ અને બ્લેક ટાઇ પહેરી હતી. એ પછી હું સાહેબને સેંકડો વાર મળ્યો છું. કોઇક ખાસ સમારંભમાં હોઇએ ત્યારે હું સૂટમાં હોઉં; એ સિવાય મારા શરીર પરથી પ્રેઝન્ટેબલ વસ્ત્રો ક્રમશ: હટતા ગયા. ટાઇ તો ક્યારની અદૃશ્ય થઇ ગઇ હતી. ક્યારેક હું ટી શર્ટમાં પણ જોવા મળી જતો, પણ મેં એક વાત અવશ્ય નોંધી કે સાહેબની પોતાની ડ્રેસિંગસેન્સ ખૂબ જ ઊંચી કક્ષાની હતી. માટે જ એ જ્યારે બીજા કોઇના શરીર પર સુંદર વસ્ત્ર પરિધાન જોતા હતા ત્યારે અચૂક પ્રશંસા કરી લેતા હતા. મેં હંમેશાં સાહેબને સૂટ-બૂટમાં જ જોયા છે.
બ્લેક કોફીના પ્રથમ ઘૂંટ સાથે સાહેબે વાત શરૂ કરી, ‘હું તમારી કોલમ વાંચું છું. ડોક્ટરની ડાયરીમાં તમે થોટ પ્રોવોકિંગ ઘટનાઓ લખો છો. મને લાગે છે કે તમે સમાજમાં બહોળા વર્ગ પર તમારા લખાણોથી એક પોઝિટિવ પ્રભાવ પાથરી શકો.’
મારી અંત:સ્ફુરણા કહેતી હતી કે સાહેબ ગંભીરપણે કોઇ ખાસ મુદ્દા તરફ મને લઇ જઇ રહ્યા હતા અને મારી સ્ફુરણા સાચી પડી. સાહેબે વાત મૂકી, ‘હું કેનેડામાં ખૂબ સુખી હતો. સમૃદ્ધિની ટોચ ઉપર હતો. એ બધું છોડીને હું અહીં આવ્યો. શા માટે? મારા દેશબાંધવોની સેવા કરવા માટે. પોરબંદર, વેરાવળ, જૂનાગઢથી લઇને છેક ભાવનગર, સુરેન્દ્રનગર સુધીના પટ્ટામાં ક્ષારયુક્ત પાણીને કારણે કિડનીની પથરીના સૌથી વધારે દર્દીઓ જોવા મળે છે. મારે એમની સારવારમાં વિશ્વસ્તરની ક્રાંતિ લાવવી હતી. અસંખ્ય વિપરીત સંજોગો સામે ઝઝૂમીને મેં આ સંસ્થા ઊભી કરી. મારી જીદ હતી કે આ સંસ્થા સ્વાયત્ત બનીને કામ કરશે. એમાં બહારની કોઇ દખલગીરી નહીં હોય, સરકારની પણ નહીં. એમાં હું સફળ રહ્યો, પણ મારી આ સંસ્થા ઘેરી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. મારે પ્રજા તરફથી આર્થિક યોગદાન જોઇએ છે. ગણ્યાગાંઠ્યા લોકોને બાદ કરતાં ગુજરાતમાં કોઇને ખબર સુધ્ધાં નથી કે એક પ્રામાણિક નેફ્રોલોજિસ્ટ ડોલરિયો ખજાનો છોડીને અહીં આવ્યો છે અને એક-એક રૂપિયા માટે મોહતાજ બનીને ફરી રહ્યો છે.’ આટલું બોલતી વખતે સાહેબના ચહેરા પર વેદનાની રેખાઓ અંકાઇ ગઇ હતી.
‘હું આ બાબતમાં શું કરી શકું?’ મેં પૂરેપૂરી તત્પરતાથી પૂછ્યું. એ ક્ષણ મારી જિંદગીની અવિસ્મરણીય ક્ષણ હતી. દિમાગમાં એકસો પંચાણુ જેટલો આઇક્યૂ સંઘરીને બેઠેલા એક તેજસ્વી તબીબ પોતાની વય, સાગરમાં સમાય એટલું જ્ઞાન અને શિખરસ્થ ગૌરવ ભૂલીને મારા જેવા નગણ્ય, ઉછાંછળા લેખકને આર્જવભર્યા સ્વરમાં અનુરોધ કરી રહ્યા હતા. એ પણ કોના માટે? સેલ્ફ માર્કેટિંગ માટે નહીં; ગુજરાતનાં ઝૂપડાંઓમાં, કૂબાઓમાં અને ફૂટપાથ પર ગરીબીની રેખા નીચે સબડતા, કિડનીના રોગથી પીડાતા લાખો ભાંડુઓ માટે. આવો દેવતુલ્ય માણસ મેં આજ સુધી જોયો નથી. ડો. ત્રિવેદીસાહેબના અવાજમાં ગૌરવપૂર્ણ આર્જવ હતું, ‘યંગમેન! હું તમારા પિતાની ઉંમરનો છું. હું તમને પૂછી રહ્યો છું. તમે અમારા સંઘર્ષ વિશે લખશો?’
મેં કોફીનો ઘૂંટ ભરીને કહ્યું, ‘સર, હું લખીશ. એક વાર નહીં, અનેક વાર લખીશ. મારી કલમ તૂટી જાય ત્યાં સુધી લખીશ. આ આંગળીઓ થાકી જાય ત્યાં સુધી લખીશ. શાહીથી નહીં, કલમમાં પ્રેમ, આંસુ અને સંવેદના ભરીને લખીશ. મારે ક્યાં મારા માટે કે તમારા માટે લખવાનું છે. મારે તો તમારા સેવાયજ્ઞમાં શબ્દોની આહુતિમાત્ર આપવાની છે.’ એ દિવસે કડવી બ્લેક કોફી મને મીઠી લાગી હતી.
શરૂઆતમાં મેં ત્રણ લેખો લખ્યા. ‘ડોક્ટરની ડાયરી’નાં 26 વર્ષમાં લખાયેલા તમામ એપિસોડ્સમાં સૌથી વધારે વંચાયેલા, વખણાયેલા અને પ્રતિસાદ પામેલા એ ત્રણ લેખો હતા. દાતાઓ ગુજરાતભરમાંથી ઊમટી પડ્યા હતા. કોઇ ધન આપી જતું હતું, કોઇ મન. કોઇ દાન આપી જતું હતું, કોઇ આશીર્વાદ. એ પછી સમયાંતરે બીજા 45 જેટલા લેખો મેં માત્ર ત્રિવેદીસાહેબને કેન્દ્રમાં રાખીને એમની સંસ્થા વિશે લખ્યા. એમની પ્રવૃત્તિઓ વિશે લખ્યા. નવાં મશીનો વિશે લખ્યા. નવી સિદ્ધિઓ વિશે લખ્યા. એમને પડતી મુશ્કેલીઓ વિશે લખ્યા. બહુ ઝડપથી અમારો સંબંધ પિતા-પુત્ર વચ્ચેના સંબંધ જેવો બની ગયો. સાહેબ એમની રજેરજ વાત મારી સામે ખુલ્લી મૂકી દેતા હતા. જો એ બધી વાત લખવા બેસું તો બીજા પચાસ એપિસોડ્સ થાય, પણ એ બધાં જ રહસ્યો સાહેબના મૃત્યુ સાથે હવે કાયમ માટે દટાઇ ગયાં.
ઓસામા બિન લાદેનવાળી ઘટના મીડિયાજગતમાં કદાચ પ્રથમ એવી ઘટના હશે, જે ગુજરાતી અખબારમાં પ્રકાશિત થયા પછી અંગ્રેજી મીડિયાએ છાપી હોય. ત્રિવેદીસાહેબની સાથે અનેક પ્રવાસો ખેડવાનું સદ્્ભાગ્ય મને મળ્યું. ઠેર ઠેર એમનાં સન્માનો યોજાતાં હતાં ત્યારે મને પણ સાથે જવાનો લાભ મળતો રહ્યો. આ પ્રવાસો દરમિયાન અમે ખૂબ નિકટ આવી ગયા. ક્યારેક સંસ્થાની કોઇ વાત વિશે સાહેબનું દર્દ છલકાઇ ઊઠતું હતું, પણ એના સાક્ષી માત્ર હું અને મારો મિત્ર સમીર બે જ બની રહ્યા. સાહેબે કહેલી એક પણ વાત મેં બહાર આવવા દીધી નથી.
ડો. ત્રિવેદીસાહેબની અંગ્રેજીમાં લખાયેલી આત્મકથાનો ગુજરાતી અનુવાદ એમણે આગ્રહપૂર્વક મારી પાસે તૈયાર કરાવડાવ્યો. એ પછી 2015માં મેં સામે ચાલીને મારી શૈલીમાં ડો. ત્રિવેદીસાહેબની બાયોગ્રાફી લખવાનું શરૂ કર્યું. ગુજરાતના જાણીતા સાપ્તાહિકમાં એ ધારાવાહિક રૂપે લખાતી રહી. દર શનિવારે હું અને બિનિતા પરીખ સાહેબની સાથે બે-અઢી કલાક સુધી બેસીએ અને સાહેબ જે બોલે તે નોંધપોથીમાં ટપકાવતાં જઇએ. વાત કરતાં-કરતાં ત્રિવેદીસાહેબ એક-બે વાર અચૂક રડી પડે. એ નવલકથા ‘એકલો જાને રે’ શીર્ષક સાથે લખાઇ, પ્રકાશિત થઇ અને બેસ્ટ સેલર પણ બની ગઇ. 26મી જુલાઇએ છેલ્લી વાર સાહેબનાં દર્શન કરવા ગયો. એ દિવસે પહેલી વાર મેં સાહેબને સૂટ વગર જોયા. એ આઇ.સી.યુ.માં લગભગ અચેતનાવસ્થામાં પોઢેલા હતા. એમનાં પત્ની સુનીતાબહેન પતિના કાન પાસે મોં લઇ જઇને બોલ્યાં, ‘સાંભળો છો? જુઓ તો કોણ આવ્યું છે? ડો. શરદભાઇ ઠાકર તમને મળવા...’ બધાએ જોયું કે સાહેબનો નીચલો હોઠ સહેજ ફરક્યો, દાઢી સહેજ ઊંચી-નીચી થઇ અને પછી ફરી પાછું બધું યથાવત્ થઇ ગયું. મને ક્યાંય એવો અહેસાસ થયો કે સાહેબે મારા આગમનની નોંધ લીધી છે. બીજી ઓક્ટોબરના દિવસે સાહેબ ચાલ્યા ગયા. એમના અવસાન પછી શ્રદ્ધાંજલિઓનો વરસાદ વરસ્યો, પણ મને જે સર્વશ્રેષ્ઠ લાગી તે અંજલિ આ હતી: સૌરાષ્ટ્રમાંથી 74 વર્ષના એક નિવૃત્ત શિક્ષકે રુંધાયેલા અવાજે મને ફોનમાં કહ્યું, ‘સાહેબ, ભગવાનને પ્રાર્થના કરજો કે એ ત્રિવેદીસાહેબ જેવા પુણ્યાત્માને મોક્ષ ન આપે. એમને જલદી પાછા મોકલી આપે. બીજે ક્યાંય નહીં, ગુજરાતમાં જ અને ડોક્ટર રૂપે ફરી પાછા કિડની ઇન્સ્ટિટ્યૂટમાં જ. આટલું તો ભગવાન સાંભળશેને?’ મને લાગે છે કે આ શિક્ષકની લાગણીમાં જ આખા ગુજરાતની માગણી સમાઇ જાય છે.
(શીર્ષકપંક્તિ: ડો. ઇકબાલ)
[email protected]
x
રદ કરો

કલમ

TOP