લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

ચરમસીમાની ગેરહાજરીમાં પણ ગર્ભાધાન થઇ શકે

  • પ્રકાશન તારીખ22 May 2019
  •  

સમસ્યા: મારી ઉંમર 23 વર્ષની છે જ્યારે પતિ 27 વર્ષના છે. અમારાં લગ્નનાં 3 વર્ષ થયાં છે, પરંતુ અમારે ત્યાં પારણું નથી બંધાયું. મારી સહેલીનું કહેવું છે કે પુરુષ અને સ્ત્રી સાથે ચરમસીમાએ ન પહોંચે તો આવું થાય. તો શું એ સાચું કહે છે? મારા અને મારા પતિના બધા જ રિપોર્ટ નોર્મલ છેે. મારે માસિક પણ નિયમિત આવે છે. ખૂબ જ મૂંઝાઇ ગઈ છું. હવે શું કરવું તેની ખબર નથી પડતી.
ઉકેલ: જાતીય સંતોષની ચરમસીમાને સ્ત્રીના ગર્ભવતી થવા સાથે કોઇ સંબંધ નથી. ચરમસીમા એકસાથે જ અનુભવાવી જોઇએ એવો કોઇ નિયમ નથી. દાંપત્યજીવનમાં ગર્ભાધાન ક્યારેક સહજ અને આકસ્મિક, તો ક્યારેક જટિલ કાર્ય હોય છે. ગર્ભધારણની શક્યતા સ્ત્રીના જનન અવયવોની તંદુરસ્તી, અંડકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયા, ફેલોપિયન ટ્યૂબની સ્થિતિ અને પુરુષના શુક્રાણુની સંખ્યા અને ગતિશીલતા જેવાં પરિબળો ઉપર આધાર રાખે છે. જો આ તમામ બાબતો બરાબર કાર્યાન્વિત હોય તો જાતીય ચરમસીમાની ગેરહાજરીમાં પણ ગર્ભ ધારણ થઇ શકે. સામાન્ય રીતે જેને માસિક નિયમિત આવે છે, તેમને સ્ત્રીબીજનું ઉત્પાદન માસિકના 12માથી 17મા દિવસ દરમ્યાન થાય છે. આ સમય દરમિયાન સમાગમ થાય તો બાળકની શક્યતા વધારે હોય છે. તમારામાં સ્ત્રીબીજ ક્યારે ઉત્પન્ન થાય છે તે જાણવા ડોક્ટરની સલાહ મુજબ સોનોગ્રાફી દ્વારા જાણી શકો છો અને કયા દિવસો ગર્ભાધાન માટે યોગ્ય છે તેની માહિતી મેળવી શકાય છે.
સમસ્યા: હું 51 વર્ષનો પુરુષ છું. તેમજ બે સંતાનનો પિતા છું. છેલ્લાં બે વર્ષથી ઘણીવાર કામેચ્છા થવા છતાં શિશ્ન કડક સ્થિતિમાં ક્ષણિક રહ્યા પછી તરત સામાન્ય થઇ જાય છે. તે ઉપરાંત સ્ખલન જલદી થઇ જવાની સમસ્યા મને પહેલાં પણ હતી. મને ડાયાબિટીસ કે બ્લડપ્રેશર નથી તેમજ બીજી કોઇ બીમારી પણ નથી. કોઇ ખાસ ટેન્શન પણ રહેતું નથી. મારી સમસ્યા શું ઉંમરના કારણે થઇ હશે? વાઝોડાઇલેટર ઇન્જેક્શન અથવા બીજી કોઇ દવા લેવાથી આ સમસ્યા દૂર થઇ શકે છે?
ઉકેલ: ક્યારેક ચોક્કસ સંજોગોમાં અકસ્માતે જોવા મળતી શિથિલતા એ નપુંસકતા નથી. મોટા ભાગના પુરુષો તેમના જીવન દરમિયાન ઘણીવાર આવી ક્ષણિક નપુંસકતાનો અનુભવ કરતા હોય છે. એક સંશોધન મુજબ 71 ટકા જેટલાં યુગલો 66 વર્ષની ઉંમર સુધી પણ સેક્સમાં ક્રિયાશીલ હોય છે, પરંતુ ઘણીવાર પુરુષમાં ઉંમરની સાથે સેક્સ પાવરમાં થોડી શિથિલતા આવતી જાય છે. આપ પ્રથમ તો તબીબી નિદાન કરાવી લો કે આપની શારીરિક નપુંસકતા છે કે માનસિક.
આપ જે વાઝોડાઇલેટર ઇન્જેક્શનની વાત કરો છો તેને ‘ઇન્ટ્રાકેવર્નોઝલ વાઝોડાઇલેટર થેરાપી’ કહે છે. આ સારવાર વાયેગ્રા આવી તે પહેલાંના દાયકામાં લોકપ્રિય હતી. પણ એની આડઅસરો હોવાથી તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરાતો હતો. આપણે ત્યાં આ સારવાર શરૂ કરતા પહેલાં પુરુષની લેબોરેટરી તપાસ કરવામાં આવતી નથી, પરંતુ દરેક વ્યક્તિના સીબીસી તથા સિકલંગ ટેસ્ટ થવા જોઇએ. આ તપાસ કરાવી યોગ્ય ડોક્ટર પાસેથી ઇન્જેક્શન લેતા શીખી શકો છો અને જરૂર હોય ત્યારે ખુદ કે પત્નીની મદદથી લઇ શકો છો. અથવા તો ડોક્ટરની તપાસ બાદ જ વાયગ્રા ગોળી લેવી જોઇએ, પરંતુ નાઇટ્રાઇટ કમ્પાઉન્ડ ધરાવતી કોઇ પણ દવા વાયગ્રા સાથે ન લેવી જોઇએ. જો આ બંને ગોળીઓ ભેગી થઇ જાય તો જાનનું જોખમ પણ છે. શીઘ્રપતન માટે ચિંતા કરવા જેવું નથી, યોગ્ય નિદાન કરવામાં આવે તો માત્ર ગણતરીના દિવસોમાં જ શીઘ્રસ્ખલનમાં ફાયદો થઇ જતો હોય છે. સમસ્યા: મારા દીકરાની ઉંમર 8 વર્ષની છે અને એ વારંવાર પોતાની ઇન્દ્રિય સાથે રમ્યા કરે છે. ના પાડીએ તેમ વધુ કરે છે. મને ડર લાગે છે કે શું મારો દીકરો ભવિષ્યમાં સેક્સ ક્રેઝી તો નહી થાય ને?
ઉકેલ: નાની વયમાં વારંવાર ઇન્દ્રિય પર પોતાના હાથ લગાડવા/સ્પર્શ કરતા જોવા મળે છે. એ સાધારણ પ્રક્રિયા છે. જો તમે ધ્યાન આપશો તો તે તેના કાન, નાક ઉપર પણ હાથ ફેરવતો જોવા મળે છે, પરંતુ આપણે ત્યાં ધ્યાન નથી આપતા, કારણ કે આને આપણે સહજ ગણીએ છીએ. આપણે ભૂલી જઇએ છીએ કે જે રીતે હાથ, કાન, નાક, આંખ શરીરના ભાગ છે તે જ રીતે ઇન્દ્રિય પણ શરીરનો ભાગ જ છે, પરંતુ આ વાત આપણે ભૂલી જઇએ છીએ. તેથી જ ઇન્દ્રિય ઉપર હાથ લગાડવાને વિકૃતિ ગણીએ છીએ. માણસનો સ્વભાવ જ એવો છે કે જેની ના પાડશો એ વસ્તુ સૌથી પહેલા કરશે. પછી એ બે વર્ષનું બાળક હોય કે સિત્તેર વર્ષના કાકા. જ્યાં થૂંકવાની મનાઇ હોય ત્યાં જ સૌથી વધુ પાનની પિચકારી જોવા મળે છે. આપ બાળકની ચિંતા કરવાનું છોડી દો. આપ તેને ટોકવાનું બંધ કરો. જવલ્લે એવું પણ બને કે બાળક જ્યાં હાથ વારંવાર લગાડે ત્યાં કોઇ લાલાશ કે ઇન્ફેક્શન પણ થયેલું હોય. જો આમ હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, નહીં તો નહીં.
[email protected]

x
રદ કરો

કલમ

TOP