અર્થનું તંત્રઃ આજે ડૉલર, કાલે યૂરો...

Chandrakant Bakshi article

Chandrakant Bakshi

Jul 13, 2018, 04:48 PM IST

ડૉલર વિશ્વના અર્થતંત્રનો દેવતા છે. ડૉલર દુનિયાભરમાં ચાલે છે અને જગતમાં કોઈ પણ દેશમાં ડૉલર આંતરરાષ્ટ્રીય પ્રવાસી માટે મુખ્ય ચલણ છે. ૧૯૬૬માં ૪.૭૬ રૂપિયાનો એક ડૉલર હતો. ૧૯૭૧માં ૭.૫ રૂપિયાનો એક ડૉલર હતો. ડૉલર ક્રમશ: મોંઘો થતો ગયો, ૧૯૭૬માં ૮.૬૫ રૂપિયાનો એક ડૉલર, - અને ૧૯૮૩માં ૯.૬૩ રૂપિયાનો એક ડૉલર થઈ ગયો. ૧૯૮૭ આવતાં સુધીમાં ડૉલરનો ભાવ ૧૨.૭૯ રૂપિયા થઈ ગયો. પછી ક્રમશઃ ડૉલર મોંઘો થતો ગયો. ૧૯૯૧માં ભાવ ૧૭.૯૫ રૂપિયા, ૧૯૯૨માં ૨૪.૫ર રૂપિયા, ૧૯૯૪માં ૩૧.૩૬ રૂપિયા, - ૧૯૯૯માં ૪૨.૦૬ રૂપિયા અને ૨૦૦૨માં ૪૭.૦૯ રૂપિયા ડૉલરનો ભાવ હતો! દુનિયાના અર્થતંત્ર પર અમેરિકા છવાઈ રહ્યું હતું, છવાઈ ગયું હતું.

અમેરિકાના અર્થતંત્રને સમજવા માટે થોડા શબ્દો સમજવા પડશે. લાખો-કરોડો અને મિલિયન જેવા શબ્દોથી અમેરિકન અર્થતંત્ર સમજાશે નહીં. આજે મિલિયન અને બિલિયન શબ્દો ચારે તરફ ઊછળતા રહે છે. ગુજરાતીમાં આર્થિક વિષયો પર લખનારા તજજ્ઞો પણ આ વિશે અંધારામાં છે. બિલિયન સંખ્યા ઇંગ્લેન્ડ અને અમેરિકામાં એક જ છે, ૧૦ લાખ, અથવા ૧ ઉપર ૬ મીંડાં! બિલિયન શબ્દ જરા ચર્ચાસ્પદ છે. અમેરિકામાં બિલિયન એટલે આપણો એક અબજ, એટલે ૧ ઉપર ૯ મીંડાં! પણ ઇંગ્લેન્ડમાં બિલિયન એટલે ૧ ઉપર ૧૨ મીંડાં! એટલે અમેરિકન બિલિયન ઇંગ્લેન્ડના બિલિયન કરતાં નાનો છે, અમેરિકામાં જો ૧ ઉપર ૧૨ મીંડાં હોય તો એને ટ્રિલિયન કહે છે. પણ ઇંગ્લેન્ડમાં ૧ ઉપર જો ૧૮ મીડાં હોય તો એને 2 ટ્રિલિયન કહેવાય છે. (અમેરિકામાં આને માટે ક્વિન્ટિલિયન શબ્દ છે.) અમેરિકામાં એક કાલ્પનિક શબ્દ પણ છે : ઝિલિઅન, એનો કોઈ અર્થ નથી, બસ કલ્પનાતીત ધનવાન એ ઝિલિયોનેર છે...! રાજીવ ગાંધીના ૧૯૮૫થી ૧૯૮૯ સુધીના કાળમાં પાંચ વર્ષમાં પાંચ અર્થમંત્રીઓ આવી ગયા હતા. રાજીવ ગાંધીએ શોર્ટ ટર્મ અથવા ટૂંકા સમયની લોન લેવી શરૂ કરી હતી, જેના વ્યાજદર વધારે હતા. ૧૯૮૫થી ૧૯૮૯ સુધીના રાજીવ ગાંધી કાળમાં 1 ભારતે ૧૭ બિલિયન ડૉલરનાં શસ્ત્રો ખરીદ્યાં હતાં, જે ત્રીજા વિશ્વના કોઈ પણ દેશ કરતાં સૌથી વધારે હતાં. ૧૯૯૧માં હિન્દુસ્તાનનું વિદેશી દેવું ૭૦ બિલિયન ડૉલરથી વધી ગયું હતું. આજે ઓક્ટોબર ૨૦૦૩ના અંતે વિદેશી ડૉલર ભંડોળ ૯૧ બિલિયન ડોલરનું છે, જે આપણે માટે રેકર્ડરૂપ છે, અને ૪૫.૩૦ રૂપિયાનો એક ડૉલર છે. વિદેશોથી જે લોન લેવાય છે એ ડૉલરમાં હોય છે અને એ લોન ડૉલરમાં પાછી આપવાની હોય છે. એ લોન પરનું વ્યાજ પણ એ વખતે પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે ડૉલરમાં જ ચૂકતે કરાય છે. માટે દરેક દેશે ડૉલર કમાવા પડે છે. અથવા ખરીદવા પડે છે. ડૉલર મજબૂત રહેવાનું આ પણ એક પ્રધાન કારણ છે. હિન્દુસ્તાન પાસે આજે ડૉલરનું વિદેશી ભંડોળ છે એ દેશની એક અપ્રતિમ આર્થિક સિદ્ધિ છે.

પેટ્રોલ ઉત્પાદનની બાબતમાં રશિયા વિશ્વમાં આજે બીજા સ્થાને છે. રશિયા પોતાનું ઘણુંખરું પેટ્રોલ યુરોપના દેશોને વેચે છે, અને યુરોમાં બધા જ સોદા કરવાનું ગંભીરતાથી વિચારે છે

અમેરિકા આજે વિશ્વની એકમાત્ર, સામરિક મહાસત્તા છે અને આર્થિક મહાસત્તા પણ છે. તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ હર્બર્ટ હૂવરે ઓક્ટોબર ૧૯૨૯માં કહ્યું હતું કે આપણું ઉત્પાદન અને વિતરણ બહુ સંગીન સ્થિતિમાં છે એટલે કોઈ ચિંતા નથી. હાર્વર્ડ ઇકોનોમિક સોસાયટીએ સપ્ટેમ્બર ૧૯૨૯માં વિધાન કર્યું હતું કે આર્થિક મંદીની કોઈ શક્યતા નથી અને આ પછી જ અમેરિકા ભયંકર આર્થિક ચપેટમાં આવી ગયું હતું. આજે એવી ચિંતા ફરીથી સપાટી પર આવી રહી છે. અમેરિકામાં ૩૦ સપ્ટેમ્બર એ આર્થિક વર્ષની સમાપ્તિ ગણાય છે અને ૨૦૦૩ના વર્ષમાં ૩૭૪ બિલિયન ડૉલરની ખાધ અંદાજવામાં આવી છે, જે ૨૦૦૨ના વર્ષમાં ૧૫૮ બિલિયન ડૉલર હતી! અને અમેરિકન સરકાર એ વાતનો સંતોષ લે છે કે, માત્ર ત્રણ માસ પહેલાં જ આ ખાધ ૪૫૫ બિલિયન ડૉલરની થઈ જશે એવો ભય હતો. પણ ૨00૪ના વર્ષમાં અમેરિકન બજેટમાં પ૦૦ બિલિયન ડૉલરની ખાધ પડશે એવું સરકારી સૂત્રો માને છે.

અમેરિકાનું બજેટ રાક્ષસી બજેટ છે. ૨૦૦૨ના વર્ષમાં આવક ૧.૮૫૩ ટ્રિલિયન ડૉલરની હતી, પણ ૨૦૦૩ના વર્ષમાં આ આવક ઘટીને ૧.૭૮૨ ટ્રિલિયન ડૉલરની થઈ ગઈ છે. વ્યક્તિગત ઈન્કમટેક્સ ૬૪ બિલિયન ડૉલર ઘટીને ૭૯૪ બિલિયન ડૉલર થયો છે, અને કોર્પોરેટ ટેક્સની કમાણી ૧૬ બિલિયન ડૉલર ઘટીને ૧૩૨ બિલિયન ડૉલર સુધી ઊતરી ગઈ છે. સરકારી ખર્ચ છે જે ૨.૦૧૧ ટ્રિલિયન ડૉલર હતો એ વધીને ૨.૧૫૭ ટ્રિલિયન ડૉલર થઈ ગયો છે. વર્ષ દરમિયાન મિલિટરી પાછળ થયેલા ખર્ચમાં ૫૭ બિલિયન ડૉલરની વૃદ્ધિ થઈ છે અને એ આંકડો ૩૮૯ બિલિયન ડૉલર સુધી પહોંચી ગયો છે. સોશિયલ સિક્યુરિટીમાં ૧૯ બિલિયન ડૉલરની વૃદ્ધિ થઈ છે અને આંકડો ૫૦૮ બિલિયન ડૉલર સુધી પહોંચી ગયો છે. અમેરિકન બજેટના આંકડા સામાન્ય રીતે પ્રાપ્ત થતા નથી, પણ આ આંકડા સાઉદી અરબના રિયાધથી પ્રકટ થતા ‘આરબ ટાઈમ્સ’ના ઓક્ટોબર ૨૨, ૨૦૦૩ના પત્રમાંથી લીધા છે. (અમેરિકામાં ૧ ઉપર ૧૨ શૂન્ય હોય એને ટ્રિલિયન કહે છે.) વિશ્વના અગ્રણી અર્થતજ્જ્ઞો આ રાક્ષસી આંકડાઓ જોઈને વિધાન કરતા રહે છે કે આ આંકડા એક સ્વસ્થ અર્થતંત્રના નથી. એમના મતે ડૉલરનું ભાવિ ક્રમશઃ અંધકારમય થતું જાય છે.

પેટ્રોલ અથવા ઑઇલ વિશ્વના અર્થતંત્રમાં બહુ જ મોટો ભાગ ભજવે છે. બેરલના ૩ ડૉલર હતા, પ થયા, ૧૨ થયા અને એક એવી સ્થિતિ પેદા થઈ કે બેરલના ૩૦ ડૉલર થઈ ગયા. પૂરા વિશ્વનું અર્થતંત્ર ખળભળી ગયું હતું. પેટ્રોલનું પેમેન્ટ ડૉલરમાં જ થવું જોઈએ એવો સાઉદી અરબ સરકારનો આગ્રહ અમેરિકન સહમતિથી હતો. માટે દરેક દેશને પેટ્રોલ ખરીદવા માટે ડૉલરના ગંજાવર ચલણની જરૂર પડતી હતી અને અમેરિકા ડૉલરો છાપતું રહેતું હતું. પેટ્રોલ અને વિશ્વની ઘણી ખરી કોમોડિટી ખરીદવા માટે ચલણ રૂપે ડૉલરની જ ઉપયોગિતા હતી. ફલતઃ ડૉલર વિશ્વની કરન્સી બની ગયો હતો. વીસમી સદીના આરંભમાં આર્થિક વ્યવહાર માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ હતું અને દરેક દેશ સોનાનો સંગ્રહ કરતો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડનો પાઉન્ડ સ્ટર્લિંગ જગતભરમાં ચલણ રૂપે સ્વીકારાતો ગયો, જે બીજા વિશ્વયુદ્ધ સુધી ચાલ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન ડૉલર સર્વોપરિ બન્યો અને વિશ્વચલણ બની ગયો. આજે સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે અને એનો પ્રત્યાઘાત વિશ્વની આર્થિક સમતુલાને અસ્થિર કરી નાંખશે એવો ભય છે. આજે અમેરિકન ડૉલર સામે સંયુક્ત યુરોપનું ‘યુરો’ ચલણ અત્યંત સશક્ત થતું જાય છે. ઘણા વિશેષજ્ઞો માને છે કે આવતીકાલના વિશ્વનું ચલણ યુરો બની શકે છે. ઘણા દેશો ખરીદ-વેચાણના માધ્યમ તરીકે હવે ડૉલરને બદલે યુરોનો ઉપયોગ કરે છે અને યુરોમાં જ આંતરરાષ્ટ્રીય લે-વેચ થાય એવો આગ્રહ રાખે છે.

પેટ્રોલ ઉત્પાદનની બાબતમાં રશિયા વિશ્વમાં આજે બીજા સ્થાને છે. રશિયા પોતાનું ઘણુંખરું પેટ્રોલ યુરોપના દેશોને વેચે છે, અને યુરોમાં બધા જ સોદા કરવાનું ગંભીરતાથી વિચારે છે. નવેમ્બર ૨૦૦૦માં ઇરાકે ડૉલર છોડીને યુરો અપનાવ્યો હતો અને ઘણાના મતે અમેરિકાના ઇરાક પરના આક્રમણ પાછળનાં કારણોમાં આ પણ એક પ્રમુખ કારણ હતું. ૧૯૯૯થી ઇરાન યુરો તરફ જવાનો વિચાર કરતું રહ્યું છે. વેનેઝુએલા એનું કેટલુંક પેટ્રોલ જૂના જમાનાની એક્સચેન્જ પ્રથા પ્રમાણે આપીને સામે માલ લે છે. યુરો છેલ્લા ૧૮ મહિનામાં ડૉલરની સામે ૩૦ ટકા મજબૂત બન્યો છે. જેમજેમ યુરોનું ચલણ વધશે. એમએમ ડૉલરની મોનોપોલી કમજોર થતી જશે.

વિશ્વના દેશોને ડૉલર ખરીદવાની જેમજેમ ઓછી જરૂર પડશે એમએમ ‘ડોમીનો ઇફેક્ટ’ આવશે. (ડોમીનો ઈફેક્ટ એટલે ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ધરાશાયી થવાની ઘટનાનું સત્ય. ચોથો માળ ત્રીજા પર પડે, પછી ચોથો અને ત્રીજો બીજા પર પડે, પછી ચોથો, ત્રીજો, બીજો નીચેના પહેલા પર પડે, અને વધતું વજન પૂરી ઇમારતને ધરાશાયી કરી નાંખે. આ ડોમીનો ઈફેક્ટ કહેવાય છે). જો ડૉલર તૂટશે તો વિશ્વના અર્થતંત્ર પર ડોમીનો ઈફેક્ટ આવી જશે એવું તજ્જ્ઞોનું માનવું છે. અર્થતંત્ર એ શેરબજારનો ભાવાંક કે ક્રિકેટના સટ્ટાના આંકડા માત્ર નથી. અર્થતંત્ર એક આંતરરાષ્ટ્રીય પારસ્પરિક અવલંબનનો અભિન્ન હિસ્સો છે. સુવર્ણથી પાઉન્ડ સ્ટર્લિંગથી, ડૉલરથી, કદાચ યુરો સુધીની આર્થિક મજલના આપણે સાઝેદાર થવાનું છે, અને થયા છીએ. વર્ષો પહેલાં ૧૯૩૦ના દશકમાં જવાહરલાલ નેહરુએ કહ્યું હતું લાઈફ ઈઝ ઈન્ટરનેશનલ! જીવન આંતરરાષ્ટ્રીય છે. એ વખતે ગ્લોબલાઈઝેશન કે વૈશ્વિકીકરણ શબ્દ હજી બજારમાં આવ્યો ન હતો...

ક્લોઝ અપઃ
ક્ષીણે પયે મર્ત્યલોકં વિશન્તિ
(અર્થ : પુણ્યો ખૂટે છે ત્યારે મૃત્યુલોકમાં પ્રવેશ થાય છે.)
(મૂળ પ્રકાશન તારીખઃ 30 નવેમ્બર, ૨૦૦૩)

X
Chandrakant Bakshi article

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી