Divya Bhaskar

Home » Rasdhar » ચંદ્રકાંત બક્ષી
‘બક્ષીબાબુ’એ લેખ, નવલકથા, ટૂંકી વાર્તા, પ્રવાસ વર્ણન સહિત અનેક સાહિત્ય પ્રકારોમાં ખેડાણ કર્યું હતું.

અન્યાયબોધની પરંપરા

  • પ્રકાશન તારીખ13 Jul 2018
  •  

શ્રીમતી ઇન્દિરા ગાંધીને અંગ્રેજ પત્રકારોએ પૂછ્યું કે અમારે

તમને શું સંબોધન કરવું, અને શ્રીમતી ગાંધીએ તરત કહ્યુંઃ સર! શ્રીમતી ગાંધી કહેતાં કે સ્ત્રી એ પુરુષની જૂનામાં જૂની કોલોની કે ઉપસંસ્થાન છે. પુરુષ વિધુર થાય તો એના વિષે કોઈ કવિતા લખતું નથી, પણ હિન્દી કવિ નિરાલાએ વિધવા વિષે લખ્યું છે :
દુ:ખ રૂખે – સુખે અધર ત્રસ્ત જીવન કો
વહ દુનિયા કી નઝરોં સે દૂર બચા કર
રોતી હૈ અફૂટ સ્વર મેં
દુઃખ સુનતા હૈ આકાશ ધીર
નિશ્ચલ સમીર
સરિતા કી વે લહરેં ભી ઠહર-ઠહર કર.....!

સંસ્કૃતમાં નાટકનું નામ પણ “અભિજ્ઞાન શાકુન્તલમ્” હોય છે, અભિજ્ઞાન દુષ્યન્તમ્ નથી. સ્ત્રીને થતો અન્યાય લગભગ એક
સ્વીકૃત પરંપરા છે, જગતના ઘણાખરા સમાજોમાં.

અલ્જિરીઆથી અફઘાનિસ્તાન અને ઇરાનથી
સુદાન સુધીના પૂરા ઈસ્લામિક વિશ્વમાં સ્ત્રીએ શું પહેરવું, કેટલી મર્યાદા રાખવી, વાળ ઢાંકવા કે નહીં એ વિષે સખ્ત સામાજિક - ધાર્મિક નિયમો છે, જેને કોઈ ઈસ્લામી સરકાર સ્પર્શ કરી શકતી નથી. નાઈજિરિયાના ઉત્તરમાં શરિયા ન્યાયાલયો છે જે સ્ત્રીને દુષ્ચરિત્ર માટે કોડાના ફટકાઓ અને પથ્થરો મારી મારીને ખતમ કરે છે. ઇજિપ્તમાં પતિ વિદેશમાં હોય અને સંતાન થાય તો એને નાગરિકત્વ અપાતું નથી, કારણ કે નાગરિક અધિકાર માત્ર મર્દો જ આપી શકે છે. ઘણા ખરા આરબ દેશોમાં પાસપોર્ટ લેવો હોય કે


વિદેશ પ્રવાસ કરવો હોય તો પિતા, પતિ કે પાલક પુરુષની સ્પષ્ટ અનુમતિ વિના એ શક્ય નથી. સાઉદી અરબમાં મહિલા દ્વિચક્રી વાહન કે સાઇકલ કે મોટરકાર ચલાવી શકતી નથી, કારણ કે કાનૂનન નિષેધ છે. મધ્ય એશિયાના કિરગીઝસ્તાનમાં પત્ની ગર્ભવતી હોય કે એને એક વર્ષથી નાનું સંતાન હોય તો તલાક આપી કે લઈ શકાતી નથી. યમનમાં સરકારી કાયદો છે કે સ્ત્રીએ પુરુષના તાબેદાર થવું, એની સાથે સહશયન કરવું અને એની રજા વિના ઘરની બહાર નીકળવું નહીં. સ્વાઝીલેન્ડમાં પરણેલી સ્ત્રી કાનૂનની દૃષ્ટિએ નાબાલિગ કે માઇનોર ગણાય છે. સ્ત્રી પર પ્રતિબંધો અમુક ગૈર-ઈસ્લામી દેશોમાં પણ વત્તા-ઓછા પ્રમાણમાં છે. વેનેઝુએલામાં એવો કાયદો છે કે પુરુષ જો પોતાની પરિચિત સ્ત્રીને રેપ કરે અને એને સજા થાય એ પહેલાં જો એ પરણી જાય તો પુરુષને સજા થતી નથી. કોંગોમાં સ્ત્રીને જો બેંકમાં ખાતું ખોલાવવું હોય કે નોકરી લેવી હોય તો પતિની


રજા લેવી જરૂરી છે. યુગાન્ડાની અમુક જાતિઓમાં પુરુષને એના કે બધા જ મરેલા ભાઈઓની પત્નીઓ ‘વારસા’માં પત્નીઓ તરીકે મળે છે, કુવૈતમાં સ્ત્રીઓને હજુ મતદાનનો અધિકાર નથી. થાઈલેન્ડમાં દેશની આંતરિક આવકનો ૧૪ ટકા હિસ્સો વેશ્યાલયો અને સેક્સ-ઉદ્યોગ દ્વારા આવે છે.

યુગાન્ડાની અમુક જાતિઓમાં પુરુષને એના કે બધા જ મરેલા ભાઈઓની પત્નીઓ ‘વારસા’માં પત્નીઓ તરીકે મળે છે.

અને ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં સ્ત્રીઓની પ્રગતિ પણ અમર્યાદ થતી રહી છે. આજે દેશની રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી તરીકે સ્ત્રી કેટલાક દેશોમાં છે, અને એ દેશોનાં નામો સેનેગાલ, ફિનલેન્ડ, લાતવિયા, બાંગ્લાદેશ, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ! અને જે દેશોમાં સ્ત્રી પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ તરીકે આવી ચૂકી
છે એ દેશોનાં નામો: આઈસલેન્ડ, ઇંગ્લેન્ડ, નોર્વે, ઇઝરાયલ, હિન્દુસ્તાન, શ્રીલંકા, પાકિસ્તાન! સ્ત્રીની પ્રગતિ અને વિગતિ, બંનેના છેડાઓ આત્યંતિક છે.....!

સ્ત્રીને અન્યાયબોધ થવો પરંપરાએ સ્વીકારેલી એક સામાન્ય સ્થિતિ છે. ઇતિહાસમાં પંડિતરાજ જગન્નાથની ઘટના છે. મુઘલ શાહજાદા દારા શિકોહને સંસ્કૃત શીખવવા આંધ્રપ્રદેશથી વારાણસી
આવીને વસેલા પંડિતરાજ જગન્નાથને દારાને શીખવવા માટે દિલ્હી દરબારમાં આવવા આમંત્રણ મળ્યું. ત્યાં જગન્નાથને એક મુસ્લિમ સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો, પરણ્યા અને અત્યંત વિરોધી હવામાનમાં પણ અટલ રહ્યા. અંતે જીવનના અંતિમ દિવસોમાં ‘ગંગાલહરી' લખી. કહેવાય છે કે જગન્નાથ અને એમની ‘યવન' પત્ની કાશીમાં ગંગા નદીને કિનારે પગથિયાં પર બેસી ગયાં. કવિરાજ એક એક પદ ગાતા રહ્યા અને ગંગામૈયાનું પાણી એકએક પગથિયું ચડતું ગયું.

‘ગંગાલહરી'નું પઠન શેષ થયું અને ગંગામાં બંનેની જલસમાધિ થઈ ગઈ. સંસ્કૃતના પ્રકાંડ પંડિતની ભાર્યાનો આ અંત આવ્યો. દક્ષિણના તિરુપતિના ભગવાન ચંદ્રેશ્વર અને એમની પત્ની પદ્માવતી વિષે બધાને ખબર છે. પણ એમને બીવી નાન્ચારી નામની એક મુસ્લિમ પત્ની હતી, અને એને માટે એક જુદું મંદિર છે....!

સ્ત્રીને થતા અન્યાયની પરંપરા કદાચ મહાભારતનાં કેટલાંક પ્રમુખ સ્ત્રીપાત્રોની સંવેદનાઓ અને યાતનાઓથી શરૂ થાય છે. રાજા શાન્તનુની પત્ની સત્યવતી પોતાના જ જીવન દરમિયાન કેટલાં સ્વજનોનાં અવસાનો જુએ છે? પતિ શાંતનુ, પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય અને પૌત્ર પાંડુ! પુત્ર વેદવ્યાસ કદાચ અંતિમ આશ્રય હતો. અંતે વિરક્ત થઈને સત્યવતી તપોવનમાં ચાલી જાય છે. ગાંધારીનો વિષાદયોગ પ્રસિદ્ધ છે. જીવનભર આંખ ઉપર પટ્ટીઓ બાંધીને અંધ પતિ સાથે જીવનયાપન કરવું એ પ્રથમ વિષમતા હતી. બધાં જ સંતાનો મૃત્યુ પામે છે, અને નિશ્ચલ ગાંધારી પુત્ર દુર્યોધનને વિજયની આશિષ પણ આપતી નથી.

કુંતી મહાભારતનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ત્રીપાત્ર છે. કૌમાર્ય દરમિયાન જન્મેલો કર્ણ કુંતીને અંત સુધી એક કસક આપે છે, અને સપત્ની માદ્રીના પુત્રો સહદેવ અને નકુલને એ પોતાના ગણીને રાખે છે. શ્રીકૃષ્ણની માતા દેવકીનાં સાત સંતાનોની મામા કંસ દ્વારા હત્યા થાય છે, કારાવાસમાં વાસુદેવ અને દેવકીને અમાનવીય યંત્રણાઓ સહન કરવી પડે છે. પણ એ શ્રીકૃષ્ણ જેવા ઇતિહાસ પુરુષ અને યુગપુરુષની માતા છે. દ્રૌપદીએ સહન કરેલા અન્યાયબોધથી સંપૂર્ણ મહાભારત છલકી રહ્યું છે. હિંદુધર્મનાં બે આદર્શતમ સ્ત્રીપાત્રો, સીતા અને દ્રૌપદી, જીવનભર સંઘર્ષરત રહે છે. યંત્રણાઓ અને યાતનાઓ, ક્રમશઃ સતત આવતી રહે છે. કદાચ માટે જ એ ભારતીય નારીના આદર્શો છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે...

ક્લોઝ અપઃ નાટક એ દરેક પ્રજાના સંસ્કાર અને અસ્તિત્વનો પ્રતિઘોષ છે. રવિવાર એપ્રિલ ૧૩, ૨૦૦૩નાં મુંબઈનાં ગુજરાતી વર્તમાનપત્રોમાંથી મંચન થઈ રહેલાં નાટકોનાં ગુજરાતી શીર્ષકો :

- સૈયર, તું આવે તો જાણું
- પ્રેમનો પબ્લિક ઈશ્યુ
- હું તને ગમવા લાગી
- જલદી કર, કોઈ જોઈ જશે
- ઊંધિયું
- મસાલા મામી
- અમે લઈ ગયા તમે રહી ગયા
- વટથી કહો અમે બૈરીનાં ગુલામ
- નટુ, આઈ લવ યુ

આ સિવાય કેટલાક ગજરાતી કાર્યક્રમોની જાહેરાતો રવિવાર, એપ્રિલ ૧૩, ૨૦૦૩નાં મુંબઈનાં વર્તમાનપત્રોમાં છે :

- શાહબુદ્દીન રાઠોડનો હાસ્યબગીચો
- કમ્માલ-ધમ્માલ (ડાન્સ, જોક્સ, મિમિક્રી)
- ખડખડાટ (ફૂલ ટાઈમપાસ-ન્યૂ કેન એન્જોય, ઈવન વિધ યોર વાઈફ!!!)

(મૂળ પ્રકાશન તારીખ:6 જુલાઇ 2003)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP