મેઘદૂત, ભારતનું રાષ્ટ્રીય કાવ્ય

Bholabhai Patel Article

Bholabhai Patel

Jul 13, 2018, 03:55 PM IST

હિમાલયમાં ગોમુખ-ગંગોત્રી જ્યાંથી ભાગીરથી ગંગાનો ઉદભવ થાય છે ત્યાંથી તે છેક સગરપુત્રોનો ઉદ્ધાર કરી સમુદ્રમાં એકરૂપ થાય છે, તે ગંગાસાગર સુધી ગંગાનાં અસંખ્ય અદભુત રૂપો છે. ગોમુખ આગળ વિગલિત હિમધારાઓ રૂપે અવતી ગંગા પ્રવાહ ધરી ગંગોત્રીમાં જે રીતસરની સરિતા બને છે, તે તો ગોમુખથી ગંગોત્રીની પદયાત્રા કરતાં અનુભવી શકાય. જાણે એ જ ભગીરથને પગલે ચાલતી પ્રાચીન ગંગા, વિષ્ણુના અંગૂઠામાંથી પ્રભવેલી! દેવપ્રયાગ આગળ સંગમસ્થળે એનો પ્રચંડ જલૌધ ભયાક્રાન્ત કરે અને ઋષિકેશ આગળ એ સૌમ્ય સરિતારૂપે દેખાય. હરિદ્વારમાં એ ગંગાને હરકી પૌડીમાં સાંધ્યઆરતી વખતે જુઓ તો આરતીની દીપશિખાઓની ઝલમલ જ્યોતિમાં એ ભિન્નરૂપે જ દેખાશે. એ જ ગંગા યમુનાને જ્યારે પ્રયાગરાજ આગળ મળી ગૌર-શ્યામ રૂપની દ્વિ-આભામાં જોઇએ ત્યારે નૂતન રૂપ.

પરંતુ ગંગાનો સમગ્ર વૈભવ પ્રગટ થાય છે વારાણસીમાં. વારાણસી કાશી એટલે તો શિવની નગરી. અવતરણ વખતે શિવની જટામાંથી ગૂંચવાઈ પછી બહાર નીકળેલી ગંગા અહીં મહામહિમાવતી બને છે- મોક્ષદા બને છે. બનારસ-કાશીનું ગંગાસ્નાન ભાવિક હિન્દુની આકાંક્ષા હોય છે. પરંતુ ગંગાસ્નાનમાં જ તીર્થફળની ઈતિશ્રી સમજવા યાત્રિકો બ્રહ્મમુહૂર્તે ગંગાના ઘાટ પર પહોંચી જઈ ધીરેધીરે ઊઘડતા પ્રકાશમાં ગંગાનાં વિપુલ જલપ્રવાહને અને પછી સૂર્યોદય થતાં એનાં ઝલમલ થતાં રૂપને જુએ તો અવશ્ય એને નેત્રનિર્વાણ તો એ ક્ષણે જ મળી જાય.

એક વહેલી સવારે આરતીના ઘંટનાદના શ્રવણ વચ્ચે વારાણસીની આ ગંગાના ઘાટ પરથી હોડીમાં બેઠા ત્યારે કેટલાક ભાવિકોએ વહાવેલા દીપ જળપ્રવાહમાં વહેતા જતા હતા. અમારી હોડીમાં દેશ-વિદેશના પ્રવાસી લેખકો હતા અને સૌ જાણે ઉત્સુક હતા કશાક નવોન્મેષ માટે. કાશીમાં ગંગા ઉત્તરવાહિની છે, પણ અમે પ્રવાહની સામે દક્ષિણ દિશાના ઘાટ પસાર કરતા નદીમધ્યેથી જઈ રહ્યા હતા. એક પછી એક ઘાટ, અહિલ્યાબાઈઘાટ, મુન્શીઘાટ પસાર થયા ત્યાં પૂર્વ દિશાની ક્ષિતિજે રતુંબડી આભા પ્રગટ થવા લાગી. એ લાલ આભામાં ગંગાપ્રવાહની ભવ્યતા દ્વિગુણ થઈ ઊઠી. અમારી બાજુમાં એ વખતે બૌદ્ધયાત્રિકોથી ભરેલી એક નાવ પસાર થઈ ગઈ. પૂર્વ દિશાના આકાશમાં પ્રગટેલી આભા ધીરે ધીરે ગંગાનાં નીલમ જળ પર પડવા માંડી અને ગંગાનું રૂપ મનોહર બનતું ગયું.

આ થોડી ક્ષણોની અદભુત લીલા જોઈ ચેતના પ્રસન્નતાથી દીપ્ત થઈ ઊઠી. હોડી ફરી સરવા લાગી. રાજાઘાટ સુધી પહોંચ્યા ત્યાં તો આરતીના ઘંટનાદ સંભળાયા, પછી વળી માનસરોવરઘાટ, કેદારઘાટ પસાર થયા

અહીં ક્ષણેક્ષણ જાણે ગંગાના પરિવેશને પરિવર્તિત કરી જતી હતી. ક્ષણોમાં તો ક્ષિતિજ પર લાલ સૂર્યની એક કોર ઝલકી ઊઠી અને હોડીના પ્રવાસીઓ જાણે પહેલીવાર જોતાં હોય એમ અંગ્રેજીમાં બોલી ઊઠ્યાં- “સન-સન-સન- (સૂર્ય). થોડીવારમાં આખો લાલ સૂર્ય – કહો કે સૂર્યબિંબ ઉપર આવ્યું અને ગંગાનાં જળ જાણે એ સૂર્યબિંબને પ્રતિબિંબિત કરવાને બદલે આકાશ જેટલી ઊંડાઈએ પોતાની અંદર ધારણ ન કરી રહ્યાં હોય એક નભે સૂર્ય, એક ગંગાજળે. જાણે સૂર્યનું ગંગાસ્નાન મઝધારથી થોડે દૂર પૂર્વમાં. એક યાત્રિકો ભરેલી હોડી અમારી હોડીને સમાંતર જતી હતી, તે પ્રકાશલીલામાં ચિત્રમાં આલેખી હોય તેવી દેખાતી હતી. આખું આ દૃશ્ય જાણે અપાર્થિવ! હજારો વર્ષોથી આમ પ્રભાત થતું હશે અને સૂર્યના ગંગાજળમાં આમ અવગાહન થતું હશે. આ ક્ષણે- આ અદભુત સંધિક્ષણે અમે એના સાક્ષી બની રહ્યા, તે અમારી આંખોને માટે ધન્યતા હતી. નાવિકે થોડીવાર હોડી સ્થિર કરી દીધી. મારા સહયાત્રી શ્રીલંકાના બૌદ્ધ ધર્માવલંબી ધર્મસીરીએ જાણે ધ્યાનસ્થ નેત્રોએ આ દૃશ્યને અંદર ઊતારી લીધું. મેં તેમને કહ્યું – “કવિતા રચી શકાય તેવું દૃશ્ય છે. તેઓ બોલી ઊઠ્યા - “એક નહીં, હજાર કવિતાઓ રચી શકાય!'

- અને મારી પાસેની નાનકડી ડાયરી લઈને તરત અંગ્રેજીમાં થોડી પંક્તિઓ ઉતારી દીધી. સૂરજ ગંગાદેવી સાથે સ્મિત કરી રહ્યો છે અને ગંગાદેવી સૂરજ સાથે સ્મિત કરી રહ્યાં છે. તેમનાં સોનેરી કિરણોથી સમગ્ર વિશ્વની માનવજાતિ જાણે સ્મિત કરી રહી છે. આકાશમાંથી હવે સૂર્યકિરણો ગંગાપ્રવાહમાં પ્રતિબિંબિત થતાં હતાં અને જાણે દીર્ઘદીર્ઘ સુવર્ણસ્તંભો આકાશથી ગંગાનાં જળ સુધી લંબાઈ આવ્યાં હતાં. ગંગાપટ પર એક બીજું સૂર્યોજ્વલ આકાશ ઊતર્યું હતું શું!

આ થોડી ક્ષણોની અદભુત લીલા જોઈ ચેતના પ્રસન્નતાથી દીપ્ત થઈ ઊઠી. હોડી ફરી સરવા લાગી. રાજાઘાટ સુધી પહોંચ્યા ત્યાં તો આરતીના ઘંટનાદ સંભળાયા, પછી વળી માનસરોવરઘાટ, કેદારઘાટ પસાર થયા. ત્યાં તો કુમળો તડકો ઘાટને અજવાળી રહ્યો. તે સાથે હવે જાન્યુઆરીના ઠંડા પવનની લહરીઓએ શરીરમાં કંપ જગાવી લીધો. મને ભર્તૃહરિની પંક્તિ સ્મરણમાં આવી- ગંગાતરંગ હિમશીકર શીતલાનિ..... અને એ સાથે પંડિતરાજ જગન્નાથની ગંગાલહરીની અદભુત સ્તોત્રાવલિ, ‘નિધાનમ્ ધર્માણામ્ કિમપિ ચ વિધાનમ્ નવમુદામ્....’ ગંગા ધર્મોનું નિવાસસ્થાન છે, પણ ગંગાના સૂર્યોદય વેળાના આ દૃશ્યે અમને જે રમણીયતાનો સ્પર્શ કરાવ્યો, તે દિવ્યતા અને સુંદરતાનો સમન્વય હતો. હિન્દીમાં એક ઉક્તિ છે – સવાર બનારસની, સાંજ લખનઉની અને રાત માલવાની – સુબહે બનારસ, શામે અવધ અને શવે માલવા - આ ઉક્તિ કદાચ જુદા સંદર્ભમાં કહેવાઈ હશે, પરંતુ એ પ્રભાતે કાશીની ગંગામધ્યે સૂર્યોદયની વેળાએ જે ભૂમાતું – વિહાર રમણીયનું દર્શન થયું, તેથી મને પોતાને ‘સુબહે બનારસ’ નો નવો સંદર્ભ મળ્યો છે.

(મૂળ પ્રકાશન તારીખઃ 13 જુલાઇ 2003)

X
Bholabhai Patel Article

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી