તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શતાયુ ડો. વિક્રમ સારાભાઈને ‘ભારતરત્ન’ ક્યારે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન વિશેષ- ભદ્રાયુ વછરાજાની
ચંદ્રયાન લોન્ચ થયું ત્યારે પણ એ મહામાનવ વિજ્ઞાનીનું સૌએ સ્મરણ કર્યું, એટલે એક સહજ પ્રશ્ન થયો કે: ડો. વિક્રમ સારાભાઇને ‘ભારતરત્ન’ ક્યારે ઘોષિત થશે? આપણે એવું દુ:ખ ન કરીએ કે આજ સુધી કેમ ચૂકી જવાયું? હવે સાચી અસ્મિતાઓને ઊંચકીને રાષ્ટ્રગૌરવ વધારવાનો માહોલ ઊભો થયો છે ત્યારે એટલું સ્મરણ કરાવીએ કે સર્વતોમુખી પ્રતિભાવાન ‘ભારત વિશેષ’ વિક્રમ સારાભાઇ ‘ભારતરત્ન’ની આજ સુધીની યાદીમાં મોખરે રહે તેમ છે, એ ભૂલવા જેવું નથી. જોકે, આપણે સરખામણી નથી કરવી. શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ. ઉત્તમ તે ઉત્તમ. રત્ન તે રત્ન. ગુજરાતને વર્ષો પહેલાં સમગ્ર રાષ્ટ્રમાં ને વિશ્વભરમાં ઉજ્જ્વળ કરનાર ગુજરાતી એટલે ડો. વિક્રમ સારાભાઇ. આઝાદી પછીથી ગુજરાતની બુદ્ધિપ્રજ્ઞા-પ્રતિભાને પહેલીવાર વિશ્વસ્તરે જ નહીં, પણ બ્રહ્માંડ સ્તરે લઇ જનાર. વિક્રમ સારાભાઇ ‘ભારતરત્ન’ની યાદીમાં ઉમેરાય તો રાષ્ટ્રનું ગૌરવ વધે તે નક્કી. જેમના નામના ઉલ્લેખ વિના ‘ઇસરો’ (ISRO:Indian Space Research Organistation)ની સ્થાપના કે વિકાસની વાત અધૂરી રહે, તે ‘ઇસરો’ની સ્થાપના કરનાર વિક્રમ સારાભાઇ હતા, એ ‘ઇસરો’ને ઉજ્જ્વળ યાત્રાના પચાસ વર્ષ 2019માં થયાં. 1969થી 2019ની અડધી સદીની યાત્રા કરનાર ‘ઇસરો’ના સર્જક ડો. વિક્રમ સારાભાઇ જગતના વિશાળ ફલક પર Father of Indian Space Programme હોવાનું ગૌરવ ધરાવે છે.
12 ઓગસ્ટ, 1919ના રોજ બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઇનું આ જન્મશતાબ્દિ વર્ષ છે, બાવન વર્ષના ટૂંકા જીવનપથ દરમિયાન ‘ઇસરો’ની ભેટ આપ્યાનું આ અર્ધશતાબ્દિ વર્ષ છે ત્યારે તેઓને ‘ભારતરત્ન’નું સર્વોચ્ચ રાષ્ટ્ર સન્માન ઘોષિત કરીને ભારત પિતૃતર્પણ કરી શકે તેવી તક છે. હા, તેઓને 1966માં ‘પદ્મભૂષણ’ એનાયત થયેલું ને તેઓની અકાળે વિદાય બાદ 1972માં ‘પદ્મવિભૂષણ’ અર્પણ થયું. 1997માં ‘ભારતરત્ન’થી નવાજવામાં આવેલ તે એરોસ્પેસ એન્ડ ડિફેન્સ સાયન્ટિસ્ટી અને પછીથી ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ બનેલા ડો. એ. પી. જે. અબ્દુલ કલામ જ્યારે અમદાવાદ આવ્યા કે બેંગ્લુરુ આવ્યા ત્યારે તેઓએ ડો. વિક્રમ સારાભાઇની અપ્રતિમ સિદ્ધિને આદરથી સ્મરીને ભાવાંજલિ આપી છે. ઇસરોની મુખ્ય ઓફિસમાં પ્રવેશદ્વારે જ ડો. વિક્રમ સારાભાઇની પ્રતિમા ‘સ્વપ્નીલ વિજ્ઞાની ને ઉમદા માનવ’ની પ્રતીતિ કરાવે છે.
વિક્રમભાઇનું બાળપણ ખુલ્લા વિચારો ને રાષ્ટ્ર વિદ્વાનોની અવરજવર વચ્ચે વીત્યું. પિતા અંબાલાલ સારાભાઇએ સદીના મહામાનવ ગાંધીજીને કોચરબ આશ્રમ ચલાવવા માટે નાણાંની તાતી જરૂરિયાત હતી ત્યારે સહજને ગુમનામ રહીને સહાય કરેલી! સારાભાઇ કુટુંબને ગાંધીજી સાથે પ્રેમનાતો એટલે આ પરિવારના મહેમાનનિવાસમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, ગોપાલકૃષ્ણ ગોખલે, એની બિસેન્ટથી લઇને કલા-સાહિત્ય-સંસ્કૃતિમાં દિગ્ગજો આવતા રહેતા. વિક્રમભાઇ આવાં વ્યક્તિત્વોની નિશ્રામાં મોટા થયા. ઘરે ભણાવવા વિષયવાર તજ્જ્ઞો આવે. અમદાવાદની ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યા બાદ કેમ્બ્રિજ યુનિ.માં ઉચ્ચ અભ્યાસ કરવા પ્રવેશ મળે તે માટે વિક્રમ સારાભાઇના નામની ભલામણ ગુરુદેવ ટાગોરે કરેલી! સાચો વિજ્ઞાની કળાપ્રેમી હોય છે, તે સત્યને પુરવાર કરતા હોય તેમ વિક્રમભાઇ 
બેંગલુરુમાં નૃત્યાંગના મૃણાલિનીબહેનના પરિચયમાં આવ્યા. વિક્રમભાઇનાં માતા-પિતાએ નૃત્યાંગનાં પુત્રવધૂને વહાલથી સ્વીકારી. મૃણાલિનીબહેન પણ એક ઉચ્ચ વૈયક્તિક પ્રતિભા તરીકે અંતકાળ સુધી જીવ્યાં!
આઝાદી પછી ડો. હોમીભાભા અને ડો. વિક્રમ સારાભાઇએ દેશના સ્પેસ સાયન્સ અને ન્યુક્લિયર સાયન્સના ભાવિ આયોજન માટે દૂરંદેશીભર્યાં પગલાં ભર્યાં, જેનાં ફળ આજે દેશ ચાખી રહ્યો છે. ઇસરોની સ્થાપના સાથે જ ડો. વિક્રમભાઇની ચેરમેન તરીકે નિયુક્તિ થઇ. આ જોડીએ ભારે શોધખોળ પછી થુમ્બાની ઉપગ્રહ લોન્ચિંગ સ્ટેશન તરીકે પસંદગી કરી ને અવકાશી ઉપગ્રહો ભ્રમણમાં મૂકવા માટે ડો. વિક્રમ સારાભાઇએ શ્રીહરિકોટાની પસંદગી કરી. એકસાથે 104 ઉપગ્રહોને તરતા મૂકીને ફેબ્રુઆરી-2017માં ભારતે જે માઇલસ્ટોન અંકિત કર્યો તે ડો. વિક્રમભાઇએ વાવેલાં બીજનું વૃક્ષ થયાનો પુરાવો ગણાય! તેઓ તો Institution Builder હતા. કાપડની મિલોના આધુનિકીકરણ માટે કસ્તુરભાઇ લાલભાઇ સાથે મળીને ‘અટીરા’ સ્થાપ્યું, તો PRLની સ્થાપનામાં પણ સિંહફાળો! શ્રી અને શ્રીમતી વિક્રમ સારાભાઇનું યુગલ-પ્રદાન તે ‘દર્પણ એકેડેમી’ તો જગપ્રસિદ્ધ IIM-અમદાવાદના સર્જનમાં વિક્રમભાઇ ને ડો. જીવરાજ મહેતાનું પ્રયાસબળ કારણભૂત. ડો. હોમી ભાભાના અકાળે અવસાન પછી Atomic Energy Commissionના ચેરમેન નિમાયેલ ડો. વિક્રમ સારાભાઇનું માત્ર બાવન જ વર્ષે નિધન થયું. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કદી ન ભૂલી શકાય તેવા ઉમદા માનવીય વિજ્ઞાનીનું રાષ્ટ્ર સર્વોચ્ચ સન્માન કરવાની ઘડી ચૂકવા જેવી નથી. 
bhadrayu2@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser