તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દ્વારકાનું એ જ્ઞાનસત્ર...

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

 આ સ્મૃતિકથા છે. રે મઠ આંદોલનની કથા છે. એ દિવસોમાં સાહિત્ય પરિષદનાં જ્ઞાનસત્રો કેટલાં જીવંત લાગતાં હતાં! ઉમાશંકર સાહેબ હંમેશાં કહેતા હતા જે સાહિત્યમાં સોહરાબ-રુસ્તમ જેવી કુશ્તી નથી થતી એ સાહિત્યની ચિંતા કરવી જોઈએ. મુંબઈમાં સિતાંશુ અને પ્રબોધ પણ ‘યાહોમ’ લિટલ મેગેઝિન પ્રકાશિત કરીને આંદોલન ચલાવતા હતા. આધુનિકતાનું એ મોંસૂઝણું હતું. 
દૃશ્ય બદલાય છે. દ્વારકા જ્ઞાનસત્રની બપોરે એક વૃક્ષની છાયામાં લાભશંકર, આદિલ, રઘુવીર ચૌધરી અને રે મઠના કવિઓ બેઠા છે. સુરેશ જોશી ઘાસમાં આડે પડખે થઈને વાતો કરી રહ્યા છે. એવામાં લાભશંકર અને રઘુવીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. લાભશંકરના ગળાનો સાદ બેસી ગયો છે, પણ બોલાચાલી એટલી બધી વધી ગઈ કે લાભશંકરે ઊભા થઈને રઘુવીરને જોરદાર મુક્કાઓ મારવા શરૂ કરી દીધા. લાભશંકરના મોઢામાંથી ગાળોનો વરસાદ વરસવો શરૂ થઈ ગયો. આ મારામારીમાં રઘુવીરને હાથમાં લોહી પણ નીકળે છે. રઘુવીર સુરેશ જોશી સામે જોઈને કહે છે: ‘સુરેશભાઈ, તમે આ મારામારીમાં હિંસક રસ લઈ રહ્યા છો.’ સુરેશ જોશી કશું બોલ્યા નહીં, હું અવાક થઈ ગયો. આખો ડ્રામા ખૂબ ચાલ્યો એ પછી અચાનક શું થયું લાભશંકર અને રઘુવીર અચાનક પ્રેમથી ભેટી પડે છે. ચા મંગાવાય છે. કોઈ સોરીબોરી બોલતું નથી. આખું દૃશ્ય બદલાઈ ગયું. સુરેશ જોશીનું મોનાલિસા જેવું સ્મિત ફરકી રહ્યું છે. મારામારી શેમાંથી થઈ એનો સંદર્ભ હું નથી જાણતો, કદાચ રઘુવીર જાણતા હશે. એ પછીના દિવસોમાં લાભશંકરે આ દૃશ્યની મિમિક્રી મારી પાસે ખૂબ કરાવી હતી. એ જ ક્ષણે ફરી પાછું દૃશ્ય બદલાય છે.
મુંબઈથી પ્રબોધ પરીખની એન્ટ્રી થાય છે. પ્રબોધના હાથમાં એક મેનિફિસ્ટો છે. જેના કવરપેજ પર હિટલરની તસવીર છે. એ તસવીરની નીચે મોટા અક્ષરે લખ્યું છે : ‘હિટલર: ધ ઓન્લી ગોડ’ એ જ્ઞાનસત્રમાં મેનિફિસ્ટો વહેંચાયો હતો. એ ક્ષણે મને એવું ફીલ થતું હતું કે શું ગુજરાતી કવિતા ગાંધીનો અહિંસાનો માર્ગ છોડીને હિટલરના માર્ગે જશે? એક બાજુ રઘુવીર અને લાભશંકર વચ્ચેની હિંસક મારામારી એની એ જ ક્ષણે પ્રબોધનો આ મેનિફિસ્ટો આવ્યો? ટાઇમિંગ બહુ પરફેક્ટ હતું, પણ મારો મૂંઝારો વધતો જતો હતો. પ્રબોધના એ મેનિફિસ્ટોની તસવીર અહીં મૂકી છે. આ એક ક્ષણ હતી, પરંતુ એનો પડઘો લાભશંકર કવિતામાં પડ્યો છે. લાભશંકર માણસની વાત કરતા હતા. તેઓ હિટલરને ધિક્કારતા નહોતા  લાભશંકર ઈશ્વરમાં માને નહીં, પણ કહે કે,‘મારા માટે ગુડનેસ ઇસ ગોડ’ તેઓ માણસની અને પોતાની મૂર્ખતા ઉપર ખૂબ હશે. લાઠા હસે તો ખડખડાટ હસે. જલેબીના ગૂંચળા જેવું ખંધુ હાસ્ય એને આવડે નહીં. નરેન્દ્ર મોદીની વાત નીકળે ત્યારે ફક્ત એટલું જ કહે,‘આપણે કોઈને ધિક્કારી શકીએ નહીં. ધિક્કાર એ પણ હિંસા છે.’ મનુષ્યને ધિક્કારવો એ મારો ધર્મ નથી. મનુષ્ય માટે મારી પાસે એક જ ભાષા છે તે પ્રેમની ભાષા છે.’ પ્રબોધનો મેનિફિસ્ટો જોઈને લાઠા થોડુંક હસ્યા. કોઈની લીટી નાની કરીને પોતાની લીટી ક્યારેય મોટી કરે નહીં. પોતાને જે સર્જન ગમ્યું હોય તેને તરત એપ્રિશિયેટ કરે એટલું જ નહીં, પણ એના વિષે જાહેરમાં લખે લાભશંકર ખૂબ જ પારદર્શક સર્જક હતા. કવિની એક કાવ્યપંક્તિ છે : ‘હું ગાંધીને ચાહી શકતો નથી અને હિટલરને ધિક્કારી શકતો નથી.’ લાઠાને સમજવા માટે આ પંક્તિ બહુ મહત્ત્વની છે. તેઓ કહેતા કે આપણે કોઈને ધિક્કારી શકીએ નહીં. હિટલર પણ મનુષ્ય હતો. દ્વારકા જ્ઞાનસત્રમાં એક યુવાકવિ આવે છે અને પૂછે છે, ‘મારે રે મઠમાં આવવું છે પ્રવેશ આપશો?’ એ વખતે લાભશંકરે યુવાનને એટલું જ કહ્યું: ‘મારા કરતાં તમે રઘુવીર સાથે દોસ્તી કરો તો તમારી સાહિત્યિક કરિયરમાં બહુ ફાયદો થશે. રઘુવીર બધે પહોંચેલા છે અને હું હજી મારા સુધી પણ નથી પહોંચ્યો.’

joshi.r.anil@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો