લેખક વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટાર લેખક છે.

ગ્લૅમર વર્લ્ડની વાસ્તવિકતા ફ્લૅશલાઈટ્સ પાછળનું ખોફનાક અંધારું!

  • પ્રકાશન તારીખ09 Jan 2020
  •  
બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ
38 વર્ષીય ટીવી-ફિલ્મ એક્ટર કુશલ પંજાબીએ થોડા દિવસ અગાઉ મુંબઈમાં પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો. કુશલ પંજાબી ખૂબ જ માનસિક તણાવ અનુભવી રહ્યો હતો એવી વાત બહાર આવી છે. કુશલ પંજાબીએ 2015માં યુરોપિયન પ્રેમિકા સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને બાળક પણ હતું. એવી વાત પણ બહાર આવી હતી કે કુશલ પંજાબીના ડિવોર્સની પ્રક્રિયા ચાલુ હતી. કુશલ પંજાબીની આત્મહત્યાથી ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને આંચકો લાગ્યો છે, પણ સમયાંતરે આવી ઘટના બનતી રહે છે. ત્રણ વર્ષ અગાઉ ‘બાલિકા વધૂ’ સિરિયલથી જાણીતી બનેલી એક્ટર પ્રત્યુષા બેનર્જીએ પણ આત્મહત્યા કરી લીધી હતી.
2015માં ટીવી એક્ટર સંજિત બેદીનું માત્ર આડત્રીસ વર્ષની ઉંમરે સ્ટ્રેસને કારણે મૃત્યુ થયું એ પછી પણ એક્ટરની અસલામતી વિશે અને તેમને સ્ટ્રેસભર્યા વાતાવરણમાં કામ કરવું પડતું હોય છે એ વિશે મીડિયામાં ખૂબ લખાયું હતું (સંજિત બેદી ‘આહટ’, ‘કસૌટી જિંદગી કી’, ‘કોઈ જાને ના’, ‘સંજીવની’ જેવી અનેક ટીવી સિરિયલ્સમાં કામ કરીને પોપ્યુલર બન્યો હતો). તો પ્રત્યુષા બેનર્જીની આત્મહત્યા પછી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે સીને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (સિન્ટા)એ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહેલા કલાકારો માટે કાઉન્સેલિંગ સેશન રાખવાનું નક્કી કર્યું હતું.
ફેબ્રુઆરી 2018માં ‘ઐસી દીવાનગી દેખી નહીં કહીં’ના લીડ એક્ટર્સ જ્યોતિ શર્મા અને પ્રણવ મિશ્રાએ એ સિરિયલ છોડી દીધી હતી અને જાહેર કર્યું હતું કે પ્રોડ્યુસર્સ દ્વારા અમારા પર ભયંકર દબાણ કરાય છે અને અમારી સાથે અમાનવીય વ્યવહાર થાય છે જેના કારણે અમે આ શો છોડી દીધો છે. એ અગાઉ જ્યોતિ શર્મા અને પ્રણવ મિશ્રા સાથે માનવીય વ્યવહારના મુદ્દે જ્યોતિના ફિયાન્સે અને પ્રણવ મિશ્રાની પત્નીએ સિન્ટાની ઓફિસમાં જઈને ફરિયાદ
કરી હતી.
એ ઘટના પછી સિન્ટાના જનરલ સેક્રેટરી સુશાંત સિંહે કહ્યું હતું કે, ‘જ્યોતિ અને પ્રણવનો કિસ્સો અપવાદરૂપ નથી. ‘સંતોષી મા’ સિરિયલની અભિનેત્રી રતન રાજપૂત મને એ સિરિયલના સેટ પર મળી હતી એ વખતે તે મારી સામે કરગરી હતી કે મને રજા અપાવો, પ્લીઝ. મેં એક વરસથી મારાં માતા-પિતાને નથી જોયાં!’
આવી તો ઘણી ઘટનાઓ બનતી રહેતી હોય છે. સુશાંત સિંહે કહ્યું હતું કે ટીવી સિરિયલ્સમાં કામ કરતા કલાકારો પાસે તેમના પોતાના માટે સમય નથી હોતો, તેમના કુટુંબ માટે સમય નથી હોતો કે નથી તેની કોઈ સોશિયલ લાઈફ હોતી. આવી સ્થિતિમાં તેમનો માનસિક તણાવ વધી જતો હોય છે.
ઘણીવાર એવા કિસ્સાઓ બનતા હોય છે કોઈ આર્ટિસ્ટ કામ કરતાં કરતાં સેટ પર બેહોશ થઈ ને પડી જાય. આવું ખાસ કરીને દૈનિક ધારાવાહિક સિરિયલમાં વધુ બનતું હોય છે. આવા કિસ્સાઓમાં ઘણી વખત માનસિક તણાવ મેનેજ ન કરી શકવાને કારણે કલાકારો આત્મહત્યા કરી લેતા હોય છે. એક વખત એક પોપ્યુલર એક્ટર ફ્રેન્ડે મને કહ્યું હતું કે ફરી જન્મ લઈને મારી રીતે જીવવાની તક મળે તો હું સામાન્ય વ્યક્તિ તરીકેનું જીવન જ પસંદ કરીશ! અત્યારે મારી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ કે હું નથી તો આ બધું છોડી દેવાનું જોખમ લઈ શકતો કે નથી તો આ રીતે જ જીવવાનું મને પસંદ.
સૌ પ્રથમ ભારતીય ડેઈલી સિરિયલ ‘એક મહલ હો સપનોં કા’, ‘અકબર બિરબલ’ ‘ચાચા ચૌધરી’ સહિતની કેટલીય સિરિયલ્સ ડિરેક્ટ કરી ચૂકેલા જાણીતા ટીવી સિરિયલ-ફિલ્મ ડિરેક્ટર જયંત ગિલાટર આ મુદ્દે ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતાં કહે છે, ‘ટીવી સિરિયલ્સમાં, ખાસ તો ડેઈલી સોપમાં કામ કરતી વખતે સેટ પરની દરેક વ્યક્તિએ સ્ટ્રેસનો સામનો કરવો પડે છે. માત્ર કલાકારોએ જ નહીં, ડિરેક્ટર અને પ્રોડ્યુસરે પણ સ્ટ્રેસનો સામનો કરવો પડતો હોય છે. ચેનલનું પ્રોડ્યુસર પર દબાણ હોય છે, પ્રોડ્યુસર એ દબાણ ડિરેક્ટર પર ફોરવર્ડ કરે છે અને ડિરેક્ટરે સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને કલાકારો પાસેથી કામ કઢાવવું પડે છે. પ્રોડ્યુસર સમય પર એપિસોડ ન આપે તો ટીવી ચેનલ તેને ફાઈન ફટકારે છે. એને કારણે પ્રોડ્યુસર ડિરેક્ટર પર દબાણ કરતા હોય છે.’
જોકે, જયંત ગિલાટર કહે છે કે ડિરેક્ટર થોડો માનવીય અભિગમ દાખવીને કલાકારો માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરી શકે, તેઓ તેમની સોની ટીવી પર પ્રાઈમ ટાઈમમાં પ્રસારિત થયેલી સિરિયલ ‘થોડી ખુશી થોડે ગમ’ના શૂટિંગ વખતનો એક કિસ્સો યાદ કરતાં કહે છે, ‘એક વખત એ સિરિયલનો એક એપિસોડ કોઈ પણ રીતે નિશ્ચિત દિવસે જ પૂરો કરવાનું મારા પર દબાણ હતું. એ દિવસે જ સેટ પર સિનિયર એક્ટ્રેસ કલ્પના દીવાનની તબિયત બહુ ખરાબ થઈ ગઈ. તેઓ ઊભાં પણ રહી શકતાં નહોતાં. મારા માટે ધર્મસંકટ ઊભું થયું. હું તેમની સ્થિતિ પણ સમજતો હતો અને મારે કોઈ પણ હિસાબે એપિસોડ પૂરો કરવો જ પડે એમ હતો. એટલે મેં એ સીનમાં થોડો ફેરફાર કર્યો. કલ્પનાબહેને ચાલીને આવવાનું હતું અને ઊભાં-ઊભાં ડાયલોગ્સ બોલવાના હતા. એને બદલે મેં તેમને ખુરશી પર બેસાડીને એ સીન શૂટ કરી લીધો.’ જોકે, બધા ડિરેક્ટર્સ આ રીતે નથી વિચારતા હોતા. ‘સિયા કે રામ’ સિરિયલના શૂટિંગ દરમિયાન અભિનેત્રી મદિરાક્ષી મુંડલે સેટ પર જ વધુ પડતા શ્રમના કારણે બેહોશ થઈ ગઈ હતી. મદિરાક્ષીએ એ પછી કહ્યું હતું કે ટેલિકાસ્ટ માટે જરૂર પ્રમાણે મેં બત્રીસ-બત્રીસ કલાકો સુધી સેટ પર રહીને કામ કર્યું છે. સેટ પર હેવી લાઈટિંગ અને સતત કલાકો સુધી રાહ જોવાના કારણે એક્ટરની એનર્જી ખતમ થઈ જતી હોય છે. ઘણી વખત સેટ પર પ્રોપર વેન્ટિલેટર પણ નથી હોતું અને ક્રાઉડ વધુ હોય છે એના કારણે પણ ગૂંગળામણનો અનુભવ થતો હોય છે.
જાણીતી અભિનેત્રી ગૌતમી કપૂર પણ ‘તેરે શહર મેં’ ટીવી શોના આઉટડોર શૂટિંગ દરમિયાન સેટ પર ઢળી પડી હતી. એ પછી ગૌતમી કપૂરે મીડિયા સાથે વાત કરતાં બિટવિન ધ લાઈન્સ કહ્યું હતું કે કામના કલાકો સિવાય બીજી ઘણી પણ બાબતો શારીરિક કે માનસિક બીમારી તરફ દોરી જતી હોય છે. સેટ પર જે ફૂડ અને વોટર અપાય છે એ હાઈજિનિક હોતાં નથી. અમે ફરિયાદ કરીએ તો પ્રોડક્શન ટીમ કહે કે, ‘અમારા માટે પણ લિમિટેશન્સ હોય છે. અમે બેઝિક સુવિધાઓ પૂરી પાડી શકતા નથી, કારણ કે યુનિટ ખૂબ મોટું હોય છે. એટલે અમે કોઈ એક વ્યક્તિ માટે ખાસ વ્યવસ્થા ન કરી શકીએ.’
અભિનેત્રી આંચલ ખુરાનાએ તો તેની તબિયત લથડી એ પછી શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે સેટ પર જે ફૂડ અપાતું હોય છે તે એકદમ હોરિબલ હોય છે. ટીવી સિરિયલ પ્રોડક્શન હાઉસે ફૂડની ક્વોલિટી ઉપર ધ્યાન આપવું જોઈએ. આંચલે માનસિક તણાવ અને શારીરિક થાકને કારણે શારીરિક અને માનસિક રીતે ઊંચી કિંમત ચૂકવી પડી હતી. એ પછી આંચલ ખુરાનાએ કહ્યું હતું કે હું વર્ક રિલેટેડ સ્ટ્રેસને કારણે ગંભીર રીતે બીમાર પડી હતી. એવા અનેક દિવસો મેં જોયા હતા જ્યારે મેં સળંગ ત્રીસ-ત્રીસ કલાક સુધી કામ કર્યું હોય. આંચલે કહ્યું હતું કે હું જે શો કરતી હતી એ પ્રોડક્શન ટીમ શૂટિંગનો પ્લાન એડવાન્સમાં નહોતી કરતી એના કારણે ઘણી વખત વીસ કલાક સુધી સેટ પર રહીને માત્ર બે જ સીન લેવાયા હોય એવું પણ બનતું. જો પ્રોડક્શન ટીમ સરખી રીતે શૂટિંગનો પ્લાન કરે તો દરેક એક્ટરને આરામ કરવાનો સમય મળી રહે.
x
રદ કરો

કલમ

TOP