બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ / અંડરવર્લ્ડ & પોલિટિક્સ હમ બને તૂમ બને એક દૂજે કે લિયે!

article by aashu patel

Divyabhaskar.com

Oct 16, 2019, 04:20 PM IST
બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સામ, દામ, દંડ, ભેદ અજમાવવાની શરૂઆત થઈ ગઈ છે. એના ભાગરૂપે હરીફ પક્ષો એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે અને અખબારોને મસાલો પૂરો પાડી રહ્યા છે. પત્રકારો પોતાની મેળે પણ ઘણા ઉમેદવારોના ક્રિમિનલ રેકર્ડ્સ કાઢીને વાચકો સામે મૂકી રહ્યા છે. ચૂંટણીઓ આવે એટલે મની પાવર અને મસલ પાવરનું મહત્ત્વ વધી જાય છે એ આપણા દેશનાં સમજણાં થયેલાં બાળકો પણ જાણે છે. ચૂંટણીસભાઓમાં નેતાલોગ વાતો ગાંધીજીની, સરદારની અને નેહરુની કરશે, પણ તેમની વાણી અને વર્તન વચ્ચે જમીન આસમાન જેટલું અંતર હોય છે એ ખબર હોવા છતાં ચૂંટણીઓ વખતે પબ્લિક બેવકૂફ બને છે.
આપણા દેશમાં ચૂંટણીઓ આવે ત્યારે ઘણા ક્રિમિનલ્સ સક્રિય બની જાય છે. ચૂંટણીઓ લડવા માટે ગુંડાઓનો સાથ લેવામાં આપણા દેશના કોઈ એટલે કે કોઈ પણ પક્ષને શરમ નથી આવતી અને આપણા દેશના ઘણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો પોતે જ ક્રિમિનલ હોય છે! આપણા દેશના ઘણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ખૂન કે બળાત્કારના કેસ ચાલતા હોય છે, પણ આપણે બધા એનાથી ટેવાઈ ગયા છીએ. મ્યુનિસિપાલિટી, વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ઊભેલા ઉમેદવાર પર બે-પાંચ (કે પચીસ-પચાસ પણ!) કેસ ચાલતા હોય તો આપણે આઘાતથી ફાટી પડતા નથી.
ખુદ અંડરવર્લ્ડના ડોનને પણ પબ્લિક વિધાનસભામાં મોકલી શકે છે. કોઈ ચાંપલી પ્રજાતિનો ચશ્મિશ્ટ બૌદ્ધિક આ વાંચીને મોઢામાંથી ફાટશે કે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં ડરને કારણે લોકોએ ગુંડાઓને મત આપવા પડે છે. તો એમને મુંબઈનો એક કિસ્સો યાદ કરાવું. જેને આખો દેશ ઓળખે છે એવા અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળીએ અખિલ ભારતીય સેના નામનો પોતાનો પક્ષ બનાવ્યો હતો. અરુણ ગવળીની મહત્ત્વાકાંક્ષા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની હતી! તેણે એ મહત્ત્વાકાંક્ષા જાહેર પણ કરી હતી. આ વાંચીને તમને હસવું આવ્યું હોય તો જાણી લો કે વર્ષો અગાઉ ગવળીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને વિધાનસભ્ય બનીને મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્થાન પણ મેળવ્યું હતું! અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે તેમણે મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. એ સભામાં સ્થાનિક વિધાનસભ્ય તરીકે અરુણ ગવળીને પ્રોટોકોલ પ્રમાણે પહેલી જ હરોળમાં દબદબાભેર સ્થાન મળ્યું હતું! અટલ બિહારી વાજપેયીએ એ સભામાં ડોન અરુણ ગવળીની હાજરીના મુદ્દે એ કાર્યક્રમ પછી નારાજગી પણ વ્યક્ત કરી હતી અને એ વિશે મુંબઈના અખબારોમાં ખૂબ લખાયું હતું.
અરુણ ગવળીનો એક માણસ સુનીલ ઘાટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયો હતો. સુનીલ ઘાટે ગવળી ગેન્ગનો શાર્પ શૂટર હતો! અને તે કોર્પોરેટર હતો એ વખતે પણ મુંબઈ પોલીસે તેની અનેક વાર ખંડણી ઉઘરાણી સહિતના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરી હતી! અરુણ ગવળીના દુશ્મન એવા ડોન અશ્વિન નાઈકની પત્ની અને અમર નાઈકની ભાભી નીતા નાઈક પણ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાઈ આવી હતી. તે સહેજ માટે મુંબઈની મેયર બનતા રહી ગઈ હતી! જોકે, પછી તેણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિનું અધ્યક્ષપદ શોભાવ્યું હતું! બાય ધ વે, અરુણ ગવળીની દીકરી ગીતા પણ કોર્પોરેટર છે. તે ભાજપના સમર્થનથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સમિતિની અધ્યક્ષ બની હતી. જોકે, તેનો કોઈ જ ક્રિમિનલ રેકોર્ડ નથી.
ભાજપ અને શિવસેના વિશે આવા કિસ્સાઓ સાંભળીને કોંગ્રેસના સમર્થકો ખુશ થઈ ગયા હોય તો થોડી કોંગ્રેસની પણ વાત જાણી લઈએ. પોણા ત્રણ દાયકા અગાઉ દાઉદ ગેન્ગના શૂટર્સે મુંબઈની ડોક્ટર જે. જે. માર્ગ હોસ્પિટલમાં અંધાધૂંધ ગોળીબાર કરીને ગવળી ગેન્ગના ગુંડાઓની સાથે કેટલાક પોલીસમેનને પણ મારી નાખ્યા એ પછી એ મુંબઈ પોલીસ આકરી થઈ એટલે દાઉદના શૂટર્સે થોડો સમય છુપાઈ રહેવું પડ્યું. એ વખતે એક કોંગ્રેસી ‘સજ્જને’ તેમને મુંબઈમાં બોમ્બે સબર્બન ઇલેક્ટ્રિસિટી સપ્લાય (બીએસઈએસ)ના ગેસ્ટહાઉસમાં અને પછી દિલ્હીમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના ગેસ્ટહાઉસમાં આશ્રય અપાવ્યો હતો અને એ ‘સજ્જન’નો ભત્રીજો પણ એ શૂટર્સને કંપની આપવા માટે તેમની સાથે રહ્યો હતો. કોણ હતા એ સજ્જન? કોંગ્રેસના મોટા ગજાના નેતા એ વખતના કેન્દ્રીય ઊર્જાપ્રધાન કલ્પનાથ રાય! દાઉદના ગુંડાઓને મદદરૂપ બનવાના આરોપ હેઠળ તેમની સામે કેસ ચાલ્યો હતો અને તેમને દસ વર્ષની જેલસજા પણ થઈ હતી!
આ વાંચીને ભાજપના સમર્થકો ટેસમાં આવી ગયા હોય તો થોડી પૂરક માહિતી આપી દઉં: દાઉદના જે શૂટર્સને કલ્પનાથ રાયે મદદ કરી હતી તેમને ઉત્તર પ્રદેશના ભાજપ નેતા અને સંસદસભ્ય બ્રિજભૂષણ શરણસિંહે પણ મદદ કરી હતી એવું બહાર આવ્યું હતું! એ ‘સજ્જન’ પણ દાઉદ ઈબ્રાહિમના શૂટર્સ સાથે એ સમય દરમિયાન રહ્યા હતા. આ વાંચીને એનસીપીના સમર્થકોને જલસો પડી ગયો હોય તો થોડી વધુ માહિતી: આ શૂટર પૈકી એક શૂટરે ભારતના ડિફેન્સ મિનિસ્ટર શરદ પવાર સાથે તેમના પ્લેનમાં મુસાફરી કરી એ મુદ્દે મોટો હોબાળો થયો હતો! જોકે, પછી પવારે ખુલાસો કર્યો હતો કે મને ખબર નહોતી કે એ ભાઈ ક્રિમિનલ છે!
આવા અઢળક કિસ્સાઓ છે. આપણને એમ થાય કે રાજકારણીઓને જ અંડરવર્લ્ડ માટે પ્રેમ હશે, પણ અરુણ ગવળીએ અખિલ ભારતીય સેના પક્ષની સ્થાપના કરી એ વખતે એણે મુંબઈમાં એક જાહેર સભાનું આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રના એ વખતના મુખ્ય પ્રધાને પોલીસ અને આઈબી પાસે રિપોર્ટ માગ્યો કે ગવળીની સભાને કેવોક પ્રતિસાદ મળશે. મુંબઈ પોલીસ અને આઈબીએ રિપોર્ટ આપ્યો હતો કે બસ 10,000 જેટલા લોકો ભેગા થશે. એથી વધુ લોકો આવે એવી શક્યતા નથી, પણ એ સભામાં એક લાખથી વધુ લોકો ઊમટી પડ્યા હતા! એને કારણે મુંબઈ પોલીસને અને સરકારને પણ ચક્કર આવી ગયાં. સામાન્ય ગુંડામાંથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદ સુધી પહોંચેલા એક સજ્જન પર તો ખૂનનો કેસ ચાલતો હતો! તો અમદાવાદનો ડોન અબ્દુલ લતીફ પણ એકસાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ બેઠકો પરથી આરામથી ચૂંટાઈ આવ્યો હતો!
છેલ્લે આનાથી પણ વધુ મજેદાર એક વાત તમારી સાથે શેર કરી દઉં. ડોન દાઉદ ઇબ્રાહિમના જમણા હાથ સમા રોમેશ શર્માનું સપનું પ્રધાન બનવાનું હતું અને તે ઉત્તર પ્રદેશના ફૂલપુરથી લોકસભા ચૂંટણી પણ લડ્યો હતો. તેણે દાઉદ ઈબ્રાહિમને કહ્યું હતું કે પાંચસો કરોડ રૂપિયા ફેંકીને આપણે સરકાર બનાવી શકીએ!
ભારતના વડાપ્રધાન બનવાનાં સમણાં જોઈ રહેલા રોમેશ શર્માએ દાઉદ ઈબ્રાહિમ પાસેથી ખાતરી લઈને પોતાની ‘રાજકીય’ પ્રવૃત્તિઓમાં વેગ આણ્યો. રોમેશ શર્માએ અખિલ ભારતીય કૉંગ્રેસ નામનો પક્ષ રચ્યો. એ વખતે શર્મા ઈન્ટરનેશનલ ગ્રૂપ યુનિટી સેન્ટર અને ઓલ ઇન્ડિયા કોમી એકતા કમિટી જેવાં સંગઠનોનો અધ્યક્ષ હતો. રોમેશ શર્મા પોતાની અને કુખ્યાત તાંત્રિક ચંદ્રાસ્વામીની તાકાત પર મુસ્તાક હતો. બીજી બાજુ એણે દેશનાં કેટલાંક ટોચનાં ઉદ્યોગગૃહોની મદદ પણ માગી હતી. નંબર વન ગણાતા એક અત્યંત પાવરફુલ ઉદ્યોગગૃહના પ્રેસિડેન્ટ સાથે તો રોમેશ શર્માને ઘર જેવો સંબંધ હતો. (એ પ્રેસિડેન્ટ પણ પછી અંડરવર્લ્ડ સાથે કનેક્શન માટે જેલમાં ગયો હતો!) એ સિવાય બીજા એવા ઘણા કબાડી ઉદ્યોગપતિઓ હતા, જે કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીના ભક્ત હોય. એ વખતે પી.વી. નરસિંહરાવ અને કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીની દોસ્તી જાહેર હતી. વડાપ્રધાન નરસિંહરાવ સાથે કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીને એટલો ગાઢ સંબંધ હતો કે નરસિંહરાવના સત્તાવાર બંગલોમાં કેબિનેટ પ્રધાનો એમને મળવા આવે ત્યારે એમની પણ કારની તપાસ થતી, પણ દાઢીધારી સ્વામી એમની ઈમ્પોર્ટેડ કારમાં નરસિંહરાવના બંગલોમાં જતા ત્યારે એમની કાર ચેક કરવાની સિક્યુરિટી ઑફિસર હિંમત કરતા નહોતા. દાઢીધારી સ્વામીની આવી વગને કારણે અંડરવર્લ્ડના ડોનથી માંડીને સિનિયર કેબિનેટ પ્રધાનો પણ એમનો ‘આદર’ કરતા હતા.
મુંબઈમાં બોમ્બ ધડાકા કરાવવા માટે દાઉદ ઈબ્રાહિમે અઢી કરોડ રૂપિયા મૂળચંદ શાહ મારફત ટાઈગર મેમણને મોકલ્યા હોવાની માહિતી મળતાંવેંત મુંબઈ પોલીસે 4 મે, 1993ના દિવસે મૂળચંદ શાહને ટાડા હેઠળ જેલમાં ધકેલી દીધો હતો. મૂળચંદ શાહ ઉર્ફે ચોકસી દાઉદની સૂચના પ્રમાણે લાખો, કરોડો અને ક્યારેક અબજો રૂપિયાની હેરફેર કરી આપતો હતો, પણ મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી મૂળચંદ શાહ ઉર્ફે ચોકસી મુંબઈ પોલીસની ઝપટમાં આવી ગયો હતો. બોમ્બ બ્લાસ્ટ્સ પછી પકડાઈ ગયેલા મૂળચંદ શાહે કબૂલ્યું હતું કે 1985માં રાજીવ ગાંધીના પ્રધાનમંડળના એક સભ્યને મેં ત્રણ કરોડ રૂપિયા આપ્યા હતા. મૂળચંદે એવાં તો અનેક ચોંકાવનારાં નામ આપ્યાં હતાં, પણ મૂળચંદની ડાયરીમાં થયેલી નોંધ પરથી સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો હતો કે એણે મહારાષ્ટ્રના સૌથી વધુ હેવી વેઈટ અને ખેપાની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને દાઉદ વતી કરોડો રૂપિયા પહોંચાડ્યા હતા. પાછળથી એક અંગ્રેજી સાપ્તાહિકે આ બધી માહિતી દેશની પ્રજા સામે મૂકી હતી. મૂળચંદ શાહની નોંધ પ્રમાણે 1979થી 1992ના ઓક્ટોબર મહિના સુધીમાં દાઉદ ઈબ્રાહિમે એ મુખ્ય પ્રધાનને કરોડો રૂપિયા હવાલા મારફત મોકલાવ્યા હતા એ સિવાય પણ ઘણા મહાનુભાવોએ એ મુખ્ય પ્રધાનને હવાલાથી રૂપિયા મોકલ્યા હતા, જેનો કુલ આંકડો રૂપિયા 72 કરોડ સુધી પહોંચતો હતો! બીજી બાજુ એ પાવરફુલ મુખ્ય પ્રધાને પણ મૂળચંદ શાહ ઉર્ફે ચોકસી દ્વારા રૂપિયા 70 કરોડ જેટલી રકમ હવાલાથી વિદેશ મોકલી હતી. એ રકમ મૂળચંદ શાહ સુધી પહોંચાડવાનું કામ દાઉદ ઈબ્રાહિમના સૂબા તરીકે કામ કરતા મહારાષ્ટ્રના એક વિધાનસભ્યએ કર્યું હતું. એ સિવાય ઓક્ટોબર 1992માં મૂળચંદ શાહે પશ્ચિમ એશિયામાંથી એ મુખ્ય પ્રધાન માટે કોઈએ મોકલેલા રૂપિયા 10 કરોડ એ મુખ્ય પ્રધાનના ભત્રીજાને આપ્યા હોવાની નોંધ પણ એની ડાયરીમાં હતી. રાબેતા મુજબ પાછળથી એ બધી વાતોનો વીંટો વળી ગયો હતો!
X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી