‘બુધવારની બપોરે’ અને ‘એન્કાઉન્ટર’ જેવી કોલમોથી જાણીતા હાસ્યકાર અશોક દવે વરિષ્ઠ હાસ્યકારોમાં સમાવિષ્ટ છે.

વિજય આનંદ સર્વોત્તમ કમર્શિયલ દિગ્દર્શક હતા

  • પ્રકાશન તારીખ11 Jan 2019
  •  

ફિલ્મો જોવાનો ખાસ કાંઈ શોખ ન હોય તોય આ ફિલ્મ ‘જ્હોની મેરા નામ’ આપણે આ છેલ્લા 48 વર્ષોમાં મિનિમમ બે વાર તો જોઈ જ હોય અને બંને વાર એટલી જ ગમી હોય. સંસારની આ કોઈ સર્વોત્તમ ફિલ્મ તો નહોતી, છતાં ઘરના બધા સાથે બેસીને સિનેમામાં કે ઘરના ડ્રોઇંગરૂમમાં જુએ, તો બધાને જે જોઈતું હોય ને જે જોવું હોય, એ મળી રહે.

દાદા-દાદી માટે ‘ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો,’ પપ્પા-મમ્મી માટે દેવ-હેમાના પ્રેમદૃશ્યો અને આપણે આવું કરવાનું ક્યાં ચૂકી ગયેલા, તેનો મીઠો પસ્તાવો, એ વખતની આપણી ઉંમર પ્રમાણે સેક્સી ડાન્સર પદ્મા ખન્નાની સેક્સી ઉઘાડી જાંઘો સાથેનો કામુક ડાન્સ, ફ્રન્ટબેન્ચર્સવાળા માટે ફાઇટિંગ, પ્રવાસના શોખીનો માટે બિહાર-નાલંદાના આંખરમ્ય લોકેશન્સ, બહેન હેમા હોય એટલે એકાદો ડાન્સ તો ક્લાસિકલ હોય જ અને મારા જેવા કોમેડીના શોખીનો માટે એક નહીં, બે નહીં સીધા ત્રણ-ત્રણ આઈ.એસ.જોહરો પૂરી ફિલ્મમાં સેન્સિબલી હસાવે છે.

48 વર્ષેય દેવ આનંદ કેવો સોહામણો લાગે છે અને પ્રાણ કેવો અદ્્ભુત પર્સનાલિટી લઈને આવ્યો છે, એ બધા સરવાળા કરો એટલે આખેઆખું ‘જ્હોની મેરા નામ’ તમને બીજી વાર તો જોવું જ પડે. (હું આઠમી વાર જોઈને બેઠો છું, ભ’ઈ!)

દેવ આનંદ, પ્રાણ અને આઈ.એસ.જોહર છવાઈ ગયા હતા.
પદ્મા ખન્નાનો એ સેક્સી-ડાન્સ (અને કપડાં) કોઈ ભૂલ્યું નથી.

આ ફિલ્મ આવી ત્યારે જ રાજેશ ખન્નાનો જમાનો હજી ‘આરાધના’થી શરૂ થયો હતો છતાં અમારા જુવાનિયાઓમાં એ બહેસ ચાલતી રહેતી કે, દર વર્ષે રાજ કપૂરની સામે દેવ આનંદ સામસામી હિટ ફિલ્મો આપતા, એમાંથી એકની તદ્દન ફ્લોપ જતી, પણ બીજીમાં પહેલાવાળાની ફ્લોપ ને આની સુપરહિટ જાય! એક જ પોળમાં (એ વખતે સોસાયટીઓ કે ફ્લેટો હતાય ક્યાં?) રાજ-દેવના સામસામાં ફાંટા પડી જતા. (બહુ ગંભીર છોકરાઓને જ દિલીપ કુમાર ગમતો. ક્યાંય હસવાનું તો ના આવે!) હેન્ડ્સમ તો ત્રણે હતા, પણ છોકરીઓના મામલે દેવ આનંદનો કોઈ હરિફ નહીં.

એની ગુચ્છેદાર હેરસ્ટાઇલ, લેટેસ્ટ સ્ટાઇલના કપડાં, ચાલવાની સ્ટાઇલ અને ખાસ તો ‘હખણા’ જ નહીં ઊભા રહેવાના ‘મેનરિઝમ્સ’ એ જમાનામાં તો અદા કહેવાતી. રાજ-દિલીપ પણ મેનરિઝમ્સના પૂરા શિકાર હતા, એ જોતા અભિનયને લાગે વળગે છે ત્યાં સુધી ભાગ્યે જ આજનો કોઈ હીરો એકની એક સ્ટાઇલો દરેક ફિલ્મોમાં મારતો દેખાય છે.


દેવ આનંદ આમ તો રાજ-દિલીપની કક્ષાનો અભિનયસમ્રાટ હતો, પણ એ તો દિગ્દર્શક વિજય આનંદ હોય ત્યાં સુધી જ. બહુ બહુ તો રાજ ખોસલા કે ગુરુદત્ત જેવા બીજા બે-ત્રણ દાખલા એના શરીરમાં એવી કઈ રચનાઓ મૂકાવી હતી કે, ક્ષણ માટેય એ હખણો ઊભો રહી ન શકે, જોઈ ન શકે, ચાલી ન શકે! આજે તો એ જ જૂની ફિલ્મો જોઈએ તો એ જ દેવના આવા મેનરિઝમ્સ પર ગુસ્સો આવે, પણ એ સમયમાં બધાને એવું જ ગમતું હતું અને ‘જ્હોની’માં દિગ્દર્શક અને એના નાના ભાઈ વિજય આનંદ (ગોલ્ડી)એ આમ તો દેવને મન હોય એવી અદાઓ ‘મારવા માટે’ ખીલવા દીધો છે, પણ જ્યાં એક્ટિંગ બતાવવાની આવે, ત્યાં ગોલ્ડી દેવના લમણે રિવોલ્વર તાકીને ઊભો રહ્યો છે અને ‘એક્ટિંગ’ કરાવી છે, એનું એવું ઉત્કૃષ્ઠ પરિણામ આ ફિલ્મમાં આવ્યું છે!


એ તો એ જમાનામાં આપણને ‘જ્યોની’ ગમી હતી. શક્ય છે, આજે જૂઓ તો પહેલા જેટલી ન પણ ગમે, એના પચ્ચી લાખ કારણોમાંનું એક કે ફિલ્મી શિરસ્તા મુજબ, એક ફિલ્મ હિટ જાય, એટલે એ ફિલ્મના પચાસ ભાગોની ક્યાંક ને ક્યાંક ઉઠાંતરીઓ થતી રહે, એવી જ બીજી પચાસ ફિલ્મો બને. બધામાં ગોલ્ડી સરીખો દિગ્દર્શક તો મળવાનો નથી, જેણે આર.કે. નારાયણની (જે વિશ્વવિખ્યાત કાર્ટુનિસ્ટ આર.કે. લક્ષ્મણના ભાઈ હતા.) નવલકથાની ‘ધ ગાઈડ’ની વાર્તાને ફિલ્મલાયક નવેસરથી લખીને અદ્્ભુત ફિલ્મ બનાવી દીધી. વાર્તા પણ છેવાડાના પ્રેક્ષકોનેય ગમે એવી.
એક પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટર (મધુપ શર્મા અને તેની પત્ની સુલોચના લાતકર)ના સરખી ઉંમરના બે કિશોર પુત્રો સોહન અને મોહન (દેવ આનંદ અને પ્રાણ) પોતાની નજર સામે અંધારી ગલીમાં પિતાનું ખૂન થતું જૂએ છે. મોહન એ ખૂનીનો પીછો કરીને એની છાતીમાં ચાકું ફરાવી દે છે.

ડરનો માર્યો ઘેર પાછો આવતો નથી અને મહાબદમાશ રાયસા’બ ભૂપિંદરસિંઘ (પ્રેમનાથ)ની ટોળીમાં પોતાની બુદ્ધિ અને હિમ્મતથી રાયસાહેબનો જમણો હાથ બની જાય છે. નાનો ભાઈ સોહન (દેવ આનંદ) પોલીસ ખાતામાં જોડાય છે અને હોંગકોંગથી સ્મગલ કરેલા હીરા, હીરા નામનો પુરાણો સ્મગર (જીવન) લેતો આવે છે, પણ મુંબઈની પોલીસ અેને પકડી લે છે. અગાઉથી ગોઠવેલા છટકા મુજબ, દેવ આનંદ હીરાની પહેલા જેલમાં બંધ હોય છે અને જેલ તોડીને ભાગવાની એની કાબીલિયત જોઈને જીવન વિશ્વાસ મૂકીને દેવ પાસે એ હીરા રાયસાહેબ સુધી પહોંચાડે છે.

વાસ્તવમાં રાયસાહેબ ભૂપિન્દરસિંઘ હેમા માલિનીના પિતા અને અઠંગ દાણચોર રણજીતસિંઘ (પ્રેમનાથ)ના ભાઈ છે અને બધા કુકર્મો ભૂપિન્દરસિંઘના નામે કરે છે. છેવટે સોહન-મોહન એક થઈ જતાં પ્રેમનાથનો ભાંડો ફોડે છે. હેમા ભૂપિંદરસિંઘની પુત્રી છે, એવું એય માનતી રહે છે, પણ એનો પ્રેમી દેવ ફિલ્મ પૂરી થતા સુધીમાં સઘળા ઘટસ્ફોટો કરી દે છે. પટણા-બિહારથી 95 કી.મી. દૂર આવેલ નાલંદાના ખંડહરોમાં ‘ઓ મેરે રાજા...’ ગીતનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે.


આ ફિલ્મમાં વિતેલા જમાનાનાં ઘણાં કલાકારો એમનાં સમયમાં હીરો-હિરોઇનના રોલ કરતાં હતાં. હેમાની મા બનતી મૃદુલા દિલીપકુમારની પહેલી ફિલ્મ ‘જવારભાટા’ની હિરોઇન હતી. હેમાનો પિતા બનતો સજ્જન ઘણી ફિલ્મોમાં હીરો હતો. પ્રાણ, પ્રેમનાથ, આઈ.એસ.જોહર, દુલારી અને દારાસિંઘનો ભાઈ રંધાવા અનેક ફિલ્મોનાં સરતાજ હતા. દર વખતની જેમ મોટી કમનસીબી કલ્યાણજી-આણંદજીના નબળા સંગીતની રહી.

બંને કચ્છી ભાઈઓ નસીબદાર કેટલા કે રાજ, દિલીપ, દેવ જેવાં સુપરસ્ટાર્સથી માંડીને ફિલ્મી દુનિયાના સૌૈથી મોટા પ્રોડક્શન-હાઉસિસે બનાવેલી ફિલ્મોમાં સંગીત આપ્યું. તમને ફિલ્મી સંગીતનું જેટલું જ્ઞાન હોય, એ મુજબ ક્રમ તો ગોઠવી જૂઓ કે આ બંને ભાઈઓનો નંબર કેટલામો મૂકશો? જૂઓ, મારી સમજ મુજબનું લિસ્ટ ક્રમવાર બનાવું છું.

શંકર, જયકિશન, નૌશાદ, ઓપી નય્યર, મદન મોહન, સચિનદેવ બર્મન, સલિલ ચૌધરી, રોશન, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, સી.રામચંદ્ર, અનિલ બિશ્વાસ, ખય્યામ, હેમંત કુમાર, રવિ, ચિત્રગુપ્ત, રાહુલદેવ બર્મન અને જયદેવ. આ લિસ્ટમાં મારી-તમારી વચ્ચે ફલાણું કેમ સાતમું મૂક્યું કે બીજું કેમ આ મૂક્યું, એનો ઝઘડો હોઈ શકે, પણ પહેલાં દસ નંબર સુધી કેમ ક્યાંક કલ્યાણજી-આણંદજીનું સંગીત નથી આવતું, એનો વિવાદ જ નહીં થાય! અને તોય, દિલીપ, દેવ અને રાજ એમની ફિલ્મોમાં કલ્યાણજી-આણંદજીને રિપિટ કરતાં હતાં. એ ત્રણેની ફિલ્મોનાં ગીતો ભેગાં કરીને દસ મધુરા ગીતો બાજુમાં કાઢી આપશો?

ફિલ્મ : જ્હોની મેરા નામ (1970)
નિર્માતા : ગુલશન રાય
દિગ્દર્શક : વિજય આનંદ
સંગીત : કલ્યાણજી - આણંદજી
ગીતકારો : ઇન્દિવર - રાજીન્દર કૃષ્ણ
રનિંગ ટાઇમ : 18 રિલ્સ, 159 મિનિટ્સ
થિયેટર : નોવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, હેમામાલિની, પ્રાણ, પ્રેમનાથ, આઈ.એસ.જોહર, ઇફ્તેખાર, સુલોચના લાતકર, મધુપ શર્મા, રાધેશ્યામ, દુલારી, રંધાવા, શ્યામકુમાર, જીવન, સૌદાગરસિંઘ, તબસ્સુમ, જગદીશ રાજ, સુબ્રોતો, બિહારી, કેશવ રાણા, વી.ગોપાલ અને સજ્જન.

ગીતો:
1. ઓ મેરે રાજા, ઓ મેરી રાની, સમજ ગયા મૈં. - કિશોર-આશા
2. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા. મનહર ઉધાસ - લતા
3. બાબુલ પ્યારે, રોયે પાયલ કી છમછમ. - લતા મંગેશકર
4. નફરત કરનેવાલોં કે સિને મેં પ્યાર ભર દૂં. - કિશોર કુમાર
5. પલભર કે લિયે કોઈ હમેં પ્યાર કર લે, જૂઠા. - કિશોર કુમાર
6. હૂસ્ન કે લાખો રંગ કૌન સા રંગ દેખોગે. - આશા ભોંસલે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP