દાસ્તાનગોઈ - અંકિત દેસાઈ / માણસના અહંકારની વાર્તા

article by ankitdesai

Divyabhaskar.com

Dec 02, 2019, 11:52 AM IST
દાસ્તાનગોઈ - અંકિત દેસાઈ
ખલિલ જિબ્રાનની એક સરસ મજાની લઘુકથા છે. તેમની આ રસપ્રદ વાર્તામાં અહંકારની વાત કરવામાં આવી છે. એક વૃદ્ધ માછીમારની એમાં વાત કરાઈ છે. માછીમાર સાહેબે ત્રીસ વર્ષ પહેલાં તેની એકની એક દીકરીને જ શાપ આપેલો. એટલા માટે કે દીકરીએ માછીમારની મરજી વિરુદ્ધ જઈને કોઈક નાવિક સાથે ભાગીને મેરેજ
કરી લીધેલા.
સ્વાભાવિક છે કે માછીમારની દીકરી પણ ભાગી છૂટી ત્યાં સુધી પાપા કી પરી હશે જ. એટલે માછીમારને થોડું વધારે લાગી આવ્યું કે સાલું દીકરી મને જબરી છેતરી ગઈ. હવે જોગાનુજોગ એવો થયો કે માછીમારના જમાઈનું વહાણ એક દિવસ અકસ્માતનો ભોગ બન્યું અને સમુદ્રને તળિયે જઈને બેસી ગયું. દીકરી પણ એ વહાણમાં જ સાથે હતી અને દીકરી-જમાઈ બંનેએ સાથે જળસમાધિ લઈ લીધી.
લઘુકથાનો મૂળ આશય અહીં ઉઘાડો પડે છે, કારણ કે માછીમાર છેક ત્રીસ વર્ષ પછી, ઘણા ગયા ને થોડા રહ્યાવાળો એટિટ્યૂડ અપનાવી લીધા પછી કહે છે કે અકાળે અવસાન પામેલાં મારાં દીકરી-જમાઈનાં મૃત્યુનો ખરો હત્યારો હું જ છું, કારણ કે મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવાને કારણે મેં જ તેમને બંનેને શાપ આપ્યો હતો. એટલે ઈશ્વર પાસે હું ક્ષમા માગું છું!
પણ સાલું ત્યારે જ વૃદ્ધ માછીમાર તેના જૂના એટિટ્યૂડ સાથે એમ કહે છે કે હવે આમેય મારી પાસે દિવસો કેટલા રહ્યા છે?
ખલિલ જિબ્રાન સાહેબે જે રીતે લઘુકથા વર્ણવી છે એ રીતે કથાનો અર્ક એવો નીકળે છે કે પેલા માછીમાર ડોસાને પાછી ટણી તો છે જ કે આ તો શું કે મારા દિવસો ઓછા છે એટલે ઈશ્વરની માફી માગી લઉં. બાકી બીજાને શાપ આપવાની આપણી કળા તો કાબિલેદાદ જ છે! મૃત્યુ પામેલા દીકરી-જમાઈ તેનું મોટું ઉદાહરણ છે.
એટલે કે માછીમારભાઈને પોતે જે કર્યું છે તેનું કોઈ ગિલ્ટ જ નથી. રાધર તેણે ગિલ્ટ રાખવીય નથી. આ તો શું કે હવે તેને વૃદ્ધત્વ આવ્યું છે અને હવે ગમે ત્યારે આ ફાની દુનિયા છોડીને જવાનું જ છે તો ખાલી ભૂલનો સ્વીકાર કરી લઈએ. એટલે જો ઈશ્વરની સામે થવાનું આવે તો સાવ ભૂંડા
ન લાગીએ.
આપણી આસપાસ આવા અનેક માછીમારો હોય છે, જેમને ખબર છે કે તેઓ ભૂંડા છે, પણ તેમના ભૂંડાપણાને તેઓ તેમની હોશિયારી સમજે છે. તેઓ એમ જ માનતા હોય છે કે આ જગતમાં તેમના જેવા હોશિયાર બીજા કોઈ જ નથી.
જોકે, પેલો માછીમાર તો લકી હતો કે ખલિલ જિબ્રાને માછીમારના અંત વિશે કોઈ વાત નથી આલેખી, પરંતુ આપણી આસપાસના રિઅલ લાઈફ માછીમારો પાછળથી ઊંધા માથે પટકાતા હોય છે અને તેઓ જે ભૂંડાઈને પોતાની હોશિયારી સમજતા હોય છે એ ભૂંડાઈ જ તેમના માટે સાબરના શિંગડા થઈ જતી હોય છે.
[email protected]
X
article by ankitdesai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી