લેખક યુવા પત્રકાર છે અને ‘દિવ્ય ભાસ્કર’માં નવાં પુસ્તકોનો રસાસ્વાદ કરાવે છે.

કાશ્મીરની કથા

  • પ્રકાશન તારીખ12 Aug 2019
  •  

દાસ્તાનગોઈ- અંકિત દેસાઈ
આજકાલ કાશ્મીર કાશ્મીર બહુ થયા કરે છે. તે થયું ચાલો કાશ્મીરની લોકકથાઓ અને લોકગીતો પર પણ કંઈક નજર કરીએ.
રમજાન ભટ નામના ત્યાંના કવિએ કાશ્મીરની એક લોકકથાને તેના એક ગીતમાં વણી લીધી છે અને એ ગીત કાશ્મીરીઓમાં ખૂબ ગવાતું ગીત છે. વાર્તા કંઈક એમ છે કે પ્રાચીનકાળમાં સંધિપત નામનું કાશ્મીરમાં એક નગર હતું. એ નગરના રાજા અને રાણીને સંતાન નહોતું. તેમને એવી ઈચ્છા કે એકાદ બાબો હોય તો સારું, પણ સાલું કેમેય કરીને એમને સંતાન થાય નહીં.
એવામાં એક જોગી ફરતાં ફરતાં એ નગરમાં આવી પહોંચ્યા. જોગી નગરમાં આવ્યા એટલે રાજા અને રાણીએ તેમનું મહેલમાં સ્વાગત કર્યું અને તેમને પોતાનાં અરમાનો વિશે કહ્યું.
રાજા-રાણીની વાત સાંભળીને જોગીએ કહ્યું ભલે, પણ જોગીએ સાથે એક કન્ડિશન પણ મૂકી. તેણે કહ્યું કે તમારે ત્યાં પારણું તો બંધાશે, પરંતુ તમારો બાબો અગિયાર વર્ષનો થાય એટલે તમારે મને એ આપી દેવો પડશે!
રાજા-રાણીએ ડિસ્કશન કર્યું કે ભલે અગિયાર વર્ષ પછી જોગી આપણો દીકરો લઈ જતો. એટલિસ્ટ આપણું એક ફરજંદ આ પૃથ્વી પર ટકી તો રહેશે! એટલે રાજા-રાણીએ તો જોગીને ઓકે કહી દીધું અને જોગીએ તેમને આશીર્વાદ આપ્યા કે આજથી બરાબર નવ મહિને તમારે ત્યાં બાબો આવશે.
પછી જોગી તો ત્યાંથી બીજે ક્યાંક જતા રહ્યા, પરંતુ નવમે મહિને ખરેખર રાજા-રાણીને ત્યાં બાબો આવ્યો. તેનું નામ રખાયું અકનંદુન! ખુશખુશાલ રાજા-રાણી અકનંદુનના ઉછેરમાં એવા ઓતપ્રોત થઈ ગયા કે તે ક્યારે અગિયાર વર્ષનો થઈ ગયો એની ય તેમને જાણ ન થઈ.
આ વર્ષો દરમિયાન પેલો જોગી ક્યાંય દેખાયો નહીં, પરંતુ અગિયારમા બર્થડેનું સેલિબ્રેશન થવાનું જ હતું ત્યાં પેલો જોગી ફરી મહેલમાં હાજર થયો અને તેણે અકનંદુનને માગી લીધો. રાજા-રાણી આમ વચનના પાક્કાં હતાં એટલે તેમણે કમને અકનંદુનને જોગીને આપી દીધો, પણ ડખો ત્યારે થયો જ્યારે જોગીએ કહ્યું કે આ દીકરાને તમે બંને કાપી નાંખો અને મને તેનું માંસ પકાવીને જમાડો!
આવું સાંભળીને રાજા-રાણીનું તો શરીર ઠંડું થઈ ગયું. તેમણે જોગી આગળ કાકલૂદી કરી જોઈ. ખૂબ વિલાપ કર્યો, પણ જોગી એકનો બે ન થયો. આખરે રાજા-રાણીએ તેમના દીકરાને કાપી નાખ્યો અને તેનું માંસ પકવીને જોગીની થાળી તૈયાર કરી. તો જોગીએ પાછી બીજી શરત એમ મૂકી કે કુલ ચાર થાળી પીરસજો. એક મારી, બે તમારી અને ચોથી અકનંદુનની પણ!
રાજા-રાણીએ જોગીને કહ્યું કે અમારાથી અમારા જ દીકરાનું માંસ ન ખવાય અને અકનંદુનની થાળી પીરસાવીને તમે કયા જન્મનું વેર વાળો છો? પણ જોગી તો કંઈ સાંભળતો જ નહોતો. તેણે ધરાર ચાર થાળીઓ પીરસાવી અને રાણીને કહ્યું, ‘ચાલો, હવે તમે તમારા અકનંદુનને બૂમ પાડો અને રોજ એને જમવા તેડો છો એમ તેડો.’ રાણીથી તેની શરત તોડાય એમ નહોતી એટલે તેણે રડતાં રડતાં અકનંદુનને બૂમ પાડી અને બૂમ પડી એટલામાં તો ‘એ આવ્યો માડી’ એમ કહીને અકનંદુન રાણીને ભેટી પડ્યો. અકુનંદનની રિએન્ટ્રી થઈ એ જ ક્ષણે પેલો જોગી ત્યાંથી અદૃશ્ય થઈ ગયો.
આમ, આ લોકકથામાં માત્ર રોમાંચ જ છે, પરંતુ કાશ્મીરી બોલીમાં જ્યારે રમજાન ભટનું ગીત ગવાતું હશે ત્યારે એમાં લોકલ થ્રિલ ભળતી હશે. આપણે નરસૈંયાનું નાગદમન ગાઈએ ત્યારે આપણને જેવી થ્રિલ થાય એવી થ્રિલ હશે એમાં!
ankitdesaivapi@gmail.com

x
રદ કરો

કલમ

TOP