અમદાવાદના આંગણે 600 એકરમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ રંગેચંગે ઊજવાઈ રહ્યો છે. સ્વામિનારાયણનગરના નિર્માણનું કામ જ્યારથી શરૂ થયું ત્યારથી દેશ અને દુનિયાના 80 હજારથી વધુ સ્વયંસેવકો 60થી વધુ વિભાગમાં સેવા કરવા માટે નગરમાં પહોંચ્યા છે અને હાલમાં મહોત્સવ દરમિયાન પણ સતત સેવા આપી રહ્યા છે, પરંતુ નગરમાં સેવા કરતા સમયે આ સ્વયંસેવકોને અનેક મુશ્કેલીઓ પડે છે. આ સ્વયંસેવકો જ્યારે સેવા કરતા હોય છે એ સમયે કોઈક સ્વયંસેવકનાં કપડાં ફાટી જતાં હોય છે. તો કોઈ સ્વયંસેવકના બૂટ કે ચંપલ તૂટી જતાં હોય છે, તો કેટલાક સ્વયંસેવકોને હેર સલૂનની પણ જરૂરિયાત પડી રહી છે. તેમની આ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા અને તેમનો સમય ન બગડે એ માટે સંતો દ્વારા માઇક્રો પ્લાનિંગ કરીને દરજીકામ, મોચીકામ અને હેર સલૂનની સેવા નગરમાં જ ઊભી કરાવી છે, જેમાં પ્રોફેશનલ હેર આર્ટિસ્ટ, દરજી અને મોચી સેવા આપી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં સ્વયંસેવકો આ સેવાનો લાભ લેવા આવતા હોવા છતાં કોઈપણ પ્રકારની અહીં લાઈનો જોવા મળતી નથી. આ માઇક્રોમેનેજમેન્ટ જોઈને તમે પણ આશ્ચર્યચક્તિ થઈ જશો.
એક જ દિવસમાં 2 હજારથી વધુ સ્વયંસેવકો વાળ-દાઢી કરાવે
નગરમાં છેલ્લા ઘણા સમયથી હરિભકતો સેવા આપી રહ્યા છે. ત્યારે આ સ્વયંસેવકોના વાળ અને દાઢી પણ વધુપડતાં ઊગી ગયાં હતાં, પરંતુ આ માટે સ્વયંસેવકોને ક્યાંય બહાર જવાની જરૂર નથી, કારણ કે એ માટેની વ્યવસ્થા પણ શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી છે. અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલૂન ઊભાં કરવામાં આવ્યાં છે, જેમાં 4 નંબરના ગેટ પાસે 40 સીટવાળું સલૂન, 7 નંબરના ગેટ પાસે 40 સીટવાળું અને પ્રમુખ હૃદયમાં 20 સીટવાળું સલૂન ઊભું કરવામાં આવ્યું છે. આપને જાણીને નવાઈ લાગશે કે અહીં માત્ર એક જ દિવસમાં એક સલૂનમાં 700થી 800 લોકો આવી રહ્યા છે, એટલે ત્રણેય સલૂનમાં બે હજારથી વધુ સ્વયંસેવકો હેર કટિંગ અને સેવિંગ કરાવવા માટે આવી રહ્યા છે.
બ્રાન્ડેડ વસ્તુઓનો ઉપયોગ છતાં વાળ, દાઢી માત્ર 10 રૂપિયામાં
સામાન્ય રીતે આપણે વાળ અને દાઢી કપાવવા માટે સલૂનમાં જઈએ ત્યારે વાળ કાપવાના 100 રૂપિયા અને દાઢી કરવાના 50 રૂપિયા લેતા હોય છે, પરંતુ અહીં સ્વયંસેવકો પોતપોતાની નોકરી અને ધંધા રોજગાર છોડીને આવ્યા હોવાથી તેમને માત્ર 10 રૂપિયા જેટલો ટોકન રૂપે ચાર્જ લઈને સેવિંગ કરી આપે છે. હેર કટિંગ કરવું હોય તો એ પણ કરી આપવામાં આવે છે. માત્ર 10 રૂપિયા ચાર્જ લેતા હોવા છતાં પણ અહીં સલૂનમાં વપરાતી બ્રાન્ડેડ વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત, મુંબઈ, રાજસ્થાન અને કતારથી સેવા આપવા હરિભક્તો પહોંચ્યા
બાપાનો શતાબ્દી મહોત્સવ શરૂ થયો એના એક દિવસ પહેલાં જ સલૂનના વ્યવસાય સાથે જોડાયેલા 250 કરતાં વધુ સ્વયંસેવકો શતાબ્દીમાં પહોંચ્યા હતા. એમાં ગુજરાત, મુંબઈ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી તો આવ્યા જ છે, પરંતુ એક ભાઈ તો છેક કતારથી અહીં પોતાની આ સેવા આપવા માટે આવ્યા છે. આ તમામ સ્વયંસેવકો અહીં 35 દિવસ સુધી નગરના સ્વયંસેવકો માટે સેવા આપશે. મહત્ત્વનું છે કે આ સ્વયંસેવકો દ્વારા સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આવનારા હરિભક્તના વાળ અને દાઢી કરી આપવામાં આવે છે. અહીં માત્ર હેર કટિંગ અને સેવિંગ જ નહિ, જે સ્વયંસેવકના નખ વધી ગયા હોય તો તેમને નેલ કટિંગ પણ અહીં કરવામાં આવે છે. અહીં 250 સ્વંયસેવકમાંથી કેટલાક એવા સ્વયંસેવકો છે, જેઓ પોતે ફેકટરીના માલિક કે પછી સારી પોસ્ટ પર જોબ કરી રહેલા લોકો અહીં દર કલાકે કચરો વાળે છે અને કેટલાક લોકો રૂમાલ અને નેપ્કિનને ધોવાની સેવા આપી રહ્યા છે.
નગરમાં 100 સીટવાળું જ સલૂન કેમ ?
નગરમાં 100 સીટવાળું સલૂન ઊભું કરવામાં આવ્યું છે. માત્ર 100 સીટ જ કેમ મૂકવામાં આવી છે, આવો સવાલ કરતાં જ સેવા આપી રહેલા હરિભક્ત કિશોરભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે
બાપાનાં 100 વર્ષ પૂર્ણ થયાં છે ,તેમના માનમાં આટલો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. એટલે બાપાનાં 100 વર્ષને ધ્યાનમાં રાખીને ખાસ 100 સીટની વ્યવસ્થા કરવામાં આવી છે.
'...ને કતારમાં જોબ છોડી શતાબ્દીમાં સેવા કરવા આવી ગયો'
શતાબ્દી મહોત્સવમાં ચાલી રહેલી આ સેવામાં મૂળ ગુજરાતી અને કતારમાં જોબ છોડીને આવેલા વિપુલ મૈસૂરિયાએ જણાવ્યું કે હું છેલ્લાં ત્રણ વર્ષથી હું કતારમાં ગેસની કંપનીમાં જોબ કરું છું. શતાબ્દી મહોત્સવ આવવાનો હતો ત્યારે અહીંની સેવા માટે મેં કંપનીમાંથી રજાઓ માગી હતી, પરંતુ એ કંપનીમાં રજાઓ ન મળતાં હું જોબ છોડીને અહીં સેવામાં આવ્યો છું. અહીં જે હરિભક્તો સેવામાં આવ્યા છે તેમનાં હેર કટ અને દાઢી કરવાની સેવા આપી રહ્યો છું. આ સેવામાં જ બાપાનો રાજીપો છે.
'2500થી વધુ લોકોને કપડાંના રિપેરિંગની સેવા પૂરી પાડી'
આ નગરમાં સેવા કરી રહેલા લોકોની સેવા દરમિયાન કપડાં ફાટી જવાની કે પછી ચેઈન રિપેર કરવાથી લઈને ફિટિંગની જરૂરિયાત ઊભી થઈ હતી, એને જોતાં આ સેવા પણ શરૂ કરાઈ છે. એમાં ત્રણ જેટલા દરજી સ્વયંસેવકો અહીં લોકોનાં ફાટેલાં કપડાં સાંધી આપવાની સેવા બિલકુલ નિઃશુલ્ક કરી રહ્યા છે. ત્યારે આ સ્વયંસેવક સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અહીં અમે 11 ડિસેમ્બરથી અહીં સેવામાં હાજર થઈ ગયા છીએ, પણ અમારી સેવા અહીં 15 ડિસેમ્બરથી શરૂ થઈ છે, જે અમે મહોત્સવ પૂર્ણ થયા સુધી ચાલુ રાખીશું. અહીં હજારો સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે, ત્યારે અમને તેમની સેવાનો લાભ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, જેના થકી અમે ભગવાનને રાજી કરીએ છીએ. અહીં રોજના 150 લોકો નાનુંમોટું રિપેરિંગ કામ કરાવવા આવે છે. આમ, અત્યારસુધીમાં 2500થી વધુ લોકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે.
'ચંપલ સાંધવાની સેવા મળવી એ અમારા અહોભાગ્ય'
વિસાવદરથી મોચીકામની સેવા કરવા માટે આવેલા મનસુખભાઈ ચૂડાસમાએ જણાવ્યું હતું કે અહીં 80 હજાર સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો નગર જોવા માટે આવી રહ્યા છે. ત્યારે તેમનાં બૂટ અને ચંપલ તૂટી જતાં હોય છે. એને સાંધવાની સેવા અમે આપી રહ્યાં છીએ. એની સાથે સાથે થેલાની ચેઇન રિપેરિંગથી લઈને નાનુંમોટું કંઈપણ કામ હોય તો કરી દઈએ છીએ. આ અમૂલ્ય લાભ અમને જે મળ્યો છે એ અમારું મોટું ભાગ્ય છે. અમે જોડાયા ત્યારથી અત્યારસુધીમાં 1800 કરતાં વધુ લોકોનાં ચંપલ અને બૂટને સાંધ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.