દરિયામાં એક ગોલ્ડફિશ પોતાની સહેલીઓ સાથે મોજમસ્તી કરતી હતી. ત્યારે અચાનક એક ખૂનખાર વ્હેલ માછલી ત્યાં આવીને અનેક માછલીઓનો શિકાર કરે છે ને બાકીની માછલીઓમાં પોતાનો ડર ફેલાવવાનો પ્રયત્ન કરે છે. આ જોઈને એ ગોલ્ડફિશ ડરી જાય છે, પણ કાયરોની જેમ હાથ પર હાથ રાખીને હિંમત હારવાની જગ્યાએ એ સતત મનોમંથન કરે છે અને વિચારે છે કે કઈ રીતે પોતાના સમુદાયની માછલીઓને ખૂનખાર વ્હેલથી બચાવી શકાય? આ માટે તે અથાગ પરિશ્રમ કરીને હજારો માઈલ દૂર એમની રક્ષા માટેના મોતી મેળવવા માટે નીકળી પડે છે, પરંતુ આ સફરમાં તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અંતે પ્રાર્થના અને પુરુષાર્થ કરીને એને મોતી મેળવવામાં સફળતા મળે છે. આ મોતી મેળવીને એણે પોતાના સમુદાયને ખૂનખાર વ્હેલથી બચાવી લીધા. આ વાર્તા છે શતાબ્દી મહોત્સવમાં ભજવવામાં આવી રહેલા શો 'ધ સી ઓફ સુવર્ણાની'.
શતાબ્દી મહોત્સવમાં આવેલી બાળનગરીમાં પ્રવેશ કરતાં જ બાળકોથી લઈને વડીલોમાં જો કોઈ શોનું ઘેલું લાગ્યું હોય તો એ છે સી ઓફ સુવર્ણાનો શો. અહીં આવતાx જ સૌકોઈના કંઠે એકવાર તો સાંભળવા મળે જ કે ચાલો આપણે સી ઓફ સુવર્ણાનો શો જોવા જઈએ. જો તમે પણ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હશે તો સી ઓફ સુવર્ણાનો શો જોયો જ હશે. આ શો જોનારા દરેક લોકોના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે ખૂબ નાની ઉંમરમાં સૌકોઈનું મન મોહી લે એવું સુવર્ણાનું પાત્ર ભજવનાર આ બાળકલાકાર છે કોણ? ત્યારે સી ઓફ સુવર્ણાનું મુખ્ય પાત્ર ભજવનાર બે સુવર્ણા પૈકી લવલી રાંક સાથે દિવ્ય ભાસ્કરે મુલાકાત કરી હતી, જેમાં આ પાત્ર મળવાથી લઈને અનેક રસપ્રદ બાબતો વિશે ખાસ વાતચીત કરી હતી.
'સોલો પર્ફોર્મન્સ અને ચહેરાના હાવભાવના આધારે સુવર્ણાનું પાત્ર મળ્યું'
સુવર્ણાના પાત્ર ભજવનાર લવલી રાંકએ દિવ્ય ભાસ્કને જણાવ્યું હતું કે આમ તો હું રાજકોટની છું, પરંતુ હાલ રાંદેસણમાં આવેલા BAPS વિદ્યામંદિરમાં 8મા ધોરણમાં અભ્યાસ કરું છું અને અહીંથી હોસ્ટેલમાં રહું છું. બાપાના શતાબ્દી મહોત્સવના 5 મહિના પહેલાં સી ઓફ સુવર્ણા માટે જુદાં જુદાં બાલિકા મંડળોમાંથી બાલિકાઓની પસંદગી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે તમામ બાળકીઓના સૌથી પહેલા તો સોલો પર્ફોર્મન્સ અને એક્સપ્રેસન જોવામાં આવ્યા હતા. એ પછી જે બાળકીની પસંદગી કરવામાં આવી હતી, તેમના અલગ અલગ રીતે ઓડિશન રાઉન્ડ પણ લેવામાં આવ્યા હતા, જેમાંથી બેસ્ટ પર્ફોર્મન્સ કરનારી 270 બાળકીની પસંદગી કરવામાં આવી હતી. આ દરમિયાન 270 બાળકીમાંથી મારા એક્સપ્રેસન્સ અને પર્ફોર્મન્સ સારું લાગતાં મારી સી ઓફ સુવર્ણાના લીડ કેરેક્ટર માટે પસંદગી થઈ, જે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે.
'6થી 7 કલાકની પ્રેક્ટિસ પછી કેરેક્ટરમાં ફિટ થઈ'
લવલી રાંકે જણાવ્યું, આમ તો મેં આટલા મોટા સ્ટેજ પર ક્યારેય પર્ફોર્મન્સ નથી આપ્યું, પણ જ્યારે તમે કોઈપણ કેરેક્ટને લઈને પર્ફોર્મન્સ આપતા હોવ ત્યારે એ કેરેક્ટરને અપનાવી લેવું ખૂબ જ જરૂરી હોય છે. પછી જ તમે એ કેરેક્ટરને ન્યાય આપી શકો છે, એટલે આ કેરેક્ટરમાં ફિટ થવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે. દિવસના 6થી 7 કલાક સુધી હું પ્રેક્ટિસ કરતી હતી, જેમાં મને સફળતા મળી અને હું સુવર્ણાના કેરેક્ટરમાં ફિટ થઈ છું.
'સુવર્ણાના પાત્ર થકી આંતરિક શક્તિઓનો ખ્યાલ આવ્યો'
લવલીએ કહ્યું કે, જેમ સુવર્ણામાં અનેક શક્તિ છુપાયેલી છે એવી જ રીતે મારામાં પણ અનેક શક્તિઓ છુપાયેલી હતી. છત્તાં મને એ શક્તિઓનો ક્યારેય અંદાજો પણ નહોતો આવ્યો. પરંતુ છેલ્લા 6 મહિનાથી હું સુવર્ણાના પાત્રમાં રહીને પ્રેક્ટિસ કરી રહી છું ત્યારે મારામાં રહેલી શક્તિઓની મને અનુભૂતિ થઈ છે.
'રોજના 8થી 9 શોમાં સુવર્ણાનું પાત્ર ભજવું છું'
લવલીએ જણાવ્યું હતું કે શતાબ્દી મહોત્સવમાં સવારથી રાત સુધીમાં મોટી સંખ્યામાં લોકો સી ઓફ સુવર્ણાનો શો જોવા આવતા હોવાના કારણે અમે બે ટીમમાં કુલ 270 જેટલી બાલિકાઓ પર્ફોર્મન્સ કરીએ છીએ. જેમાં દિવસ દરમિયાન કુલ 17 કરતા વધુ સી ઓફ સુવર્ણાના શો કરવામાં આવે છે. એક ટીમના ભાગે 8 થી 9 શો આવે છે જેમાં 135 બાલિકાઓ એક સાથે સ્ટેજ ઉપર પર્ફોર્મન્સ આપે છે. એટલે મારે 8 થી 9 શો દિવસ દરમિયાન કરવાના થાય છે. જો કે એક શો લગભગ 20 મિનિટનો હોય છે અને બેક ટું બેક આટલા શો કરીએ છીએ છત્તાં પણ આટલા દિવસોમાં ક્યારેય થાકની અનુભૂતિ નથી થઈ.
'આપણે આપણામાં રહેલી શક્તિઓને ઓળખવી જોઈએ'
લવલીએ કહ્યું કે, જેમ સુવર્ણાની અંદર પર ખૂનખાર વ્હેલનો સામનો કરવાની શક્તિ હતી, તેમ આપણી અંદર પણ સુવર્ણા જેવી અનંત શક્તિઓ રહેલી છે. જો આપણે પ્રાર્થના અને પુરુષાર્થથી એ શક્તિઓ બહાર કાઢીશું તો આપણાં જીવનમાં પણ ખૂંખાર વ્હેલ જેવી આવનારી અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરીને તેમાંથી સફળ થઈ શકીશું.
'અહીં હોવા છતાં પણ ભણતર પર અસર નથી થઈ'
લવલીએ જણાવ્યું કે, અમે શતાબ્દી મહોત્વ શરૂ થવાનો હતો એ પહેલાંથી જ રાંદેસરથી અહીં આવ્યાં છીએ અને અહીં પ્રેક્ટિસ કરીએ છીએ. પરંતુ અહીં અમારા ભણતર પર જરા પણ અસર ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. જો અમારું પર્ફોર્મન્સ સવારનું હોય તો અમને સાંજે ભણાવવામાં આવે છે અને જો સાંજે પર્ફોર્મન્સ હોય તો સવારે ભણાવવામાં આવે છે. એટલું જ નહીં અમને અહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની પણ ખાસ કાળજી લેવાઈ રહી છે. જેના કારણે મને અહીં મારા પરિવાર જેવી જ અનુભૂતિ થઈ રહી છે.
સી ઓફ સુવર્ણાની થીમ માટે 2 વર્ષ સંસોધન ચાલ્યું
પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી અને તેમને શ્રદ્ધાંજલિ આપવાના એકમાત્ર ઉદ્દેશ્યને લઈને વિવિધ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌ કોઈને મંત્ર મુગ્ધ કરના સી ઓફ સુવર્ણાની થીમ કંઈ રાતો રાત તૈયાર નથી કરાઈ. આ માટે બાળકોને કઈ થીમ ગમે છે, કયા રંગો તેમને પ્રભાવિત કરે છે અને મોહિત કરે છે. તેવી નાની નાની બાબતો પર સંશોધન કરીને થીમ નક્કી કરવામાં આવી છે. આ શો માં પહેલી નજરે જોતા કોઈ પ્રોફેસનલ વ્યક્તિએ વસ્તુઓની ડિઝાઈન કરી હોય તેવું લાગે છે પરંતુ હકિકત એ છે કે આ શો માટેની તમામ વસ્તુઓને ઈન-હાઉસ ડિઝાઈન કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.