• Gujarati News
  • Pramukh swami
  • Class 6 Pass Swami Prepared By Drawing The Design With Pencil On Paper By Himself Without Computer And Expert.

600 એકરના નગરની ડિઝાઇન કોણે બનાવી:ધોરણ-6 પાસ સ્વામીએ કોમ્પ્યુટર અને એક્સપર્ટ વિના જાતે કાગળ પર પેન્સિલથી ડિઝાઇન દોરીને તૈયાર કરી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના એસ.પી.રિંગ રોડ ખાતે પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે મહોત્સવનો શુભારંભ થશે. દેશ-વિદેશમાંથી એક લાખ લોકો મહોત્સવમાં જોડાશે. 1 મહિનો ચાલનારા મહોત્સવ માટે 600 એકરમાં પ્રમુખસ્વામી નગરનું નિર્માણ કરાયું છે. આ નગર સ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો છે. નગરની રચના અને ડિઝાઇનિંગ ધોરણ 6 પાસ શ્રીજીસ્વરૂપદાસસ્વામીજીએ કર્યું છે. વાંચો તેમના શબ્દોમાં નગર નિર્માણની કહાની મૃગાંક પટેલ સાથેની વાતચીતના આધારે...

પ્રમુખસ્વામી નગરની ડિઝાઈન બનાવનાર શ્રીજીસ્વરૂપદાસસ્વામીજીએ કહ્યું, આજે મારે સાધુ થયાને બાવન વર્ષ પૂર્ણ થયાં. નાની ઉંમરમાં હું સંત થયો અને જ્યારે સંત થયો ત્યારે મને ગુજરાતી વાંચતા કે લખતા પણ આવડતું ન હતું. પ્રમુખસ્વામી બાપાની આજ્ઞાથી પહેલા ત્રણ મહિનામાં ગુજરાતી લખતા-વાંચતા શીખ્યો. પછી બાપાએ મને વિવિધ પ્રોજેકટ પર કામ સોંપ્યું અને જવાબદારીઓ વધી ગઈ. જ્યારે વિવિધ પ્રોજેકટની જવાબદારી બાપા સોંપવા લાગ્યા ત્યારે ખબર પડી કે આ બધું કેમ શીખવવા કહ્યું? ભારતીય સંસ્કૃતિની પરિકલ્પના કરતો પહેલો પ્રોજેકટ 1981માં કર્યો, જેમાં સિનિયર સાધુઓને હું મદદ કરતો. એ ગેમચેન્જર હતો. પછી તો દિલ્હી અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામની ડિઝાઈન પણ કરી. ગાંધીનગર અક્ષરધામની ડિઝાઈનમાં એનઆઈડીના જે આર્કિટેક હતા તે ચાર વર્ષે નીકળી ગયા એ પછી મેં પ્રોજેક્ટ પૂરો કર્યો. દિલ્હી અક્ષરધામનો માસ્ટર પ્લાન પણ મેં તૈયાર કર્યો હતો. ઘણા બધા સાધુઓ સાથે હતા. અહીં પણ શતાબ્દી મહોત્સવ ઊજવવાનું એક વર્ષ પહેલાં નક્કી કર્યું અને ત્રણ મહિનામાં અમે પ્લાન અને ડિઝાઈન તૈયાર કરી દીધા હતા.

બાપા કોઈપણ પ્રસંગ કરે તો પહેલી ભાવના તેમની એ હોય કે કોઈપણ આવે તો પહેલા તેમને વૉશરૂમ મળી રહે, પાણી વ્યવસ્થા મળે, પાર્કિંગ મળે, ફૂડ મળી રહે. આ ભાવનાને ધ્યાનમાં રાખીને આ નગરમાં અમે છ ગેટ રાખ્યા છે અને તમામની એન્ટ્રી એકસરખી, એટલે કે દરેક ગેટથી એન્ટ્રી પછી પાર્કિંગ... ત્યાંથી નગરમાં પ્રવેશતાં જ પહેલાં ટોઇલેટ આવે, પછી પાણી અને પછી ફૂડ મળી જાય. પછી મુખ્ય રોડ આવે અને એ પછી જે અક્ષરધામ મંદિર તથા અન્ય એક્ઝિબિશન સ્થળો આવે. મારે બધાને બતાવવાનું છે એ ભાવનાથી કોઈપણ કામ નહીં કરવાનું, મને ઓટો કેડ પણ નથી આવડતું અને કોમ્પ્યુટર પણ નથી આવડતું. હું પેપર અને પેન્સિલ લઈને જ તમામ ડ્રોઇંગ તૈયાર કરી દઉં છું, પણ જ્યારે કામ કરવા બેસું એ પહેલાં કે પછી એના વિશે કંઈ વિચારતો નથી. જ્યારે કામ કરવા બેસું ત્યારે ત્રણ-ચાર કલાક કરી લઉં ત્યારે જ વિચારું. ત્યારે ભગવાન પણ સાથે હોય એટલે આપોઆપ બધું થતું જાય. નગર ફરવાની જગ્યા નથી, એટલે પ્રમુખસ્વામીની ગરિમા જળવાઈ રહે એ રીતે બધું આયોજન કર્યું છે. તેમનું જીવન ખૂબ સરળ હતું એટલે નગરની કોઈપણ ફસાડમાં એન્ગલ નથી, રાઉન્ડ છે. એ બાપાના સરળ જીવનનો નિર્દેશ કરે છે. છેલ્લે... એક જ વાત કહીશ કે કદાચ કાગળ પર ડિઝાઈન બનાવવી સરળ છે, પણ એવું વાસ્તવિક નગર ઊભું કરવું એ પડકાર છે.

અન્ય સમાચારો પણ છે...