તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડૉ. વેદ પ્રતાપ વૈદિક
ભારતના પડોશી દેશ મ્યાનમારમાં સૈનિક તખ્તાપલટ થયો છે. તેમના રાષ્ટ્રપતિ વિન મિન્ત અને સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કીને નજરકેદ કરી દેવાયા છે. સૈનિક તખ્તાપલટ થાય અને લોહીનું એક ટીપું પણ ન પડે, તેનો શો અર્થ છે? વાત એવી છે કે, મ્યાનમારની સેના પહેલાથી જ સત્તાના સિંહાસનને પોતાના ખભા પર રાખતી હતી. તેણે ખભા હલાવ્યા અને સરકાર પડી ગઈ. 2008માં મ્યાનમારનું બંધારણ બનાવાયું અને તેમાં એવી ત્રણ જોગવાઈ કરી દેવાઈ કે કોઈ ગમે તેટલી લોકપ્રિય સરકાર યાંગોન (રંગૂન)માં બની જાય, પરંતુ સેનાની ટેકણલાકડી વગર તે ચાલી શકે નહીં.
સેના જાણતી હતી કે સૂ કી અત્યંત લોકપ્રિય નેતા છે. તેમને લગભગ 20 વર્ષ જેલમાં કેદ રખાઈ હતી. સેનાને ડર હતો કે, જો લાંબી નજરકેદ પછી મુક્ત કરાઈ તો તે સરકાર બનાવી લેશે અને ચૂંટણીમાં સેનાના સમર્થકોનાં સુપડાં સાફ થઈ જશે. એટલે, તેણે બંધારણમાં એવી જોગવાઈ કરી નાખી કે સૂ કી વડાપ્રધાન જ ન બની શકી. સૂ કીના પતિ લંડનનો અંગ્રેજ હતો. વિદેશી પતિ, પત્ની કે બાળકોવાળી વ્યક્તિ સર્વોચ્ચ પદે બેસી શકે નહીં, આ જોગવાઈને કારણે 2015માં ચૂંટણી જીતવા છતાં ‘નેશનલ લીગ ફોર ડેમોક્રસી’ની નેતા સૂ કી વડાપ્રધાન બની શકી નહીં. બંધારણમાં બીજી જોગવાઈ એવી હતી કે સંસદના 25% સભ્યો સેનાએ નીમલા હશે, જેથી કોઈ સત્તાધારી પાર્ટી સેનાની મરજી વગર બંધારણમાં સુધારો કરી શકશે નહીં. ત્રીજી જોગવાઈ એવી હતી કે, ગૃહ, સંરક્ષણ અને સીમા, આ ત્રણ મંત્રાલય સેનાની પાસે રહેશે.
સેનાના આ કડક ગાળિયા છતાં 2015ની ચૂંટણીમાં સૂ કીની પાર્ટી એનએલડીએ બહુમતવાળી સરકાર બનાવી નાખી. હવે, નવેમ્બર, 2020ની ચૂંટણીમાં પણ તેણે 440માંથી 315 સીટો જીતી હતી. સેના અને તેની પાલતુ પાર્ટી ‘યુનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી’ હાથ ઘસતા રહી ગયા. 1 ફેબ્રુઆરી, 2021ના રોજ નવી સંસદ શપથ લેવાની હતી, પરંતુ સવાર-સવારમાં જ સેનાએ તખ્તાપલટ કરી નાખ્યો અને એક વર્ષ માટે સરકાર પોતાના હાથમાં લેવાની જાહેરાત કરી દીધી. સેનાએ આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં ગોટાળો કરાયો છે. જોકે, ચૂંટણી પંચે આ આરોપ ફગાવી દીધો છે.
સવાલ એ છે કે, સેનાના આ તખ્તાપલટ પાછળ અસલી કારણ શું છે? પ્રથમ કારણ સૂ કીની સરકાર અને સેના વચ્ચે જબરદસ્ત તણાવ રહ્યો છે. સેનાને ડર હતો કે, પ્રચંડ બહુમતી મેળવ્યા પછી સૂ કી બંધારણ બદલી નાખશે અને સેના નિસ્તેજ થઈ જશે.
બીજું, સૂ કીના ચીન સાથે વધતા સંબંધોને જેતા તેને ચિંતા હતી કે, તે ક્યાં સેનાને બાજુ પર ના હડસેલી દે. ત્રીજું, રોહિંગ્યા મુસ્લિમોને મારીને ભગાડી દેનારી સેના માટે એ મોટો ધક્કો હતો કે, સૂ કીએ રોહિંગ્યા મુસ્લિમોની મારપીટને સમર્થન આપીને ખુદને મ્યાનમારની જનતામાં સેના કરતાં પણ વધુ શક્તિશાળી બનાવી લીધી હતી. ચોથું કારણ એવું લાગે છે કે, મ્યાનમારની સેનાના વર્તમાન સેનાપતિ મિન આંગ એલેન્ગ ત્રણ મહિના પછી નિવૃત્ત થવાના છે. તેઓ પોતે રાષ્ટ્રપતિ બનવા માગે છે. આ લક્ષ્ય ચૂંટણી દ્વારા નહીં પરંતુ તખ્તાપલટથી જ મળી શકતું હતું.
હવે, એક વર્ષ પછી મ્યાનમારમાં ચૂંટણી યોજાશે કે નહીં, કહી શકાય નહીં. મ્યાનમારની જનતા શું કરશે તેનું અનુમાન પણ શક્ય નથી. અત્યારે, સેનાએ ઠેરઠેર નાકાબંધી કરી છે. લોકો ઘરો અને મહોલ્લામાં વાસણ વગાડી રહ્યા છે અને તખ્તાપલટ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. સૂ કીની પાર્ટીના પ્રવક્તાએ બર્માની પ્રજા અને વિવિધ દેશોને અપીલ કરી છે કે, તેઓ આ સૈનિક કાર્યવાહીને વખોડી નાખે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ તખ્તાપલટને વખોડતા કહ્યું છે કે, જો ચૂંટાયેલી સરકારને બેસાડાશે નહીં તો અમેરિકાની સરકાર મ્યાનમાર વિરુદ્ધ કડક પગલાં લેશે. એટલે કે, તેણે અગાઉ જે પ્રતિબંધ લગાવ્યા હતા, તે ફરીથી લાગુ કરશે. જોકે, ચીને તેને મ્યાનમારની આંતરિક બાબત બતાવીને અંદર-અંદર જ સમસ્યા ઉકેલવાનું સૂચન કર્યું છે. કેમ કે, બર્માની સેના અને ચીન વચ્ચે લાંબા સમયથી સાંઠગાંઠ છે.
ભારતે મ્યાનમારમાં તખ્તાપલટનો વિરોધ એટલી સ્પષ્ટતા સાથે કર્યો નથી, જેટલો અમેરિકાએ કર્યો છે. ભારત સરકારે રોહિંગ્યા મુસ્લિમો પરના અત્યાચાર અંગે પણ સ્પષ્ટ વલણ અપનાવ્યું ન હતું. ભારત કરતાં ચીને વધુ સક્રિયતા બતાવી હતી. ભારત બર્માની લોકશાહીનું શાબ્દિક સમર્થન જરૂર કરશે, પરંતુ તે જાણે છે કે, તે મ્યાનમારની રાજનીતિમાં એવો હસ્તક્ષેપ કરી શકશે નહીં, જેવો તેણે ક્યારેક બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ અને શ્રીલંકા જેવા પડોશી દેશોમાં કર્યો હતો. જો ભારત સાચ્ચે જ દક્ષિણ એશિયાનો મહારાજ અને સૂત્રધાર છે તો તેની પડોશમાં લોકશાહીની હત્યા પર તેની તટસ્થતા ઉચિત નથી.
ભારતીય વિદેશ નીતિ પરિષદના અધ્યક્ષ, dr.vaidik@gmail.com
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.