હેરોમાં નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

લંડન (સૂયકાંત જાદવા દ્વારા) : અષાઢી બીજ નિમિત્તે દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનના આ તહેવારની યુકેમાં પણ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

લંડનના હેરો વિસ્તારમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ, ભગવાન બાલભદ્ર અને દેવી સુભદ્રાને ભવ્ય રથમાં બેસાડી શહેરની યાત્રા કરાવવામાં આવી હતી. હેરો ઇસ્ટના એમપી બોબ બ્લેકમેન આ રથયાત્રામાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ સહિત ભારતવાસીઓ જોડાયા હતા. ભગવાનની રથયાત્રા સવારે 11 વાગ્યે સ્વામિનારાયણ મંદિર, હેરોથી નીકળી હતી. નગરયાત્રા કરી ભગવાનનો રથ 3.30 વાગ્યે સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર પહોંચ્યો હતો. રથયાત્રામાં લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાનનો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી.

રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન કરવા ઘણા લોકો રોડ પર આવ્યા હતા. એટલું જ નહીં યુરોપીયન નાગરિકો પણ ભગવાનના દર્શન કરી મોબાઇલમાં ફોટો અને વીડિયો ઉતરતા જોવા મળ્યા હતા. રથયાત્રાના સમાપન બાદ સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર ખાતે ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...