એનઆરજી / કોરોનાવાઈરસના કારણે ગુજરાતીઓને વતન આવવામાં પડી રહી છે હાલાકી, ટિકિટ કેન્સલ કરાવવા લાગ્યા

ઈન્સેટ તસવીરમાં નાનજીભાઈ પટેલ.
ઈન્સેટ તસવીરમાં નાનજીભાઈ પટેલ.

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 04:32 PM IST

લંડન (સૂર્યકાંત જાદવા દ્વારા): કોરાના વાઈરસના કારણે મોદી સરકારે વિદેશથી આવતા નાગરિકોના ભારત આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે ભારતીય મૂળના નાગરિકોને વતન આવવાના નિયમો કડક બનાવી દીધા છે. બીજી તરફ હવાઈ યાત્રામાં સખતીના કારણે ઘણા ગુજરાતીઓને હાલાકી પડી રહી છે. અગાઉથી નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકવાના કારણે ગુજરાતીઓ નિરાશ થયા છે. જોકે, તેમણે કોરાના વાઈરસ સામે ભારત સરકારે લીધેલા આ પગલાના વખાણ પણ કર્યા હતા.

લંડનમાં રહેતાં કાન્તાબેન કણબી કચ્છમાં તેમના સ્વ. માતા-પિતાના સ્મરણાર્થે તારીખ 18 માર્ચે રાખેલી કથામાં હાજરી આપવા આવવાના હતા. તેમની 15મી માર્ચની લંડનથી ઈન્ડિયાની ફ્લાઈટ ટિકિટ હતી. પણ કેન્દ્ર સરકારે મૂકેલા પ્રતિબંધના કારણે તેમને આ પ્રવાસ કેન્સલ કરવો પડ્યો હતો. કાન્તાબેને જણાવ્યું હતું કે તેઓ આ પ્રવાસ માટે છેલ્લાં ચાર મહિનાથી તૈયારીઓ કરતાં હતા. તેમના માતા-પિતાને રૂબરૂ શ્રદ્ધાંજલિ આપવાની આ છેલ્લી તક હતી. કથાની તમામ તૈયારીઓ થઈ ગઈ હોવાથી તેને કેન્સલ કરી શકાય એમ નહોતી. આથી તેમણે તેમના ભાઈઓને ફોન કરીને કથા ચાલુ રાખવા જણાવ્યું હતું. હવે કથામાં ભાગ લેવાનો એક માત્ર રસ્તો વેબ કેમનો છે. તેઓ તેના દ્વારા કથામાં ભાગ લેશે. જોકે, કથામાં રૂબરું આવવું અને વેબ કેમથી કથામાં ભાગ લેવો એ અલગ વાત છે.

લંડનમાં રહેતાં અન્ય એક ગુજરાતી નાનજીભાઈ પટેલે કહ્યું હતું, ‘‘મારા બે પુત્રોના મે મહિનામાં લગ્ન છે. આ લગ્ન માટે કંકોત્રી, કપડાં સહિતની ખરીદી માટે અમે વતન આવવાનો પ્લાન બનાવ્યો હતો પણ પ્રતિબંધના કારણે હવે અમે ભારત આવી શકીશું નહી. અમારી 16 માર્ચની ટિકિટ અમે કેન્સલ કરાવી છે. વતન ના આવી શકતાં અમે વૈકલ્પિક રસ્તાઓ શોધી કાઢ્યા છે. લગ્ન માટે હવે અમે ઓનલાઈન કંકોત્રી શોધીને છપાવીશું. જ્યારે કપડાં અને સાડીની ખરીદી અમે યુકેમાંથી કરી લઈશું. અમને કપડાં અહીં ગુજરાત કરતાં મોંઘા મળશે, પણ મોદી સરકારે કોરનાવાઈરસના કારણે લીધેલા પગલાંની અમે તરફેણ કરીએ છીએ. છોકરાઓના લગ્નની ખરીદી ના થઈ શકતાં થોડા દુ:ખી જરૂર થયા છીએ, પણ નિરાશ નથી થયા.’’

X
ઈન્સેટ તસવીરમાં નાનજીભાઈ પટેલ.ઈન્સેટ તસવીરમાં નાનજીભાઈ પટેલ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી