દુનિયાનાં 5 ગુજરાતમાંથી રિપોર્ટ / ગુજરાતીઓ જે વિદેશ જઈને પણ બદલાયા નહીં, જેમણે ‘વિદેશમાં ગુજરાત’ સર્જી દીધું

Ground Report From 5 Country where More Gujarati Located
X
Ground Report From 5 Country where More Gujarati Located

 • વંદે ગુજરાતઃ અમેરિકા, બ્રિટન, જાપાન, અોસ્ટ્રેિલયા અને કેન્યાથી ખાસ અહેવાલ
 • દુનિયામાં અલગ-અલગ દેશોમાં જઇ ગુજરાતીઓએ વસાવેલાં 5 ગુજરાત વિશે...

DivyaBhaskar.com

May 01, 2019, 02:38 AM IST
એનઆરજી ડેસ્કઃ જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિને આજે દુનિયાભરમાં વસેલા ગુજરાતીઓ સાર્થક કરી રહ્યા છે. વિશ્વ ગુજરાતી સમાજના આંકડાઓ મુજબ વિદેશમાં કુલ વસતા 1.60 કરોડ બિન નિવાસી ભારતીયોમાંથી 33 ટકા એટલે કે 50 લાખ આસપાસ ગુજરાતીઓ છે.  કુલ 3 કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. અમેરિકામાં અંદાજે 15 લાખ, યુકેમાં 7 લાખ ગુજરાતી  છે. ગુજરાતીઓની પહોંચનો દાખલો જોવો હોય તો પેસેફિક મહાસાગરમાં  વિશ્વનો બીજા ક્રમનો સૌથી નાનો દેશ નૌરૂ આવેલો છે. જ્યાં માંડ 10 હજારની વસ્તી છે. અહીં પણ ગુજરાતીઓ રહે છે.  ગુજરાતીઓનો વતન પ્રેમ પણ ગજબ છે. સેમસંગના વાઇસ પ્રેસિડન્ટ પ્રણવ મિસ્રીએ વતન પાલનપુર પ્રત્યેના પ્રેમ ખાતર  કારની નંબર પ્લેટ  પર પાલનપુર લખાવી દીધું. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, ચરોતર અને દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાંથી  વિદેશ વસેલા ગુજરાતીઓએ જાણે ગુજરાતની શાખાઓ વિદેશમાં વિસ્તારી છે. 
1

અમેરિકાનું ન્યૂજર્સીઃ ગુજરાત દિવસ, જાણે ન્યૂ જર્સીમાં નહીં; અમદાવાદના નારણપુરામાં ફરતા હોઇએ

 • ચાલુ વરસાદે પણ શેરી ગરબામાં પગ થરકતા હોય, ઘરથી બહાર નીકળતી વખતે કે આવતી વખતે બધાં કહેતા હોય કે જયશ્રી કૃષ્ણ. 
 • એડિસનમાં ફરો એટલે ગુજરાતના જ કોઇ શહેરમાં ફરો એવી લાગણી થાય એટલે જ તેને લિટલ ગુજરાત કહે છે. 

એ હાલો...આવો શબ્દો તમને અમેરિકાના કોઇ ખૂણે સંભળાઇ પણ જાય. એ ગુજરાતી લહેકો અને આપણા વતનની ચમક થોડી છાની રહે. અમેરિકા અને ગુજરાતી જાણે પર્યાય થઇ ગયા હોય એવી સ્થિતિ છે એમ કહું તો વધારે ના કહેવાય. ગુજરાતીઓનો અમેરિકા સાથેનો નાતો ઘણો જૂનો છે. અમેરિકામાં દર બેમાંથી એક મોટેલ ભારતીયની.

એમાંથી 70% તો આપણી. અંદાજ મુજબ, અમેરિકામાં ભારતીયોની સંખ્યા 44 લાખ આસપાસ છે. એમાં અંદાજે 15 લાખ ગુજરાતીઓ હશે. આમ તો અમેરિકાના દરેક ખૂણે તમને ગુજરાતીઓ મળી જ જાય પણ ન્યૂ જર્સી, હ્યુસ્ટન, ન્યૂ યોર્ક, શિકાગો, જ્યોર્જિયા, કેલિફોર્નિયાના કેટલાક વિસ્તારોમાં ગુજરાતી મહેંક જરા વધારે આવે. ન્યૂ જર્સીમાં બે લાખથી વધારે ભારતીયો છે એમાં અડધોઅડધ ગુજરાતીઓ છે.

એમાં પણ એડિસન એટલે માનો કે ગુજરાત જ. 3 વર્ષથી અમે ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે ગુજરાતના સ્થાપના દિવસની પણ ઉજવણી કરીએ છીએ. એમાં સાથે મહારાષ્ટ્ર દિવસ પણ ઉજવીએ.એડિસનમાં ફરો એટલે ગુજરાતના જ કોઇ શહેરમાં ફરો એવી લાગણી થાય એટલે જ તેને લિટલ ગુજરાત કહે છે. ગરબા પણ ગવાય, ગણપતિ પણ ઉજવાય. હજારો લોકો શેરી ગરબાની મજા માણે.

ઇન્ડિયા સ્ક્વેર ખાતે વરસાદ ચાલું હોય તો પણ આપણા લોકો ગરબાની મજા લેતા હોય. એક વાત ખાસ કહેવી છે કે જ્યારે અમારી જનરેશન આવી ત્યારે ડર હતો કે અમારા બાળકોને ગુજરાતી લખતાં-બોલતાં આવડશે? પણ આજે ગર્વ સાથે કહી શકીએ કે દરેક ગુજરાતી બાળકને માત્ર ગુજરાતી લખતાં-બોલતાં આવડે છે એવું નહીં પણ આપણા સંસ્કારો પણ છલોછલ છે.

સવારે ઘરેથી નીકળતાં અગાઉ મંદિરમાં દર્શન અને વડીલોને પગે લાગીને જ જાય છે. અહીં સ્વામિનારાયણ મંદિર, દ્વારકાધીશ મંદિર પણ છે. સ્વામિનારાયણ મંદિર તો જોવાલાયક સ્થળ માનવામાં આવે છે.  શોપિંગ કરવા નીકળો તો અમદાવાદ કે વડોદરા જેવા ભાવતાલના દૃશ્યો પણ જોવા મળે.  માંગો ત્યારે શુદ્ધ ગુજરાતી થાળી પણ મળી જાય. એ, હાલો ત્યારે..આવો છે ને?    
 

2

લંડનનું વેમ્બલીઃ અહીં ઢોકળાં ખાવાના, મજ્જાની લાઇફ, અંગ્રેજી પછી સૌથી વધુ બોલાય છે ગુજરાતી

 • કોઇ પણ દુકાનમાં ‘કેમ છો’, ‘મજામાં’થી વાતની શરૂઆત થાય છે. પાન, શેરડીનો રસ કે બરફના ગોળા પણ મળી જાય. તો ક્યાંક ગુજરાતીમાં લખેલા બોર્ડ પણ જોવા મળે છે. 

 

આ છે આપણું જ ગુજરાત. ભલે ને એ લંડનમાં હોય. ગોરાઓના દેશમાં પણ ખમીરવંતા ગુજરાતીઓએ એવા કામણ કર્યા છે કે ઘણા બધા અંગ્રેજો પણ ગુજરાતીમાં થોડું ઘણું સમજી શકે છે. સ્થિતિ એવી છે કે કોઇ ગોરો દુકાનમાં ખરીદી કરવા આવે તો તેમને પણ આપણા ગુજરાતી દુકાનદારો ‘આવો’ કહી ‘કેમ છો’ પૂછવાનું ભૂલતા નથી. જરાય ના લાગે કે તમે ગુજરાતની બહાર ક્યાંક ફરી રહ્યા છો.

એમ તો યુ.કે.માં ગુજરાતીઓની વસતી 6 લાખથી વધુ છે જે ભારતીયોની સંખ્યાના 50 ટકા છે. અમેરિકા પછી યુ.કે.માં જ ગુજરાતીઓ વધારે છે. લિસ્ટર, બ્રેન્ટ, હેરો, બાર્નેટ, પ્રેસ્ટન, માન્ચેસ્ટર સહિત ઘણા સ્થળોએ ગુજરાતીઓ છે. લંડનમાં થયેલા એક સર્વે મુજબ, શાળાના વિધાર્થીઓમાં ચોથા નંબરની સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી છે. 
બ્રેન્ટના વેમ્બલીમાં લિસ્ટરની સરખામણીએ ગુજરાતીઓની કુલ સંખ્યા ઓછી છે પણ એકસાથે રહેતા અને માર્કેટમાં ગુજરાતી દુકાનોના દબદબાના કારણે વેમ્બલી મિનિ ગુજરાત તરીકે ઓળખાય છે. વેમ્બલીમાં 45 ટકા લોકો ગુજરાતી બોલનારા છે. અંગ્રેજી પછી બીજી સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી છે. 45 ટકા વસતી હિન્દુ ધર્મ પાળે છે. ક્રિશ્ચિયન અને મુસ્લિમ પણ છે.

પારસી ગુજરાતીઓ પણ છે. 1972માં ઇદી અમીનની સરમુખત્યારીનો ભોગ બનેલા ઘણા ગુજરાતી પરિવારો યુ.કે.માં સેટલ થયેલા છે. જેણે અમદાવાદના લો ગાર્ડનની  મજા માણી હશે એને અહીં જરા પણ અલગ નહીં લાગે. રસ્તા પર ચટાકાથી પાણીપુરી ખાતા લોકો, રસ્તા પર આવતા મંદિરની દિશા બતાવતા બોર્ડ, સાડીઓની દુકાનો અને એમાં પણ અંદર સેલના પાટીયા, શેરડીનો રસ કે કેસર કેરીના બોક્સ.

એક એક વસ્તુ એવી કે તમને જરાય ગુજરાતથી અલગ થવા ના દે. જાણે ગુજરાતની કોઇ ફૂડ અને ફેશન સ્ટ્રીટ હોય. લંડનમાં ભાગ્યે જ વેચાતા જોવા મળતા ટીપીકલ ગાઉન લઇ ઉભેલા ફેરિયા પણ દેખાઇ જાય. ખમણ, ઢોકળા. ખાંડવી, થેપલા જે માંગો એ મળે. પાન ખાવાની ઇચ્છા થાય તો પાન પણ મળે. બરફના ગોળાની પણ તમને ખોટ નહીં પડવા દે. તો પછી, વેમ્બલી આવવાનું, ઢોકળા ખાવાના, મજ્જાની લાઇફ. 

 

લંડનમાં કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર અને મૂળ કચ્છના સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ 

3

કેન્યાનું નૈરોબીઃ અહીં હવે સ્થાનિક અશ્વેત લોકો પણ ગુજરાતી બોલતા થઈ ગયા છે

 • નૈરોબીની જાણીતી હોસ્પિટલ ગુજરાતીની, એક શાળામાં ગુુજરાતી ભાષા ભણાવાય છે
 • નૈરોબીના વેસ્ટગેટ મોલમાં 300 દુકાનોમાંથી 70 જેટલી દુકાનો તો ગુજરાતીઓની માલિકીની છે.  

આફ્રિકા સાથે ભારતનો બહુ જૂનો નાતો છે. એ કેન્યા હોય કે ડર્બન, ગુજરાતી છાંટ નજરમાં ચડી જ જશે. કેન્યામાં દોઢ લાખથી વધુુ ગુજરાતી છે. નૈરોબીમાં અંદાજે એક લાખ ભારતીયોમાંથી 80 ટકા ગુજરાતીની વસતી છે. નૈરોબીના પાર્કલેન્ડ અને વેસ્ટલેન્ડ વિસ્તારો મિનિ ગુજરાત જેવા જ છે.  યુગાન્ડામાં પણ ગુજરાતીઓની વસતી છે. કમ્પાલા સિટીમાં સૌથી વધારે ગુજરાતી છે.

એક અંદાજ મુજબ, યુગાન્ડામાં 70 ટકા ટેક્સ તો ગુજરાતી જ ભરે છે. વર્ષોથી ત્યાં રહેતા ગુજરાતી, ગુજરાત કે કચ્છનું નામ પણ લો તે મોંઢામાં જાણે કોઇએ મીઠાશ રેડી હોય એવું મહેસુસ થાય. પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીઓએ વેપારમાં નામ કર્યું છે. 

નૈરોબીના ગુજરાતીઓની દિલદારી ત્યારે સૌની નજરમાં આવી ગઇ હતી જ્યારે વેસ્ટગેટ મોલમાં થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર નૈરોબીની સૌથી જાણીતી એમ.પી. શાહ હોસ્પિટલમાં આપવામાં આવી હતી. એ હુમલામાં નુકશાન પણ ગુજરાતીઓને ઘણું થયું હતું.

એક અંદાજ મુજબ, વેસ્ટ ગેટ મોલમાં આવેલી 300 દુકાનોમાંથી 70 જેટલી દુકાનો તો ગુજરાતીઓની જ હતી. ગુજરાતીઓ કેન્યાના જીવનનો ભાગ બની ગયા છે એટલે જ તો નૈરોબી અને આજુબાજુના શહેરોમાં થઇ 15થી વધારે સ્વામિનારાયણ મંદિર છે. યુગાન્ડાના કમ્પાલામાં 150 વર્ષ જૂનું હિન્દુ મંદિર છે. ભારત બહાર બનેલું પહેલું સ્વામિનારાયણ મંદિર પણ પૂર્વ આફ્રિકામાં જ છે. 

કચ્છી લેઉવા પટેલ સમાજ દ્વારા ચલાવાતી શાળા બહુ જાણીતું શાળા સંકુલ છે. અન્ય વિષયોની સાથે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ગુજરાતી પણ વિષય તરીકે ભણાવવામાં આવે છે.  કચ્છના ભૂકંપ વખતે કચ્છી માંડૂઓ સાથે ખભેથી ખભા મિલાવી ઉભા રહ્યા હતા.  પટેલ, જૈન અને લોહાણા સમાજ મોટો છે. મોટાભાગના સમાજની અહીં વાડીઓ પણ છે. લગ્નપ્રસંગોએ ગુજરાતી ગીતો પણ ગવાય છે.

મંદિરમાં બાળસભાઓમાં બાળકોને ગુજરાતી પણ શીખવાડવામાં આવે છે. હવે તો એ‌વું થઇ ગયું છે ત્યાં કામ કરતા અશ્વેતો પણ ગુજરાતી બોલતાં-સમજતાં થઇ ગયા છે.  26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટનો માહોલ તો જોવા જેવો હોય છે. 

 

રિયલ એસ્ટેટના વ્યવસાયી અને મૂળ ઉત્તર ગુજરાતના મીરાજ હર્ષદભાઈ બારોટનો રિપોર્ટ 
 

4

જાપાનનું ટોકયોઃ અહીં ગુજરાતીઓ લોકસભા ચૂંટણીના રિઝલ્ટની રાહ જુએ છે

 • મોતીઓના બિઝનેસ માટે અહીં આવીને વસેલાં ગુજરાતીઓ આજે જાપાનના મોતી બની ગયા છે

ગુ જરાતીઓ દેશની બહાર નીકળે તો અમેરિકા જાય કે યુ.કે.જ જાય એવું જ લોકો માને છે, પણ અમે કોઇને કહીએ કે અમે ગુજરાતી છીએ અને વર્ષોથી જાપાનમાં રહીએ છીએ તો એમને પણ મજા આવે. ટોક્યોમાં પણ કોઇ બાજુમાંથી નીકળતો કોઇ વ્યક્તિ ગુજરાતીમાં વાત કરી રહ્યો હોય તો નવાઇ ના પામતા. જાપાનમાં અંદાજે 25000 જેટલા ભારતીયો છે, એમાંથી 1500 જેટલા ગુજરાતી છે. ટોકયો સિવાય કોફૂ અને કોબે શહેરમાં પણ ગુજરાતીઓ વસે છે.

અમેરિકા અને યુકેની જેમ અહીં ગુજરાતીઓ જોવા નહીં મળે છતાં તેમણે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. કોફૂમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તો કોબેમાં પર્લ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ગુજરાતીઓ મળી રહે. કોબેમાં વસેલા લોકો મોતીના બિઝનેસ માટે માટે 50-60 વર્ષોથી અહીં રહે છે.  ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને પણ 25 વર્ષ થઇ ગયા. ઉપરાંત, બેન્કિંગ, આઇ.ટી. ક્ષેત્રે પણ ઘણા ગુજરાતીઓ છે.  

જાણીને આનંદ આ‌વશે કે અમારું રૂટિન તો ગુજરાતમાં હોય છે એવું જ છે. વાર-તહેવારે ભેગા થવાનો રિવાજ પણ ખરો. સૌને ચિંતા હોય કે ત્યાં બાળકોને ગુજરાતી આવડે? તો જવાબ છે, હા. સરસ રીતે બાળકો ગુજરાતી બોલે છે. અમે મળીએ ત્યારે ગુજરાતીમાં જ વાતો કરીએ છીએ. 

અત્યારે અહીં બધાને રોમાંચ હોય તો એ દેશમાં ચૂંટણીનું પરિણામ શું આવશે એનો છે. અહીં પણ બધા આતુરતાથી રાહ જુએ છે કે કોણ જીતશે?  

 

હીરા વ્યવસાયી અને મૂળ અમદાવાદના શ્રીકાંત શાહનો રિપોર્ટ 
 

5

ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડઃ ગુજરાતી ભાષાની સાથે ભગવદ ગીતાના પણ ક્લાસ ચાલે છે

 • બન્ને દેશમાં નવરાત્રિ, દિવાળી, ગણેશ ઉત્સવની ઉજવણીની સાથે ગુજ્જુ ડ્રેસ ડે પણ મનાવવામાં આવે છે. 

ઓસ્ટ્રેલિયામાં 52 હજાર તો ન્યૂઝીલેન્ડમાં 45 હજાર  જેટલા ગુજરાતીઓ છે. ઓસ્ટ્રેલિયામાં સિડની, મેલબોર્ન, પર્થ, એડીલેડ અને બ્રિસબેનમાં ગુજરાતીઓ વધારે છે. ઓસ્ટ્રેલિયામાં 15થી વધારે ગુજરાતી સમાજ સક્રિય છે. ગુજરાતીઝ ઇન ઓસ્ટ્રેલિયા, ગુજરાતીઝ ઇન સિડની, ગુજરાતીઝ ઇન મેલબોર્ન જેવા ફેસબુક પેજ ગુજરાતીઓને મદદરૂપ થાય છે.

ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં સેન્ડીગ્રેહેમ વિસ્તારને મિનિ ગુજરાત કહેવાય છે જેને બધા શાંતિગ્રામ પણ કહે છે. એ સિવાય વેલિંગ્ટન, હેમિલ્ટનમાં પણ ગુજરાતીઓ છે.  ઓસ્ટ્રેલિયાના કુલ 52 હજાર ગુજરાતીઓમાં 88.4 ટકા હિન્દુ, 3.9 ટકા જૈન ધર્મ પાળે છે. ઓસ્ટ્રેલિયામાં જન્મેલા બાળકો ગુજરાતી શીખી શકે તે માટે સિડની, પર્થ, મેલબોર્નમાં અને ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં ગુજરાતીના ખાસ વર્ગો છે અને ગીતા મંદિર પણ છે જેમાં ગીતાના ક્લાસ પણ ચલાવાય છે.

તાજેતરમાં વિક્ટોરિયન સરકારે ગુજરાતી ભાષાને વિક્ટોરિયા સ્કૂલ ઓફ લેગ્વેજીસમાં સ્થાન આપ્યું છે. ન્યૂઝીલેન્ડના ગુજરાતીઓ વર્ષોથી રહે છે અને લક્ઝુરીયસ ગાડીઓ અને બંગલાના માલિક છે. ગુજરાતીઓની પહેલી પેઢીએ કરેલી મજૂરીના ફળ હવેની પેઢી ચાખી રહી છે. અહીં ડેરી ઉઘોગ (ગ્રોસરી, પ્રોવિઝન સ્ટોર)માં 60થી 70 ટકા ગુજરાતીઓ છે. ન્યૂઝીલેન્ડમાં નવરાત્રીમાં એક સાથે 2000 ગુજરાતીઓ ગરબે રમે છે. ઓસ્ટ્રેલિયાના કેનબેરા, ન્યૂ સાઉથ વેલ્સ, એડીલેઇડ, મેલબોર્ન, પર્થમાં મંદિરો છે તો ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ, વેલિંગ્ટનમાં પણ મંદીરો પણ છે.

 

પત્રકાર અને અમદાવાદના  વત્સલ પટેલ/ભૌમિક શુક્લનો રિપોર્ટ 

COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી