રાજકોટ / PSI ચાવડા સાપરાધ મનુષ્ય વધના ગુના સાથે સસ્પેન્ડ, બે દિવસના રિમાન્ડ પર, ન્યાયની ખાતરી મળતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

હિમાંશુના પિતા અને ઇન્સેટમાં પીએસઆઇ ચાવડાની તસવીર

  • પોલીસ સ્પામાં દારૂની બોટલ દઇને જતા, મારા દીકરાના ખિસ્સામાં લાખ રૂપિયા હતા તો કેમ 100 રૂ. નીકળ્યા: પિતા
  • મૃતકના પરિવારે પીએસઆઇ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરી હતી
  • હિમાંશુએ ચોકીનો દરવાજો ખોલ્યો હતો અને તેના કપાળમાં ગોળી ઘૂસી ગઇ હતી

Divyabhaskar.com

Jan 16, 2020, 06:53 PM IST

રાજકોટ: શહેરના એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં બુધવારે પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. આ મામલે પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તેમજ આજે કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ન્યાયની ખાતરી મળતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

હિમાંશુના પિતા દિનેશભાઇએ જણાવ્યું હતું કે, લાશ તો નહીં જ લઇએ, મારા દીકરાની હત્યા કરવામાં આવી છે. પરિવીરજનોએ પોલીસ સાથે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જો કે યોગ્ય ન્યાયની ખાતરી મળતી પરિવારે હિમાંશુનો મૃતદેહ સ્વીકારી લીધો છે તેવું એસપી એસ.આર. ટંડેલે જણાવ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પીએસઆઇ ચાવડાને સસ્પેન્ડ કર્યા છે. રાજકોટ કોર્ટે પી.એસ.આઇ. પી.પી. ચાવડાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

સિવિલ હોસ્પિટલમાં મહિલાઓનું આક્રંદ

હિમાંશુના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં લાશ નહીં લેવા માટે અડગ બન્યા હતા. પોલીસ પણ સમજાવી રહી હતી પરંતુ લાશ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મહિલાઓ ચોધાર આંસુએ રડતા રડતા પીએસઆઇ વિરૂદ્ધ રોષ વ્યક્ત કરી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમારા દીકરા, ભાઇને મારી નાંખ્યો છે.

હિમાંશુના પરિવારે હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરી હતી

મૃતક હિમાંશુના પરિવારે જ્યાં સુધી પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ તેવી માંગ કરી હતી. પીએસઆઇની બેદરકારીને કારણે યુવાનનો ભોગ લેવાયો હોય પોલીસે તે અંગેની પણ કલમનો ઉમેરો કરી ગુનો નોંધ્યો છે. તેમજ હિમાંશુના પરિવાર દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ધરણા કરવાની તૈયારી દર્શાવી હતી.

વન-ડે ક્રિકેટ મેચની ટિકિટ ખરીદનું કહી હિમાંશુને ફોન કરીને પોલીસ ચોકીએ બોલાવ્યો હતો

પીએસઆઇ ચાવડાને સકંજામાં લઇ પૂછપરછ કરતાં તેણે કેફિયત આપી હતી કે, હિમાંશુ ગોહેલ માલવિયા ચોકમાં આવેલા પ્રમુખસ્વામી આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્પા ચલાવતો હોય તેના પરિચયમાં હતો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન-ડે ક્રિકેટ મેચની પાંચ જેટલી ટિકિટ પોતાને ખરીદ કરવી હોવાથી હિમાંશુને ફોન કરીને પોલીસ ચોકીએ બોલાવ્યો હતો. સાંજે ચારેક વાગ્યે રૈયારોડ પરથી પોતે સર્વિસ રિવોલ્વર રાખવાનું નવું પાકીટ (વોલેટ) ખરીદ કર્યું હતું અને જૂના વોલેટમાંથી રિવોલ્વર કાઢી નવા પાકીટમાં નાખી રહ્યા હતા તે વખતે ભૂલથી ફાયરિંગ થઇ ગયું હતું. રિવોલ્વરમાંથી ફાયર થયું એ સમયે જ હિમાંશુએ ચોકીનો દરવાજો ખોલ્યો હતો અને તેના કપાળમાં ગોળી ઘૂસી ગઇ હતી. ફોજદારની રિવોલ્વર પાંચ કાર્ટિસથી લોડેડ હોવાનું ખુલ્યું હતું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી